અમારા ચૂંટાયેલા નેતા મંત્રી થયા …..

8
662
Photo Courtesy: pashchimnepal.com

રવિવારના દિવસે મારી ગતિવિધી પર પત્ની અને પૂત્ર દ્વારા એટલી બધી ચાંપતી નજર રાખવામાં આવે છે કે જાણે હું સ્ટ્રોગરુમમાં કેદ થયેલ ઈ.વી.એમ. હોવ અને તે લોકો કોંગ્રેસના ખુદને નેતા સમજતા કાર્યકરો!

“કા જગત જમાદાર, આમ સોફામાં રાંટો થઈ ચોપડીમાં શું ગરી ગ્યો સો?” રવિવારના બપોરના ચાર વાગે હું વામકુક્ષી કરી ગુજરી બજારમાંથી મફત ના ભાવે લીધેલ પુસ્તકો ફંફોસતો હતો. ત્યાં પાડોશી પ્રકોપકાકા ટ્રેનમાં વગર ટીકીટે ઘૂસ મારતાં યાત્રિકની જેમ ઘરમાં પ્રવેશ્યાં.

“ગુજરી બજારમાંથી ઉપાડી લાવ્યો લાગેસ!” તેણે મારા મગજમાં ચાલતા વિચારોને જાણી લીધા.

ગુજરી બજાર એક એવી જગ્યા છે જ્યાં સસ્તા પુસ્તકો ખરીદવાની લહાયમાં વાંચકવર્ગ બહોળા પ્રમાણમાં જોવા મળે. મેલા પાથરણા પર એક ખૂણે મેઘાણીજી પડ્યાં હોય તો બીજે ખૂણે ક.મા. મુન્શી. પ્રખર સાહિત્યકારોની કેવી વિડંબણા! આજકાલ વાર્તા, નવલકથા લખતાં લેખકોની દશા ખુબ દયનીય છે. પ્રેરકકથા, અનુવાદો, ભાવનુવાદ, આત્મકથા, ઐતિહાસિકપાત્રો, વૈજ્ઞાનિક અને ધર્મગુરુઓના જીવનચરિત્રો આવી બેઠી કોપી થાય એવા પુસ્તકોમાં જ વાંચકોને રસ પડે છે; લેખકો પણ આવા પુસ્તકો સહેલાઇથી લખી શકાતા હોય અને વહેંચતા હોય કમને આવું જ લખતાં હોય છે! એકબીજા સાથે વાતો કરીએ એવી ભાષાઓમાં વાર્તાઓ લખાઈ રહી છે, ના કોઈ શ્રુગારિક વર્ણન ના કોઈ સ્થળનું મનભાવન વર્ણન! ગલી એ ગલી એ નહિ હવે તો ઉંબરે ઉંબરે લેખકો-કવિઓ ફૂટી નીકળ્યા છે!

“એલા તને પુસું સુ, બેરો થય ગ્યો?” દુધપાકમાં કડછો ફેરવે તેમ કાકા એ મારા અંતરના વલોણાંમાં કડછો ફેરવી વટાણા વેરી નાખ્યાં.

“હં” હું તંદ્રામાંથી જાગ્યો.

“હાલ ઊભો થા… ઓલો ઉભડક પગો નેતા જીતી ગ્યો સે એને અભિનંદન આપવા જવું સે” કાકા એ ઓર્ડર છોડ્યો.

“પણ કાકા મેં તો તેને મત જ નથી આપ્યો.” કાકાને મેં કાકલુદી કરી, સાચું કહ્યું.

“તું ડોબો જ સો, આમ વેવલો થયીસ તો કોય દિ આગળ નહી વધે, તેલ જોવાય તેલની ધાર જોવાય. જે નેતા જીતે એની ઘર પાહે જય ફટાકડા ફોડાય. ઓળખાણ વધારાય, મને એ ઓળખે છે, પ્રચાર વખતે ઈ આયા આયવા તા, અમે ભેરી ચા પીધી તી, તું હાલ મારા ભેગો” એણે માવાનો ઘંટલો ચગાવ્યો. મોઢામાં રસ ભરાતા ગેંડી પાસે જઈ એક હાથે ખિસ્સો પકડી પીચકારીનું વિસર્જન કર્યું, હું વિચારતો રહ્યો ત્યાં કાકા એ પત્નીની કોર્ટમાં ઘા નાખ્યો.

“ખોટી વાત સે મારી દિકરી?”

“તદ્દન સાચી વાત કહી તમે કાકા, આ તમારા દિકરા હરીશચંદ્ર થવામાંથી ઊંચા નથી આવતાં.” પત્નીએ કાકાની વાતમાં ટાપસી પુરાવી છણકો કર્યો.

“તયે થા તૈયાર, ઓળખાણ રાખવી જોયે, સંઘર્યો સાપ કોક દિ દોરડા હાટુ કામ આવે.” કાકા એ મારું બાવડું પકડી બેઠો કર્યો.

“હા જાવ… આમ ચોપડીયું વાંચ્યે કઈ વરશે નહી, ખોટો સોફા તોડતાં.” પત્નીએ મને ચોપડાવ્યું.

મેં હાર સ્વીકારી કાકા સાથે નેતા મિલન માટે જવાની તૈયારી કરી. નરસિહ મહેતાના વેલડા જેવું ઠોઠું સ્કૂટર સાથે હું અને કાકા નેતા માંથી તાજા બનેલાં મંત્રીના ઘર તરફ જવા નીકળ્યા. રસ્તામાં કાકાએ આ મંત્રીની સેવા અને રાજકારણના ગુણગાન ગાયા. પોતાને આ બનેલા મંત્રી પર્સનલી ઓળખે છે એવી ડીંગ હાંકી. થોડીવારમાં અમારા સ્કૂટરના ઘૂઘરા ધમધમાવતાં અમે મંત્રીશ્રીના નિવાસની નજીકની શેરીમાં પહોચ્યાં.

Photo Courtesy: pashchimnepal.com

વાહન રાખવાની જગ્યા ન મળે એટલો બધો ટ્રાફિક તે શેરીમાં હતો. દૂર અમે અમારું સ્કૂટર ટેકવ્યું. કાકાની દોરવણી પ્રમાણે અમે એક બંધ શેરીમાં ઘુસ્યા. તે બંધ શેરીમાં કેમેરામેન, પત્રકારો, ન્યુઝ રિપોર્ટરો અને થોડાક પોલીસના અધિકારીઓ ઊભા હતાં. ઠેરઠેર અબીલ-ગુલાલના રંગો રોડ પર પથરાયેલા હતાં. બંધ શેરીમાં તોરણો અને પતાકાઓ લહેરાતા હતાં, જાણે કોઈ તીર્થધામમાં અમે આવી ગયા હોય તેવું વાતાવરણ રચાયું હતું. ટૂંકમાં કહું તો હું પહોળો અને શેરી સાંકળી જેવા હાલ હતાં!

એ બંધ શેરીના છેવાડાનું મકાન તે મંત્રીજીનું હતું. મકાન નહીં પણ એક વિશાળ ત્રણ મજલાનો મોટો બંગલો જોઈ લો. બંગલાની આગળની દીવાલ પર મોટા અક્ષરે ‘કલ્યાણ’ લખ્યું હતું. કલ્યાણનો ગુઢાર્થ સુજ્ઞ વાંચકો સમજી જશે. બંગલાની દીવાલો રંગબેરંગી રંગોથી સજાવેલી હતી, બાંધકામ અત્યંત આધુનિક જણાયું. બંગલાના વિશાળ પાર્કિંગ એરિયામાં લોકોની ઠઠ જામી હતી, થોડી ખુરશીઓ અને પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું હતું. નાતીલા, સગાવહાલા, સિફારિશ કરવાવાળા, નાનામોટા નેતા, કાર્યકરો, સ્વર્થીલોકો, શુભેચ્છકો અને ભેટસોગાદો આપવાવાળા લોકોથી આખો બંગલો ઊભરાતો હતો. અમે ધીમેકથી પાર્કિંગ એરિયામાં જગ્યા કરી ઘૂસ્યાં. એક બેઠકખંડની નજીકની ખાલી જગ્યામાં ઊભા રહ્યાં. મારા અનુભવે મને હમેંશા લાગે છે કે આ નેતા એક એવું ફૂલ છે ના તેનો હાર થાય ના દેવસ્થાને ચડાવાય!

મારી આજુબાજુના લોકો ધીમા અવાજે સંતલસ કરી રહ્યાં હતાં.

“આપણી પાંચેય આંગળી ઘીમાં, હવે આપણે ઉપાધી નથી, આપણા કાકા મીનીસ્ટર થઈ ગયા”

“જુવાનીમાં તેણે આંદોલનમાં પોલીસના ખુબ દંડા ખાધા હતાં, એના લીધે જ એક પગ લંગડો થયો છે, પણ રામ રાખે એને કોણ ચાખે… આમ ભોગ આપીએ તો આયા સુધી પુગાય, ભાય્ય્ય્ય”

“કાળા અક્ષર કુવાડે માર્યા છે, સાવ અંગુઠા છાપ છે પણ બુદ્ધિ એના બાપની હો”

“દિવસ રાત મહેનત કરી હો…હવે આપણી નાતને ઘી-કેળા થઈ જશે જો જો તમે”

“એની ઘરવાળી ને મારી ઘરવાળી બેય એક જ ગામની, બેય પાક્કી બેનપણી. આજ ઓળખાણ કાઢવી છે, આજ કૃષ્ણને ઘેર સુદામા પધાર્યા બાપલીયાવ”

હું ઊભો-ઊભો થાક્યો એટલે દરવાજાની નજીકના ઓટલે દીવાનખંડ બાજુ કાન માંડીને બેઠો. અંદરથી હાસ્યની છોળો ઊડતી હતી. અંદરના લોકો વિરોધપક્ષની વાટતા હતાં, જીતના સમીકરણોમાં નાત-જાત એ શું ભાગ ભજવ્યો એની ચર્ચા થતી હતી. ઈ.વી.એમ. અંગે પણ મતભેદો ચર્ચાતા હતાં. તેજોદ્વેષીઓને કઈ રીતે પછાડ્યાં તેનાં સવિસ્તર વર્ણનો થતાં હતાં. એક બાવાસાધુ અંદર હશે, જેનો ઉપકાર માનીને તેણે પચાવી પાડેલા મંદિરનો જીર્ણોદ્ધારના વચનો અપાતા હતાં. “હવે હું આવી ગયો છું, બધું થઈ જશે તમે નિરાંત રાખો” એવું અવારનવાર બોલાતું હતું.

ટાઢા પહોરની હાંકતા અનેક વિષયો પર પિષ્ટપેષણ થતા રહ્યાં. મેં બહારથી નવરા બેઠા તાગ મેળવ્યો કે વણનાથ્યો વાછરડો વધું કૂદકા મારે તેમ પહેલીવાર પ્રધાનપદ પામી સત્તાના મદમાં આ નેતા અહંકારી બન્યો હતો, તેની ઘમંડી, અધીરી વાણી બહાર સંભળાતી હતી. આ ક્યાં ફસાઈ ગયો તેવા ભાવથી હું કાકા સામે ક્રોધથી જોતો રહ્યો, તેણે મને સાંત્વના આપી.

પંદર મીનીટમાં અંદરથી પંદરેક માણસોનું ધાળું દેવદર્શન કરી પુનીત થઈ બહાર નીકળ્યું. ફરી પાછા એટલા જ માણસો એક ભારાડી ભડભાદર સ્વયંસેવકના ઇશારાથી અંદર ઘૂસ્યાં. આમ ત્રણ મુલાકાતીઓના ધાળા બહાર નીકળ્યા પછી અમારો નંબર લાગ્યો. ભલા ભૂપની સામે ભડ થઈ ઊભા રહે તેમ અમે અંદર જઈ હાથ પર હાથની સાંકળ કરી સ્મિતસહ ખડા થયા. લાઈન આગળ વધી અને અમારો વારો આવ્યો એટલે અમે મંત્રીને ગાર્ડ ઓફ ઓનરથી નવાજ્યાં. તેના ચમચાઓ સામે ટચુકડી કુર્નિશ બજાવી એક ખૂણામાં બેસી ગયા. બે-ત્રણ નમુનાએ હાથઘરણું કરતા હોય તેમ થોડી ભેટસોગાદો મંત્રીના ચરણકમળમાં અર્પણ કરી. મંત્રીએ મ્લાન હસી મોઢાઘરણું કર્યું.

બેસીને મેં સમગ્ર દીવાનખંડની ભવ્યતા પર નજર દોડાવી. આ એક મધ્યમવર્ગના ઘર જેવડો વિશાળ દીવાનખંડ હતો. મુખ્ય દરવાજાની ડાબીબાજુ આધુનિક નકશીકામવાળા મોટા સોફા હતાં, ફર્શ પર આખા દીવાનખંડને આવરી લેતાં મખમલી ગાલીચા પાથરેલા હતાં. બે હાથ પહોળા કરીએ તેટલી લંબાઈનું મોટું ટીવી એક ભીંત પર ચોટાડેલું હતું. આ ખંડમાં વિશાળ બે મોટા એરકંડીશન લગાવેલા હતાં. એક દીવાલ પર બે વાઘના ડોકા ડાચા ફાડીને મારી સામે જોતા જડેલાં હતાં. તેની આજુબાજુ તલવાર અને ઢાલ લગાડેલી હતી. દરેક ભીત પર જાતજાતના રંગો, ભગવાનની મૂર્તિઓ ચિપકાવેલી હતી. એક ભીત પર આકર્ષક ફ્રેમથી મઢેલી મોટા કદની આશીર્વાદ આપતી ધર્મગુરુની છબી શોભતી હતી, તે જ ધર્મગુરુ સાક્ષાત ભગવા વસ્ત્રો ધરી, ભભૂતિ લગાવી એક સોફા પર સ્વયં બિરાજમાન હતાં! સમૃદ્ધિના ઘોડાપૂરમાં સેલારા લઈ રહેલાં એક અભણ નેતાને જીતાડવા માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે મતદારો કે જેમણે મત નથી આપ્યો-

એક સોફા પર તોસ્તાન કદના, ગોળમટોળ બેઠી દડીના મંત્રી બિરાજેલા હતાં. તુંબડા જેવા ભરાવદાર ગાલ, કાળો ભદ્દો સફાસટ દાઢી વગરનો ચહેરો સાથે મોટી મૂછો. અર્ધચંદ્રાકાર ટાલ, ગૂંબજ જેવડું પેટ અને ઈસ્ત્રીબંધ ખાદીના બગલાની પાંખો જેવા સફેદ કપડાં સાથે ચશ્માં પહેરીને એ અર્થ વગરની વાતમાં ય ઢીંચણ પર બંને હાથ પછાડી સતત હસતા રહેતાં હતાં. ચશ્માં તો કદાચ વધારે પડતી નોટો ગણીને જ આવ્યા હશે તેવું મેં તારણ કાઢ્યું. બંને હાથના કાંડામાં અસંખ્ય કાળા-લાલ દોરધાગા બાંધેલા હતાં. કદાચ આ દોરાએ જ તારામંડળમાં ફરતાં ગ્રહોને વશમાં લીધા હશે નહીતર આટલી જાહોજલાલી ન હોય. તેનું અને તેના બંગલાના રૂપમાંથી રાજયોગ ચાડી ખાતો હતો. બીજા રૂમમાં સ્ત્રીઓ બેઠેલી હતી, તે મંત્રી પત્નીને શુભેચ્છા દેવા આવી હશે!

મંત્રીનું ગળું યેનકેન કારણે બેસી ગયું હતું; છતાં ખુલ્લી તલવારની જેમ જીભ લડ્યે જતી હતી, વારેવારે ઢગરા ઊંચા-નીચા કરી તે ભરતવાક્યો બોલ્યે જતા હતાં કે, “સમજી ગયો, થઈ જશે, ગાંધીનગર જઈશ એટલે પહેલા તમારું કામ કરી દઈશ, ચિંતા ન કરો, કરો કંકુના, હવે બિન્દાસ રહો હું છું ને, મારા સેક્રેટરીને લખાવી દેજો.” પોતે જ પોતાનાં વાક્ય પર જોરથી હસ્યાં, હાસ્યના પડઘાનો ચેપ લાગતાં હજુરીયાવ ન સમજવા છતાં હસ્યાં. હથેળીમાં ચાંદ દેખાડી તે એકલવીર નેતા અગણિત મોરચે લડતાં હતાં. તેનો ભણેલો લાગતો સેક્રેટરી પણ બે મોઢાવાળી પેન લઈ બધી યાદી કરતો જતો હતો. અમુક વિગતો લાલ શાહીથી અને અમુક બ્લુ શાહીથી લખતો હતો! આ છુપી લાલ-બ્લુ સંજ્ઞાનો ભેદ તે અને તેનો મંત્રી જ જાણે! મને લાગી રહ્યું હતું કે પ્રજા પર પંચવર્ષીય પનોતીનું પ્રભાત ઊગી ગયું-

ઘણીવાર સુધી તેનું રામાયણ ચાલ્યું, અમારા ધાળામાંથી થોડા લોકો પ્રણામ કરી બહાર જવા લાગ્યા. અમને હજું બેઠેલા જોઈ મંત્રીજી એ વ્યાસપીઠ પરથી ઊંચા-નીચા થઈ આંખોથી જ અમને પૂછ્યું, “શું કામ હતું?” કાકા ખાનગીવાત કરવાના હોય તેમ તેની નજીક જવા ખસ્યાં; ત્યાં મંત્રીજીને કાકાની આભડછેટ હોય તેમ બેબાકળા થઈ દેહાતી જબાનમાં કાકાને કહ્યું કે “અરે ત્યાંથી જ બોલો, ભય્લા” ડોકું નેવું ડીગ્રી મરડી જમણી તરફ દીવાલમાં ટીંગાતી ઘડિયાળ સામે જોયું. મને લાગ્યું કે તેને ઊતાવળ છે; પણ કાકા જૂની ઓળખાણ કાઢીને પોતાની જાતને અપમાનિત કર્યા વગર નહિ રહે. ચૂંટણી વખતે તો ગલીના કુતરા સામે પણ નેતાઓ પ્રશન્ન મુદ્રામાં હાથ જોડતા હોય! આ આંખની ઓળખાણ પરિણામ પછી ભૂલી જતાં હોય છે.

હું આવું વિચારતો હતો ત્યાં જ મંત્રીજીના મોબાઈલમાં ગાયત્રીમંત્ર ગૂંજયો. તેણે ટ્રાફિક હવાલદારની જેમ હાથ ઊંચા કરી અમને બોલતા અટકાવ્યાં. ફોન પર અટ્ટહાસ્ય કરી પોતાનાં અભિમાનનું પ્રદર્શન કરતા બોલતા જતા હતાં કે, “અરે ભાય…આજ તો અહીંયા મેળો જામ્યો છે, કાર્યકરો એ દિવસ-રાત જોયા વગર ખુબ કામ કર્યું છે, હવે આપણે કામ કરવું પડશે. બસ બધાને ઝડપથી પતાવીને આવું જ છું. રિબીન, કાતર, ફૂલહાર, માઈક અને બધા આમંત્રિત મહેમાનોને તૈયાર રાખજો. શેનો કાર્યક્રમ છે એ મારા સેક્રેટરીને સમજાવી દો એટલે મારે ક્યાં વિષય પર બોલવું એ તૈયાર કરી દે. હું આવું જ છું.” કોઈ સન્નારી પોતાનો મનપસંદ ચાંદલો ડબ્બીમાંથી કાઢતી હોય તેમ મોબાઈલ ચહેરા સામે લઈ પહેલી આંગળીથી ફોન કટ કર્યો. આજુબાજુ ડાફરિયા મારી પાછું યાદ આવતા અમારી તરફ જોયું. માદક મદિરા જેવું સ્મિત રેલાવી એમણે પૂછ્યું, “હા શું હતું?” આગળનું આગવી અદાથી મીઠો ડારો દેતા પૂછ્યું, “શું કામ હતું બોલવા મંડો મારી પાસે સમય ઓછો છે, જોયું ને હમણા મેં ફોન પર શું વાત કરી?”

“સાહેબ…..” કાકા એ મારી તરફ હાથ કરી લાડવો બનાવતી મુદ્રામાં ગૂંચવાયને બોલવા જતા હતાં. ત્યાં મંત્રીએ અધીરા થઈ અર્ધેથી તેનું વાક્ય કાપીને કહ્યું, “હા…તો આ ભાઈને નોકરીએ ચડાવવાના છે?”

“ના…ના” મેં શિષ્ટભાષામાં પોચા અને ધીમા શ્વરે જવાબ આપ્યો.

“તો આ કાકાના કોઈ સગાને નોકરીએ ગોઠવવાના છે? કોઈની બદલી કરાવવાની છે?” બેસેલા ગળે શ્વરપેટીમાંથી તેનો અવાજ ઊંચકાયો.

“ના” અમે બંને એક સાથે અદબથી બોલ્યા.

“તો શું કામ હતું? કહો જલ્દીથી મારી પાસે સમય ઓછો છે.” અગમ્ય વિશ્લેષણ હોઠની વચ્ચે દબાવી ઠપકો આપતાં બોલ્યાં.

“બસ તમને મંત્રી બન્યા તેના અભિનંદન પાઠવવા આવ્યા છીએ.” મેં કોચાવતા જીવે ઠાવકાઈ વાપરી કહ્યું. તેણે બંને હાથ ઢીંચણ પર પછાડી વક્ર હાસ્ય કર્યું. કાકા આ ઢોંગીનેતા પોતાને ઓળખાતા નથી એવું જાણીને ગમ ખાઈ ગયા. તે કઈ બાફે એ પહેલા અમારે અહીંથી છટકવું હિતાવહ હતું.

“ઓહ…સારું..સારું…તમારો ખુબખુબ આભાર, જે માતાજી.” મંત્રીજીએ પોતાનાં કાંડા પરના દોરાને ઘુમાવ્યાં. આ જે માતાજી એટલે સૌમ્ય ભાષામાં વેતા થવું એ મને બરાબર સમજાયું. તેના શબ્દો ચાબુકની પેઠે મને વાગ્યા, મેં કાકાને કોણીથી ઠોસો મારી આંખના ઇશારાથી બહાર નીકળવાનું સૂચન કર્યું. મંત્રીજી બીજા લોકોને ન્યાય આપવામાં વ્યસ્ત થયા. કાકા સમસમીને ત્યાં ખોડાઈ જ રહ્યાં.

હજુરીયામાંથી નવરા થઈ મંત્રીજી એ ફરી પાછું અમારી સામે જોઈ પ્રસન્ન વદને “જે માતાજી” કહ્યું.

“જે માતાજી” કહી હું બહાર નીકળ્યો, કાકા વિલે મોઢે મને અનુસર્યા.

અમારા હાલ તો હીરો ઘોઘે જઈ આવ્યો અને નેતા કમ મંત્રીની ડેલીએ હાથ દઈ આવ્યો જેવા થયા! ધોયેલ મૂળા જેવા અમે ઘર તરફ ચાલ્યાં.

eછાપું 

8 COMMENTS

  1. .. બસ હવે હું આવી ગયો છું, નિરાંત રાખો. તેમજ કાર્યકરોએ રાતદિન મહેનત કરી છે. નેતાજીના આબોહુબ દર્શન કરાવી દીધા. મઝા આવી ગઈ.

  2. ખુબ જ સરસ,તારક મહેતા પછી નુ રમુજપુર્વક લખાણ વાંચવાની મજા આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here