બંગાળના પાંચ ફોરોન મસાલા દ્વારા બનેલી એક મજેદાર વાનગી

0
385
Photo Courtesy: Aakanksha Thako

૧૫મી તેમજ ૧૬મી સદીમાં મધ્ય યુરોપના ઘણા દેશમાંથી ખલાસીઓ કે સાહસિકો એક દેશ શોધવા માટે નીકળ્યા હતા, જે ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાન વગેરે નામે પ્રચલિત છે. એ દેશની શોધ કરવાનો એકમાત્ર હેતુ, એ દેશના મસાલા.

વેલ, આપણે ઇતિહાસમાં એવું ભણ્યા છીએ કે ભારત મસાલાના વેપાર માટે દુનિયામાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું, અને હજુ આજે પણ ભારતીય ખાવાનું વિવિધ મસાલા, તેજાના અને સ્વાદસભર તત્વોથી ભરપૂર હોય છે. આજે આપણે દુનિયાના લગભગ દરેક મસાલાનું ઉત્પાદન પણ કરીએ છીએ. છતાં પણ, આપણા રોજના વપરાશના મસાલા ૧૦૦% ભારતીય નથી, એટલે કે ભારતીય મૂળ ના નથી. છતાં પણ તે આપણા રોજના વપરાશમાં છે કેમકે એ મસાલા ભારતમાં આવ્યા છે વેપારની આપ-લે થી.

આપણે જાણીએ છીએ કે ભારત ‘સિલ્ક રૂટ’ નામે ઓળખાતા પ્રાચીન વ્યાપારી માર્ગનો સેન્ટ્રલ ભાગ ગણાતો દેશ રહ્યો છે. આ ‘સિલ્ક રૂટ’ જાપાન-થાઈલેન્ડ થી ભારત થઈને છેક યુરોપમાં ગ્રીસ અને રોમ સુધી લંબાતો. આ સિલ્ક રૂટમાં કાપડની આપ-લે તો ખરી જ પણ વેપારીઓ સાથે સાથે મસાલાઓ પણ વેચાતા. અફઘાની હિંગ હોય કે શ્રીલંકન તજ, બધા જ મસાલાઓ આ રીતે જ ભારતમાં આવ્યા છે.

તો આજે આપણે જોઈએ કે ભારતમાં કયા મસાલા કયા રસ્તે આવ્યા.

જીરું: જીરું આપણા માટે કોઈપણ વઘારનું એક મહત્વનું અંગ છે. જીરું ભારતમાં આવ્યું ઈરાન અને અન્ય મેડીટેરીનિયન દેશોને રસ્તે, ખાસ કરીને ઈજીપ્ત અને સીરિયા.

લવિંગ: જીરુંની જેમ જ લવિંગ પણ ભારતમાં ઈરાન અને સીરિયાના રસ્તે જ આવી છે. મધ્ય યુગ દરમિયાન આ દેશોના વ્યાપારીઓ તેને ભારત અને અન્ય પૂર્વી દેશોમાં લાવ્યા હોવાનું મનાય છે.

તજ: તજ ભારતમાં આવ્યું છે શ્રીલંકાથી. હા, જયારે એ પહેલીવાર ભારતમાં આવ્યું ત્યારે શ્રીલંકા દેશ બન્યો ન હતો, પણ તો પણ આજની ભૂગોળની દ્રષ્ટિએ એ બીજો દેશ જ ગણાય.

મેથી: મેથીનું મૂળ ઈરાક અને ઈજીપ્ત છે. ઈરાકમાં હમણાં જ ઈ.સ. પૂર્વે 4000નાં સમયનાં મેથીના દાણા મળી આવ્યા છે, એવી જ રીતે ઈજીપ્તના પ્રખ્યાત ફેરો, તુત-આખ-આમનનાં મમી પાસે પણ મેથીના દાણા મળ્યા છે.

મરચું: મરચું માનવસંસ્કૃતિ કે માનવીના જીવનમાં લગભગ ઈ.સ.પૂર્વે 7500થી પોતાનું અસ્તિત્વ બરકરાર રાખી રહ્યું છે, આપણે રોજીંદા જીવનમાં ભરપૂર પ્રમાણમાં તેનો ઉપયોગ પણ કરીએ છીએ. તેમ છતાંપણ મરચું ભારતીયોની જીંદગીમાં આવ્યું ઈ.સ. 1542માં. મરચું મૂળ મેક્સિકોની પેદાશ છે, જે સ્પેનીશ મુસાફરો પાસેથી પોર્ટુગીઝ મુસાફરો દ્વારા ભારતમાં અને એશિયાના બીજા દેશોમાં પહોંચ્યું.

હિંગ: આજે ભારતમાં ભલે હીંગની ખેતી મોટાપાયે થતી હોય પણ હિંગ અફઘાનિસ્તાનનાં પર્વતીય પ્રદેશ અને ઈરાનના રણમાં તેનું મૂળ ધરાવે છે.

કેસર: કાશ્મીરનું કેસર દુનિયાભરમાં વખણાય ખરું, પણ દુનિયાને કેસર આપનાર કે દુનિયામાં પહેલવહેલી કેસરની ખેતી કરનાર દેશ ભારત નહિ પણ ગ્રીસ છે.

જાયફળ અને જાવંત્રી: આમ તો એક જ ફળની બે પેદાશ ગણાતા આ બંને મસાલા મૂળ ઈન્ડોનેશીયાથી આવેલા છે.

આદુ: આદુ મૂળ એશિયાના રેઇન-ફોરેસ્ટમાં ઉગતું મૂળ હતું, જે ધીમે ધીમે સમગ્ર સાઉથ એશિયા તથા સાઉથ-ઇસ્ટ એશિયાના દેશોમાં ફેલાયું છે.

વરીયાળી: આજે આપણે ઘણાં મસાલામાં વરિયાળીના દાણા નાખીએ છીએ કે તેને મુખવાસ તરીકે ઉપયોગમાં લઈએ છે, પણ વરીયાળી મૂળ યુરોપથી ભારતમાં આવી છે.

કલોંજી: પંજાબી ગરમ મસાલામાં એક અતિ અગત્યનો મસાલો એટલે કલોંજીનાં બી, જે મૂળ ઉત્તર આફ્રિકાથી ભારતમાં આવ્યા છે.

આ વાંચીને તમને થતું હશે કે તો પછી, મૂળ ભારતીય મસાલા કયા? મૂળ ભારતીય મસાલામાં મરી, રાઈ, હળદર અને અજમો નો સમાવેશ થાય છે. મરીનું મૂળ કેરાલાના જંગલોમાં છે, તો રાઈ બંગાળ અને પૂર્વીય ભારતમાં તેનું મૂળ ધરાવે છે. જ્યારે હળદર અને અજમો તો સમગ્ર ભારતમાં મોટા પાયામાં સિંધુ સંસ્કૃતિના સમયથી જોવા-વાપરવામાં આવે છે.

આ ફક્ત રોજના જીવનમાં વપરાતા મસાલાની વાત કરી. એ સિવાય ઘણા તેજાના અને અન્ય મસાલા પણ આયાતી છે, જે હવે આપણે વપરાશ વધતા ભારતમાં જ તેની ખેતી ચાલુ થઇ છે.

આજે આ મસાલાની વાર્તા માંડી છે એટલે આવી જ એક મસાલેદાર વાનગી જોઈ લઈએ. આ વાનગી માટે પહેલા તો એક ખૂબ જાણીતું મસાલાનું મિશ્રણ બનાવવાનું છે – પાંચ ફોરન. પાંચ ફોરોન ખૂબ જાણીતું બંગાળી મસાલાનું મિશ્રણ છે. આજે આ મસાલો વાપરીને આપણે એક આપણા રોજીંદા વપરાશની સબ્જી બનાવીશું, જેને આપણે આલુ જીરા કે સૂકી ભાજી કહીએ છીએ.

Photo Courtesy: Aakanksha Thako

સામગ્રી:

પાંચ-ફોરોન માટે:

1 ટેબલસ્પૂન રાઈ

1 ટેબલસ્પૂન જીરું

1 ટેબલસ્પૂન મેથીના દાણા

1 ટેબલસ્પૂન વરીયાળી

1 ટેબલસ્પૂન કલોંજી

સબ્જી માટે:

4-5 બટાકા, બાફીને સમારેલા

1 ટામેટું, સમારેલુ

1 ડુંગળી, બારીક સમારેલી

½ ટીસ્પૂન હળદર

½ ટીસ્પૂન હિંગ

1 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ

½ ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ

1 ટીસ્પૂન પાંચ ફોરન

1-2 ટેબલસ્પૂન તેલ

મીઠું સ્વાદ મુજબ

સજાવવા માટે બારીક સમારેલી કોથમીર

 

રીત:

પાંચ ફોરોન મસાલા બનાવવા માટે:

  1. તમામ મસાલા સરખા ભાગે લઇ એક એરટાઈટ જારમાં મૂકી દો જેથી જ્યારે જરૂર પડે આ મસાલો તાજો વાપરી શકાય.

સબ્જી માટે:

  1. એક પેનમાં તેલ લઇ તે ગરમ થાય એટલે તેમાં હિંગ અને 1 ટીસ્પૂન જેટલો પાંચ ફોરોન ઉમેરો.
  2. મસાલાની સુગંધ આવવા લાગે એટલે એમાં સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી થાય ત્યાંસુધી સાંતળો.
  3. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને મરચાની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળો.
  4. હવે તેમાં ટામેટા ઉમેરી નરમ થાય ત્યાં સુધી પકવો.
  5. તેમાં બાફેલા બટાકા, મીઠું અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  6. સમારેલી કોથમીરથી સજાવીને રોતી સાથે ગરમાગરમ પીરસો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here