ટેસ્ટ મેચ સાથે ખતરનાક પ્રયોગો કરતા પહેલા બે વાર વિચારો

0
307
Photo Courtesy: hindustantimes.com

છેલ્લા ઘણા સમયથી પાંચ દિવસની ટેસ્ટ મેચ આઉટ ડેટેડ થઇ ગયું છે અને ક્રિકેટના આ સૌથી જૂના ફોરમેટમાં ફેરફાર કરવાની જરૂર હોવાની વાતો કરવામાં આવે છે. આજના ફાસ્ટ અને Twenty20 જમાનામાં પાંચ દિવસ રોજ છ કલાક ચાલતી ટેસ્ટ મેચ કોઈને પણ રગશીયા ગાડા જેવી લાગે જ એમાં કોઈજ શંકા નથી. પરંતુ જે લોકો એટલીસ્ટ ક્લબ કક્ષાએ ક્રિકેટ રમી ચૂક્યા છે અથવાતો રમી રહ્યા છે અને જે લોકો ક્રિકેટને નજીકથી ઓળખે છે અને માણે છે એના માટે ટેસ્ટ ક્રિકેટ જ રીયલ ક્રિકેટ છે. પાંચ દિવસ સતત એકાગ્રતા જાળવીને રમવું એ ખાંડાના ખેલ નથી અને કદાચ આ ફોરમેટ થી જ ક્રિકેટરનું માપ મપાઈ જતું હોય છે.

તેમ છતાં જેમ સમયની માંગ અનુસાર ક્રિકેટમાં ટેસ્ટ મેચ બાદ વનડે ક્રિકેટ આવ્યું અને હવે Twenty20 ક્રિકેટ પણ આવી ગયું, આટલું જ નહીં ગયા મહીને UAEમાં દસ-દસ ઓવરના ક્રિકેટને પણ અજમાવવામાં આવ્યું એમ ખુદ ટેસ્ટ ક્રિકેટમાં પણ ફેરફારને અવકાશ તો છે જ. સમય અનુસાર જો ટેસ્ટ મેચ અલગ રીતે રમાય તો તેનાથી ખેલાડીઓ તેમજ દર્શકોનો રસ પણ જળવાઈ રહેશે. આ પ્રકારના જ એક પ્રયોગ હેઠળ બોક્સિંગ ડે એટલેકે 26 જાન્યુઆરીએ શરુ થાય એ રીતે સાઉથ આફ્રિકાના પોર્ટ એલિઝાબેથ શહેરમાં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાર દિવસની ટેસ્ટ મેચ રમાડવામાં આવી હતી.

Photo Courtesy: hindustantimes.com

સામાન્ય નિયમો થી અલગ ચાર દિવસની આ ટેસ્ટમાં રોજની 90 ને બદલે 96 ઓવરો રાખવામાં આવી હતી અને ફોલોઓન કરવા માટે પહેલી બેટિંગ કરનારી ટીમમાંથી 200ને બદલે 150 રન કાપીને લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક સેશન સામાન્ય બે કલાકની બદલે સવા બે કલાકનું રાખવામાં આવ્યું હતું. આ બધા નિયમફેર એટલા માટે કરવામાં આવ્યા હતા કે ટેસ્ટ મેચનો સમય ઓછો થઇ જવા છતાં બંને ટીમને સરખો લાભ મળે અને દર્શકોને પણ એમ ન થાય કે તેમણે એક આખા દિવસની રમત ગુમાવી.

પરંતુ જેમ આશા હતી તે મુજબ ઝિમ્બાબ્વેએ પહેલી બેટિંગ કરતા માત્ર 68 રન કર્યા અને આથી સાઉથ આફ્રિકા માટે ફોલોઓન થવાનો કોઈ પ્રશ્ન જ ઉભો ન થયો. સાઉથ આફ્રિકાએ જવાબમાં 309/9 કર્યા અને દાવ ડિક્લેર કર્યો. ઝિમ્બાબ્વેએ બીજીવાર બેટિંગ કરી અને ફરીથી ધબડકો કરતા માત્ર 121 રને જ ઓલ આઉટ થઇ ગયું. આમ નબળા-સબળા વચ્ચે રમાયેલી જે ટેસ્ટમાં રસ જળવાઈ રહે તેના માટે તેમાંથી એક આખો દિવસ ઓછો કરી દેવામાં આવ્યો હતો એ જ ટેસ્ટ મેચ માત્ર દોઢ દિવસમાં જ પૂરી થઇ ગઈ. એ તો સાઉથ આફ્રિકા હતું એટલે કદાચ દોઢ દિવસ મેચ ચાલી જો ઝિમ્બાબ્વે સામે એના જેટલી જ કોઈ નબળી ટીમ હોત તો કદાચ પહેલા દિવસના અંતે જ રીઝલ્ટ મળી ગયું હોત.

મુદ્દો અહીં એ છે કે ઝિમ્બાબ્વે સાઉથ આફ્રિકા સમક્ષ બચ્ચું જ છે એની બધાને ખબર હતી જ તો પછી પાંચ દિવસ ની બદલે ચાર દિવસની ટેસ્ટ આયોજીત કરવાની કોઈ ખાસ જરૂરિયાત કેમ પડી? ઝિમ્બાબ્વેની અત્યારની ટીમ સામે કોઇપણ ટેસ્ટ મેચ ત્રણ દિવસથી વધુ ચાલે એ શક્યતા જ ન હતી. જો ક્રિકેટ સાઉથ આફ્રિકાને ટેસ્ટ મેચને ચાર દિવસની કરીને તેને રસપ્રદ બનાવવાની જ હતી તો આવનારી ભારત સામેની સિરીઝમાં એકાદી ટેસ્ટ મેચને ચાર દિવસ કરીને બળોબળની પરીક્ષા થઇ શકી હોત.

સૌથી વધારે નિરાશા ઝિમ્બાબ્વેથી થઇ છે. ત્યાંના રાજકીય વાતાવરણને લીધે ઝિમ્બાબ્વેનું ક્રિકેટ જાણેકે ગઈ સદીમાં જ અટકી ગયું છે. ક્યારેક તો એવું લાગે છે કે આ હદે નીચલી કક્ષાનું ક્રિકેટ રમતી આ ટીમમાં ટોટલ અગિયાર ખેલાડીઓ ભેગા પણ કેવી રીતે થઇ શકતા હશે? એક તરફ ICC ટેસ્ટ ક્રિકેટને બે હિસ્સામાં વહેંચીને તેને વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનાવવા માંગે છે પરંતુ જો ઝિમ્બાબ્વે જેવી ટીમો જ બીજા ટીયરમાં રમવાની હોય તો એ વિભાગની મેચો રસપ્રદ કેવી રીતે બની શકશે એ એક મોટો સવાલ છે.

ટેસ્ટ મેચ પાંચ ને બદલે ચાર દિવસની હોય એ અત્યારના સમયની માંગ છે પરંતુ કોઇપણ પ્રકારનો પ્રયોગ સરખું બળ ધરાવતી ટીમો વચ્ચે કરવામાં આવે તો વધુ યોગ્ય ગણાત. ઉદાહરણ તરીકે વિશ્વની સૌથી પહેલી ડે એન્ડ નાઈટ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. મેચ ભલે એકતરફી રહી હોય પરંતુ ન્યુઝીલેન્ડ ઝિમ્બાબ્વેની જેમ સાવ ઘૂંટણિયે નહોતું પડી ગયું.

આશા કરીએ કે ભવિષ્યમાં ટેસ્ટ મેચ, વનડે કે પછી Twenty20 ના ફોરમેટ સાથે કોઇપણ પ્રયોગ કરવાનો આવશે તો તે સમજી વિચારીને કરવામાં આવશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here