વાઘેલા-કેશુભાઈ-મોદીની આ તસ્વીર ઘણું કહી જાય છે

0
466
Photo Courtesy: Twitter

ક્રિસમસના બીજા દિવસે સોશિયલ મીડિયામાં ગુજરાતના ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીની એક તસ્વીર સોશિયલ મીડિયામાં સારુએવું કુતુહલ જગાવી ગઈ હતી. પ્રસંગ હતો ગુજરાતમાં ફરીથી મેન્ડેટ મેળવીને આવેલી વિજય રૂપાણી સરકારના શપથવિધિના પ્રસંગનો. આ પ્રસંગે રાજ્યના તમામ હેવીવેઇટ રાજકારણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આથી ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. ઉપરોક્ત ત્રણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ઉપરાંત એક અન્ય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ મંચ પર હાજર હતા. પરંતુ ચર્ચા જગાવી પેલા ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની એકસાથે હોવાની તસ્વીરે.

જેમણે પણ આ શપથવિધિ સમારોહનું લાઈવ ટેલીકાસ્ટ જોયું હશે એમણે નોંધ્યું જ હશે કે નરેન્દ્ર મોદીએ શરૂઆતમાં કેશુભાઈ પટેલ સાથે થોડી ચર્ચા કરી અને પછી એમની બાજુમાં જ ઉભેલા શંકરસિંહ વાઘેલા સાથે હાથ મેળવીને ખડખડાટ હસતા કશુંક કહ્યું. બસ આ જ સમયે ત્યાં હાજર રહેલા ફોટોગ્રાફર્સ દ્વારા પેલી તસ્વીર કેપ્ચર કરી લેવામાં આવી હતી. જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે કોઈ નવલકથાકારની ભાષામાં કહીએ તો ઇતિહાસનું એક પ્રકરણ પૂરું થયું હતું. eછાપું માં આપણે અગાઉ શંકરસિંહ વાઘેલા દ્વારા કેવી રીતે ખજુરાહો કાંડ કરવામાં આવ્યો હતો તેની ચર્ચા કરી ગયા છીએ. જે વાચકોએ આ આર્ટીકલ વાંચ્યો હશે અથવાતો ને એ કાંડ વિષે જો એમને માહિતી હશે એમના માટે પણ ઉપરોક્ત તસ્વીર કૌતુકથી કમ નહીં જ હોય.

ખજુરાહો કાંડના મૂળમાં શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો ખટરાગ જ જવાબદાર હતો. ગુજરાતમાં ભારે બહુમત મેળવ્યા બાદ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ભાજપે એકલે હાથે પ્રથમવાર સરકાર બનાવી હતી. આ સમયે કેશુભાઈ પટેલ અને શંકરસિંહ બંને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર હતા, પરંતુ લોકપ્રિયતા કેશુભાઈ તરફ વધુ હતી એવી એક ભાવના રાજ્યમાં વર્તાઈ રહી હતી. ગાંધીનગરના ટાઉનહોલમાં મળેલા ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં છેવટે કેટલીક નાટકીય ઘટનાઓ બાદ કેશુભાઈને જ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા.

એ સમયે એવી ચર્ચા ચાલી હતી કે શંકરસિંહને આ નિર્ણય પાછળ નરેન્દ્ર મોદીનો દોરીસંચાર હોવાનું લાગ્યું હતું પરંતુ તેઓ ગમ ખાઈને બેઠા રહ્યા. ત્યારબાદ જ્યારે તેમણે ભાજપ વિરુદ્ધ બળવો કર્યો, પોતાના ટેકેદાર ધારાસભ્યોને લઈને ખજુરાહોના એક રિસોર્ટમાં લઇ ગયા અને પછી એમના મનામણાં કરવામાં આવ્યા ત્યારે એવું મનાય છે કે એમણે ભાજપની સરકાર ન પડે તે માટે કેન્દ્રીય નેતાગીરી સમક્ષ કરેલી માંગણીઓમાં નરેન્દ્ર મોદીને ગુજરાતની બહાર મોકલી દેવાની આકરી શરત પણ મૂકી હતી.

દેશમાં બનેલી પ્રથમ સરકારને એમ દોઢ બે વર્ષમાં જ ખરી પડતી જોવા માટે ભાજપની એ વખતની કેન્દ્રીય નેતાગીરી માનસિક રીતે જરાય તૈયાર ન હતી અને એમણે વાઘેલાની આ કઠીન શરત પણ માની લીધી. નરેન્દ્ર મોદી ત્યારબાદ જ્યાં સુધી ધરતીકંપ બાદ કચ્છમાં રાહતકાર્ય કરવામાં નિષ્ફળ ગયેલા કેશુભાઈની જગ્યાએ તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં ન આવ્યા ત્યાં સુધી હિમાચલ પ્રદેશમાં જ અથવાતો ગુજરાતના રાજકારણથી દૂર જ રહ્યા. આ દરમ્યાન શંકરસિંહ પણ ભાજપ તોડી અને છોડીને પહેલા તો પોતાનો પોતાનો રાજકીય પક્ષ રચ્યો અને બાદમાં એ પક્ષને કોંગ્રેસમાં ભેળવી દીધો.

પછી તો નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને છેવટે દેશના વડાપ્રધાન પણ બન્યા. બીજી તરફ કેશુભાઈ મુખ્યમંત્રી પદ પરથી ઉતરી ગયા બાદ સતત ભાજપની નેતાગીરીથી  ગુસ્સામાં રહ્યા અને 2012માં પોતાનો પક્ષ ખડો કરીને મોદીને સત્તાસ્થાનેથી ઉતારવા માટેના નિષ્ફળ પ્રયાસો પણ કર્યા. છેવટે ઉંમર ઉંમરનું કામ કરી ગઈ અને હવે કેશુભાઈ ગુજરાત ભાજપ માટે માત્ર માર્ગદર્શક અને વડીલ બનીને રહ્યા છે. તો શંકરસિંહ ગુજરાતમાંથી સત્તા ગયા બાદ પહેલા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા, પછી મનમોહનસિંહ સરકારમાં કેબીનેટ મંત્રી અને છેલ્લે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ તરફથી જ વિપક્ષના નેતા બન્યા.

આ ચૂંટણીઓ અગાઉ થોડા જ મહિનાઓ પહેલા શંકરસિંહે નારાજ થઈને કોંગ્રેસ પણ છોડી દીધી અને જન વિકલ્પ નામનો પક્ષ સ્થાપ્યો જેને હાલમાં જ પૂર્ણ થયેલી ચૂંટણીઓમાં નામની એક સીટ પણ નથી મળી.

આમ, ગુજરાતના રાજકારણમાં સમય એક આખું ચક્કર ફરી ગયો છે. જે મોદીને રાજ્ય બહાર મોટા સમય માટે મોકલી દેવામાં આવ્યા હતા જેથી તેમની રાજ્ય ભાજપ પર તેમની પકડ ઓછી અથવાતો નહીવત કરી શકાય તે ગુજરાત આવ્યા બાદ સીધેસીધા મુખ્યમંત્રી બન્યા અને આજે દેશના વડાપ્રધાન બની ગયા છે અને અત્યારે એમના જ વિશ્વાસુ એવા અમિત શાહ પક્ષનું સુકાન સંભાળે છે અને ભાજપમાં અત્યારે મોદી-શાહ કહે એ જ ફાઈનલ એવી પરિસ્થિતિ છે.

કેશુભાઈને વાઘેલાને લીધે સુરેશ મહેતાને મુખ્યમંત્રી પદ આપી દેવું પડ્યું હતું ત્યારે “મારો શું વાંક?” એમ બોલ્યા હતા અને બાદમાં ફરીથી થયેલી ચૂંટણીઓમાં વાપસી જરૂર કરી પરંતુ ધરતીકંપ બાદની નિષ્કાળજીમાં તેમના વાંકને લીધે તેઓ ધીમેધીમે હાંસિયામાં ધકેલાઈ ગયા. 2012માં છેલ્લું જોર માર્યું પણ એમાંય કોઈ સફળતા મળી નહીં. તેમ છતાં આજે તેઓ ભાજપમાં માનનીય વડીલ તરીકેનું સ્થાન ભોગવે છે.

આ બધામાં સૌથી વધુ નુકસાન જો ગયું હોય તો શંકરસિંહ વાઘેલાનું. જો એમણે ખજુરાહો કાંડ કર્યો ન હોત તો કુદરતની ઈચ્છા અનુસાર થયેલા ધરતીકંપ બાદ કેશુભાઈની જગ્યાએ કદાચ એમને જ મુખ્યમંત્રી બનાવવામાં આવત. પરંતુ એમણે ઉતાવળમાં આવી જઈને ટૂંકો રસ્તો પસંદ કર્યો અને પરિણામે આજે ગુજરાતના રાજકારણમાં કદાચ તેમનું કોઈજ અસ્તિત્વ બાકી રહ્યું નથી.

ઉપરોક્ત તસ્વીર એકવાર ફરીથી આપણને એ લેસન ફરીથી ભણાવી જાય છે કે રાજકારણમાં કોઇપણ વ્યક્તિ કાયમી દોસ્ત અથવાતો દુશ્મન નથી હોતો. આ સનાતન સત્ય રાજકારણીઓ તો જાણે છે પરંતુ તેમના કટ્ટર ટેકેદારો અથવાતો ભક્તો નથી માનતા અને છેવટે વિવિધ મંચો પર સામસામે અપશબ્દો અથવાતો નિમ્નકક્ષાની ભાષા વાપરીને બીજાઓ સાથેના અંગત સંબંધો પણ બગાડી દે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here