વિરુષ્કા એ જ્યારે અમુક લોકોના દંભનો પર્દાફાશ કર્યો

0
368

આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન એટલેકે ભારતની ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, અથવાતો ટૂંકમાં કહીએ તો ‘વિરુષ્કા’ ના લગ્નને મારીમચડીને વિવાદિત બનાવી દેવામાં આવ્યા છે. જો કે આ વિવાદમાં પણ ભારતને, ભારતીયોને અને ભારતીય સંસ્કૃતિને વારેતહેવારે ‘દંભી’ ગણાવતા તેને ઉતારી પાડતા અને એમાંથી આનંદ મેળવતા લોકોનો દંભ પણ ખુલ્લો પાડી દીધો છે. વામપંથી દંભીઓનો દંભ કેવી રીતે વિરુષ્કાના લગ્ન બાદ ખુલ્લો પડ્યો એ જાણીએ તે અગાઉ આ સમગ્ર પ્રક્રિયા પાછળ જે ઘટના જવાબદાર છે તેના વિષે થોડું જાણી લઈએ.

Photo Courtesy: thenewsminute.com

આપણને બધાને ખબર છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના લગ્ન ભારત નહીં પરંતુ ઇટાલીમાં એકદમ અંગત કહી શકાય તેવા સગાંઓ અને મિત્રો વચ્ચે કર્યા. કોઇપણ વ્યક્તિને પોતાના લગ્ન કેવી રીતે અને ક્યાં કરવા એની આપણા લોકશાહી દેશમાં છૂટ છે. પરંતુ કેટલાક વાંકદેખાઓ અથવાતો ભારતીય સંસ્કૃતિ વિષે એમને જ જ્ઞાન છે એટલે એ લોકો જ એની સાચી વ્યાખ્યા કરી શકે એવું માનતા કેટલાક વ્યક્તિઓએ જેમાં એક રાજ્યના ધારાસભ્ય મહાશય પણ સામેલ છે તેમણે વિરુષ્કા એ આ લગ્ન ભારતમાં કેમ નહીં અને ઈટાલીમાં જ કેમ કરવામાં આવ્યા તે અંગે વિરોધ વ્યક્ત કર્યો.

સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઇપણ ભારતીય પછી તે કોઇપણ પ્રકારની વિચારધારા ધરાવતો હોય એને આ પ્રકારનો વિવાદ હાસ્યાસ્પદ લાગે જ એમાં શંકાને સ્થાન નથી. પરંતુ મીડિયા સેવી આપણા બૌદ્ધિકો અને વામપંથીઓ માટે તો આ બગાસું ખાતાં પતાસું પડ્યું હોય એવું થયું. આમ પણ ભારતીયોને નીચા ચીતરવા માટે આ તમામના શરીરના એક ચોક્કસ ભાગ પર કાયમ ખરજ આવતી હોય છે એમાં અમુક મુઠ્ઠીભર વ્યક્તિઓ દ્વારા વિરાટ-અનુષ્કાએ ઈટાલીને જ કેમ લગ્ન માટે પસંદ કર્યું એવો વિરોધ કરવામાં આવતા આ આખીયે ગેંગ કામે લાગી ગઈ.

તમને ગમશે: કોંગ્રેસ તેમજ અન્ય રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ ભાજપ તરફ 2014થી જ ઢળી રહ્યા છે

ફરીથી એના એજ સ્ટેટમેન્ટ્સ આવવા લાગ્યા કે ‘આપણો દેશ’ દંભીઓથી ભરેલો છે અને સો કોલ્ડ રાષ્ટ્રવાદ દેશને એક દિવસ ભરખી જશે અને બ્લા બ્લા બ્લા… અલબત્ત ઉપર જણાવ્યું તેમ એક લોકશાહી દેશમાં અને સદ્ધર આર્થિક પરિસ્થિતિ ધરાવતી કોઇપણ વ્યક્તિ દેશમાં કે વિદેશમાં પોતાની પછેડી હોય એટલો ખર્ચ કરીને લગ્ન કરી કે કરાવી શકે છે. વિરુષ્કા શર્મા દ્વારા એમના લગ્ન ક્યાં થાય તેના નિર્ણય પાછળ પહેલા તો કોઈ ચર્ચા જ ન હોઈ શકે. પરંતુ સેલીબ્રીટી હોવાના અમુક ગેરલાભો છે તે આ કપલને નડી ગયા.

આગળ જણાવ્યા અનુસાર સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઇપણ ભારતીય આ અંગે ન બોલવાનું જ પસંદ કરે અને દેશના મોટાભાગના રાષ્ટ્રવાદીઓ અથવાતો જમણેરી વિચારસરણી ધરાવતાઓ પણ મૂંગા જ રહ્યા હતા. પરંતુ પેલા બુદ્ધિજીવીઓ અને વામપંથીઓને આ બહુમતીનું સમજી વિચારીને ધરાવેલું મૌન કઠ્યું અને એમણે આ મૌનનો દૂરુપયોગ કરીને સમગ્ર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકોને ફરી એકવાર એક જ રંગે રંગી દીધા. એમાં વળી પેલા લોકો ભળ્યા જેમનો જન્મ તો ભારતમાં થયો છે, ભારતમાંથી જ રળી ખાય છે પણ એમને ક્યારેય ભારત પસંદ નથી આવ્યું અને આવી નાનકડી ઘટનાઓને મોટું સ્વરૂપ આપીને ભારતની ટીકા કરવાનો એક પણ મોકો છોડતા નથી.

પણ આ વામપંથીઓ અને ભારતદ્વેષીઓનો આનંદ લાંબો ચાલ્યો નહીં બલ્કે ભારતીયોને કાયમ દંભી કહેનારા આ લોકોનો ખુદનો દંભ ખુલ્લો પડી ગયો એવી એક ઘટના બની ફેસબુક પર. બન્યું એવું કે દિલ્હીની પ્રખ્યાત જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીના પ્રોફેસર અભિરુચિ રંજને દિલ્હીમાં યોજાયેલા વિરુષ્કા ના રીસેપ્શનના ફોટા જોઇને પોતાની ફેસબુક વોલ પર અનુષ્કા શર્માની ટીકા કરી કે તેણે પોતાની સેંથીમાં સિંદૂર કેમ પૂર્યું છે? જો તેણે સિંદૂર ન પૂર્યું હોત તો પણ તે વિરાટની પત્ની જ રહેવાની હતી. અભિરુચિ JNUની સામ્યવાદી એ વિચારધારા સાથે સંલગ્ન છે જે સમગ્ર વિશ્વમાં માત્ર પોતાની જાતને જ ડાહી માને છે અને ફક્ત હિન્દુ રીતિરીવાજો, હિન્દુ ભગવાનો અને હિન્દુઓને જ ઉતારી પાડવામાં માહેર છે.

આ લોકો ક્યારેય અન્ય ધર્મના રીવાજો તો છોડો પરંતુ કુરીવાજો વિરુદ્ધ એક હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. આ બધાને ‘કરવા ચૌથ’ પછાત લાગે છે પરંતુ ટ્રીપલ તલાક એમના માટે અભિવ્યક્તિની આઝાદી છે. જો વિરુષ્કા ઇટાલી જઈને લગ્ન કરે એ એમની અંગત ચોઈસ છે તો ભારતીય માન્યતા અનુસાર લગ્ન બાદ સેંથીમાં સિંદૂર પૂરવું કે નહીં એ અનુષ્કા શર્માની અંગત માન્યતા કેમ ન હોઈ શકે? કોઇપણ રીવાજ સારો છે કે ખરાબ, પ્રોગ્રેસીવ છે કે રીગ્રેસીવ એ બાદમાં નક્કી થશે અને વૈજ્ઞાનિક ધોરણે નક્કી થશે પરંતુ એક તરફ તમે કોઈના અંગત જીવન પર તરાપ મારી હોવાનો લોકો પર આરોપ મૂકીને ખુદ એ જ કામ કરો તો તમારી ક્રેડીબીલીટી કેટલી?

આ જ સામ્યવાદીઓ પહેલા પરિણામો અંગે એક સેકન્ડ પર વિચાર્યા વગર આ પ્રકારે સળી કરે છે અને પછી રાષ્ટ્રવાદીઓ દ્વારા તેનો યોગ્ય વિરોધ કરવામાં આવે અને સામી દલીલને કોઈજ અવકાશ ન રહે ત્યારે “મરી ગયા રે બાપલીયા” એવી બૂમો મારવા લાગે છે. આમ એક જ ધોરણ પર બે પ્રકારના અને પોતાને પસંદ આવે તેવા સ્ટેન્ડ લઈને આ વામપંથીઓ તો ખુલ્લા પડી જ ગયા પરંતુ ભારતને દંભી કહેનારાઓએ પણ અનુષ્કાના સિંદૂરના મામલે ચૂપ રહીને પોતે કેટલા દંભી છે એ પણ એમણે જાતેજ સાબિત કરી આપ્યું.

જે રીતે વામપંથીઓ અને ભારતદ્વેષીઓ ખુલ્લા પડી ગયા હોય એવી આ પ્રથમ ઘટના નથી તેમ છેલ્લી ઘટના પણ નથી. આવનારા દિવસોમાં હજીપણ આપણને આ પ્રકારનું મનોરંજન મળતું જ રહેવાનું છે.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here