ગુજ્જુભાઈ Most Wanted ટીમનો એક નવતર પ્રયોગ

0
429
Photo Courtesy: Promotions Redefined

કોઇપણ ભાષાની ફિલ્મ હોય એનું વ્યવસ્થિત પ્રમોશન થવું અત્યંત જરૂરી છે. હવે માત્ર છાપાંઓ, મેગેઝીન્સ કે પછી વેબસાઈટ્સ પર જાહેરાત આપવી કે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ફિલ્મનું પ્રમોશન કરવું એ પૂરતું નથી. એમાંય હજી જેનું નવસર્જન થઇ રહ્યું છે તેવી ગુજરાતી ફિલ્મો માટે તો જેટલું પ્રમોશન થાય એટલું ઓછું ગણાય. આવતા મહીને રીલીઝ થનારી ફિલ્મ ગુજ્જુભાઈ Most Wanted ની ટીમ દ્વારા કાયમી પ્રમોશન્સ ઉપરાંત આજના જમાનાને બિલકુલ અનુરૂપ થાય તેવો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

સામાન્યતઃ જ્યારે કોઇપણ આવનારી ફિલ્મનું પ્રમોશન કરવાનું હોય ત્યારે ફિલ્મના પ્રોડ્યુસર્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરવામાં આવતી હોય છે. પરંતુ ગત મંગળવારે ટીમ ગુજ્જુભાઈ Most Wanted દ્વારા અમદાવાદના Social Media Influencersને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મીટીંગ વિષે વધુ જાણીએ એ પહેલાં એ બાબતની નોંધ લેવી અત્યંત જરૂરી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદાચ પહેલીવાર આ ફિલ્મની ટીમ અને તેમના PR દ્વારા એ હકીકતને સહર્ષ સ્વીકારવામાં આવી છે કે આજના ડિજીટલ યુગમાં મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયાનું પણ ખૂબ મહત્ત્વ છે. ટીમ ગુજ્જુભાઈ Most Wanted ની આ સમજદારીને સૌથી પહેલા તો સો-સો સલામ.

Photo Courtesy: Promotions Redefined

સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા અમદાવાદના કેટલાક દિગ્ગજ influencers સાથે ગુજ્જુભાઈ Most Wanted ની ટીમે વર્તુળમાં ગોઠવવામાં આવેલી ખુરશીઓમાં બેસીને ફિલ્મ વિષે, કલાકારો વિષે અને શૂટિંગ દરમ્યાન તેમના અનુભવો વિષે દિલ ખોલીને ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ છેવટે તો સામાન્ય જનતાનો જ હિસ્સો હોય છે એટલે એમના કેટલાક સવાલો અસહજ પણ હોય તેવી શક્યતા જરૂર રહેતી હોય છે, પરંતુ તેમ છતાં ફિલ્મના મુખ્ય કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, જીમિત ત્રિવેદી, જયેશ મોરે અને અન્યોએ એકદમ સરળ રહીને દરેક સવાલોના જવાબો આપ્યા.

Photo Courtesy: Promotions Redefined

આ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર ઇશાન રાંદેરિયાએ તો પોતાની ટીમ અને શૂટ દરમ્યાનના અનુભવો જણાવ્યા જ પરંતુ ગુજ્જુભાઈ Most Wanted ની ટીમે પણ ઈશાનભાઈ સાથે એમના ખાટામીઠા અનુભવો જણાવ્યા જે કદાચ આ મીટીંગનો સૌથી રસપ્રદ હિસ્સો હતો. આમ સમગ્ર વાતાવરણ પ્રેસ કોન્ફરન્સના નક્કી કરેલા નિયમોથી સાવ વિરુદ્ધ સહજ અને મીઠુંમધુરું રહ્યું હતું. આગળ જણાવ્યું એમ સોશિયલ મીડિયા influencers સમાજનો જ ભાગ છે આથી એમને પણ સિદ્ધાર્થ રાંદેરિયા સરીખા દિગ્ગજોને રૂબરૂ મળવાની, એમની ગજબની સેન્સ ઓફ હ્યુમરનો ફર્સ્ટ હેન્ડ અનુભવ લેવાનો, એમની સાથે હાથ મેળવવાની અને અફકોર્સ સેલ્ફી ખેંચાવડાવવાની ઈચ્છા હોય જ અને એ ઈચ્છા આ પ્રકારની Social Media meet થી પૂર્ણ થઇ હતી.

સેલ્ફીના આજના યુગમાં ગુજ્જુભાઈ Most Wanted ની ટીમના દરેક સભ્યે જરાપણ ઉતાવળ કર્યા વીના તમામ Social Media influencers ને સંતોષ ન થાય ત્યાં સુધી પોતાની સાથે સેલ્ફી ક્લિક કરવા દીધી હતી. કોઈ નવો પ્રયોગ કરવો એ અલગ વાત છે પરંતુ એ પ્રયોગ સફળ જાય તેના માટે સમગ્ર ટીમને એ સંદેશ પહોંચે અને તેનો અમલ પણ થાય તે તદ્દન અલગ વાત છે. આગળ જણાવ્યા અનુસાર આ ફિલ્મની ટીમે આ નવતર પ્રયોગને સફળ બનાવવામાં જરાય કચાશ છોડી નહીં એ અહીં સૌથી મહત્ત્વનું પરિણામ છે.

ગુજરાતી ફિલ્મો નવસર્જનમાંથી પસાર થઇ રહી છે. મીડિયા દ્વારા અલબત્ત પ્રમોશન થવું જોઈએ પરંતુ જો ગુજરાતી ફિલ્મોને ગુજરાતીઓ સુધી પહોંચાડવી હશે તો સોશિયલ મીડિયામાં એક્ટીવ રહેતા લોકોને ફિલ્મના પ્રમોશનમાં વધુને વધુ ઇન્વોલ્વ કરવા પડશે એ મંગળવારની social media meet દ્વારા સાબિત થયું હતું. આશા કરીએ કે આવનારા સમયમાં અન્ય ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ પણ આ રીતે પ્રેસ ઉપરાંત સોશિયલ મીડિયાના એક્ટીવ યુઝર્સને પણ ઇન્વાઇટ કરી તેમની સાથે ફિલ્મ અંગેની ચર્ચા કરશે.

ચાલો માણીએ ગુજ્જુભાઈ Most Wanted નું ટ્રેલર


eછાપું

તમને ગમશે: ભારત સાથે ડોકલામ મુદ્દે ચીનને જ યુદ્ધ પાલવે તેમ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here