વડાપ્રધાનને પણ પોતાના સંસદસભ્યો વિષે એક ફરિયાદ છે

2
313
Photo Courtesy: indianexpress.com

જ્યારથી સોશિયલ મીડિયા આપણા જીવનનો એક અંતરંગ ભાગ બની ગયો છે ત્યારથી આપણા રોજીંદા વ્યવહારો પણ આપણે તેના પર જ કરતા થયા છીએ. ગૂડ મોર્નિંગ અને ગૂડ નાઈટથી માંડીને તહેવારોની શુભેચ્છાઓ, સારા સમાચારોના અભિનંદનો અરે શોક પણ આપણે જાતે વ્યક્ત કરવાને બદલે સોશિયલ મીડિયામાં જ વ્યક્ત કરી દેતા થયા છીએ. પરંતુ જેમ આપણી સાથે ઘણીવાર બનતું હોય છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એમની શુભેચ્છા સંદેશનો એમના જ સંસદસભ્યો પાસેથી મોળો પ્રતિસાદ મળ્યો હોવાની વાત બહાર આવી છે.

Photo Courtesy: indianexpress.com

આપણે સવારે જ્યારે પણ ફેસબુક અથવાતો વોટ્સઅપમાં લોગઈન કરીએ છીએ ત્યારે ગૂડ મોર્નિંગના સંદેશાઓ ઢગલાબંધ આપણી સમક્ષ આવીને ઉભા રહી જતા હોય છે. ટ્વીટર, નસીબજોગે આનાથી હજીસુધી દૂર રહી શક્યું છે. આ પ્રકારના ગૂડ મોર્નિંગ સંદેશાઓના મારા થી કંટાળીને ઘણીવાર આપણે ફેસબુક પર આવવાનું ટાળતા હોઈએ છીએ. આપણે આવું કરીએ તો કદાચ ચાલી પણ જાય પરંતુ જાણવા મળ્યા મુજબ દેશના માનનીય સંસદસભ્યો ખુદ વડાપ્રધાન મોદીના નમસ્તે નો જવાબ આપવાનું ટાળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સરકારના કાર્યો અંગે માહિતી આપવા માટે કે પોતે જે કોઈ કાર્યક્રમમાં ભાગ લે છે અથવાતો નિર્ણય લે છે તેની જાણ સામાન્ય જનતાને થાય તેના માટે તેઓએ ખાસ નરેન્દ્ર મોદી એપ શરુ કરી છે. આ એપમાં વખતોવખત બદલાવ અને સુધારાઓ પણ આવતા જાય છે. નરેન્દ્ર મોદી એપ પર થયેલા એક નવા સુધારા અનુસાર હવે કોઇપણ સામાન્ય નાગરિક અથવાતો સંસદસભ્ય વડાપ્રધાન સાથે સીધો સંકળાઈ શકે છે.

તમને ગમશે: ખરેખર શું છે આ ભારતની સર્વપ્રથમ રો-રો ફેરી સર્વિસ?

આટલું જ નહીં પરંતુ વડાપ્રધાન ખુદ પણ જો ઈચ્છે તો કોઈને આ એપ દ્વારા સીધો સંદેશ મોકલી શકે છે એ પ્રકારનું નવું ફીચર એપમાં ડેવલોપ કરવામાં આવ્યું છે. આ નવા ફીચરનો લાભ લેતા વડાપ્રધાન મોદીએ થોડા સમયથી પોતાના પક્ષના સંસદસભ્યોને રોજ સવારે નમસ્તે મેસેજ મોકલવાનું શરુ કર્યું છે. હમણાં બે દિવસ અગાઉ મળેલી ભાજપના સંસદસભ્યોની બેઠકમાં વડાપ્રધાને ફરિયાદના સ્વરમાં કહ્યું હતું કે તેમણે મોકલેલા નમસ્તે મેસેજના જવાબનો માત્ર પાંચ કે છ જ સંસદસભ્યો વળતો જવાબ આપે છે.

બાકીના સંસદસભ્યો વડાપ્રધાનના નમસ્તે મેસેજ કરવાનું ટાળે છે, ભૂલી જાય છે કે પછી તેમને આ ફીચર અંગે કોઈ માહિતી જ નથી એ તો ખબર પડી નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે પોતાના જ પક્ષના મોટાભાગના સંસદસભ્યો પોતાના શુભેચ્છા સંદેશનો જવાબ નથી આપવા તેનાથી વડાપ્રધાન દુઃખી તો છે જ.

અંગ્રેજીમાં એક શબ્દ પ્રયોગ છે, ‘basic courtesy’ જેનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ તમને શુભેચ્છા આપે તો તેનો ફક્ત ધન્યવાદ કહીને પણ જવાબ આપવો જોઈએ. અથવાતો તમારાથી કોઈને હર્ટ કરવામાં આવે અથવાતો તમને એવું લાગે કે તમારા કોઈ પગલાથી કોઈને તકલીફ પડી છે તો તેને સોરી કહેવું તમારી ફરજ છે. અહીં દેશનું શાસન જે સંભાળે છે એવા વડાપ્રધાન ખુદ તમને રોજ સવારે નમસ્તે કરે છે તો તેનો જવાબ તો આપવો જ રહ્યો કારણકે એ basic courtesy કહેવાય છે.

વડાપ્રધાને ઉપરોક્ત વાત એ સંદર્ભમાં કહી હતી જ્યારે લોકસભામાં ટ્રીપલ તલાકની ચર્ચા દરમ્યાન પક્ષ દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં ભાજપના ચાલીસ જેટલા સાંસદો ગેરહાજર રહ્યા હતા. આમ પક્ષની શિસ્ત ઉપરાંત સ્વયં શિસ્ત પણ આપણા સંસદસભ્યોમાં ખૂટી રહી છે એ વડાપ્રધાનની ફરિયાદ અને એ ફરિયાદના સંદર્ભ પરથી ખ્યાલ આવે છે.

આ સમગ્ર ઘટનાને જો હળવાશથી જોવી હોય તો એમ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ચાર વાગ્યે ઉઠીને પોતાનો દિવસ શરુ કરી દેવા માટે જાણીતા છે. હવે જો તેઓ ચાર વાગ્યે ઉઠીને પક્ષના સંસદસભ્યોને નમસ્તે નો મેસેજ મોકલતા હશે તો એ વાંચવા માટે કેટલા સાંસદો જાગતા હશે એ એક મોટો સવાલ છે. અને જ્યારે આ માનનીય સંસદસભ્યો જાગતા હશે ત્યારે કદાચ એટલું મોડું થઇ જતું હશે કે કાં તો વડાપ્રધાનના ગૂડ મોર્નિંગ મેસેજનો કોઈ અર્થ નહીં રહેતો હોય અથવાતો તેનો આટલો મોડો જવાબ વડાપ્રધાનને આપવાથી સાંસદોને ડર લાગતો હશે.

eછાપું

2 COMMENTS

  1. “આજે ચાર્લી ચેપ્લીનની વર્ષગાંઠ છે” કે “આ સંદેશો 11 વ્યક્તિને મોકલો” જેવા સંદેશા મોકલશે તો જ કામ થાય..?

  2. Today’s my status on Facebook.
    साहेबजी,

    जिनके बीवी बच्चे होते हैं और ऊपर से काम भी करना पड़ता है वो रेगुलर गुडमॉर्निंग-गुडनाइट का जवाब नहीं दे पाते।

    (मोदी जी ने एकदम ब्वॉयफ्रेंड स्टाइल में सांसदों से गुडमॉर्निंग का रिप्लाई ना आने की शिकायत की है।)???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here