ગુરુવારે ભારતે કોઇપણ પ્રકારના યુદ્ધના સમયે પોતાનું સુરક્ષા કવચ વધારે મજબૂત બની જાય એવી વ્યવસ્થા ઉભી કરી લેવા તરફ એક મજબૂત ડગ માંડ્યું હતું. ભારતે દ્વિસ્તરીય બેલેસ્ટીક મિસાઈલ ડિફેન્સ શિલ્ડ એટલેકે જેને ટૂંકાક્ષરીમાં BMD કહેવામાં આવે છે તેમાં આગે કદમ કરતા પોતાના સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. જો સરળ ભાષામાં આ ઘટનાને સમજવી હોય તો એમ કહી શકાય કે ભારત તરફ આવતા દુશ્મન દેશના કોઇપણ પ્રકારના મિસાઈલને રસ્તામાં જ તોડી પાડવા માટે ભારત પાસે હવે વધુ સક્ષમતા આવી છે. બંગાળની ખાડીમાં આ મિસાઈલનું પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.

દ્વિસ્તરીય BMD સિસ્ટમને જો સરળતાથી સમજવી હોય તો આ સિસ્ટમ દુશ્મન દેશના મિસાઈલને પહેલા તો રેડાર દ્વારા પકડી પાડે છે અને પછી તેને હવામાં જ તોડી પાડે છે. ગુરુવારનું પરીક્ષણ આપણી સુરક્ષા માટે એટલે પણ આનંદના સમાચાર લઈને આવ્યું હતું કે આ મિસાઈલ માત્ર પૃથ્વીના વાતાવરણમાં આવેલા મિસાઈલને નહીં પરંતુ પૃથ્વીના વાતાવરણની બહાર જઈને પણ દુશ્મનના મિસાઈલને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આટલું જ નહીં આ મિસાઈલ તાજા પરીક્ષણ બાદ વધુમાં વધુ 2,000 કિલોમીટર દૂર જઈને પણ દુશ્મનના મિસાઈલ પર પ્રહાર કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
હવે આ મિસાઈલના આગલા ચરણમાં તેની મારક ક્ષમતાને 5,000 કિલોમીટર સુધી લઇ જવામાં આવશે અને અંતત: તે ICBM એટલેકે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટીક મિસાઈલના ક્લાસમાં સંમિલિત થઇ જશે. જો ગુરુવારે જેનું પરીક્ષણ થયું તેને સુપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઈલ કહેવામાં આવે છે તો હવે પછીના સફળ પરીક્ષણ બાદના મિસાઈલને હાયપરસોનિક ઇન્ટરસેપ્ટર મિસાઈલ તરીકે ઓળખવામાં આવશે. એકવાર આ મિસાઈલનું પરીક્ષણ સફળતાપૂર્વક થઇ જશે પછી તેમને દિલ્હી અને મુંબઈ જેવા દેશ માટે અતિમ્હત્ત્વ ધરાવતા બે શહેરોના રક્ષણ માટે તૈનાત કરવામાં આવશે.
તમને ગમશે: હોય નહીં!: શાકાહારી વ્યંજનો માટે જાણીતું ગુજરાત સી ફૂડ એક્સપોર્ટમાં ભારતભરમાં મોખરે
ગુરુવારે જેનું પરીક્ષણ કરવામાં આવ્યું તે પૃથ્વી મિસાઈલનું સુધારેલું વર્ઝન હતું અને તેણે 15 કિલોમીટરની રેન્જમાં ગોઠવવામાં આવેલા ‘દુશ્મન’ ના ટાર્ગેટને સફળતાપૂર્વક તોડી પાડ્યું હતું. આ વર્ષે આ મિસાઈલનું આ ત્રીજું સફળ પરીક્ષણ હતું પરંતુ તે પહેલા તેના અસંખ્ય નિષ્ફળ પરીક્ષણો થયા હતા.
ઓડીશા પાસે આવેલા અબ્દુલ કલામ આઈલેન્ડ પરથી ઉપરોક્ત મિસાઈલ ઉપરાંત દુશ્મનના મિસાઈલને છોડવામાં આવ્યા હતા અને DRDOના અધિકારીના જણાવ્યા અનુસાર મિસાઈલે પોતાના લક્ષ્યને ડાયરેક્ટ હીટ કર્યું હતું. આ અધિકારીએ ઉમેર્યું હતું કે દુશ્મન મિસાઈલને રેડાર દ્વારા સટીક રીતે ટ્રેક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મિસાઈલે દુશ્મન મિસાઈલને સચોટપણે હવામાં તોડી પાડ્યું હતું. આ સમગ્ર પ્રવૃત્તિ દરમ્યાન વિવિધ ઇલેક્ટ્રો-ઓપ્ટીકલ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત રહી હતી.
આમ તો DRDO એ આ મિસાઈલ સિસ્ટમ 2014 સુધીમાં રક્ષા મંત્રાલયને સોંપી દેવાની હતી પરંતુ ઉપર જણાવ્યું તેમ અગાઉના પરીક્ષણોમાં મળેલી સતત નિષ્ફળતાને લીધે તેમ થવામાં મોડું થઇ ગયું છે.
eછાપું