હવે માઉન્ટ એવરેસ્ટ પર બધા જ ચડાઈ નહીં કરી શકે

0
532
Photo Courtesy: tripsavvy.com

સમગ્ર વિશ્વમાં આજે પણ સૌથી મોટી કોઈ ચેલેન્જ હોય તો તે છે નેપાળમાં આવેલા માઉન્ટ એવરેસ્ટ ની ટોચને સર કરવાનું માનવામાં આવે છે. માઉન્ટ એવરેસ્ટની ટોચ પર સર એડમંડ હિલેરી અને તેનસિંગ નોરગે બાદ હજારો પર્વતારોહીઓએ સફળતા મેળવી છે. પરંતુ નેપાળની સરકાર હવે વિવિધ પ્રકારના પર્વતારોહીઓ પર પ્રતિબંધ મુકવા જઈ રહી છે.

Photo Courtesy: tripsavvy.com

જાણવા મળ્યા અનુસાર હવેથી માઉન્ટ એવરેસ્ટ પર એકલો પર્વતારોહી, શરીરના બે અંગ ગુમાવી ચૂકેલો પર્વતારોહી અને અંધ પર્વતારોહી ચડાઈ કરી શકશે નહીં. નેપાળ સરકારની કેબિનેટમાં હાલમાં આ નિર્ણય વિચારણા હેઠળ આવ્યો હતો અને તેને મંજૂર પણ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ એવું લાગી રહ્યું છે કે આ નિર્ણય વિરુદ્ધ નેપાળમાં આવીને એવરેસ્ટ સર કરવા ઈચ્છતા હજારો પર્વતારોહકોનો રોષ જરૂરથી ફાટી નીકળશે.

ઈતિહાસ ગવાહ છે કે અસંખ્ય એકલા,અપંગ અને અંધ પર્વતારોહકોએ સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટની ટોચ સર કરવાની કોશિશ કરી હતી અને તેમાં કેટલાક સફળ પણ ગયા હતા. પરંતુ નેપાળ સરકારના ટુરીઝમ મંત્રાલયનું માનવું છે કે છેલ્લા અમુક વર્ષોમાં આ પ્રકારે એકલા અથવાતો અપંગ અને અંધ પર્વતારોહકોએ એવરેસ્ટ સર કરવાની કોશિશ કરતા તેમનો જીવ ગુમાવવો પડ્યો છે અને આથી આ પ્રકારનો પ્રતિબંધ લગાવવો અત્યંત જરૂરી બની ગયો છે.

તમને ગમશે: ભારતનો ભવ્ય ઈતિહાસ જાણવો હવે ‘હાથ વ્હેંતમાં’ આ પાંચ એપ્સ મદદ કરશે

આધિકારિક રેકોર્ડ ચેક કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે સૌથી પહેલો બે અંગ ગુમાવી ચૂકેલો પર્વતારોહી જેણે માઉન્ટ એવરેસ્ટની ટોચ સર કરી હતી તે ન્યુઝીલેન્ડનો માર્ક ઈંગ્લીશ હતો જેણે ફ્રોસ્ટબાઈટને કારણે પોતાના બંને પગ ગુમાવ્યા હતા અને વર્ષ 2006માં આ સફળતા હાંસલ કરી હતી. જ્યારે અમેરિકાનો એરિક વેઇનહેમર એવો પ્રથમ પર્વતારોહક બન્યો હતો જે અંધ હતો અને તેણે માઉન્ટ એવરેસ્ટનું શિખર સ્પર્શ કર્યું હોય. એરિક વેઇનહેમરે આ સિદ્ધિ 2001માં મેળવી હતી અને તે સાતેય ખંડોમાં આ પ્રકારની સિદ્ધિ મેળવનાર આ પ્રકારનો એકમાત્ર પર્વતારોહક પણ બન્યો હતો.

પરંતુ આ વર્ષના એપ્રિલ મહિનામાં અનુભવી સ્વિસ પર્વતારોહી યુલી સ્ટેક એવરેસ્ટના એક સીધા ઢોળાવ પર ચડવા જતા લપસી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. સ્ટેક આ ઘટના સમયે એકલો હતો. નેપાળ સરકારે યુલી સ્ટેકના અવસાન બાદ હાલનો નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું અને હવે તેની અમલવારી શરુ કરવામાં આવી છે.

માત્ર વિદેશોમાં જ નહીં પરંતુ નેપાળની અંદરથી પણ સરકારના આ નિર્ણયના વિરોધમાં સ્વર ઉઠી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલામાં પોતાના બંને પગ ગુમાવનાર અને માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તમન્ના રાખનાર પર્વતારોહક હરી બુદ્ધ મગરે નેપાળ સરકારના નિર્ણયને અન્યાયી ગણાવ્યો છે. તેણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે અપંગ લોકો માટે આ નિર્ણય અન્યાયી હોવા ઉપરાંત તે માનવ અધિકારનો ભંગ પણ છે.

વિશ્વના 14 એવા શિખરો જેની ઉંચાઈ 8,000 મીટરથી પણ વધુ છે તેમાંથી એક માઉન્ટ એવરેસ્ટ છે. અહીં શરદ અને પાનખર ઋતુઓમાં વાતાવરણ સ્વચ્છ હોય છે અને હજારોની સંખ્યામાં વિશ્વભરથી પર્વતારોહકો આવે છે જે નેપાળના દક્ષિણ ખૂણેથી માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની કોશિશ કરતા હોય છે. ગયા વર્ષે લગભગ 450 પર્વતારોહકોએ સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું જેમાંથી 190 વિદેશી અને 259 નેપાળી સામેલ હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here