જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ સાથે ચીટીંગ થઇ

2
445
Photo Courtesy: rstv.nic.in

ખોટી અને ભ્રામક જાહેરાતોથી આપણે બધા જ પરેશાન છીએ. વખતોવખત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે લોકોને આપણે ફરિયાદ કરતા પણ જોયા છે. પરંતુ એક આશ્ચર્યજનક ઘટનામાં ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ હાલમાં આ પ્રકારે એક ભ્રામક જાહેરાત દ્વારા ભ્રમિત થયા હોવાનો દાખલો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ રસ પમાડે તેવી વાત એ છે કે પોતે ભ્રામક જાહેરાત દ્વારા ઠગાઈ ગયા હતા એ વાત ખુદ ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં તમામ સભ્યોની વચ્ચે સ્વીકારી હતી. આપણને ખ્યાલ જ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની રૂએ (by default) રાજ્યસભાના ચેરમેનનો કાર્યભાર સંભાળતા હોય છે.

Photo Courtesy: rstv.nic.in

મોદી સરકાર હાલમાં એક બીલ રાજ્યસભામાં લાવી છે જે ગ્રાહક સુરક્ષાના હાલના કાયદાનું સ્થાન લેશે એટલુંજ નહીં પરંતુ તે ગ્રાહકોના હાથ વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા તેનાથી સેવાઈ રહી છે. રાજ્યસભામાં બીલ પાસ થયા બાદ આ બીલ લોકસભામાં જશે અને ત્યાં પણ પસાર થયા બાદ રાષ્ટ્રપતિની સહી તેના પર થશે અને તે કાયદો બનશે. આ બીલ પર ચર્ચા કરતા સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલે શરૂઆતમાં ચિંતા વ્યક્ત કરી હતી કે ભ્રામક જાહેરાતોથી લોકો કેવી રીતે આસાનીથી દોરવાઈ જતા હોય છે અને બાદમાં તેમની સાથે ઠગાઈ થતી હોય છે.

આ સમયે ચેર પર બિરાજમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દખલગીરી કરતા પોતાની સાથે બનેલા તાજેતરના ઘટનાક્રમને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક જાહેરાત વાંચીને તેમણે પોતાનું વજન ઘટાડવા માટે અમુક ટેબ્લેટ્સ મંગાવી હતી. આ જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ટેબ્લેટ્સ જેનું મુલ્ય 1000 રૂપિયા હતું તેને રેગ્યુલર ખાવાથી અમુક કિલો વજન એક નિશ્ચિત સમયમાં ઓછું થાય છે. વેંકૈયા નાયડુએ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે જ તેની 1000 રૂપિયાની કિંમતની ઓનલાઈન ચૂકવણી કરી દીધી હતી.

તમને ગમશે: યાદ કરીએ શંકરસિંહ વાઘેલાનો 1995નો ‘ખજુરાહો કાંડ’

જરૂરી નાણાની ચૂકવણી કર્યાના થોડા દિવસો બાદ ઉપરાષ્ટ્રપતિને એક ઈમેઈલ આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે હવે તમારે વધારે 1000 રૂપિયા ચૂકવવાના રહેશે જે પછી જ તેમને એ ટેબ્લેટ્સ મોકલવામાં આવશે અને તેના થકી તેમનું વજન જરૂરથી ઓછું થશે. મજાની વાત એ છે કે વેંકૈયા નાયડુએ ઉપરોક્ત ટેબ્લેટ્સનો ઓર્ડર પોતે ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યાના તુરંત બાદ મૂક્યો હતો, પરંતુ કદાચ પેલી કંપનીના કર્તાહર્તાઓને આ અંગે કોઈજ માહિતી નહીં હોય.

પેલો મેઈલ મળ્યા બાદ હવે વેંકૈયા નાયડુને દાળમાં કશુંક કાળું હોવાની શંકા ગઈ હતી આથી તેમણે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા મંત્રાલયને આ સમગ્ર મામલા અંગે તપાસ કરવાનું કહ્યું. ગ્રાહક સુરક્ષા મંત્રી રામવિલાસ પાસવાને તપાસ કર્યા બાદ ખબર પડી કે આ કંપનીનું વેબસાઈટ પર મુકેલું દિલ્હીનું એડ્રેસ ખોટું છે અને ખરેખર તો તે અમેરિકા સ્થિત છે. ઉપરાષ્ટ્રપતિએ પોતાની સાથે બનેલી આ ઘટના રાજ્યસભામાં શેર કર્યા બાદ જણાવ્યું હતું કે આ પ્રકારના મામલાઓ અંગે ખરેખર કોઈ કડક કાર્યવાહી થવી જરૂરી છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિ સાથે જ્યારે કોઈ ચીટીંગ કરે તો તેમની પાસે ત્વરિત ફરિયાદ કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે અને આ મામલામાં તેમણે કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાનને સીધી જ ફરિયાદ કરી અને તેના પર કાર્યવાહી પણ તરત થઇ. વિચારો જો આવું કોઈ આમ નાગરિક સાથે બન્યું હોત તો? અરે આવું તો રોજ ભારતના લાખો નાગરિકો સાથે બનતું જ હશે કે તેઓ કોઈ ભ્રામક જાહેરાતથી લલચાઈને પૈસાનું પાણી કરી દેતા હશે અને તેમની કોઈ સુનાવણી પણ નહીં થતી હોય અથવાતો ખૂબ મોડી થતી હશે.

ગ્રાહક સુરક્ષા અંગેનો નવો કાયદો ભ્રામક જાહેરાત કરવા બદલ સેલીબ્રીટીઓને પણ વાંકમાં ગણશે અને તેમના પર પણ કડક કાર્યવાહી કરવાની પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છે.

જતાજતા એક આડવાત, જો આપણા માનનીય સંસદસભ્યો શાંતિથી સંસદ ચાલવા દે અને ચર્ચા કરતા થાય તો આપણને એટલેકે જનતાને પણ કેવી નવી અને અનોખી બાબતોની જાણ થાય? આ ઉપરાંત સંસદસભ્યો અને નેતાઓ તેમજ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ આપણી જેવા જ સામાન્ય માણસો છે અને તેમની સાથે પણ એ બધું બને છે જે આપણી સાથે બને છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. ઉપરાંત આ ઘટનાની જેમ સંસદમાં એક ઉચ્ચકક્ષાની ચર્ચા પણ જોવા-સાંભળવા મળે એ તો નફામાં! આશા કરીએ કે આ સંદેશ એક દિવસ આપણા એ માનનીયોના કાન સુધી સુધી પહોંચશે.

 

eછાપું

2 COMMENTS

  1. જરા પ્રકાશ પાડશો?
    આ તમારા લેખમાં મને ભૂલ જણાય છે. મને ખબર છે અને હું ભણ્યો પણ છું કે કોઇ પણ બીલ કે ખરડાનું સહુ પ્રથમ લોકસભામાં વાંચન કે ચર્ચા થાય છે, ત્યાર બાદ સર્વ સંમતિથી તેને સંસદના ઉપલા ગ્રુહ એટલેકે રાજ્યસભામાં મોકલ​વામાં આવે છે. ત્યાં પણ જો બહુમતિથી પસાર થાય એટલે એની મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલ​વામાં આવે છે. રાષ્ટ્રપતિ સહી કરે એટલે એ ખરડો કાયદો બને છે.
    પરંતુ લેખમાં તમે એનાથી ઉલ્ટું દર્શાવ્યું છે.
    તમે જણાવ્યું છે કે પ્રથમ રાજ્ય્સભામાં જશે ત્યાં બહુમતિ મળશે એટલે લોકસભામાં મોકલ​વામાં આવશે અને પછીથી સહી માટે રાષ્ટ્રપતિને.
    આતો ઉલ્ટી ગંગા થ​ઈ.
    આવું તો મેં સહુ પ્રથમ વાંચ્યુ.

    • ઘણીવાર કોઈ બીલ પહેલા રાજ્યસભામાં લાવવામાં આવે છે અને પછી લોકસભામાં જાય છે. હાલમાં આ બીલ પહેલા રાજ્યસભામાં લાવવામાં આવ્યું છે પછી લોકસભામાં જશે. સામાન્યરીતે નાણા બીલ પર ચર્ચા કરવાનો પહેલો હક્ક લોકસભાનો હોય છે એવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here