ભારતમાં માલ અને સેવા કર એટલેકે GSTનો અમલ બરોબરનો શરુ થઇ ચૂક્યો છે. જ્યારે આ નવા કર ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જ સરકારે જણાવ્યું હતું કે GSTના દરમાં કાઉન્સીલ સમય આવે ફેરફાર કરતી રહેશે અને આ સમયે જો કોઇપણ પ્રોડક્ટના દરમાં ઘટાડો થાય તો તેનો લાભ કંપનીઓએ સીધો જ ગ્રાહકોને આપવાનો રહેશે. પરંતુ હાલમાં મેકડોનાલ્ડ્સ જેવી MNCની કેટલીક ફ્રેન્ચાઇઝીઓએ સરકારના આ આદેશનું પાલન કર્યું નથી અને હવે તેના પર અને તેના જેવીજ અન્ય કંપનીઓ પર તવાઈ આવી છે.

હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ જે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્ડ્સ ની ફ્રેન્ચાઇઝી ધરાવે છે તેના પર એક મહિલાએ આરોપ મૂક્યો છે કે કંપનીના ગોરેગાંવ ઇસ્ટના એક આઉટલેટ દ્વારા મેકાફે રેગ્યુલર લાત્તે 15 નવેમ્બરે પર રૂ. 145 ચાર્જ કરવામાં આવ્યા હતા જ્યારે એ સમયે રેસ્ટોરન્ટ્સ પર GSTનો દર ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો હતો. આ જ પ્રોડક્ટ પર અગાઉ પણ જ્યારે રેસ્ટોરન્ટ્સ પર 18% GST લાગુ હતો ત્યારે પણ તેનો ભાવ રૂ. 145 જ હતો. આમ GSTનો દર ઘટવા છતાં તેનો લાભ આ રેસ્ટોરન્ટે તેને પસાર કર્યો ન હતો.
GSTના દરમાં થતા ફેરફારનો લાભ વિવિધ કંપનીઓ ગ્રાહકોને પસાર કરે છે કે નહીં તે માટે કેન્દ્ર સરકારે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ઓફ સેફગાર્ડ્સની રચના કરી છે. આ અધિકારીની ઓફિસે હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સને તેની ગ્રાહક મહિલાની ફરિયાદના જવાબમાં નોટીસ મોકલી છે અને 12 જાન્યુઆરી 2018 સુધીમાં જવાબ આપવાનું જણાવ્યું છે. આ સાથે હાર્ડકેસલને 2016-17ના પ્રોફિટ એન્ડ લોસનું એકાઉન્ટ, બેલેન્સ શીટ્સ તેમજ જુલાઈ થી ડિસેમ્બર સુધીના GST રીટર્ન્સની કોપી પણ ફાઈલ કરવાનું જણાવ્યું છે. કાયદાની જોગવાઈ અનુસાર જો આ સમય દરમ્યાન હાર્ડકેસલ જવાબ નહીં આપે તો ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સેફગાર્ડ્સ ગ્રાહકના પક્ષમાં એકતરફી નિર્ણય આપી શકે છે.
આ ઉપરાંત જયપુરની મેસર્સ શર્મા ટ્રેડીંગ કંપનીને પણ વેસેલીન VTM 400 મીલી પર GSTનો દર 28% થી ઘટીને 18% થયો હોવા છતાં ગ્રાહકને જૂની કિંમત એટલેકે રૂ. 213.60 મુજબ જ વેંચવા માટે નોટીસ ફટકારવામાં આવી છે. તો હરિયાણાની પિરામીડ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ જે એક રીયલ એસ્ટેટ કંપની છે તેના વિરુદ્ધ તેના 36 ગ્રાહકોએ ફરિયાદ કરી છે. આ કંપનીએ પોતાને ઈનપુટ ટેક્સ ક્રેડીટ મળતી હોવા છતાં ગ્રાહકોને ફ્લેટની બેઝીક પ્રાઈઝ પર વધારાના 12% GST ની માંગ કરી હતી.
એક અન્ય કિસ્સામાં બરેલીના વૃંદાવનેશ્વરી ઓટોમેટીવ પ્રાઈવેટ લિમિટેડ જે શહેરમાં હોન્ડાનો શોરૂમ ધરાવે છે તેણે હોન્ડાની એક કાર પર GSTના અમલ પહેલાની કિંમત એટલેકે રૂ. 9.13 લાખ ચાર્જ કર્યા હોવાની ફરિયાદ પણ ઉપરોક્ત અધિકારી સમક્ષ આવી છે. આ ડિલરે કારની ડીલીવરી GSTનો અમલ શરુ થયો ત્યારબાદ એટલેકે 11 જુલાઈએ કરી હતી. આમ ગ્રાહકના દાવા અનુસાર તેને આ કાર રૂ. 8.98 લાખમાં પડવી જોઈએ.
સરકારે GST ના અમલ પહેલા, બાદમાં અને અત્યારે પણ દાવો કર્યો છે કે આ નવો કર અમલ છેવટે ગ્રાહકોને જ ફાયદો કરાવશે, પરંતુ કેટલાક નફાખોરો આમ નહીં કરીને આ નવી કરપ્રણાલીનું નામ ખરાબ કરી રહ્યા છે. પરંતુ આ સરકારે ગ્રાહકોને મઝધારમાં નથી છોડ્યા. એન્ટી પ્રોફિટીયરીંગ ઓથોરીટી બનાવીને ગ્રાહકોને પણ ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે. સવાલ છે માત્ર ધીરજનો. જો ગ્રાહકો ધીરજ ધરશે અને આવી કોઇપણ પ્રકારની ફરિયાદ કરવાનું ચૂકશે નહીં તો સરકારના કડક વલણને લીધે પછી આ નફાખોરો ભલે તેઓ મેકડોનાલ્ડ્સ જેવી મોટી કંપનીના ફ્રેન્ચાઇઝી પણ કેમ ન હોય તેઓ પણ સમજશે અને કાયદાનો ડર તેમનામાં પણ પ્રવેશશે.
eછાપું
તમને ગમશે: અમેરિકાને હિઝબુલ મુજાહીદ્દીનને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવાની કેમ જરૂર પડી? આ રહ્યા કારણો