દર વર્ષના અંતે બોલીવુડ ફિલ્મોની કમાણીનો હિસાબ થતો હોય છે. આ વર્ષે પણ થયો છે, પરંતુ સૌથી ચોંકાવનારા પરિણામો આવ્યા છે ઓવરસીઝ માર્કેટમાંથી. આ યાદી હાલમાં જ FICCI-KPMG દ્વારા બહાર પાડવામાં આવી છે. આ વખતે એવું બન્યું છે કે જે ફિલ્મે ભારતમાં કોઈ ખાસ દેખાવ અથવાતો લોકપ્રિયતા હાંસલ ન કરી હોય પરંતુ ઓવરસીઝ માર્કેટમાં એટલેકે વિદેશમાં વસતા ભારતીયોએ તેને વધાવી લીધી હોય.

આ પ્રકારની ફિલ્મોમાં શાહરૂખ ખાનની બબ્બે ફિલ્મો છે. આ વર્ષે શાહરૂખ ખાનની બે ફિલ્મો રીલીઝ થઇ હતી એક હતી ‘રઈસ’ અને બીજી હતી ‘જબ હેરી મેટ સેજલ’ અને આ બંને ફિલ્મોને ભારતના દર્શકોએ ધાર્યો પ્રતિસાદ આપ્યો ન હતો. જાણવા મળ્યા મુજબ ‘જબ હેરી મેટ સેજલ’ માટે તો શાહરૂખ ખાને તેના વિતરકોએ નાણા પરત પણ કર્યા હતા. પરંતુ વિદેશી બજારમાં આ બંને બોલીવુડ ફિલ્મોએ ખાસ્સી કમાણી કરી છે અને એટલી બધી કમાણી કરી છે કે તે આ વર્ષની ટોચની બે ફિલ્મોમાં સામેલ થઇ ગઈ છે.
તમને ગમશે: જમ્મુ અને કાશ્મીર માટે ખાસ એવો આર્ટીકલ 35 A શું છે અને તેનું આટલું બધું મહત્ત્વ કેમ છે?
JHMS એ યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, સિંગાપોર અને મલેશિયા તેમજ ઇન્ડોનેશિયામાં જબરદસ્ત દેખાવ કરીને રૂ. 67.66 કરોડની કમાણી કરી છે અને તે વિદેશમાં બીજી સૌથી વધુ કમાણી કરતી બોલીવુડ ફિલ્મ બની ગઈ છે. જ્યારે શાહરૂખની એક અન્ય ફિલ્મ રઈસે આ વર્ષે ઓવરસીઝ માર્કેટમાં રૂ. 90.26 કરોડની કમાણી કરી હતી. તો સલમાન ખાનની ટ્યુબલાઈટ પણ આ સર્કીટમાં રૂ. 51.21 કરોડ જેટલી કમાણી સાથે ચોથા નંબરે રહી હતી. પરંતુ ભારતની જેમજ વિદેશોમાં પણ બાહુબલી નો બીજો ભાગ રૂ. 91.93 કરોડ સાથે પ્રથમ રહી હતી.
પાંચમે નંબરે ભારતમાં ધૂમ મચાવનાર ગોલમાલ અગેઇન આવે છે તેણે વિદેશી બજારમાં 46.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ સિક્રેટ સુપરસ્ટાર રૂ. 40.90 કરોડ, જુડવા 2 રૂ. 36.55 કરોડ, બદરીનાથ કી દુલ્હનિયા રૂ. 34.76 અને કાબિલ જે રઈસની સાથે જ રીલીઝ થઇ હતી તેણે રૂ. 32.52 કરોડની કમાણી કરી હતી. છેલ્લે સ્થાને ટોઇલેટ એક પ્રેમકથાએ રૂ. 32 કરોડની કમાણી દર્શાવી છે.
આ લીસ્ટમાં બાહુબલી, ગોલમાલ અગેઇન અને ટોઇલેટ એક પ્રેમકથા જ ભારતમાં સુપર હીટ નીવડી હતી બાકીની ફિલ્મો સેમી હીટ અથવાતો નિષ્ફળ નીવડી હતી. આમ, ઉપરના આંકડાઓ એ જરૂર દર્શાવે છે કે વિદેશી ઓડીયન્સની બોલીવુડ ફિલ્મો જોવાની રીત અલગ હોય છે અને સ્થાપિત સુપરસ્ટારની કોઇપણ પ્રકારની ફિલ્મ તેઓ જરૂરથી જોવે છે.
FICCIનું કહેવું છે કે આવનારા પાંચ વર્ષોમાં વિદેશોમાં ભારતીય ફિલ્મોનું બજાર સાત ટકા જેટલું વધશે અને માત્ર બોલીવુડ ફિલ્મો જ નહીં પરંતુ અન્ય ભાષાઓમાં બનેલી ફિલ્મો પણ તેમાં પોતાનું પ્રદાન આપશે.
eછાપું