એક લગ્ન જેને કોચી મેટ્રોએ પાર પાડ્યા

0
322
Photo Courtesy: Kochi Metro

આજકાલ ‘Destination Wedding’ નો જમાનો છે. તમારે ત્યાં લગ્ન હોય તો ડેકોરેટર્સ તમે કહો તેવો માહોલ ઉભો કરી દેતા હોય છે. પોતાના શહેરથી દૂર અથવાતો દેશથી દૂર લગ્ન કરવાની પરંપરા ઘણી જૂની છે. હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પોતાના લગ્ન ઇટાલીના એક નાનકડા ગામમાં કર્યા હતા. તો વિવિધ વાહનોની અંદર બેસીને પણ આપણા દેશમાં લગ્નો થયા હોય એવા દાખલા આપણી સામે આવ્યા છે. પરંતુ કેરળના કોચીમાં મેટ્રો રેલવેની મદદથી થયેલા એક અનોખા લગ્નની ઘટના સામે આવી છે.

Photo Courtesy: Kochi Metro

સામાન્યરીતે જ્યારે લગ્ન હોય ત્યારે આપણે ત્યાં હસ્તમેળાપનું મુહુર્ત સાચવવાનું ખુબ મોટું મહત્ત્વનું હોય છે. જાન પ્રસ્થાનનો સમય પણ આ હસ્તમેળાપના સમયને ધ્યાનમાં લઈને જ નક્કી કરવામાં આવતો હોય છે. ટૂંકમાં કહીએ તો હસ્તમેળાપના સમયથી અડધો પોણો કલાક જાન લગ્ન સ્થળે પહોંચી જાય એવી વ્યવસ્થા આપણે સામાન્યરીતે ગોઠવતા હોઈએ છીએ. પરંતુ દિલ્હી, મુંબઈ કે પછી અન્ય મેટ્રો શહેરોના ટ્રાફિકમાં જો વરરાજાની જાન ફસાઈ જાય તો? ભલેને જાન દ્વારા સમયસર પ્રસ્થાન કરવામાં આવ્યું હોય પરંતુ આ શહેરોનો સજડબમ ટ્રાફિક જામ ભલભલાના લગ્ન રોકાવી શકે તેમ છે.

આવું જ કશુંક બન્યું હતું પલક્કડના રનજીથ કુમાર સાથે. રનજીથના લગ્ન કોચીમાં હતા એટલે પલક્કડથી જો સવારે છ વાગ્યે જાન નીકળી જાય તો લગ્નનું સવારનું અગિયાર વાગ્યાનું મહુરત તો આરામથી સચવાઈ જાય એવું ખુદ રનજીથ અને તેના કુટુંબીજનોને લાગતું હતું. જાન તો સમયસર નીકળી ગઈ પરંતુ કોચી પહોંચતાવેંત તેમને ટ્રાફિક જામ નડ્યો. જાનની કાર કોઈકવાર તો એક ઇંચ પણ આગળ વધી શકતી ન હતી અને જ્યારે આગળ વધે ત્યારે અત્યંત ધીમી ગતિએ આગળ વધતી, કદાચ કાચબો પણ રનજીથની કાર કરતા ફાસ્ટ ચાલત એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ હતી.

તમને ગમશે: આ વર્ષે પ્રવાસીઓ સાથે ‘ગીર નરેશ’ કેમ સંતાકૂકડી રમી રહ્યા છે?

કારમાં બેસેલા તમામ ઉપરાંત રનજીથના સાસરીયા પણ ટેન્શનમાં આવી ગયા. લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો. ગમેતેમ કરતા કાર કોચીના અલુવા વિસ્તારમાં પહોંચી. રનજીથની વાગ્દત્તા ધાન્યાના સગાંઓ સાથે સતત સંપર્ક ચાલુ જ હતો. એવામાં સામેપક્ષે કોઈએ આઈડિયા આપ્યો કે રનજીથ અને તેના સગાંઓ કારણે અલુવા મેટ્રો સ્ટેશને પહોંચીને કારને ત્યાં જ છોડી દે અને ત્યાંથી મેટ્રો ટ્રેનમાં બેસીને લગ્ન સ્થળે આવી જાય. રનજીથના પરિવારના તમામને આ આઈડિયા પસંદ આવી ગયો.

આમ રનજીથ, તેના માતાપિતા અને ભાઈભાભી અને ભત્રીજી કારમાંથી ઉતરીને સીધા જ અલુવા મેટ્રો સ્ટેશને પહોંચ્યા. અહીં પણ ટીકીટ લેવા માટે લાંબીલચક લાઈન તેમની રાહ જોઈ રહી હતી. રનજીથે લાઈનમાં ઉભા રહેલા લોકોને પોતાની પરિસ્થિતિ જણાવી. લાઈનમાં ઉભા રહેલા તમામે રનજીથને ટીકીટ લેવા માટે જગ્યા કરી આપી અને રનજીથ અને તેનું પરિવાર નેક્સ્ટ મેટ્રોમાં જ બેસીને લગ્ન સ્થળે માત્ર પાંચ મિનિટમાં પહોંચી ગયા. આટલું જ નહીં કોચી મેટ્રો એ રનજીથ અને ધાન્યાને Kochi1 કાર્ડ પણ લગ્નની ગીફ્ટ તરીકે આપ્યા હતા.

ઓલરેડી મોડું થઇ ગયું હોવાથી લગ્નની મહત્ત્વની વિધિ ફક્ત પાંચ મિનીટમાં પતાવી દેવામાં આવી અને આમ રનજીથ અને ધાન્યાના લગ્ન પાર પડ્યા. રનજીથે હાલમાં કોચી મેટ્રોનો આભાર માનતો એક વિડીયો પણ બહાર પાડ્યો છે જેને ખુદ કોચી મેટ્રોના ટ્વીટર હેન્ડલે શેર કર્યો છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે કોચી મેટ્રો હજી ગણતરીના મહિનાઓ અગાઉ જ શરુ કરવામાં આવી છે.

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here