એક વખત એવો હતો કે કોઇપણ રમત હોય એની એક નક્કી સીઝન રહેતી, એટલેકે અમુક નક્કી કરેલા સમયગાળામાં જ એ રમત રમાય. પછી તે ક્રિકેટ હોય, ફૂટબોલ હોય કે પછી ટેનીસ, તમામ રમતો એક ચોક્કસ મહિનાઓમાં જ રમાતી અથવાતો બે ટુર્નામેન્ટ કે સીરીઝ વચ્ચે લાંબો સમય ખાસ રાખવામાં આવતો જેથી ખેલાડીઓને આરામ મળે અને કાયમ ફેશ રહે. આ ઉપરાંત આમ કરવા પાછળ મુખ્ય આશય એ પણ રહેતો કે ખેલાડીઓ ઈજાથી દૂર રહે અને જો ઈજા થાય તો પણ તેમાંથી રીકવર થવા પૂરતો સમય મળી રહે.
પરંતુ, જેમ જેમ રમતનું વ્યાપારીકરણ થયું, જે આયોજકો અને ખેલાડીઓ માટે અઢળક નાણા જરૂર રળી આપવામાં મદદરૂપ થયું પરંતુ ખેલાડીઓની તબિયત માટે તે હાનીકારક સાબિત થયું અથવા તો થઇ રહ્યું છે. એક સામાન્ય સમજ પ્રમાણે જે દેખાય તે વેંચાય, આથી જેટલી વધુ મેચો ખેલાડીઓ રમે એટલી વધુ ટીકીટો વેંચાય અને એટલા વધુ મોટા ટેલીવિઝન રાઈટ્સ. ક્રિકેટમાં ભારતમાં અગાઉ ઉનાળામાં મેચો ન રમાતી અને ભારતની ટીમ આ સમયમાં અન્યત્ર પ્રવાસ ખેડતી, પણ છેલ્લા એક દાયકાથી મે અને જૂનના બળબળતા બપોરમાં પણ IPLની મેચો રમાય છે. ટેનીસ પણ હવે એ રાહે ચાલી નીકળી ચૂક્યું છે.

અમુક વર્ષો અગાઉ મુખ્ય ટેનીસ ખેલાડીઓ વર્ષની ચાર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ ઉપરાંત ATP દ્વારા આયોજીત મુખ્ય ટુર્નામેન્ટ્સ જ રમતા અને આથી દરેક નવી ટુર્નામેન્ટની શરૂઆતમાં પ્રમાણમાં ફીટ અને ફ્રેશ રહેતા. ધીમેધીમે ભારત, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, ચીન અને મલેશિયા જેવા દેશો આર્થિકરીતે સદ્ધર થવા લાગ્યા અને અહીં પણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને રમતા જોવાની રીતસર માંગ ઉભી થઇ. આ માંગને પહોંચી વળવા ATPએ અહીં અને આ પ્રકારના ઘણાબધા દેશોમાં ટુર્નામેન્ટ શરુ કરી.
થોડા વધુ પૈસા મળશે એવી લાલસાએ ઘણાબધા ટોચના ટેનીસ સ્ટાર્સને આ પ્રકારની ટુર્નામેન્ટમાં હિસ્સો લેવા માટે આકર્ષ્યા. પછી તો એવું બન્યું કે મહિનાનો એક મહિનો તો શું એક અઠવાડિયું પણ ખાલી ન જતું જ્યારે દુનિયાના કોઈ એક દેશમાં ATP ની કોઈ ટુર્નામેન્ટ ન રમાતી હોય. આ માત્ર પુરુષોની ATP જ નહીં પરંતુ મહિલા ખેલાડીઓ માટે વિવિધ ટુર્નામેન્ટ આયોજીત કરતી WTA માં પણ એકસરખું લાગુ પડવા લાગ્યું.
હવે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ છે કે આખું વર્ષ વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી મહિલા અને પુરુષ બંનેના સ્ટાર ખેલાડીઓ ટાંકણે જ એટલેકે ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના સમયે જ ઈજાગ્રસ્ત થઇ જાય છે. પરિણામે કાં તો મોટાભાગના સ્ટાર ખેલાડીઓ ગેરહાજર હોવાથી કોઈ એક કે બે સ્ટાર ખેલાડીને રીતસર કેકવોક મળી જાય છે અથવાતો જાણીતા ખેલાડીઓની હાજરી ન હોવાથી દર્શકો પણ નિરાશ થઇ જાય છે. અત્યારની જ હાલત જોઈએ તો નોવાક જોકોવિચ, એન્ડી મરે, રફેલ નાદાલ વગેરે ઈજાગ્રસ્તોનું લીસ્ટ ‘શોભાવી’ રહ્યા છે.
બાકી રહ્યું હતું એમ જાપાનના ઉભરતા ટેનીસ સ્ટાર કેઈ નિશિકોરી પણ ઈજાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે અને તે કદાચ આ મહિનામાં રમાનારી ઓસ્ટ્રેલિયન ઓપન નહીં રમી શકે એવું લાગી રહ્યું છે. છેલ્લા છ મહિનાથી એલ્બોની ઈજાથી ઝઝૂમી રહેલા જોકોવિચે પણ પોતે ઓસ્ટ્રેલિયન ઓપન રમી શકશે કે કેમ એ અંગે શંકા વ્યક્ત કરી છે કારણકે લગભગ સાજા થઇ ગયા બાદ તેની ઈજા ફરીથી વકરી છે.
જો કે ગયા વર્ષે લાંબો સમય ઈજાગ્રસ્ત રહેલા ત્રણ ટોચના ખેલાડીઓ રોજર ફેડરર, રફેલ નાદાલ અને એન્ડી મરે ઓસ્ટ્રેલિયન ઓપન રમશે એ નિશ્ચિત છે. એન્ડી મરેને થાપાની ઈજા થઇ હતી અને વિમ્બલડન બાદ તે છ મહીને ઓસ્ટ્રેલિયન ઓપન રમવા કોર્ટ પર ઉતરશે. હાલમાં તે અન્ય ATP ટુર્નામેન્ટ રમીને ફોર્મ મેળવવાની કોશિશ કરી રહ્યો છે.
ઈજા થવાથી ખેલાડી રમવાનો આનંદ તો ગુમાવે જ છે પરંતુ તેનાથી તેને પ્રાઈઝ મનીની ખોટ પણ સહન કરવી પડે છે. આ ઉપરાંત લાંબો સમય રમતથી દૂર રહેવાને કારણે ખેલાડીનું ATP કે પછી WTA રેન્કિંગ પણ નીચું જતું જાય છે. એન્ડી મરે જે એક સમયે નંબર એક ખેલાડી હતો તેનું રેન્કિંગ આજે પંદરથી પણ નીચે ઉતરી ગયું છે.
કોઇપણ ખેલાડી માટે પૂરતો આરામ અત્યંત જરૂરી હોય છે, પરંતુ બદનસીબે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા પછી જ આ હકીકતને સમજે છે અને તેને ફરજીયાત આરામ કરવો પડે છે. આથી જો ખેલાડી અમુક ટુર્નામેન્ટ ન રમીને વર્ષમાં થોડાથોડા સમયે આરામ લેતો થાય તો તેના માટે અને લાંબા સમય સુધી રમવા માટે આશિર્વાદરૂપ પૂરવાર થશે.
eછાપું
તમને ગમશે: ભારત માટે આનંદના સમાચાર લઈને આવ્યું ઈરાનનું ચાબહાર પોર્ટ