મોંઘવારી કોને નથી નડતી? કદાચ અત્યંત શ્રીમંત દેશોના નાગરિકોને પણ કોઈને કોઈ રીતે મોંઘવારી નડતી જ હશે, પરંતુ ત્યાં અન્ય વ્યવસ્થાઓ સાનુકુળ હોવાને કારણે મોંઘવારીનો માર એ લોકો સહન કરી જતા હશે. આપણા દેશમાં પણ મોંઘવારી અસંખ્યવાર ચૂંટણીનો મુદ્દો બન્યો છે અને કદાચ ચૂંટણી પતી ગયા બાદ તેને સરળતાથી ભૂલી જવામાં આવે છે, પરંતુ મોંઘવારી આપણને હેરાન કરવાનું ભૂલતી નથી. ઈરાનમાં આજકાલ સરકાર વિરુદ્ધ તેના વિવિધ શહેરોમાં જબરદસ્ત દેખાવો ચાલી રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય કારણ મોંઘવારી જ છે.

આ દેખાવોમાં ગત ગુરુવારે ઈરાનના બીજા સૌથી મોટા શહેર મશહદમાં શરુ થવા બાદ તેમાં ગતિ આવી છે અને અત્યારસુધી અસંખ્ય લોકોની ધરપકડ થઇ છે અને લગભગ દસ વ્યક્તિ આ પ્રદર્શનોમાં મૃત્યુ પામ્યા છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે મોંઘવારી વિરુદ્ધ શરુ થયેલા આ દેખાવોએ ધીરેધીરે દેશની ઇસ્લામિક સરકાર વિરુદ્ધ હોવાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવે આ દેખાવોને અમુક વર્ષ અગાઉ ઈજીપ્તમાં શરુ થયેલા આરબ સ્પ્રિંગના નામે ઓળખાતી ક્રાંતિ સાથે સરખાવવી કે કેમ તે અંગે હજી પણ રાજકીય પંડિતોમાં મતમતાંતર છે.
હા, આ પંડિતો એમ જરૂર કહી રહ્યા છે કે ઈરાનીઓ દ્વારા આ દેખાવો હજીસુધી તો બે સમયના ભોજન મેળવવા માટે જ થઇ રહ્યા છે પરંતુ જો ઈરાનીયન સરકાર જો ધ્યાન નહીં રાખે તો તે એક મોટી ક્રાંતિમાં પરિવર્તિત થઇ શકે છે. ઈરાનના પ્રમુખ હસન રુહાનીએ દેશની ડામાડોળ આર્થિક સ્થિતિ પર કાબુ મેળવવા માટે કરકસરના પગલાં તો ત્રણેક વર્ષ પહેલા જ જાહેર કર્યા હતા પરંતુ ત્યારબાદ ઈરાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે જેને તેઓ રોકી શક્યા નથી અને તેના લીધે જ રોજીંદા જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોમાં પણ આપોઆપ વધારો થયો છે.
તમને ગમશે: અમિત કુમાત: દેવાળું ફૂંકવાની પરિસ્થિતિમાંથી બનાવી 2700 કરોડની સ્નેક્સ કંપની
રુહાનીના કરકસરના પગલાંઓ તો અસર નથી જ કરી રહ્યા પરંતુ આ સાથે ઈરાનના અર્થતંત્ર પર બીજો માર એ પડી રહ્યો છે કે દેશમાં સ્થાનિક અને વિદેશી રોકાણનો પ્રવાહ પણ ખૂબ ઘટી ગયો છે. ઈરાનના બંધારણમાં વિરોધનો હક્ક જરૂર આપવામાં આવ્યો છે પરંતુ કોઇપણ સરકાર દ્વારા તેને ભાગ્યેજ ચલાવી લેવામાં આવે છે. અત્યારે તો સરકારે આ દેખાવો માટે દેશમાં ‘જગ્યા હોવાનું’ કહ્યું છે પરંતુ તે આ દેખાવો પાછળ પ્રજાનો સ્વયંભૂ ગુસ્સો નહીં પરંતુ વિરોધ પક્ષો દ્વારા ઉભા કરવામાં આવેલા ‘તોફાની તત્વો’ને જવાબદાર ગણાવી રહી છે.
ઈરાનના અર્થતંત્રની હાલત ખરાબ થવાની શરૂઆત હસન રુહાની અગાઉ ઈરાનના પ્રમુખ રહેલા મહમૂદ અહમદીનેજાદના સમયમાં થઇ હતી. આ સમયમાં અર્થતંત્રને પ્રવાહી બનાવવાના હેતુથી ઋણ આપવા માટે અસંખ્ય કંપનીઓને છૂટ આપવામાં આવી હતી. આમાંથી મોટાભાગની કંપનીઓએ સરકાર પાસેથી નાણા લઈને ઋણ આપવાનું શરુ કર્યું હતું. પરંતુ બાદમાં આ કંપનીઓમાંથી ઘણી સરકારી નાણા લઈને ભાગી ગઈ અથવાતો અમુક કંપનીઓએ આપેલા ઋણ માંથી મોટાભાગના નાણા પરત ન આવ્યા. આમ ઈરાનની સમગ્ર નાણાંકીય વ્યવસ્થા પડી ભાંગી હતી. વળી, એક પછી એક બંધ થઇ રહેલા ઉદ્યોગોએ આગમાં ઘી હોમવાનું કાર્ય કર્યું હતું.
ઈરાનના રાજકીય અને આર્થિક પંડિતો અત્યારે તો એવું માની રહ્યા છે કે હાલના દેખાવો ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના લોકો કરી રહ્યા છે પરંતુ જેમ જેમ ઉચ્ચ મધ્યમવર્ગને મોંઘવારી સામે ટકવા પોતાની જમીન અને અન્ય અક્સ્યામતો વેંચવાનો વખત આવશે ત્યારે તેઓ પણ આ આંદોલનમાં કૂદી પડશે અને હાલત ઔર ખરાબ થશે. અત્યારે તો અમેરિકાએ આ દેખાવોને બહારથી ટેકો આપ્યો છે પરંતુ કદાચ એક સમય એવો પણ આવે કે અમેરિકા અથવાતો એના ટેકેદારો આ દેખાવોનો દોરીસંચાર પોતાના હાથમાં લઇ લે, કારણકે અમેરિકા અને ઈરાનની દુશ્મની વર્ષો જૂની છે અને અમેરિકા આ મોકાને હાથમાંથી જવા દેશે એ વાતમાં માલ નથી.
ઈરાનના રાજકીય અને આર્થિક પંડિતોએ સરકારને સલાહ આપી છે કે તે લોકોની વાત સાંભળે અને દેશના મીડિયાને પણ સલાહ આપતા જણાવ્યું છે કે દેખાવો અંગેના સમાચાર આપતા થોડું પ્રમાણભાન પણ રાખે, કારણકે એક વખત જો અસામાજીક તત્વો આ આંદોલનનો લાભ લેવાનું નક્કી કરશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.
eછાપું