કડક હેડમાસ્તર જેવા વિદર્ભના કોચ ચંદ્રકાંત પંડિત

0
342
Photo Courtesy: mid-day.com

વિદર્ભ ક્રિકેટ ટીમે ગઈકાલે ઈતિહાસનું સર્જન કર્યું હતું. વિદર્ભ તેના ક્રિકેટિંગ ઇતિહાસમાં પહેલીવાર રણજી ટ્રોફી ફાઈનલમાં પહોંચ્યું અને ટ્રોફી જીતી પણ લીધી. અલબત્ત આ જીત પાછળ વિદર્ભના ખેલાડીઓની મહેનત તો હતી જ પરંતુ તેનું સૌથી મોટું ફેક્ટર રહ્યું હતું તેના કોચ ચંદ્રકાંત પંડિત. ચંદ્રકાંત પંડિત માટે આ નવમી રણજી ટ્રોફી જીત હતી. પંડિતે આ અગાઉ એક ખેલાડી અને કોચ તરીકે મુંબઈ માટે ચાર-ચાર વખત રણજી ટ્રોફી જીતી હતી અને ગઈકાલે વિદર્ભના કોચ તરીકે પણ તેમણે ટીમને જીત અપાવડાવી હતી.

Photo Courtesy: mid-day.com

ચંદ્રકાંત પંડિત માટે આ જીત એટલા માટે પણ મહત્ત્વની હતી કારણકે ગયા વર્ષે રણજી ટ્રોફી ફાઈનલમાં મુંબઈ ગુજરાત સામે હારી ગયું હતું અને પંડિતના સ્થાને સમીર દિઘેને આ વખતે મુંબઈના કોચ બનાવવામાં આવ્યા હતા. વિદર્ભ ક્રિકેટ એસોસિએશને આ તક નો તરતજ લાભ લીધો અને પંડિતને પોતાના કોચ નિયુક્ત કર્યા. આમ પંડિત માટે ગઈ સીઝન એક માત્ર ખરાબ સીઝન હતી એ સાબિત કરવાનું દબાણ પણ હતું. વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના આ નિર્ણય પાછળ વસીમ ઝાફરની સલાહ હતી કે કેમ તેની તો ખબર નથી કારણકે વસીમ ઝાફર પણ પહેલા મુંબઈ તરફથી રમતો હતો અને હવે તે વિદર્ભ તરફથી રમે છે.

મુંબઈના ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓએ ચંદ્રકાંત પંડિત માટે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું છે કે તેઓ એક કડક હેડમાસ્તર જેવો સ્વભાવ ધરાવે છે. ખુશામત તો ચંદ્રકાંત પંડિતને જાણેકે સ્પર્શ કર્યા વગર જ આગળ વધી જતી હોય છે. તો સામે પક્ષે ચંદ્રકાંત પંડિતનું આ અંગે કહે છે કે તેઓ જ્યારે કોચ હોય ત્યારે અથવાતો જ્યારે તેમણે મુંબઈ, મધ્ય પ્રદેશ અને આસામ માટે ક્રિકેટ પણ રમ્યું હતું ત્યારે પણ તેઓ માત્ર જીતવા માટે જ મેદાનમાં ઉતરતા.

ચંદ્રકાંત પંડિતની આ જીતની માનસિકતાના દર્શન આ વર્ષના વિદર્ભના પર્ફોર્મન્સ પર સ્પષ્ટ દેખાય છે. વિદર્ભ આ વર્ષે આઠ મેચ રમ્યું એમાંથી છ જીત્યું અને બે ડ્રો રહી. આમ વિદર્ભની જીતની સરેરાશ રહી 75% જે પંડિતના કોચ બન્યા અગાઉ માત્ર 15% જેટલી જ હતી. પંડિતે માત્ર ટીમ ને જ નહીં પરંતુ વિદર્ભના કેટલાક ખેલાડીઓની રમતને પણ સાવ બદલી નાખી છે. અગાઉ આ ટીમ માત્ર ઉમેશ યાદવની બોલિંગ પર આધારિત રહેતી અને એ પણ જ્યારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમતો હોય ત્યારે. પરંતુ આ વર્ષે બાવીસ વર્ષીય સંજય રામાસ્વામીએ 66.82ની એવરેજ સાથે 735 રન ખડક્યા છે.

ચંદ્રકાંત પંડિત પર ખુશામતની કોઈજ અસર પડતી નથી તે આપણે જાણ્યું, પણ સામેપક્ષે તેમનું એવું માનવું છે કે એમની શિસ્ત અને કડક સ્વભાવ હોવા છતાં કોઈ ખેલાડી તેમને સામેચાલીને એમ કહે કે તેને આ અંગે કોઈજ વાંધો નથી ત્યારે તેમને પૂર્ણ સંતોષ થતો હોય છે અને વિશ્વાસ થાય છે કે હવે આ ખેલાડી જીતવા માટે તૈયાર છે.

વિદર્ભની આ જીત પાછળ જે રીતે ‘ચંદુ સર’ તરીકે ઓળખાતા ચંદ્રકાંત પંડિતનો હાથ છે તેવીજ રીતે બે સીઝન અગાઉ મુંબઈથી જોડાયેલા વસીમ ઝાફરના શાંત સ્વભાવનો પણ  મોટો હાથ છે. ખેલાડીઓમાં ચંદ્રકાંત પંડિતના શિસ્ત અને કડકાઈવાળા સ્વભાવની કોઈ નેગેટીવ અસર ન પડે એનું ધ્યાન ઝાફરે રાખ્યું હતું. વસીમ ઝાફર નેટ પ્રેક્ટીસ વખતે સતત ત્યાં હાજર રહેતો અને વિદર્ભના ખેલાડીઓને મોટા ભાઈની જેમ સમજાવતો અને સલાહ આપતો રહેતો.

વિદર્ભનો કેપ્ટન ફૈઝ ફઝલ જે સત્તર-અઢાર વર્ષનો હતો ત્યારથી જ વિદર્ભ માટે રમે છે તે પણ ચંદ્રકાંત પંડિતના વખાણ કરે છે. તેના કહેવા અનુસાર તેની કપ્તાનીમાં સુધાર લાવવામાં તેમજ ટીમમાં જીતનો મંત્ર ફૂંકવામાં પંડિતનો મુખ્ય હાથ તો છે જ પરંતુ તેના ખેલાડીઓએ પણ ચંદ્રકાંત પંડિતની એક-એક વાત માની હતી.

ચંદ્રકાંત પંડિતનું કોચિંગ કેવું જબરદસ્ત છે તેનું ઉદાહરણ રણજી ટ્રોફીની સેમીફાઈનલમાં જોવા મળ્યું હતું. કર્ણાટક સામે રમતા વિદર્ભે પહેલી ઇનિંગમાં 116 રનની પ્રમાણમાં મોટી કહી શકાય તેવી લીડ કર્ણાટકને આપી દીધી હતી. પરંતુ બીજી ઇનિંગમાં જ્યારે કર્ણાટકને બે દિવસમાં માત્ર 197 રન જીત માટે જોઈતા હતા ત્યારે રજનીશ ગુરબાનીની બોલિંગને લીધે વિદર્ભ માત્ર પાંચ રને મેચ જીતી ગયું હતું. આ બધું ત્યારેજ શક્ય છે જ્યારે ટીમ પાછળ એક જબરદસ્ત Task Master ખડકની જેમ ઉભો હોય.

eછાપું

તમને ગમશે: ગઈકાલે અવસાન પામેલા જીણાના પુત્રી દિના વાડિયા અંગેની રસપ્રદ હકીકતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here