Why Me? જ્યારે તમે જાતને આવું પૂછો ત્યારે…

4
320
Photo Courtesy: aberdeenessentials.com

સ્વાભાવિકપણે, સાહજિક અને સાત્વિક માનવીય મનોવૃત્તિના ગમ્ય કારણોસર પ્રત્યેક વ્યક્તિત્વ જયારે પોતાની જાતને અણધારેલી કે વણનોતરેલી પરિસ્થિતિમાં પામે ત્યારે થતો એક ઓબ્વિયસ સવાલ :  “Why Me??”. એવા લોકો ઘણા અલ્પસંખ્યક હશે કે જેમને પોતાને જ આવો જવાબવિહોણો સવાલ  નહી પૂછ્યો હોય.!! અમુક વાર નસીબ જ ઊંટની ડોક જેવું હોય કે પછી કોઈ વાર હાથે કરીને ઉપાધી વહોરી લીધી હોય. કારણો ભલે બદલાતા રહે છે પણ ત્રસ્ત થઇને તારણ તો બધાયનું લગભગ સરખું જ નીકળશે અને એ કંઈક આવું હશે : “સાલું કરવા જાઉં છું કંસાર અને થઇ જાય છે થુલું!, પણ (એક અઢી મણની ગુજરાતી સાથે) Why Me? અને એ પણ દર વખતે કેમ થતું હશે??”…પણ અફસોસ! આ સવાલનો જવાબ પ્રતિધ્વની સ્વરૂપે આવતો જ નથી અને જવાબ જ્યારે ન મળે ત્યારે આપણું ચિત્ત એક અજીબ પ્રકારનો ઉચાટ અનુભવે છે.

Photo Courtesy: aberdeenessentials.com

ધર્યા કે ધાર્યા વગરનું જીવનમાં લગભગ દર આંતરે દિવસે બનતું જ હોય છે, ભલે એ જીવન બે ટંકનું ખાવાનું મેળવવા માટે વેખલા કરતા ભિખારીનું હોય કે રોજ પેસેન્જર ભરવા માટે લાઈનમાં ઉભો રહેતો છકડાવાળો હોય કે પછી કોઈ મોંઘીદાટ કારમાં ફરતો માલેતુજાર!! Why Me? સવાલ થવા માટે હોદ્દાની કે મોભાની કોઈ મર્યાદા મને જણાતી જ નથી. અહી વાત છે સંજોગોવસાત ઉદભવેલી પરિસ્થિતિની, કે જે પ્રાકૃતિક છે અને પ્રકૃતિ તમામ વર્ગો માટે સમાન છે. અહી વાત છે એક કોમન હ્યુમન સાયકોલોજીની. દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે ‘બસ મારી લાઈફમાં હું જેમ ધારું એ જ મુજબની ઘટનાઓ ઘટવી જોઈએ’. પણ એવું થતું નથી. અને આવું જ્યારે વારંવાર થાય ત્યારે મનમાં એક જ સવાલ આવે કે, Why Me? કોઈ વાર તમે સુખ ધાર્યું હોય અને જો એના બદલે દુખ મળે તો એનાથી પરેશાન થઇ જાઓ એ સ્વાભાવિક છે. પરંતુ આવા સમયે પ્રકૃતિ પોતાના કશાક આગવા પ્લાનિંગમાં હોય જે તમને તમે ધારેલા દુખના બદલામાં સુખ આપી શકે. જેમ તમારું પોતાનું પ્લાનિંગ હોય છે એવી જ રીતે પ્રકુતિનું પણ પોતાનું આગવું આયોજન હોય છે.

શું આવી સ્થિતિ આપણને હંમેશા હેરાન કરે છે? તો આ પ્રશ્નનો જવાબ જે તે વ્યક્તિ પર આધાર રાખે છે. મગજ અને હૃદય બંને દરવખતે એકસમાન વિચારી શકતા નથી. જો પ્રેમ કે લાગણીની વાત હોય તો વસ્તુ અલગ છે પણ અત્યારે વાત મુશ્કેલીની છે. હૃદયનો તાર ક્યાંક ને ક્યાંક મગજ સાથે જોડાયેલો હોય જ છે જે દર વખતે કોઈ વિડંબણાનો અણસાર અંદરુની ગભરાહટ સ્વરૂપે મગજને આપતું હોય છે, પરંતુ આપણું મન એ સિગ્નલને ઝૂમ ઇન કરીને એમ્પ્લીફાય કરવાના સ્થાને જાતે જ ડરી જાય તો આવા સંજોગોમાં શું થઇ શકે? Why Me?ના  એટ્મોસ્ફીયરમાંથી પોતાનો આબાદ બચાવ કરાવવા માટેની જડીબુટ્ટી કયા બાબા પાસે સુલભ્ય છે?

તો જવાબ એવો છે કે બાબા તમે પોતે જ છો, અને જડીબુટ્ટી તમારી બુદ્ધિમત્તા છે. શરૂઆતમાં કહ્યું એ જ રીતે આપણી માનવબુદ્ધિ કે મનોવૃત્તિ ગભરાઈ જવા માટે ટેવાઈ ગઈ છે. આપણે કોઈ કુદરતી સ્થિતિને ‘મુશ્કેલી’ માનીએ ત્યારે જ Why Me? કહેવા માટે મજબૂર થઈએ છીએ કે જ્યારે આપણે એનાથી ડરી જઈએ છીએ અથવા તો એને લઈને નાહકના વિચારોનો એવો પડદો ઉભો કરીએ છીએ કે જેની પાછળ આપણી બુદ્ધિમત્તા અને સમજણશક્તિ સંતાઈ જાય છે. જો કે આવું થવું એ સામાન્ય વાત છે કારણ કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર જવા માટે ટેવાયેલા નથી. બીજી રીતે કહો તો આપણને શીખવાડવામાં જ એવું આવ્યું છે કે ‘આપણું ગજું આટલું જ છે અને આટલાથી વધારે આપણે કરી શકવાના નથી’. આ બધી વાતો આપણા મગજમાં ઠસાવી દેવામાં આવી છે. આપણને વડીલો તરફથી સતત એક ઇઝી અને સિક્યોર લાઈફ જીવવાના સપના જોવાનું શીખવવામાં આવ્યું છે. જો વાત એ ઇઝીનેસની બહાર જતી લાગે ત્યારે આગળ શું કરી શકાય એની જગ્યાએ એવી પરિસ્થિતિથી કેવી રીતે ભાગીને પાછા આપણા કમ્ફર્ટ ઝોનમાં આવતા રહેવું એ સમજને આપણા મનના એક ગોખલામાં ધરબી દેવાઈ છે.

તો શું નાન્દો પારાદોને એવરેસ્ટ ચઢી જવા માટે કોઈ મુશ્કેલી નડી જ નહિ હોય? કે સરદાર પટેલને દેશી રજવાડા એકત્રીકરણ વખતે કપરાં ચઢાણ ચઢવા નહિ પડ્યા હોય? બીલ ગેટ્સ આઠમા ધોરણમાં નાપાસ થયેલો આપણી સર્વસ્વીકૃત વ્યાખ્યા મુજબ ડફોળ કક્ષાનો એક વિદ્યાર્થી હતો અને આજે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે. આપણે માત્ર એની સફળતા જ નથી જોવાની, પણ અહી વાત એ છે કે એમણે સફળતા મેળવવા માટે કયો અભિગમ અપનાવ્યો હતો? આ તો માત્ર ત્રણ જ વ્યક્તિત્વોની વાત ઉદાહરણ તરીકે કરી, પણ ઈતિહાસના એવા કેટલાય પાત્રો છે જે મુશ્કેલીઓને અવગણીને ઈતિહાસગાથામાં અમર થઇ ગયા. આખરે એ લોકો પણ આપણા બધાની જેમ જ હાડમાંસ અને સ્નાયુઓની ગૂંથણીથી બનેલા માણસો જ હતા ને? એમની પાસે પણ મગજ અને હૃદય બંને આપણી જેમ જ ધબકતા હતા. તો અહી સવાલ એ ઉભો થાય કે ‘એ લોકો કેવી રીતે ઝઝૂમ્યા હશે? એમની પાસે કઈ એવી વિચારધારા હતી જે એમને દરેક ઝોનમાં કમ્ફર્ટ મહેસુસ કરાવતી હતી જે આપણા પાસે નથી?’. એનો એક જ લીટીમાં જવાબ આપવો હોય તો આ રીતે આપી શકાય કે, “ફરક માત્ર એટલો જ કે એ લોકો ‘Why Me?’ થી થોડું આગળ વધીને ‘Why Not Me?’ની ફિલોસોફીમાં માનનારા હતા”. મુશ્કેલીઓને હસતા મોઢે સ્વીકારવાનું એમને આવડતું હતું. વિષમ પરિસ્થિતિને હકારાત્મકતાથી કેવી રીતે વધાવી લેવી અને એમાં ખુદની પ્રગતિ માટેનો ચાન્સ કેવી રીતે શોધી લેવો એનાથી એ લોકો વાકેફ હતા.

અલબત્ત, Why Me?’ ને બદલે ‘Why Not Me?’ જેવો સવાલ જાતને પૂછતા થઈએ ત્યાં સુધી પહોચતા થોડો સમય લાગે, અને એ સ્વાભાવિક જ છે કે લાગવાનો જ છે. પણ એક ચાન્સ તો તું લે લે મેરી જાન! શી ખબર કે તમારા તમે નિર્ધારિત કરેલા કમ્ફર્ટ ઝોનની બહાર પણ એક ઝોન એવો હોય જ્યાં તમે હાલમાં છો એનાથી વધુ કમ્ફર્ટેબલ અનુભવો! મુશ્કેલીઓ જીવનની એક જરૂરી બાજુ છે. એ દરેક વખતે આવીને આપણને આપણી સીમાઓ, આપણી બાઉન્ડ્રીઝ વિસ્તારવાની તક આપે છે. જો ભયનું આવરણ પેદા થશે તો એ તક ધૂંધળી થશે અને તમારી સીમાઓ ફરીથી સીમિત જ રહી જશે, કહો કે સંકુચિત થઇ જશે. તકવાદી બનેલા નસીબ ધ્વારા કે પછી કોઈ ત્રાહિત વ્યક્તિના તુનીરમાંથી છુટેલા અગ્નિ-અસ્ત્રનો સામનો આપણી બુદ્ધિ પાસે પડેલા પેલા સુસુપ્ત વરુણાસ્ત્રને જાગૃત કરીને કરવો જોઈએ એવો મારો અંગત મત છે. જો આપણે Why Me? ને જ વળગીને હાથ પર હાથ ધરીને બેસી રહેવાને વિકલ્પ ગણીશું તો કદાચ આપણે  આપણામાં જ વસતા અને સુસુપ્ત થઇ ગયેલા પોતાના જ એક વીર યોદ્ધા સ્વરૂપને મળવાનો મોકો આમ જ ચુકતા રહીશું.

આચમન : વણનોંતરેલી ઘટના/સ્થિતિથી ડરી જવું કે ગભરાઈ જવું એ એની સામે આપણી હારને નિશ્ચિત કરે છે. જ્યારે ઝઝૂમવું એ જીતને નિશ્ચિત ભલે ન કરી શકે પણ હારને હંફાવે જરૂર છે.

eછાપું

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here