SA Vs IND 2018 Preview: બદલો કોનો? આપણો કે એમનો?

0
374
Photo Courtesy: sports.ndtv.com

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી કેપટાઉનના અતિશય સુંદર ન્યૂલેન્ડ્સ સ્ટેડીયમમાં ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ રમાવાની છે. જ્યારથી આ સિરીઝ નજીક આવી છે ત્યારથી ભારતમાં તેનું પ્રસારણ કરનારી સ્પોર્ટ્સ ચેનલ “બાપ કા, ભાઈ કા, ચાચા કા સબકા બદલા લેગા તેરા યે ફૈજલ” પ્રકારનો હાસ્યાસ્પદ પ્રોમો વારંવાર દેખાડી રહી છે. પરંતુ ભારતમાં રહેતા કોઇપણ ક્રિકેટપ્રેમીને સુપેરે ખબર છે કે આ સિરીઝ એ ભારત માટે નહીં પરંતુ સાઉથ આફ્રિકા માટે બદલો લેવાની સિરીઝ છે.

Photo Courtesy: sports.ndtv.com

જો યાદ ન હોય તો કહી દઈએ કે 2015માં ભારતમાં જ્યારે સાઉથ આફ્રિકા રમવા આવ્યું હતું ત્યારે ત્રણેય ટેસ્ટમાં માત્ર ને માત્ર સ્પિનરોને ફેવર કરતી હોય એવી પીચો BCCIએ પીરસી હતી. જો વિદેશમાં ભારતીય ક્રિકેટરોને સ્પિન ફ્રેન્ડલી પીચો ન મળે તો ભારતમાં બાઉન્સી વિકેટો ઓફર કરવાની કોઈજ જરૂર નથી તેનો હું પહેલેથી જ હિમાયતી રહ્યો છું પરંતુ તેની એક લીમીટ પણ હોયને? પહેલા દિવસની પહેલી જ ઓવરથી જો પીચ સ્પિનરોની મદદ કરવા લાગે તો તે ક્રિકેટમાંથી સ્પર્ધા દૂર કરી દે છે અને એવુંજ કશુંક બે વર્ષ પહેલા રમાયેલી એ સિરીઝમાં જોવા મળ્યું હતું.

પણ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ એ નાલેશી કદાચ ભૂલ્યું નથી અને આ વખતે ત્રણેય ટેસ્ટ્સ જ્યાં રમાવાની છે એ કેપટાઉન, સેન્ચુરીયન અને જોહાનેસબર્ગ આ તમામ મેદાનોની પીચ બાઉન્સી હોવાનો ઈતિહાસ રહેલો છે. એશિયાની બહાર જો સ્પિનરોને સૌથી વધુ વિકેટો મળતી હોય તો તે છે ડર્બનની કિંગ્સમીડ ગ્રાઉન્ડની પીચ અને આ વખતે ત્યાં ટેસ્ટ રાખવામાં નથી આવી. આ પરથી સાબિત થાય છે કે સાઉથ આફ્રિકાએ ભારતીય બેટ્સમેનો માટે ચીન મ્યુઝીક કોન્સર્ટ ગોઠવવાની વ્યવસ્થા બે વર્ષ અગાઉનો બદલો લેવા માટે કરી લીધી છે.

તમને ગમશે: હેપ્પી બર્થડે નોટબંધી : કાળા નાણા વિરુદ્ધ સામી છાતીએ જંગ

જો કે એનો મતલબ એવો બિલકુલ નથી કે ભારત આ સિરીઝ રમ્યા પહેલા જ હારી ગયું એવું માની લેવું જોઈએ. ભારતના ટોચના લગભગ તમામ ખેલાડીઓ બાઉન્સી વિકેટો પર સારી રીતે રમી શકે છે એવી તેમની ક્ષમતા છે. પરંતુ સિરીઝ શરુ થયા પહેલા એક પણ પ્રેક્ટીસ મેચ ન રમાઈ હોવાથી પ્રિલિમિનરી ને બદલે સીધી બોર્ડની પરીક્ષા આપવી પડશે એવો ઘાટ આપણી ટીમનો થયો છે. મહેન્દ્ર સિંઘ ધોનીના સમયમાં એવું બન્યું હતું કે તેણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની સિરીઝ અગાઉ પ્રેક્ટીસ મેચોની માંગણી બોર્ડ સમક્ષ કરી હતી અને તેની માંગ મનાવવામાં એ સફળ પણ રહ્યો હતો પરંતુ આ વખતે વિરાટ કોહલીની કપ્તાનીમાં એવું બન્યું નથી. આમ સાઉથ આફ્રિકા માટે બદલો લેવાની શરૂઆત સરળ રહે એવું બની શકે છે.

જો ફાસ્ટ વિકેટો પર સાઉથ આફ્રિકાના બોલરો સારી કરતાં ઘાતક બોલિંગ કરશે એવી અપેક્ષા હોય તો પેલી સ્પોર્ટ્સ ચેનલની બદલો લેવાની ઈમોશન્સને ધ્યાનમાં લઈને આપણે એમ પણ કહી શકીએ કે અમારા બોલરોએ પણ ચૂડિયાં નથી પહેરી.  ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા અને આ વખતે તો જસપ્રીત બુમરાહને પણ મોકો મળ્યો છે કે એ પોતાની કળા આ બાઉન્સી વિકેટો પર બતાવે.

ભૂતકાળમાં એવું વારંવાર બન્યું છે કે વિદેશમાં ગતિ અને બાઉન્સ મળતી પીચોને જોઇને ભારતીય બોલરો એટલા બધા એક્સાઈટ થઇ જતા હોય છે કે વધુને વધુ ફાસ્ટ બોલ નાખવા જતા લય ભૂલી જતા હોય છે અને પરિણામે તેઓ વિપક્ષી ટીમના બોલરો જેવી સફળતા મેળવી શકતા નથી. બીજું, સાઉથ આફ્રિકાની બેટિંગ લાઈનઅપમાં ભલે ડી’વિલીયર્સ, આમલા, દુ પ્લેસી કે પછી બાવુમા જેવા મજબૂત નામો હોય પરંતુ તેઓ અજેય તો નથી જ. ટૂંકમાં બોલીંગમાં અગાઉથી વિચારીને નક્કી કરેલી વ્યવસ્થિત રણનીતિનો અમલ કરવામાં આવશે તો સફળતા જરૂર મળશે.

આ પ્રવાસમાં બોલરોને તો એમની મનગમતી પીચો મળવાની છે જ પરંતુ ક્લાસ ધરાવતા બેટ્સમેનો માટે બાઉન્સ ક્યારેય અણગમતો નથી હોતો. ખરેખર તો જોવા જઈએ તો જેટલો વધુ બાઉન્સ એટલી રન કરવામાં વધુ સરળતા. એકવાર જ્યોફ્રી બોયકોટે કોમેન્ટ્રી કરતાં બહુ સરસ સમજાવ્યું હતું કે ઘૂંટણથી નીચે રહેતા બોલને રમવા કરતા ઘૂંટણની ઉપર રહેતા બોલને રમવામાં કેમ ખૂબ સરળતા રહે છે. ટૂંકમાં કહીએ તો એક હકારાત્મક માઈન્ડસેટ ધરાવીને ભારતના બેટ્સમેનોએ આ સમગ્ર સિરીઝમાં રમવાનું આવશે. ભારતના સદનસીબે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી જેવા દેશના ક્રિકેટના સૌથી હકારાત્મક દિમાગ આ કહેવાતો બદલો લેવાની સિરીઝમાં ટીમનું નેતૃત્ત્વ કરી રહ્યા છે.

આ સમગ્ર સિરીઝમાં મીડિયા અને અન્યોનું ધ્યાન વિરાટ કોહલી પર રહેશે, એટલે નહીં કે લગ્ન બાદ તેની રમતમાં કોઈ ફેર પડ્યો છે કે નહીં એ જોવા માટે, પરંતુ એટલા માટે કારણકે ફૂલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ એશિયાની બહાર એની આ પ્રથમ સિરીઝ છે. આ ઉપરાંત છેલ્લે જ્યારે ભારત ઇંગ્લેન્ડમાં રમવા ગયું હતું ત્યારે વિરાટ કોહલી બહુ ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. આમ એક બેટ્સમેન અને કેપ્ટન તરીકે કેપ્ટન કોહલીની બેવડી પરીક્ષા છે. પરંતુ જે ખેલાડી પર લોકોનું એટલીસ્ટ અત્યારે ઓછું ધ્યાન છે તે છે આપણા સૌરાષ્ટ્રના ચેતેશ્વર પૂજારા.

છેલ્લી તમામ સિરીઝના રેકોર્ડ તપાસીએ તો ચેતેશ્વર પૂજારા એક એવો બેટ્સમેન રહ્યો છે જેણે ત્રણ નંબરે બેટિંગ કરીને રાહુલ દ્રવિડની ખોટ લગભગ પૂરી કરી દીધી છે. મોટી અને સારી બોલિંગ લાઈનઅપ ધરાવતી ટીમ સામે ભારતના ત્રણ ઓપનીંગ બેટ્સમેનો એટલેકે શિખર ધવન- લોકેશ રાહુલ – મુરલી વિજય એટલી સારી બેટિંગ નથી કરી શક્યા જેટલી શ્રીલંકા કે વેસ્ટ ઇન્ડીઝ જેવી નબળી ટીમો સામે. પરંતુ થેન્ક્સ ટુ પૂજારા કોહલી એન્ડ કંપની ઓપનીંગ બેટ્સમેનોની એ નબળાઈને એમણે પોતાની સક્ષમ અને સાત્યત્ય્પૂર્ણ બેટિંગ દ્વારા ઢાંકી દીધી છે.

આ સિરીઝમાં પૂજારાની આસપાસ આપણા તમામ બેટ્સમેનોએ બેટિંગ કરવી પડશે. નવા અને ઉછળતા બોલ સામે જો કદાચ એકાદ ઓપનીંગ બેટ્સમેન કે બન્ને ઓપનીંગ બેટ્સમેન વહેલા આઉટ થઇ જાય અને ત્રીજા નંબરે પૂજારા બેટિંગ કરવા આવે તો તે એક છેડો પકડી રહે, જે કરવું પૂજારાને ખુબ ગમે છે અને તેમાં હવે તેની માસ્ટરી પણ આવી ગઈ છે, અને બાકીના બેટ્સમેનો રનની ગતિ વધારવાની કોશિશ કરતા રહે. જો આમ થશે તો ભારત આ સિરીઝના અંતે એક સન્માનજનક પરિણામ જરૂરથી લાવી શકશે.

આ ઉપરાંત ટોચના પાંચ કે છ બેટ્સમેનો પણ સિરીઝ શરુ થાય છે ત્યારે છેલ્લી ટેસ્ટના અંતે તેમનું અંગત ટોટલ કેટલું હોવું જોઈએ એ જો નક્કી કરી લેશે અને પછી એ મુજબ પોતાની બેટિંગ પ્લાન કરશે તો પણ બદલો લેવામાં સરવાળે ટીમને ખૂબ ફાયદો થશે.

જ્યારે પીચો ફાસ્ટ બોલરો માટે જ બનાવવામાં આવી હોય ત્યારે સ્પિનરોને કોણ યાદ કરે? પરંતુ રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન આ બંને સ્પિનરો એવા છે કે એમને ગતિવાળી અને બાઉન્સવાળી પીચો પણ એટલીજ ગમે છે જેટલી 380 અંશના ખૂણે સ્પિન થતી વિકેટો. જાડેજા બોલ ને મોટો સ્પિન નથી કરાવી શકતો પરંતુ ગતિમાં તે ફેરફાર કરીને બેટ્સમેનને ચકિત કરી શકે છે. જ્યારે અશ્વિનને બાઉન્સની મદદ મળે તો તે વધુ નીખરી ઉઠે છે, પણ હા સ્પિન નહીંવત મળવાથી તેની ધાર જરૂર ઓછી થશે.

ભારતીય બેટ્સમેનોએ પીચના ઉછાળ અને ગતિનું ધ્યાન રાખવામાં અને પેલો બદલો લેવામાં ક્યાંક સાઉથ આફ્રિકાના ટેલેન્ટેડ લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર કેશવ મહારાજને ઓળખવામાં થાપ ન ખવાઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. અત્યારસુધી માત્ર 14 ટેસ્ટમેચ રમેલા મહારાજે 25.04 ની એવરેજે 56 વિકેટો લીધી છે જેને અસાધારણ દેખાવ કહી શકાય. પેલું પત્તાની રમતમાં હોય છે ને એમ, કે મોટા પત્તાની લ્હાયમાં ઘણીવાર પપલુ એટલેકે જોકર આપણી બાજી બગાડી નાખે, બસ એવુંજ.

ટૂંકમાં કહીએ તો આ સિરીઝ બદલો લેવાની ભાવનાથી નહીં પરંતુ સમજી વિચારીને અને પ્લાન બનાવીને ફાસ્ટ પીચો પર સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલરોને રમવા એક હકારાત્મક માઈન્ડસેટ સાથે ભારતીય બેટ્સમેનોએ ઉતરવાનું છે. સાઉથ આફ્રિકા તેની જમીનનો એક ઇંચ પણ ભારતને આપવાનું નથી એ તેના આ સિરીઝ માટેના વેન્યુની પસંદગી પરથી સાબિત થઇ ગયું છે. પરંતુ સિરીઝ અગાઉ કોચ રવિ શાસ્ત્રીનું એ નિવેદન કે અમે અહીં જીતવા આવ્યા છે એ ભારતીય ક્રિકેટ ચાહકોને એટલીસ્ટ સિરીઝ અગાઉ જરૂરથી શાંતિ આપશે.

તો ઓવર ટુ ધ બ્યુટીફૂલ ન્યૂલેન્ડ્સ ઇન કેપટાઉન!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here