મારા પ્રિય સવર્ણ અને દલિત હિન્દુઓ – એક ખુલ્લો પત્ર

4
464
Photo Courtesy: flickr.com

મારા પ્રિય સવર્ણ અને દલિત હિન્દુઓ,

કોઈ દેશમાં કોઈ એક ધર્મના લોકોની બહુમતી હોય અને એના પર જ દાદાગીરી થઇ શકતી હોય અને એ પણ આસાનીથી તો એ ભારત સિવાય બીજો કોઈજ દેશ ન હોઈ શકે. અમેરિકામાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ, મલેશિયામાં મુસ્લિમો વિરુદ્ધ કે પછી ઇઝરાયેલમાં યહુદીઓ વિરુદ્ધ દાદાગીરી થતી હોય એવી તો કલ્પના કરવી પણ અઘરી છે, પરંતુ ભારતમાં હિન્દુઓ વિરુદ્ધ એકદમ સરળતાથી અને ખુલ્લેઆમ દાદાગીરી થાય છે અને એના માટે આપણે હિન્દુઓ સિવાય બીજું કોઈજ જવાબદાર નથી.

ભારત અત્યારે ભલે ‘સેક્યુલર’ દેશ હોય કે પછી એમાં વિવિધ ધર્મના લોકો વસવાટ કરતા હોય પરંતુ ભારતનો ચાર કે પાંચ હજાર વર્ષ જૂનો ઈતિહાસ હિન્દુઓથી જ શરુ થયો છે એ નિર્વિવાદ હકીકત છે. ભારતનું બંધારણ ઘડાયું ત્યારે પણ તેને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ગણવામાં આવ્યું ન હતું પરંતુ 1975ની કટોકટીમાં વિપક્ષની ગેરહાજરીમાં કોંગ્રેસી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દાદાગીરી કરીને બંધારણના આમુખમાં સેક્યુલર શબ્દ ઘુસાડ્યો અને આજે તેનો ઉપયોગ હિન્દુઓને વહેંચી નાખનારાઓ પોતાના ભાગલાવાદી રાજકારણને ટેકો કરવા કરી રહ્યા છે.

જો કે જેમ આગળ વાત કરી એ મુજબ આ પરિસ્થિતિ માટે હિન્દુઓ સિવાય અન્ય કોઈને દોષ ન દઈ શકાય. એક સમયે વ્યક્તિના વ્યવસાય અનુસાર શરુ કરવામાં આવેલી હિન્દુ વર્ણવ્યવસ્થાને કોઈ અંગત સ્વાર્થ માટે અમુક હજાર વર્ષ પહેલા વારસાગત ગણી લેવામાં આવી અને હિન્દુઓ અસંખ્ય જાતિઓમાં વહેંચાઇ ગયા. હિન્દુઓના પરદાદાઓએ કરેલી એ અક્ષમ્ય ભૂલનો ભોગ અત્યારે આપણે છેક એકવીસમી સદીમાં ભોગવી રહ્યા છીએ, જો વિશ્વાસ ન આવતો હોય તો કોરેગાંવ-ભીમાના રમખાણો અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં ફેલાયેલી જાતિવાદી હિંસા પાછળના કારણો જાણી લેવા.

બસ્સો વર્ષ અગાઉ બનેલી ઘટનાને લીધે એકવીસમી સદીમાં રમખાણ થાય એ તો ભારતમાં જ શક્ય છે. એમાં કોઈને પણ શંકા ન હોઈ શકે કે વ્યવસાયને અનુલક્ષીને નક્કી કરવામાં આવેલી વર્ણવ્યવસ્થા ભલે હજારો વર્ષ પહેલા વારસાગત બનાવી દેવામાં આવી પરંતુ તેના અમલદારો આજે લઘુમતીમાં પરંતુ દેશના બદનસીબે જીવિત છે. બહુ નહીં તો કદાચ પાંચેક વર્ષ અગાઉ ગુજરાતી મેગેઝીન ચિત્રલેખામાં ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓમાં આજે પણ દલિતો માટે અલગ કુવાઓ અને અલગ સોસાયટીઓ હોવાનું પુરવાર કરવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પહેલા પણ એકવીસમી સદી હતી જ અને આજે પણ છે અને એવું ચોક્કસપણે માની શકાય કે ગુજરાત-સૌરાષ્ટ્રના એ ગામડાઓની એ પરિસ્થિતિમાં આજે પણ કોઈ જાજો ફેર નહીં પડ્યો હોય.

આ વાત ગુજરાતની માત્ર નથી ઓરિસ્સા, બંગાળ, ઉત્તર પ્રદેશ અને એવા તો ઘણા રાજ્યોના નામ લઇ શકાય જ્યાં આજે પણ મંદિરોમાં દલિતો આવકાર્ય નથી અથવાતો તેમના પર સદંતર પ્રતિબંધ મુકાયો છે. તો ઘણીવાર દલિતો પર જાહેરમાં થતા અત્યાચારના સમાચારો પણ લગભગ રોજ વાંચવા, સાંભળવા મળે છે. આ બધું વાંચીને કોઇપણ પ્રગતિશીલ હિન્દુને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ આજનો હિન્દુ જો સંવેદનશીલ છે તો આળસુ પણ છે. તે ઉપર કહેલા આર્ટીકલ્સ કે પછી આંકડાઓ-સમાચારો વાંચીને એ નિશ્વાસ નાખીને ઉભો થઇ જાય છે પરંતુ આ પ્રકારે દલિતોને થતા અન્યાય પ્રત્યે એ અંગતરીતે શું કરી શકે એવો કોઈજ વિચાર કરવાથી એ દૂર રહે છે.

પરંતુ હવે એ સમય આવી ગયો છે કે સવર્ણ હિન્દુઓએ પણ દલિતો હિન્દુઓના અપમાનને અટકાવવા કે પછી તેના વિરુદ્ધ અવાજ ઉઠાવવો જ પડશે નહીં તો કોરેગાંવ-ભીમા તો એક ઝાંખી છે અને હિન્દુઓને તહસ નહસ કરી નાખવાનું પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત! જેમ હું આ પત્ર લખીને સવર્ણ તેમજ દલિત હિન્દુઓને સમજાવવાના પ્રયાસો કરી રહ્યો છું એમ આ પત્ર વાંચનાર સવર્ણ હિન્દુ પણ પોતાની ક્ષમતા અનુસાર ક્યાંય પણ તેના દલિત હિન્દુ સાથી સાથે ક્યાંય અન્યાય થતો હોય તો તેના વિરુદ્ધ તે અવાજ જરૂર ઉઠાવે. એટલીસ્ટ પોતે અને પોતાની આવનારી પેઢી દલિતો સાથે કોઇપણ પ્રકારનો અપમાનજનક વ્યવહાર નહીં કરે તેની પ્રતિજ્ઞા જરૂરથી લે. પોતાના સંતાનોના કાનમાં પોતે સવર્ણ અને કોઈ અન્ય દલિત એવા શબ્દપ્રયોગ પણ ન પડે એનો ખ્યાલ રાખે. જો અત્યારે એમ કરવામાં આવશે તો આવનારા સો વર્ષ બાદ આપણે આ જાતિભેદને સમૂળગો નાશ કરી શકીશું.

છેવટે તો આપણે એક જ ઈશ્વરના સંતાન છીએ અને સ્વર્ણ, દલિત, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ આ બધા ભાગલા સરકારી અને રાજકીય કારણોને લીધે જોવા મળે છે. કશું નહીં તો માણસ માણસની પ્રત્યે સંવેદનશીલ બને એટલું તો સવર્ણ હિન્દુઓ કરી જ શકે ને?

આ પત્ર વાંચનાર દલિત હિન્દુ મિત્રોને પણ મારે કશુંક કહેવું છે. સાચું માનજો પણ આ પ્રકારનું લખાણ લખવાની મારી વર્ષોથી એક ઈચ્છા હતી જેને આજે હું પૂરી કરી રહ્યો છું. હું હ્રદય પર હાથ મૂકીને સ્વીકાર કરું છું કે મારા સવર્ણ બાપ-દાદાઓએ તમારા બાપ-દાદાઓ સાથે ખૂબ અન્યાય કર્યો હતો. તમારી સાથે જે વીત્યું છે એના વિષે ઇતિહાસના પાનાંઓ પર જ્યારે પણ વાંચું છું ત્યારે ખરેખર આંતરડી કકળી ઉઠે છે. એમણે જે પ્રકારના જુલ્મો જેને કોઇપણ રીતે માનવીય ન કહી શકાય, તમારા વંશજો પર વરસાવ્યા છે તે માફ કરવાને બિલકુલ લાયક નથી.

પરંતુ, જેમ મેં ઉપર મારા સવર્ણ મિત્રોને અપીલ કરી એમ તમને પણ અપીલ કરું છું અને મારી આસપાસના વાતાવરણને જોઇને અને તેનો ચિતાર કાઢીને આ અપીલ કરું છું કે એ સમય અને આ સમયમાં ઘણું અંતર છે. ઉપર મેં ખુદ સ્વીકાર કર્યો છે કે આજે પણ તમારી સાથે અન્યાય થઇ રહ્યો છે, પરંતુ એ અન્યાયની સંખ્યા અથવાતો તેનું જોર એ સમય કરતા ઘણું ઓછું છે જ્યારે કોરેગાંવની ઘટના સમયે હતી અથવાતો ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે જે વર્તન થયું હતું એ સમયે હતી.

આજનો હિન્દુ જો અન્ય ધર્મીઓ કરતા વધારે પ્રોગ્રેસીવ થયો છે તો એમાં તમે દલિત ભાઈઓ બહેનોનો પણ સમાવેશ થાય જ છે. આજે ભારતમાં ભાગ્યેજ એવી કોઈ ઓફીસ કે સંસ્થા હશે જ્યાં તમારી સાથે સદીઓ પહેલાનો વ્યવહાર થતો હશે અને તમે પણ આ હકીકતના સાક્ષી હશો જ. આજે તમે તમારી સાથે કામ કરનારા કર્મચારીઓ કે પછી અંગત મિત્રો સાથે આરામથી ટીફીન શેર કરીને જમતા હશો અને એકબીજાની જાતિ અંગે કોઈ વિચાર પણ તમારા કે તમારા એ મિત્રના મનમાં પણ નહીં આવતો હોય. આજે એક સરેરાશ સવર્ણ હિન્દુ એક સરેરાશ દલિતને પોતાનાથી માત્ર તેના વર્ણને લીધે ઉતરતી કક્ષાનો માનતો નથી અને જો માનતો હોય તો ભોગ એના. કારણકે આવનારો સમય જ્યારે ભારત એક નવી દિશા હાંસલ કરશે ત્યારે એ પ્રકારના બુદ્ધિના બારદાનો પાછળ રહી જશે અને એમાં એટલીસ્ટ મને તો કોઈજ શંકા નથી.

એકવાર શાંતિથી વિચારો કે સામાન્ય સવર્ણ હિન્દુ રોજીંદી જિંદગીમાં તમારી સાથે કેવો વ્યવહાર કરે છે? ચાહે તમે કોઈ સરકારી અધિકારી હશો, કોઈ ખાનગી કંપનીમાં મેનેજર કે એક્ઝીક્યુટીવ હશો, પટાવાળા હશો કે પછી સફાઈ કામદાર, આ પત્ર વાંચ્યા બાદ ફક્ત ચોવીસથી અડતાળીસ કલાક તમારી આસપાસનું વર્તન માત્ર ઓબ્ઝર્વ કરશો. કદાચ એમ કરવાથી તમને આ પત્રનો સારાંશ બિલકુલ સાફ થઇ જશે. તમને ખ્યાલ આવશે કે આજે પણ તમને કોરેગાંવની લડાઈના સમયે જે વર્ણવ્યવસ્થા ભારતમાં હતી એમાં જ સડતા રાખવામાં કોને રસ છે અને કોને તમારી સાથે ભળી જઈને આપણા દેશને આપણા હિન્દુ સમાજને પ્રગતિશીલ બનાવવામાં રસ છે.

હું કોઈ પંડિત નથી, મેં બહુ નથી વાંચ્યું પણ હું ઓબ્ઝર્વ ઘણું કરું છું એટલે કદાચ આંકડાકીયરીતે મારી દલીલ ખોટી હોઈ શકે પરંતુ ઓવરઓલ પરિસ્થિતિ 1818 કરતા 2018માં ઘણી સુધરી છે એટલું તો ચોક્કસપણે કહી જ શકું અને કદાચ આ પત્ર વાંચનાર બંને જાતિઓના વાચકો આ દલીલ સાથે તો સહમત થશો જ. આ ખુલ્લો પત્ર લખવાનું કારણ જ એ છે કે બે મિનીટના ગુસ્સામાં આપણે એક જ ધર્મના અનુયાયીઓ વચ્ચે કાયમી ફાટ પડી જાય એ બિલકુલ યોગ્ય નથી. અને એ ગુસ્સો પણ કેવો? બસ્સો વર્ષ જૂની અથવાતો સદીઓ જૂની કોઈ ઘટનાને યાદ કરીને?

તોફાનીઓને માત્ર તોફાનમાં જ રસ છે પછી તે કોઇપણ જાતિ કે ધર્મનો હશે. આ પ્રકારના લોકો માત્ર પૈસાને પૂજે છે અને પોતાનું કામ કરીને ચૂપચાપ જતા રહે છે. ભોગવવાનું આપણે છે પરંતુ એક જરાક જેટલી સમજદારી દેખાડીશું તો હિન્દુ ધર્મને વિઘટિત થતો જરૂરથી બચાવી શકીશું. જો આ 1818 હોત તો હું એવું જરૂર માનત કે સવર્ણો એ દલિતો સાથે અન્યાય કર્યો છે, પણ આ 2018 છે અને મારા મતે સવર્ણો અને દલિતો પહેલા ક્યારેય ન હોય એટલા નજીક આવ્યા છે. ભલે આપણા અનામત અંગે કે અન્ય કોઈ બાબતે મતભેદ હશે જ અને છે જ, પણ તેના થકી આપણે આપણી હિન્દુ તરીકેની ઓળખ સમુળગી ગુમાવી બેસીશું તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

દેશમાં અત્યારે એવા તત્વો છે જે હિન્દુઓને એક થવાથી રોકી રહ્યા છે. મનથી આપણે બધાજ એ તત્વોને ઓળખી શકીએ છીએ પરંતુ ઘણીવાર જાતિનું અભિમાન આપણને તેમનો વિરોધ કરતા રોકે છે, પછી તે કોઇપણ જાતિની વ્યક્તિ હોય. પરંતુ બૃહદ હિન્દુ સમાજ તરીકે વિચારીશું તો આ જાતિભેદ અત્યંત નબળો લાગશે.

હિન્દુઓ જ્યારે પણ જાતિના મામલે અલગ થશે ત્યારે આ દેશ ટુકડાઓમાં પરિવર્તિત થઇ જશે એમાં કોઈને પણ શંકા નથી. પરંતુ ત્યારે અફસોસ કરવામાં ઘણું મોડું થઇ ગયું હશે. એટલે આજે જ હિન્દુઓને અલગ કરવા મથતા તત્વોને ઓળખી અને એમનો બોલકો નહીં તો મૂંગો વિરોધ જરૂર કરીએ અને ભારતને મહાસત્તા બનાવવા માટે એકસાથે આગળ વધીએ.

છેલ્લે મારી એક અંગત ઈચ્છા પણ વ્યક્ત કરી દઉં? આ પત્રમાં મેં સવર્ણ અને દલિત શબ્દનો છૂટથી ઉપયોગ કર્યો છે કારણકે બંને પક્ષોને મારી લાગણી હું બરોબર પહોંચાડી શકું. પરંતુ મારું સ્વપ્ન એક એવા ભારતનું છે જ્યાં હિન્દુઓ માત્ર હિન્દુઓ તરીકે જ ઓળખાય અને ઉપરોક્ત બંને સંબોધનો ઇતિહાસનો ભાગ બની ગયો હોય.

આપનો,

સિદ્ધાર્થ છાયા, એક હિન્દુ ભારતીય.

૦૪.૦૧.૨૦૧૮, ગુરુવાર

અમદાવાદ

 

eછાપું

4 COMMENTS

  1. તમારી સહકાર્યકરોની કરેલી ટીપ્પણી ખાસે અંશે સાચી છે. નવી પેઢી, અમારા કોલેજના મોટા ભાગના મિત્રો અને અત્યારના સહકાર્યકરો, સાથે બેસવામાં, જમવામાં માને છે અને કોઈ આભડછેટ રાખતા નથી. પણ આ વાતમાં પૂરી સચ્ચાઈ પણ નથી. આ જ મહિનામાં, મારા ખુદના જ એક સહકાર્યકરે કહ્યું હતું, મારા ગામમાં આજે પણ વાળંદ નીચી જાતિના લોકોના વાળ કાપતા નથી (એ પણ ગર્વથી કહ્યું હતું એ નોંધશો). સાથે એક બીજી વાત પણ કરી હતી, કે પાસેના વિસ્તારના MLA (કે કોઈ લીડર, મને પાક્કું યાદ નથી), જે નીચી જાતિના છે, જયારે એમના ત્યાં કોઈ વ્યક્તિ પોતાના કામ માટે કે ફરિયાદ માટે જાય, ત્યારે એ વ્યક્તિ સામેવાળાને સોફા કે ખુરશી પર બેસાડી, પોતે નીચે બેસે છે, આ સહુથી સારી બાબત કહેવાય, એ વ્યક્તિ હોશિયાર કહેવાય કે પોતાનું સ્થાન જાણે છે અને આ લોકોએ ત્યાં જ રેહવું જોઈએ.
    મેં કદી કોઈ પણ વ્યક્તિને જાતિ પરથી જજ કર્યા નથી. પરંતુ, સો કોલ્ડ ‘ગરમ લોહીવાળા તરવરતા યુવાન પત્રકાર’ ની પોસ્ટ્સ પર આનામત નો પૂરો વિરોધ (કઈ ખોટું નથી, વાત કરવી જ જોઈએ એની ઉપર) કરે ત્યારે બધા જ બ્રાહ્મણો એની વિરોધમાં સુર પર સુર પૂરાવે અને ઉકળતું લોહી દેખાય, પણ જેવી જ જાતિવાદ અને અત્યાચારની વાત કરીએ તો એ ગરમ લોહી ઠંડુગાર થઇ જાય અને સિંહ જેવા વીર ગણાવતા એ નવલોહિયાઓ કેટલા બાયલા છે એ દેખાઈ આવે, કારણ કે, પોતાના વાંક દેખાય અને એ બાબતે વાત કરવી પડે.
    તમે પહેલા નાગર દેખાયા (તમને અંગત ઓળખું અને જાણું છું કે એક વ્યક્તિ તરીકે તમે કેટલા સારા છો, પણ આજે નાગર કહીશ), જેમણે આ બાબતે કહ્યું કે જે સાચું છે. તાહા અને તમારા જેવા ઘણા ઓછા વ્યક્તિઓ છે, જે સાચું કહે અને એ ના જુએ કે આમાં જ્ઞાતિ ને વછે લાવીને જોવું પડે, કે ક્યાંક આપણા લોકોનું નીચે ના દેખાય.
    આ જ પ્રમાણે, જો બીજા સવર્ણો/બ્રાહ્મણો વિચાર પ્રગટ કરે, તો અને તો જ કૈક સાચો રસ્તો મળે.

  2. ખૂબ સરસ ખુલ્લો પત્ર લખ્યો છે, મને વ્યકતિગત રીતે લાગે છે, તમારે આ વિષય પર હજુ ઊંડાણ મા અભ્યાસ કરવો જોઈએ, 1818 થી 2018 સુધી પરિસ્થિતિ ની બદલાવ ની સાથે અશપૃશ્યતા કરવાની રીતો મા પણ બદલાવ આવ્યો છે. સાથે જમવા નાં બેસવું, પાણી અલગ વાસણ મા પાવું એ વર્ષો જૂની અને દેખાતી જતિભેદ રીત છે ,પણ એનું સ્થાન અદૃશ્ય અશપૃશ્યતા.એ લીધુ.છે એ સમજવા તમારે હજુ ઊંડાણ મા અભ્યાસ કરવો જ રહ્યો
    નવ સર્જન દ્રારા 2007 થી 2010 નાં એક સર્વે મા જાણવા મળ્યું છે કે સવર્ણ દ્રારા દલિત સમુદાય પ્રત્યે 98 પ્રકાર ની અશપૃશ્યતા રાખવામાં આવે છે
    તમારાં આ લેખ થી તમારી વિચારો પર ચોક્કસ માન વધ્યું છે .

  3. જય મકવાણાભાઈએ જણાવેલ ૯૮ પ્રકારના અસ્પૃશ્યતાના ભેદ અંગે સંશોધન કરી વાચકો સામે મુકો જેથી એ દુર થાય એવો સમાજ રચવા તરફ ગતિ કરી શકાય અને એ જ અસ્પૃશ્યતા નિવારણ સાચા અર્થમાં કહેવાશે

  4. સમયોચિત લેખ . આજે હિન્દુ વર્ણ વ્યવસ્થા નો દુરુપયોગ કરી હિન્દુ એકતા ને નષ્ટભ્રષ્ટ કરી રાજકીય લાભ લેવાના કુત્સિત પ્રયત્ન થી રહ્યા છે,તેનો સામનો કરવામાં નહિ આવે તો મહામૂલી આઝાદી ને ખોવાનો વારો આવશે. આજે વર્ણ વ્યવસ્થા કાલબાહ્ય થી ગઈ છે. તેથી તેને બદલે નવી સમાજ રચના કરવામાં આવે, જેમાં પ્રાચીન, સનાતન વ્યવસ્થા ના શુભ હેતુઓ સચવાઇ રહે તે પ્રમાણે થવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here