GIFA 2017 – હજી સુધારાઓને ઘણો અવકાશ છે

0
337
Photo Courtesy: picbon.com

શનિવારે સાંજે પરિવાર સહીત ગુજરાતી આઇકોનિક ફિલ્મ અવોર્ડસ એટલેકે GIFA ના બીજા સંસ્કરણ GIFA 2017 ના સાક્ષી બનવાનું થયું. જો આ સમારોહમાં જવાનો કોઈ એકમાત્ર ફાયદો હોય તો એ હતો MEDIA પાસ હોવા છતાં દર્શકો વચ્ચે બેસવાનું મળ્યું. આમ થવાને કારણેજ GIFA 2017 ની આવતા વર્ષે સુધારી શકાય એવી કેટલીક ખામીઓ ઉડીને આંખે વળગી. GIFA સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિ જો આર્ટીકલ વાંચતા હોય તો તેમને મારી એક જ વિનંતી છે કે આ આર્ટીકલને GIFA અંગે કોઈ પૂર્વગ્રહ રાખીને તેની માત્ર ટીકા કરનાર વ્યક્તિએ લખેલો આર્ટીકલ ન સમજી લે અને તેને આગળના આયોજનો માટે હકારાત્મક ટીકા તરીકે સ્વીકારે.

Photo Courtesy: picbon.com

ગુજરાતી ફિલ્મોનું નવસર્જન અને તેની યાત્રા ફિલ્મ દર ફિલ્મ આગળ વધે અને આપણી ગુજરાતી ફિલ્મો સતત સુધરતી રહે તેવી અપેક્ષા મારી કાયમ રહી છે પરંતુ તેમ છતાં નબળી ગુજરાતી ફિલ્મોને જો સોશિયલ મીડિયામાં ઝાટકી નાખી છે તો સારી ગુજરાતી ફિલ્મોને માથે પણ બેસાડી છે. બસ એ જ ભાવના સાથે GIFAના આગામી સંસ્કરણ આ વખતના કાર્યક્રમ કરતા વધુ સારા બને એવી એક ઈચ્છા જ આ આર્ટીકલમાં વ્યક્ત કરી છે. જો ક્યાંક કડક ભાષા વપરાઈ હશે તો એ એક એવા શુભેચ્છકની જ હશે જે આ એવોર્ડ્સને ઉંચા સ્થાને જોવાની ઈચ્છા ધરાવે છે.

સૌથી પહેલી ખામી જે ઉડીને આંખે વળગે એવી હતી એ હતી વેન્યુની પસંદગી. આપણે કોઇપણ નવું સાહસ કરતા હોઈએ અથવાતો કોઇપણ સાહસ કરતા હોય ત્યારે આપણને ઈચ્છા હોય જ કે એ સફળ જ થાય. જેમકે બે દિવસ અગાઉ GLF માં મારી નવલકથાનું અનાવરણ થયું તો મારી ઈચ્છા હોય જ કે એક મહિનામાં એની એક હજાર કોપી વેંચાય. ટૂંકમાં કહીએ તો વેન્યુની સાઈઝ આ કાર્યક્રમ જોવા આવેલા દર્શકો કરતા અનેકગણી વધુ હતી. પરિણામે ખાલી ખાલી કુર્સીયા હૈ…ખાલી ખાલી તંબુ હૈ જેવી હાલત થઇ હતી.

તમને ગમશે: …અને સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ અને પ્રશાંત ભૂષણ વચ્ચે થઇ તકરાર

અમદાવાદનું નવું ટ્રાન્સસ્ટેડીયા જે એક જબરદસ્ત વેન્યુ છે, તેનો આકાર ગોળાકાર નહીં પરંતુ ચોરસ છે અને તેના એક છેડે GIFA 2017 નું સ્ટેજ ગોઠવવામાં આવ્યું હતું. આથી સ્ટેજની બરોબર સામે જે વહેલા આવીને બેસી ગયા એમને તો સ્ટેજ દેખાય પરંતુ મોડા આવેલા અથવાતો સામેની જગ્યાઓ ઠીકઠીક ભરાઈ ગઈ હોવાથી જેમણે સાઈડમાં બેસવાનું આવ્યું એમણે આ સમારોહ ફરજીયાત પોતાની ડોક ડાબી કે જમણી તરફ રાખીને જોવો પડ્યો. બીજું આ ગેલેરીથી સ્ટેજ એટલું બધું દૂર હતું કે ત્યાં શું ચાલી રહ્યું છે એની કોઈ ખબર જ પડી રહી ન હતી.

હા ચાર થી પાંચ વિશાળ LED સ્ક્રીન હતા પરંતુ એ તમામ સ્ટેજની જ આસપાસ હતા. આથી આ સ્ક્રીન પર પણ સ્ટેજના દ્રશ્યોથી વધારે કશું દેખાતું ન હતું. જો એમાંથી એટલીસ્ટ બે સ્ક્રીન ગેલેરીથી નજીક રાખવામાં આવ્યા હોત તો દર્શકોનો રસ જરૂર જળવાઈ રહેત.

ડીટ્ટો સાઉન્ડ સિસ્ટમ માટે પણ હતું. આજે તો કોઈ રાજકીય નેતાનું ભાષણ હોય તો પણ મોટા મોટા સ્પીકરો મંડપમાં અમુક અમુક અંતરે રાખવામાં આવે છે જ્યારે અહીં સ્ક્રીનની જેમજ તમામ સ્પીકરો સ્ટેજની આસપાસ જ હતા. પરિણામે ગેલેરીમાં બેસેલા દર્શકોને બહુ ઓછી ગતાગમ પડી રહી હતી કે કોને નોમીનેટ કર્યા છે અને કોને અવોર્ડ મળ્યા છે. સ્ટેજ પરથી થતી મોટાભાગની જાહેરાતો સ્ટેડીયમ લગભગ 60% ખાલી હોવાને લીધે પડઘાના સ્વરૂપે જ ગેલેરીના દર્શકોને સંભળાતું હતું.

નીચે લોન પર VIP અને વધુ કિંમતની ટીકીટ રાખવામાં આવી હતી તેની પણ છેક સુધી નહીં નહીં તો 60-70 ટકા બેઠકો ખાલી હતી. બાદમાં નીચેની ગેલેરીના દ્વાર ખોલી દઈને પાછળની સીટ ભરવાનો પ્રયાસ થયો તો પણ લોન પરની મોટાભાગની બેઠકો ખાલી જ હતી. ઉપર જણાવ્યું તેમ આયોજકોની ઈચ્છા ભલે હોય કે સ્ટેડીયમ ખીચોખીચ ભરાઈ જાય પરંતુ ઘણીવાર પ્રેક્ટીકલ થવાથી દર્શકોના આશિર્વાદ મળી શકતા હોય છે. એટલે ઉપરની ગેલેરીની ટીકીટો અવોઇડ કરીને શરૂઆતમાં માત્ર લોન ભરવાનું રાખવામાં આવ્યું હોત તો એ બેઠકો લગભગ પૂરેપૂરી ભરાઈ જાત વત્તા અહીં LED સ્ક્રીન અને સ્પીકર યોગ્ય જગ્યાએ મૂકવામાં આવત તો સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દર્શકોનો રસ લાંબા સમય સુધી જળવાઈ રહેત.

ઉપરોક્ત બેઠક વ્યવસ્થાને લીધે બન્યું એવું કે એક તો દોઢ કલાક રાહ જોવડાવીને શરુ થયેલા અવોર્ડ સમારોહને એક કલાક પણ વીત્યો ન હતો કે ગેલેરી જે સ્ટેજની સામેની જગ્યાએ માંડમાંડ ભરાઈ હતી એ પણ ધીમેધીમે ખાલી થવા લાગી હતી. હું પોતે પરિવારને લઈને રાત્રે નવ વાગ્યાની આસપાસ સ્ટેડીયમ છોડી ચૂક્યો હતો. વધારે ધક્કો ત્યારે લાગ્યો જ્યારે નીકળીને કાંકરિયા તરફ જ્યાંથી VIP અને મોટી ટીકીટો ધરાવનારાઓની એન્ટ્રી/એક્ઝીટ હતી ત્યાંથી પણ મોટી સંખ્યામાં લોકો બહાર આવતા જોવા મળ્યા, આ સમયે ફંક્શન કદાચ પચાસ ટકા પણ પૂરું થયું ન હતું.

એક મોટો લોસ્મોચો સ્ટેજ પર પણ જોવા મળ્યો હતો. કદાચ આ GIFA 2017 નું સૌથી પકડી રાખતું પરફોર્મન્સ એટલેકે રેડિયો સીટીના કિશોરકાકા અને એમના ભત્રીજાનું પરફોર્મન્સ જ્યારે તેના સૌથી રસપ્રદ તબક્કે જ પહોંચ્યું હતું અને ત્યારેજ એને અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું. અચાનક જ જાહેરાત કરવામાં આવી કે એક ખાસ મહેમાન મુંબઈથી આવી ચૂક્યા છે. પછી સ્ટેજ પરથી “ગુજરાતની આન, બાન અને શાન” જેવું કશુંક બોલવામાં આવ્યું અને પછી નામ બોલાયું ‘અમીષા પટેલ’!!!

ગુજરાતની એ આન, બાન એવં શાન સ્ટેજ પર પ્રગટ થયા અને પછી તો એમણે જે બે શબ્દો કહ્યા એ હિન્દીમાં જ કહ્યા. એમની ડેબ્યુ ફિલ્મ જે હ્રિતિક રોશનને લીધે ચાલી હતી એના ગીતની બે લાઈન એમણે ગણગણી. આ બધું તો સહન કર્યું પણ આઘાત ત્યારે લાગ્યો કે જ્યારે અમીષા પટેલ સ્ટેજ પર આવ્યા ત્યારે તો એમને આયોજકો સ્ટેજના મધ્ય સુધી દોરી ગયા હતા, પછી એમનું રાજ્યના મંત્રી દ્વારા સન્માન પણ થયું. પરંતુ બાદમાં અચાનક આ બધા ગાયબ થઇ ગયા અને સ્ટેજ પર અમીષા પટેલ એકલા રહી ગયા અને એ પણ પૂરેપૂરી બે થી અઢી મિનીટ સુધી.

સ્ટેજની ડાબી તરફ કિશોરકાકા અને એમના ભત્રીજાશ્રી પણ clueless બનીને આ સમગ્ર અઢી મિનીટ સુધી ઉભા રહ્યા. અચાનક કોઈ સ્ટેજ પર આવ્યું અમીષા પટેલના કાનમાં કશુંક કીધું અને અમીષા પટેલ એકલા એકલા સ્ટેજ પરથી જતા રહ્યા! ત્યારબાદ કિશોરકાકાનું અટકાવવામાં આવેલું પરફોર્મન્સ ફરીથી શરુ થયું પરંતુ જેમ કોઇપણ કલાકાર કે લેખક સાથે બને છે એમ એકવાર લીંક તૂટી જાય પછી પરફોર્મ કરવાની મજા નથી રહેતી બસ એવું જ થયું અને વેન્યુ છોડીને જનારાઓની સંખ્યા વધી ગઈ.

GIFA 2017 નું સ્ટેજ ભવ્ય, દેખાવ ભવ્ય, દાવાઓ પણ ભવ્ય હતા પરંતુ અંગ્રેજીમાં જેને execution કહેવાય એમાં એક દર્શક તરીકે મને તો ઘણાબધા સુધારાઓની જરૂર લાગી. ખાસકરીને દર્શક, એક સામાન્ય દર્શકને જો અવોર્ડ ફંક્શનમાં લાવવો હશે તો આવતા વર્ષે આયોજકોએ તેના માટે લાંબી thought process માંથી પસાર થવું પડશે. જ્યારે આ બધી ભૂલો અને ખોટ નજર સમક્ષ હોય ત્યારે સ્ટેજ પર મહેમાનો દ્વારા આ અવોર્ડ IIFA થી પણ સારા, અથવાતો બોલીવુડના અવોર્ડ ફંક્શનને શરમાવે તેવા હોવાનો દાવો કરે ત્યારે સ્વાભાવિકપણે તેનું સમર્થન ન કરવાનું મન થાય જ.

પરંતુ, આપણે એટલું તો ઈચ્છી શકીએ કે આયોજકો એમને ખોટો પાનો ચડાવતા આવા નિવેદનોથી દૂર રહેશે અને આવતા વર્ષે ભવ્ય પરંતુ એક નાનકડી જગ્યામાં દર્શકોની પ્રેક્ટીકલ સંખ્યા વિચારીને અને ગણતરીના દર્શકોને જ આમંત્રિત કરીને સમારોહ આયોજીત કરશે અને ઉપર જણાવેલી કેટલીક આસાનીથી સુધારી શકાય તેવી ત્રુટીઓને દૂર કરશે તો GIFA ની જે ક્ષમતા છે કે તે કોઇપણ બોલીવુડ એવોર્ડ્સની સમકક્ષ જઈ શકે, ભલે કદાચ તેનાથી શ્રેષ્ઠ ન બને, તેને તે જરૂર મેળવશે.

GIFA 2017 ના આયોજકોને આવતા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here