ભારતની આઝાદી બાદ સિનેમાગૃહોમાં ફિલ્મ પૂરી થયા બાદ રાષ્ટ્રગીત વગાડવું અને એ સમયે દર્શકોએ ઉભા રહેવું ફરજીયાત હતું. અમુક વર્ષો પછી ખબર પડી કે ફિલ્મ પૂરી થતા ઘણાબધા લોકો રાષ્ટ્રગીત શરુ થવાની રાહ નથી જોતા અને ઘરભેગા થઇ જાય છે. આથી સરકારે એ નિયમ સાવ રદ્દ કરી દીધો. લગભગ બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટ ફરીથી એક્શનમાં આવી અને આદેશ કર્યો કે ફિલ્મ શરુ થતા પહેલા રાષ્ટ્રગીત ફરજીયાત વગાડવામાં આવે જેથી તેનું સન્માન જળવાઈ રહે.

ત્યારબાદ જેમ આપણે ત્યાં સ્વાભાવિક બની ગયું છે એમ થિયેટરોમાં રાષ્ટ્રગીત વાગતી વખતે કેટલાક લોકો જાણીજોઈને ઉભા થતા નહીં. આજુબાજુમાં ઉભા રહેલા લોકોની કડક નજર અને ઘણીવાર રાષ્ટ્રગીત પતી ગયા પછી કરેલી ટીપ્પણી છતાં આ જાડી ચામડીના લોકો પર તેની કોઈજ અસર ન થતી. આપણે ત્યાં બદનસીબે એવા લોકોની બહુમતી છે જેના માટે રાષ્ટ્ર એમના પ્રાયોરીટી લીસ્ટમાં સહુથી છેલ્લે આવે છે. આ ઉપરાંત ઘણા લોકો એવા પણ છે જે પોતાના રાજકીય અને ધાર્મિક વિચારોને પ્રાધાન્ય આપે છે જેના લીધે અમુક સરકારના સમયમાં આ આદેશ થયો હોવાથી જે મારી મનગમતી સરકાર નથી એટલે હું રાષ્ટ્રગીત સમયે ઉભો નહીં થાઉં કે પછી મારા ધર્મે મને આવું કશું કીધું નથી એટલે પણ હું ઉભો નહીં થાઉં એવી ઘટનાઓ પણ બનવા લાગી.
આ બધું જોઇને કેટલાક હૈયાફૂટાઓએ આવી વ્યક્તિઓ વિરુદ્ધ અદાલતના તિરસ્કારની અરજીઓ પણ કરી દીધી. તો તેના એક અન્ય અંતિમ સ્વરૂપે રાષ્ટ્રવાદનો વધારે પડતો ડોઝ લેનારાઓએ થિયેટરમાં રાષ્ટ્રગીત વાગતું હોય એ સમયે ઉભા ન થનારાઓની રીતસરની ધોલાઈ પણ કરી નાખી હતી. આમ ફિલ્મ જોવા અગાઉ રાષ્ટ્રગીત વાગે ત્યારે ઉભા થવું તેની તરફેણ અને વિરોધ કરનારા બંને એક યા બીજી રીતે આ મામલે ખુશ તો નહોતા જ.
તમને ગમશે: ઓરલ સેક્સ બળાત્કાર ગણાય? ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે
છેવટે સુપ્રીમ કોર્ટે ગઈકાલે પોતાના અગાઉના આદેશમાં સંશોધન કર્યું અને જણાવ્યું કે હવેથી સિનેમાગૃહો નક્કી કરશે કે ફિલ્મ શરુ કરતા અગાઉ તેમણે રાષ્ટ્રગીત વગાડવું કે નહીં. કોર્ટે પોતાના નવા આદેશમાં એમ પણ જણાવ્યું છે કે જો સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવશે તો દરેકે ઉભા થવું ફરજીયાત રહેશે સિવાયકે દિવ્યાંગો. ભારત સરકારે પણ સુપ્રીમ કોર્ટને પોતાના અગાઉના આદેશને હળવો કરવાની અપીલ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે માની લીધી હતી. હવે આ નવો ચૂકાદો ભારત સરકારના મંત્રીઓની એક કમિટી નવી ગાઈડલાઈન્સ જારી ન કરે ત્યાંસુધી લાગુ રહેશે.
અહીં મુદ્દો એ છે કે રાષ્ટ્રને સન્માન આપવાનું કોઈને મન કેમ ન થાય? એવું ઘણી વખત બન્યું છે કે ફિલ્મ શરુ થવાની હોય એ અગાઉ જ્યારે પણ રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે ભરચક હોલ ઉભો થઇ જતો અને માત્ર એટલુંજ નહીં પરંતુ સાથેસાથે રાષ્ટ્રગીત પણ ગાતો. આવો અનુભવ જ્યારે પણ થયો છે ત્યારે શરીરનું રૂંવાડે રૂંવાડું ઉભું થઇ ગયું હોવાની ફીલિંગ આવી છે. આ લખનાર તો ક્રિકેટ મેચ શરુ થવા અગાઉ ટીવી પર જ્યારે પણ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિરોધી ટીમના રાષ્ટ્રનું રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે પણ તેને સન્માન આપવા ઉભો થઇ જાય છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીનું એક પ્રખ્યાત ક્વોટ છે કે, “એમ ન વિચારો કે દેશે તમારા માટે શું કર્યું, એમ વિચારો કે તમે દેશ માટે શું કર્યું!” આપણે દુશ્મન દેશ પર આક્રમણ કરવા નથી જવાનું, બસ ફક્ત અમુક સેકન્ડ્સ આપણા દેશનું સન્માન જાળવવાનું છે, આપણે એટલું પણ ન કરી શકીએ? મંદિરની સામેથી બાઈક પર પસાર થઈએ તો પણ નમન કરી લઈએ છીએ તો આ તો ભારત દેશની સાક્ષાત આરતી થઇ રહી છે એના માટે ઉભા થવામાં પણ જોર આવે?
બીજું, સિનેમાગૃહો માટે પણ હવે ભાવતું’તું ને વૈદે કીધું જેવો ઘાટ થયો છે. એટલીસ્ટ અત્યારે તો નથી લાગતું કે દેશભરમાં પથરાયેલા મોટાભાગના સિનેમાગૃહો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ફિલ્મ શરુ કરતા અગાઉ રાષ્ટ્રગીત વગાડવાનું ચાલુ રાખશે. આપણે ત્યાં મલ્ટીપ્લેક્સની ભરમાર છે અને આ તમામ મલ્ટીપ્લેક્સ કોઈને કોઈ રીતે કોર્પોરેટ્સ સાથે સંકળાયેલા છે. કોર્પોરેટ્સ માટે ધંધો પહેલો ભાયા, દેશવેશ તો માર્યા ફરે જેવું છે. ટૂંકમાં આજથી જ દેશના મોટાભાગના સિનેમાગૃહોમાં રાષ્ટ્રગીત વાગવાનું બંધ થઇ જશે તો નવાઈ નહીં.
અલબત્ત કોઇપણ પ્રકારનો ફોર્સ સદાય અનિચ્છનીય છે, પરંતુ જ્યારે આપણે દેશ અને દેશપ્રેમને ભંડકિયામાં મૂકી જ દીધો છે ત્યારે કોઈકે તો તેને યાદ દેવડાવવા માટે ફોર્સ કરવો જરૂરી હતોને? સવાલ માત્ર દેશને મનોરંજન મળે એ પહેલા એકવાર યાદ કરી લેવાનો છે કે પછી તેને અંજલિ આપવાનો છે. આ બિલકુલ સ્વચ્છતા જેવું જ છે. આપણે ખુદ રસ્તામાં નીચે પડેલો કચરો ઉપાડીને નજીકની કચરાપેટીમાં નથી મુકતા કે ખુદ આમતેમ ક્યારેક કચરો ફેંકી દઈએ છીએ અને પછી કહીએ છીએ કે સરકારનું સ્વચ્છતા મિશન ફેઈલ ગયું.
દેશ ત્યારેજ આગળ આવશે જ્યારે આપણે આગળ આવીશું. હવે જ્યારે સિનેમાગૃહોમાંથી રાષ્ટ્રગીતને સન્માન આપવાનું બંધ થવાનું છે તો વધુ નહીં તો અઠવાડિયામાં એક દિવસ એ પણ રવિવારની નવરાશની પળોમાંથી માત્ર અમુક સેકન્ડ્સ યુટ્યુબ પર રાષ્ટ્રગીત વગાડીને, ઉભા રહીને દેશની આરતી ઉતારી તો શકીએ જ ને? એટલું તો થાય ને આપણાથી?
eછાપું