સહારા રણ વિસ્તારના લોકોને થયો અભૂતપૂર્વ અનુભવ

0
650
Photo Courtesy: npr.org

ઘણાબધા વાચકોએ નાનપણમાં એવી બાળકથાઓ વાંચી હશે જેમાં “જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ” જેવી વાક્ય રચના જોવા મળી હોય. ક્યારેય વિચાર્યું છે કે રણપ્રદેશમાં બરફ વર્ષા થાય? આફ્રિકાના અલ્જીરિયામાં સહારા રણ વિસ્તારની આસપાસ રહેતા લોકોએ ગત રવિવારે અદ્ભુત અનુભવ કર્યો હતો. આ અનુભવ હતો અતિશય ઠંડીનો તેમજ સહારા રણની રેતી પર બરફના થર જામેલા હોય એવું દ્રશ્ય જોવાનો.

Photo Courtesy: npr.org

ઉત્તર-પશ્ચિમી અલ્જીરિયામાં સહારા રણ ને અડીને આવેલા એક નાનકડા નગર એઇન સેફ્રાના લોકોને આ રવિવારે વહેલી સવારે બરફ વર્ષાનો અનુભવ થયો હતો. આ નાનકડું નગર ઉત્તર આફ્રિકામાં આવેલા એટલાસ પર્વતની તળેટીમાં વસ્યું છે અને અહીં એક ફૂટથી પણ વધારે બરફ પડેલો જોવા મળ્યો હતો. પરંતુ આ શહેરની સીમાને અડીને આવેલા સહારા રણ માં તો એક ફૂટથી પણ વધારે બરફ પડ્યો હતો.

રેકોર્ડ તપાસવા જતા એવો ખ્યાલ આવે છે કે છેલ્લે 2016માં અહીં બરફ પડ્યો હતો, પરંતુ આટલા મોટા પ્રમાણમાં નહીં. આટલી મોટી માત્રામાં થયેલી  બરફ વર્ષા જો કે એઇન સેફ્રાવાસીઓ માટે સાવ નવી નથી. છેલ્લે 1979માં પણ અહીં ખાસોએવો બરફ પડ્યો હતો.

વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ હાલમાં વિશ્વભરમાં અનુભવાઈ રહેલા બે અંતિમો જેવા વાતાવરણને લીધે સહારા રણ પર બરફવર્ષા થઇ હોવાનું માની રહ્યા છે. અમેરિકા અને કેનેડામાં એક તરફ અતિશય ઠંડી પડી રહી છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં અતિશય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બંને ઘટનાઓએ પોતપોતાના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ બંને અંતિમ પ્રકારના વાતાવરણને લીધે વૈજ્ઞાનિકોનું માનવું છે કે યુરોપ પર ઉંચું દબાણ ઉભું થયું હતું અને ઠંડી હવા ભેગી થતા તેને ક્યાંક તો છૂટું પડવાનું જ હતું અને પરિણામે ઉત્તર આફ્રિકાના એઇન સેફ્રા નગર એટલેકે સહારા રણ પર તેણે પોતાની પસંદગી ઉતારી અને ત્યાં બરફવર્ષા થઇ હતી.

રવિવારે વહેલી સવારે થયેલી આ બરફવર્ષાથી એ વિસ્તારમાં સહારા રણની માટી પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી અને અહીના લોકોને પહેલીવાર આટલી બધી ઠંડીનો અનુભવ પણ થયો હતો. પરંતુ જેમ જેમ દિવસ ચડતો ગયો એમ એમ તાપમાનમાં વધારો થતો ગયો અને છેવટે બરફની પેલી સફેદ ચાદર ઓગળવા માંડી અને તેની નીચેથી સહારા રણ જેના માટે પ્રખ્યાત છે તે ઓરેન્જ અને લાલ કલરની રેતી ફરીથી દેખાવા લાગી.

વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની કેવી ધારદાર અસર આપણા જીવન પર પડી રહી છે એનું સચોટ ઉદાહરણ સહારા રણ પર થયેલી બરફવર્ષા છે તેમ ચોક્કસ કહી શકાય.

Photo Courtesy: npr.org

eછાપું

તમને ગમશે: બિચારો ટોમ મૂડી નિર્દોષ છે; ડાબેરી મિત્રોં એમને પ્લીઝ છોડી દો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here