ગુજરાતી ભાષા મરવા પડી છે. ગુજરાતીનું ભવિષ્ય અંધકારમય છે. ગુજરાતી બાળકો ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું તેમના માતાપિતા વધુ પસંદ કરી રહ્યા છે આથી એક સમય એવો આવશે કે ગુજરાતી સાહિત્ય સાવ સમાપ્ત થઇ જશે.

આઠ વર્ષ અગાઉ જ્યારે ભવિષ્યમાં લેખક બનવાની કોઈ કલ્પના પણ ન હતી અને જે સમયે ફેસબુકમાં રજીસ્ટ્રેશન કર્યું ત્યારે આ પ્રકારની પોસ્ટ્સ બહુ વાંચવા મળતી. ‘દુનિયાદારી’ થી એ સમયે અજાણ એવા આ લખનાર પણ એ સમયે આવું વાંચીને નિરાશામાં ડોકું ધુણાવી દેતો. પરંતુ આ જ ફેસબુકે લખવાની પ્રેરણા આપી અને કન્ટેન્ટ રાઈટીંગની નવી દિશા ખોલી આપી. ગુજરાતીમાં પણ ઘણું કન્ટેન્ટ લખ્યું અને હજીપણ લખી રહ્યો છું. પછી તો ત્રણ નવલકથા ઇબુક સ્વરૂપે પ્રકાશિત થઇ અને તેમાંથી પહેલી તો હાલમાં જ યોજાઈ ગયેલા ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ એટલેકે GLF તરીકે લોકપ્રિય એવી ગુજરાતી સાહિત્યિક ઉજવણીમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઇ.
જી હા! આ એજ GLF છે જેનો બહિષ્કાર કેટલાક સાહિત્યકારોએ એટલા માટે કર્યો હતો કે તેઓ જેને ગુજરાતી સાહિત્ય ના રખેવાળ માને છે એ ટીમને બદલે તેઓ જેમને ગુજરાતી સાહિત્ય ના રખેવાળ નથી માનતા એ ટીમ તેના આયોજનમાં સામેલ હતું. આ પ્રકારના બહિષ્કારના સમાચાર જ્યારે GLF દરમ્યાન જ સાંભળવામાં આવ્યા ત્યારે પહેલા તો બહુ હસવું આવ્યું, અફકોર્સ મનમાં. પછી દયા આવી, એમની નહીં જેમણે GLFનો બહિષ્કાર કર્યો હતો, પરંતુ એમની જે આ બહિષ્કાર કરનારાઓને પૂજ્ય ગણીને તેમને સાંભળવા અહીં સુધી આવ્યા હતા. એમાંથી કેટલાક તો ગુજરાતના દૂરના ખૂણેથી આ તમામને ખાસ સાંભળવા આવ્યા હતા.
GLF પત્યાના ત્રણ-ચાર દિવસ પછી તો એટલું જ કહી શકાય એ લોકો જે દૂરદૂરથી અમદાવાદ માત્ર આ તમામ પૂજનીયોને સાંભળવા આવ્યા હતા તેમને અન્ય થનગનતા અને આજના યુવાનોના રસની નાડ આસાનીથી પારખી શકતા લોકપ્રિય ગુજરાતી લેખકોના સેશન્સ એટેન્ડ કરીને સંતોષ જરૂર થયો હશે. આમ કહેવાનું કારણ એક જ કે આ વખતે GLFના તમામ સેશન્સ એકદમ રોકિંગ હતા અને એના વિષે GLF અને તેની બહાર ખૂબ ચર્ચા આજે પણ સાંભળી શકાય છે. કેટલાક તો એ બાબતનો અફસોસ કરી રહ્યા હતા કે એવા ઘણાબધા સેશન્સ હતા જે તેમણે એટેન્ડ કરવા હતા પરંતુ બે સેશન્સ વચ્ચેનો સમય ક્લેશ થતા એવું કરી શક્યા ન હતા.
ટૂંકમાં કહીએ તો આ વખતે GLF ઘણાબધા લોકો માટે યાદગાર રહ્યો હતો અને આથી જે લોકો અહીં સામેલ નહોતા થયા ઇન્ક્લ્યુડીંગ તમામ પૂજનીયોઝ, ગુમાવવાનું એમણે હતું.
આ આર્ટીકલની શરૂઆતમાં ફેસબુક અને ઇબુક શબ્દો ખાસ વાપરવામાં આવ્યા છે એનું કારણ એ જ છે કે સમય બિલકુલ બદલાઈ રહ્યો છે. આજે ગુજરાતી સાહિત્ય અંગે ચિંતા કરનાર કોઈ સંસ્થા ન હોય તો પણ લેખક જો ધારે તો વાચક સાથે સીધો જોડાઈ શકે તેવા આ બે સશક્ત માધ્યમો ઉભા થયા છે. અરે! ફેસબુક અને ઇબુક તો બાજુમાં મૂકો પણ આજે કોઇપણ વ્યક્તિ ઈચ્છે તો GLF જેવા સમારોહમાં જઈને ફેસબુક કે ટ્વીટર પર એ પ્રસંગનું લાઈવ ટેલીકાસ્ટ પોતાના મોબાઈલ પર જાતે કરી શકે છે. આવામાં તમે એ પ્રસંગનો બહિષ્કાર કરો કે ન કરો તેનો ટોકનથી વધારે કોઈજ ફેર પડવાનો નથી.
જે કોઇપણ બહિષ્કાર થયો એ આપણા સમાજમાં આજકાલ જે ચાલી રહ્યું છે તેનું જ પ્રતિબિંબ લાગ્યું છે. યુવાનો આજે ટેક્નોલોજીને લીધે ઘણા આગળ વધી ગયા છે, એમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓના આગળ વધવાની કે પછી તેને એચીવ કરવાની ગતિ 4G જેટલી છે જ્યારે વડીલો હજીપણ જાણીજોઈને 1947ના સમયથી આગળ વધવા નથી માંગતા.
મારી જ વાત કરું તો મને વાચકોનું જેટલું પણ ફોલોઈંગ મળ્યું છે એ મોટેભાગે મારી ત્રણ નવલકથાઓ જેમાંથી બે તો ઇબુક સ્વરૂપે જ બહાર પડી છે અને મારા ફેસબુકમાં નિયમિતપણે લખાતા સ્ટેટ્સને અને વિવિધ સાઈટ્સ પર છપાતા મારા લેખોને લીધે જ મળ્યું છે. એટલે ઇન શોર્ટ ગુજરાતી સાહિત્યમાં મારું પ્રદાન કોઈ ખાસ માત્રામાં નથી, પરંતુ પાંચેય GLF દરમ્યાન કે પછી ઇવન ઘણીવાર ફિલ્મ જોવા જાઉં કે એક-બે વાર તો રેલવે સ્ટેશન પર પણ વાચકો ઓળખી જઈને સેલ્ફી પાડવાની વિનંતી કરતા હોય છે. જ્યારે જે લોકોએ એક નાનકડા કારણસર GLFનો બહિષ્કાર કર્યો એ તમામ પોતપોતાની જગ્યાએ ‘અઠંગ’ સાહિત્યકારો છે અને ગુજરાતી સાહિત્યને તેમણે ઘણું આપ્યું છે. વિચારો મારા જેવા નવાસવા લેખકના વાચકો પણ જો મને તેમની આંખની પાંપણ પર બેસાડતા હોય તો આવા મૂર્ધન્ય સાહિત્યકારોની તો કદાચ માથે બેસાડીને એમને આખા અમદાવાદમાં ફેરવત, પણ જો એમની હાજરી GLFમાં હોત તો.
આ પૂજનીયોની પેઢી જ ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય અંધકારમય હોવાનું કહીને નિસાસો નાખીને ચ્હા પીવામાં બીઝી થઇ જતા હોય છે. પરંતુ મારું અંગત મંતવ્ય એ છે કે આજે સોશિયલ મીડિયાના ફેલાવા બાદ કદાચ ગુજરાતી સાહિત્યને આગળ વધવાની, વિકસવાની પહેલા ક્યારેય ન મળી હોય એટલી મોટી તક મળી છે. આવામાં જૂની પેઢીના લેખકોએ જો ટેક્નીકલી પોતાની જાતને અપડેટ કરી હોત તો GLFમાં ન આવવાની ગંભીર ભૂલ તેમણે જરાય ન કરી હોત.
જે લેખકોના સેશન્સ તેમના ન આવવાથી અથવાતો સ્પષ્ટ શબ્દોમાં એમના બહિષ્કાર કરવાથી GLFના આયોજકોને છેલ્લી ઘડીએ રદ્દ કરવા પડ્યા એમને સાંભળવા ખાસ અહીં આવેલા એમના વાચકોના ચહેરા જો એ તમામ પૂજનીયોએ જોયા હોત તો એમને ખ્યાલ આવ્યો હોત કે કેટલો મોટો ગુનો તેમણે ગુજરાતી સાહિત્ય સાથે કર્યો છે. અને આ અન્યાય પણ શા માટે, માત્ર એટલા માટે જ કે તેઓ જે સંસ્થા સાથે જોડાયેલી છે એ GLF સાથે નહોતી જોડાઈ?
સૌથી વધુ આઘાત એ વાતે લાગ્યો કે એ સંસ્થાએ તો એમની સાથે સંકળાયેલા લેખકોને જો તેઓ GLF એટેન્ડ કરશે તો એકલા પડી જશો એવી સીધેસીધી ધમકી આપી દીધી… ઓ એમ જી!! જ્યારથી લેખક બન્યો છું ત્યારથી એક બાબત તો સમજાઈ છે કે લેખક અને વાચક વચ્ચે સીધો સંબંધ હોવો આવશ્યક છે અને એ જો પરસ્પર મૂલાકાત દ્વારા સંભવ ન હોય તો ફેસબુક કે પછી GLF પ્રકારના મંચ જ પૂરા પાડી શકે છે. જો તમે કોઈ સાહિત્યિક સંસ્થા સાથે સાહિત્યકાર તરીકે જોડાયા હોવ ત્યારે એ તમારા સાહિત્યને આગળ વધારે એવી એની પાસેથી અપેક્ષા હોય પણ જ્યારે એ સંસ્થા તમારે ક્યાં જવું અને ક્યાં ન જવું એવી પસંદગી કરવા માંડે અને તેવા આદેશો પણ આપે ત્યારે તે યુનિયનબાજીથી વધુ કશું જ નથી.
જે-જે પૂજનીયોએ માત્ર એ સંસ્થાના આદેશનું પાલન કર્યું છે તેમણે સ્પષ્ટપણે લેખક-વાચકના સીધા અને કુદરતી સંબંધનો દ્રોહ કર્યો છે. તમારું લખાણ વાચક વાંચે છે અને એને આગળ વધારે છે, કોઈ સાહિત્ય સંસ્થા નહીં પછી તેનું નામ A હોય, B હોય કે પછી C. આગળ કહ્યું તેમ ઉચ્ચકક્ષાના સાહિત્યકાર જ્યારે પણ તેના વાચક સમક્ષ આવીને ફક્ત ઉભા પણ રહે છે ત્યારે વાચક રીતસર ભાવક બનીને તેમની પૂજા કરે છે.
નવી પેઢી ગુજરાતી વાંચતી નથી એવી ફરિયાદ કરવાને બદલે પહેલા તમે નવી પેઢી સાથે કનેક્ટ તો થાવ માય ડીયર પૂજનીયો? વાચકોને સારું વાંચન જોઈએ છીએ નહીં કે આવા સીમાડાઓ. આજના વાચકને ખુલીને તેમના પ્રિય લેખકોને મળવું છે અને એમના વિચારો એમની સાથે શેર કરવા છે. આશા છે આવતા GLFમાં આ પ્રકારના રાગદ્વેષ પોતાના ઘરની કચરાપેટીમાં મૂકીને ફક્ત ગુજરાતી સાહિત્યની સેવા કરવા આપણા સાહિત્યકારો ‘ઉમટી’ પડશે. કારણકે જો ગુજરાતી સાહિત્ય સાહિત્યકારો માટે ભગવાન છે તો સાહિત્યિક સંસ્થાઓ જેવા મંદિરના પૂજારીઓને બાજુમાં રાખીને એ ભગવાની ડાયરેક્ટ પૂજા કેમ ન થઇ શકે?
ટાઈટલ ક્રેડીટ: શિલ્પા દેસાઈ
eછાપું
તમને ગમશે: ભારતના 50 લાખ ગ્રામીણ પરિવારોને મળશે પાકા મકાન
મને સૌથી ખેદજનક પાસુ તો એ લાગ્યું કે સંસ્થાની ‘સ્વાયત્તતા’ના મુદ્દામાં સાહિત્યકારોની અંગત સ્વાયત્તા સાવ જ કોરાણે રહી ગઈ. બાકી, ચોરાનું કદી નખ્ખોદ જતું નથી, એમ બંને સંસ્થાઓને કંઈ નુકસાન નથી. નુકસાન ભાવકો અને સર્જકોને પક્ષે જ થયું છે.