Australian Open 2018નો નાનો મીઠો Preview

0
309
Photo Courtesy: tennistours.com

આ વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ Australian Open આ સોમવારથી એટલેકે 15 જાન્યુઆરીથી મેલબર્નના મેલબર્ન પાર્કમાં શરુ થવા જઈ રહી છે. વર્ષની પહેલી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ હોવા ઉપરાંત મેલબર્નનું આકરું વાતાવરણ અમેરિકન અને યુરોપીયન ખેલાડીઓ માટે કાયમ તકલીફ દેનારું હોય છે. માઈનસ તાપમાનમાં ક્રિસમસ અને નવું વર્ષ ઉજવીને આવેલા આ ખેલાડીઓ મેલબર્ન ઉતરતાની સાથેજ 40 ડીગ્રી સેન્ટીગ્રેડની આસપાસના તાપમાનમાં શેકાવા લાગે છે.

Photo Courtesy: tennistours.com

આ વખતે Australian Open ઇન્જરીથી દૂર રહી શકી નથી. અગાઉ એવું લાગતું હતું કે બ્રિટનનો એન્ડી મરે તેની ઇન્જરીથી બહાર આવી જશે અને આ ટુર્નામેન્ટમાં રમી શકશે. પરંતુ તેની હીપ ઇન્જરીએ તેને ફરીથી ઓપરેશન કરાવવાની ફરજ પાડી અને હવે મરે સીધો વિમ્બલડનમાં જ રમતો જોવા મળશે. તો જાપાનનો કેઈ નિશિકોરી પણ કાંડાની ઈજાથી ગ્રસ્ત થઈને આ ટુર્નામેન્ટમાં નહીં રમે.

મહિલા વિભાગમાં ઇન્જરી નહીં તો સામાજીક કારણોએ કેટલીક સ્ટાર ખેલાડીઓને Australian Open થી દૂર રાખી છે. સેરેના વિલિયમ્સ આપણે જાણીએ જ છીએ તેમ માતૃત્વનો આનંદ માણી રહી છે અને આથી તે આ ટુર્નામેન્ટમાં નથી રમી રહી. આમ કરવાથી સેરેનાને 2,000 WTA રેન્કીંગ પોઈન્ટ્સનું નુકસાન જશે અને તેના કારણે 1997 બાદ એવું પહેલીવાર બનશે કે સેરેના વિલિયમ્સ રેન્કીંગ વગરની ખેલાડી બનશે. તો વિક્ટોરિયા આઝારેન્કાને તેના એક વર્ષના દીકરાની કસ્ટડી માટે કોર્ટના ચક્કરમાં ફસાવું પડ્યું છે આથી તે પણ Australian Open રમી શકશે નહીં.

તમને ગમશે: હવાઈ યાત્રા કરનારાઓને કેન્દ્ર સરકાર મોટી રાહત આપશે

આ તો થઇ ગેરહાજરીની વાત. હવે વાત કરીએ હાજર રહેલા ખેલાડીઓની જે આ વર્ષે Australian Open જીતી શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.

ભૂલી જવા જેવા વર્ષ 2016 પછી રફેલ નાદાલે 2017માં જબરદસ્ત કમબેક કર્યું છે અને આ વખતે પણ તે સારએવા ફોર્મમાં જણાઈ રહ્યો છે. કોઇપણ ગ્રાન્ડસ્લેમ હોય પણ ટેનીસના દિવાનાઓને તો કાયમ રફેલ નાદાલ અને રોજર ફેડરરની જ ફાઈનલ જોવાની ઈચ્છા હોય છે. આ વર્ષે ફેડરર પણ તેની વધતી જતી ઉંમરને હરાવીને Australian Open જીતવાનો દમ જરૂર મારવાનો છે. ગયા વર્ષે ફેડરરે આ ટુર્નામેન્ટ ઉપરાંત તેની પર્સનલ ફેવરીટ એવી વિમ્બલ્ડન જીતી હતી. ત્યારબાદ પણ તેણે ઘણા ATP ટાઈટલ્સ જીત્યા છે. ટૂંકમાં ફેડરર અને નાદાલની ફાઈનલ આ વખતે પણ જોવા મળી શકે તેમ છે.

ગયા વર્ષે રફેલ નાદાલને પાંચ સેટની સેમીફાઈનલમાં જીતવા અગાઉ થકાવી દેનાર બલ્ગેરિયાના ગ્રીગોર દીમીત્રોવ પર પણ ઘણાને આશા છે. જો કે આ મેચ બાદ દીમીત્રોવે એકાદ-બે નોંધપાત્ર દેખાવો જ કર્યા છે પરંતુ તેને એમ સાવ નકારી શકાય તેમ પણ નથી. પંડિતો આ વર્ષે પણ ગ્રીગોર દીમીત્રોવને Australian Openની સેમીફાઈનલમાં રમતો જોવા માંગે છે.

ગયું ભૂલી જવા જેવું વર્ષ રહ્યું હોવા છતાં નોવાક જોકોવિચની મહાનતા પર કોઈને પણ શંકા હોવી જોઈએ નહીં. બેશક તે એક મોટી ઇજામાંથી બહાર આવીને સીધો જ એક ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ રમવા ઉતરવાનો છે, પરંતુ કોઇપણ પ્રકારની ઈજા ખેલાડીનો ક્લાસ દૂર નથી કરી શકતી એ હકીકત છે. જોકોવિચે 2008 થી 2016 એમ 9 Australian Open માંથી 6 વખત (2008, 2011, 2012, 2013, 2015 અને 2016) તેને જીતી છે. આ વખતે માત્ર તેની ઈજાને ખ્યાલમાં રાખીને એવું લાગી રહ્યું છે કે જોકોવિચ એટલીસ્ટ સેમીફાઈનલ સુધી તો પહોંચશેજ.

આ ખેલાડીઓ પર પણ નજર રાખવી પડશે: એલેકઝાન્ડર ઝ્વેરેવ, ડોમિનિક થીએમ, નીક કીર્ગીઓસ, મરીન સીલીક, ડેવિડ ગોફીન, સ્ટેન વાવરીન્કા અને હુઆન માર્ટીન ડેલ પોટ્રો.

મહિલા ખેલાડીઓ વિષે વાત કરીએ તો રુમાનિયાની સીમોના હાલેપ જે આજે નંબર વનનું રેન્ક ધરાવે છે, અફકોર્સ સેરેના વિલિયમ્સની ગેરહાજરીમાં તેણે આ રેન્ક મેળવ્યો છે. ગયા વર્ષે એકપણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી નથી. આ ઉપરાંત તેણે ગતવર્ષે મેડ્રીડમાં માત્ર એક WTA અને આ વર્ષે ચીનના શેનઝેનમાં ટુર્નામેન્ટ જીતી છે. આમ તેનું ફોર્મ ખાસ રહ્યું નથી, પરંતુ તેને એમ સાવ અવગણી શકાય તેમ પણ નથી. તો નંબર બે કેરોલીન વોઝ્નીયાકીની હાલત પણ હાલેપ કરતા સાવ જુદી નથી. તેણે પણ ગત વર્ષે એકપણ ગ્રાન્ડસ્લેમ જીત્યું નથી અને WTA સર્કીટમાં માત્ર બે ટુર્નામેન્ટ જીતી હતી.

ગયા વર્ષે વિમ્બલ્ડન જીતનાર સ્પેનની ગરબૈન મુગુરુઝા કદાચ વાઈલ્ડ કાર્ડ સાબિત થઇ શકે તેમ છે. ગત Australian Open માં તે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચીને ફ્રેંચ ઓપનમાં ચોથા જ રાઉન્ડમાં ફેંકાઈ ગઈ હતી. પરંતુ બાદમાં તે વિમ્બલ્ડન જીતી ગઈ હતી.

આમ પુરુષોની સરખામણીએ મહિલા ખેલાડીઓમાં આ વર્ષે ભવ્ય ઇતિહાસનો દુષ્કાળ છે. પરંતુ તેમછતાં ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં જ્યારે સેરેના વિલિયમ્સ જેવી ખેલાડી ગેરહાજર હશે ત્યારે આ તમામ ખેલાડીઓ છેક છેલ્લે સુધી પહોંચવાની તમામ કોશિશો જરૂરથી કરશે.

આ ખેલાડીઓ પર પણ નજર રહેશે: વિનસ વિલિયમ્સ, હેલેના ઓસ્ટાપેન્કો, યોહાના કોન્ટા, સ્લોઆન સ્ટીફન્સ, એશ્લે બાર્ટી, ડારીયા ગાવરીલોવા અને એન્જેલીક કેર્બર.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here