જય જય WhatsApp સરકાર !!

1
309
Photo Courtesy: asianage.com

છેલ્લા ઘણા સમયથી એટલે આમતો જોઈએ તો NDA સરકારે જ્યારથી દેશની સત્તા હાથમાં લીધી છે તેના અમુક જ મહિનાઓ બાદથી આપણા દેશમાં એક પેરેલલ સરકાર ઉભી થઇ છે જે WhatsApp સરકાર તરીકે ઓળખાય તે વધુ યોગ્ય છે. આ એવી સરકાર છે જે ભારત સરકારે જે નિર્ણયો નથી લીધા તેને લઇ લે છે અને સોશિયલ મીડિયા દ્વારા પ્રજા સમક્ષ જાહેર કરી દે છે. આ એવી સરકાર છે જેને પ્રજાની સુખાકારીમાં કોઈજ રસ નથી પરંતુ પ્રજા દુઃખી થઈને તેનામાં હાલની કેન્દ્ર સરકાર વિરુદ્ધ કેમ રોષ ફેલાય એ જોવાનું છે. આ એક એવી સરકાર છે જેના જુઠ્ઠાણાં આગળ મજબૂતીથી ફેલાવવામાં દેશના કેટલાક ઉદારવાદી સામ્યવાદી પત્રકારો પણ છાની રીતે મદદ કરતા હોય છે.

આજે આપણે આ WhatsApp સરકારના કેટલાક એવા નિર્ણયો પર વિશિષ્ટ છણાવટ કરીશું જે નિર્ણયો હજી બે દિવસ અગાઉ સુધી મોદી સરકારના નામે સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા હતા અને તેનો સોશિયલ મીડિયા પર ચોવીસ કલાક હાજર એવી ભારતની ‘બુદ્ધિશાળી પ્રજા’એ સ્વીકારી પણ લીધા હતા. આટલું ઓછું હોય એમ અમુક અખબારોએ તો આ WhatsApp સરકારના નિર્ણયને ખરા બતાવીને છાપી પણ દીધા હતા. તો ચાલો એક પછી એક આપણી WhatsApp સરકારના નિર્ણયો વિષે ડીટેઇલમાં વાત કરીએ.

Photo Courtesy: asianage.com

તહેવારો પર ટ્રેનના ભાડા વધારવાની દરખાસ્ત

ગયા વર્ષે લગભગ દિવાળીના સમયમાં આવો મેસેજ WhatsApp સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો હતો. પેરેલલ સરકારના આ નિર્ણય અનુસાર ભારતીય રેલવેના ત્રણ ઝોનના મુખ્ય અધિકારીઓએ ભેગા થઈને સરકારને દરખાસ્ત કરી છે કે આવનારા તહેવારો દરમ્યાન ટીકીટના દર વધારી દેવામાં આવે જેથી રેલવેની આવકમાં વધારો થાય અને ભીડ પર કાબુ મેળવી શકાય.

પહેલી નજરે જ ખોટા લાગતા આ સમાચારને લીધે દેશમાં અને ખાસકરીને ઉત્તર ભારતમાં જ્યાં છઠનો તહેવાર અત્યંત મહત્ત્વ ધરાવે છે ત્યાં પેનિક ફેલાયું. લોકોએ કેન્દ્ર સરકારને મન ભરીને ગાળો દીધી પણ એકવાર પણ આ સમાચાર સાચા છે કે કેમ તેની કોઈજ ચકાસણી કરી નહીં. મજાની વાત એ છે કે સત્યની સાથે હોવાનો દાવો કરતી એક-બે ચેનલે તો આ સમાચારને પ્રસારિત પણ કરી દીધા હતા. છેવટે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આગળ આવવું પડ્યું અને આ ખબરનું ખંડન કર્યું.

ચેકથી વ્યવહારો બંધ થાય છે

નોટબંધી બાદ સરકાર હવે દેશભરમાં માત્ર સંપૂર્ણ ડિજીટલ વ્યવહારો જ થાય તે નિશ્ચિત કરી રહી છે અને આથી હવે બેન્કોની તમારી ચેકબુકો સાવ બંધ કરી દેવામાં આવશે. અત્યારે જે તમારી પાસે ચેકબુક પડી છે એને અમુકતમુક સમય પહેલા વાપરી નાખજો નહીં તો એ પસ્તી થઇ જશે પસ્તી! આવો એક નિર્ણય પણ અમુક મહિનાઓ પહેલા આપણી WhatsApp સરકાર દ્વારા  લઇ લેવાયો હતો. જેવા આ સમાચાર વાયરલ થયા કે લોકોએ (Thankfully) પોતપોતાની બેન્કો તરફ દોટ મૂકી અને જ્યારે તેમની બેન્કના મેનેજરે કહ્યું કે આવો કોઈજ નિર્દેશ એમને RBI તરફથી મળ્યો નથી ત્યારે તેમને હાશ થઇ હતી. જો કે સરકારના નાણા મંત્રાલયે પણ બાદમાં ચોખવટ કરવી પડી હતી.

સરકારનું FRDI બીલ બેન્કમાં રહેલા તમારા નાણા જપ્ત કરી લેશે

WhatsApp સરકાર દ્વારા દેશમાં જબરદસ્ત પેનિક ફેલાવવા માટે એક સારી ભાવનાથી ઘડવામાં આવેલા કાયદાની ઐસીતૈસી કરી નાખી હતી. કંપની સરકારના આ નિર્ણય અનુસાર સરકાર જે નવું FRDI બીલ લાવી રહી છે તેની એક કલમ મુજબ ભવિષ્યમાં જો તમારી બેન્ક ફડચામાં જાય તો તમારા જે કોઇપણ રૂપિયા એ સમયે બેન્કમાં હોય એ સરકારના અને તમે તાત્કાલિક અસરથી નાણા વગરના નાથીયા. લોકોએ વળી તરત આ સમાચાર માની પણ લીધા અને અમુક રાજકીય નેતાઓએ પણ, જે દેશના માનનીય સાંસદો છે, તેમણે પણ આ અફવાને હવા દેવામાં જરાય કચાશ રાખી ન હતી. આ એ સમય હતો જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચાર ચરમસીમા પર હતો એટલે કદાચ એ નેતાજીઓ લોકોમાં કેન્દ્ર સરકાર જેટલો પણ રોષ ઉભો થાય તેને એનકેશ કરવા માંગતા હશે એ શક્ય છે.

અલ્યા જરાક તો વિચાર કરો! આવો સાવ મૂર્ખા ટાઈપનો નિર્ણય કોઈ દેશની લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકાર લઇ શકે? લઇ શકે જો તેણે આવનારી ચૂંટણી બાદ ઘરે બેસવું હોય તો. જેમને પણ FRDI બીલ વિષે થોડી પણ માહિતી હશે તે પેલી WhatsApp સરકારના નિર્ણયથી જરૂર હસ્યો હશે. આ કાયદામાં ઉલટું એવી ભાવના રાખવામાં આવી છે કે જો કોઈ બેન્ક ખરેખર ફડચામાં જાય તો ગ્રાહકનું હિત સૌથી પહેલા જાળવવું. પણ આપણે તો વગર વાંચે અને સમજે બસ દેઠોક ચલાવો.

2000ની નોટ બંધ થાય છે અને 500ની પણ થશે

સહુથી હસવું આવે તેવો WhatsApp સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય હતો. આ સમાચાર તો મેં જાતે એક આગેવાન ગુજરાતી સમાચારપત્રમાં બોક્સ સ્વરૂપે વાંચ્યા હતા અને ત્યારે પણ મને હસવું આવ્યું હતું. એ WhatsApp મેસેજ અને પેલા સમાચારપત્રના સમાચાર અનુસાર અમુક જ દિવસોમાં ભારતદેશમાં એક સવાર એવી ઉગશે કે જ્યારે રૂ. 2000ની નોટ આજથી બંધ એવો એક નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. થોડા મહિના બાદ આવી જ એક અન્ય સવાર એવી ઉગશે જ્યારે 500ની નોટ પણ બંધ કરી દેવાશે.

ફોરવર્ડને તો છોડો કારણકે એ લખનારમાં અમસ્તીયે કોઈ અક્કલ  હોતી નથી પરંતુ અખબારમાં આ પ્રકારના પેનિક ફેલાવતા લોકોમાં તો અક્કલ ઠાંસીઠાંસીને ભરેલી હોય છે એમણે પણ જાણીજોઈને નોટ પાછી ખેંચાય છે એમ નહોતું લખ્યું. નોટ બંધ કેમ થાય છે એ આપણે 2016માં જોઈ ચૂક્યા છીએ, પણ સરકાર ઈચ્છે તો નોટ પાછી પણ ખેંચી શકે છે અને એ આખીયે અલગ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમ્યાન નોટબંધીની માફક આપણે બેન્કમાં દોડવું પડતું નથી. રીઝર્વ બેન્કમાંથી નીકળેલી એક  નોટ જેને સરકાર પાછી ખેંચવા માંગે છે એ પચાસ વર્ષે પણ જ્યારે રીઝર્વ બેન્ક પાસે પાછી આવે ત્યારે તેને ફરીથી તે સર્ક્યુલેશનમાં ન મૂકે તેને નોટ પાછી ખેંચી એમ કહેવાય. પણ અત્યારની કેન્દ્ર સરકારને પોતાની પર્સનલ દુશ્મન માની ચૂકેલા આપણા અખબારોએ જાણીજોઈને આ રીતે સમાચાર છાપ્યા ન હતા. જો કે બાદમાં નાણામંત્રી અરુણ જેટલીએ ખુદ મીડિયાને બોલાવીને સ્પષ્ટ કર્યું હતું કે તેમની આવી કોઈજ યોજના (નોટો પરત ખેંચવાની પણ) નથી.

બેન્કો પોતાના ચાર્જીસ વધારી રહી છે

આ છે આપણી WhatsApp સરકાર દ્વારા લેવામાં આવેલો લેટેસ્ટ નિર્ણય. લગભગ ત્રણેક અઠવાડિયાથી એવો મેસેજ એટલો બધો વાયરલ થયો હતો કે આપણી બેન્કો આપણને આપતી તમામ સુવિધાઓ પર ચાર્જ લગાવશે અને એવો ચાર્જ કે તમારે બેન્કનું ખાતું બંધ કરીને ઘરે જ પૈસા રાખવા પડશે. એટલીસ્ટ આ મેસેજ જેણે પણ લખ્યો હશે એની અક્કલને અને મહેનતને ખરેખર દાદ આપવી પડશે કારણકે એણે ખૂબ વિચારીને આ પ્રકારનો મેસેજ તૈયાર કર્યો હતો કે વાંચનારના ગળે શીરાની જેમ ઉતરી જ જાય.

પરંતુ જો તમે તમારા મગજને સહેજ તકલીફ આપશો તો તમને યાદ આવશે કે નોટબંધીની અસર જ્યારે ઓછી થવા લાગી ત્યારે પણ આ પ્રકારનો અથવાતો આ જ મેસેજ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યો હતો. ટૂંકમાં કહીએ તો હજી એ મેસેજને સરકારે નકાર્યાને એક વર્ષ પણ નહોતું થયું કે એનો એ જ મેસેજ ફરીથી વાયરલ થયો અથવાતો પેલું થાય છે ને કે ફલાણો બાળક ખોવાઈ ગયો છે એનો મેસેજ પાંચ વર્ષ સુધી ફરે રાખે એવી રીતે કોઈના હાથમાં મોડેકથી આ મેસેજ આવ્યો હશે તો એણે સમાજના ભલા માટે તેને આગળ મોકલ્યો હશે અને ફરીથી તે વાયરલ થઇ ગયો હોય એવી શક્યતાને પણ નકારી ન શકાય. જો શાંતિથી વિચારીએ તો આ પ્રકારના કડક નિર્ણયો બેન્કોને જ પ્રજામાં અળખામણી કરી દે અને તેના થકી સરકાર પણ અળખામણી થઇ જાય, તો કોઇપણ હોશિયાર વ્યક્તિ આવો નિર્ણય શા માટે લે? આ મેસેજ ફોરવર્ડ કરતા અગાઉ આપણે બસ આટલુંજ વિચારવાનું હતું.

વારેતહેવારે ભારતીય પ્રજાને દેશપ્રેમની લાગણી માત્ર WhatsApp પર ધરાવતી હોવાનો આરોપ મૂકી તેને અક્કલની ઓથમીર ગણાવતા આપણા મહાન કોલમકારો આ સમયે ખબર નહીં પણ કેમ પોતાનું મોઢું સીવી લે છે. ખરેખર તો જો તેઓ દેશમાં બનતી કોઇપણ ઘટના અંગે WhatsApp પર ફરતા મેસેજોને સાચા ન માનીને પહેલા તેની કોઈ વિશ્વાસપાત્ર વેબસાઈટ પર ખરાઈ કરવાની સલાહ આપતા હોય તો આવા દેશમાં અરાજકતા ફેલાવતા મેસેજોની ખરાઈ પણ કરી લેવાની સલાહ આપતા કેમ ડરતા હશે? ખરેખર તો એમણે અમુક સમયે ઉછળી ઉછળીને તમામ ભારતીયોને માત્ર મૂર્ખાઈના રંગે રંગવા માટે જે મહેનત કરે છે એવી જ મહેનત આવા લોજીકથી હજારો કિલોમીટર દૂર રહેલી અફવાઓને તોડી પાડવા માટે પણ કરવી જોઈએ. પણ જો એવું કરે અને એમની ભૂલને લીધે ક્યાંક ભારતીયોમાં જાગૃતિ આવી જાય તો એમને મૂર્ખા, દંભી, સ્વાર્થી કહીને એમના ચોક્કસ ઓડીયન્સ સામે ખીખીયાટા કરવાની એમની મજા પણ સ્વર્ગવાસી થઇ જાયને?

સૌથી વધારે શંકા એ બાબતની જાય છે કે અવારનવાર અને સમયાંતરે આ પ્રકારના ખોટા મેસેજો વાયરલ કરાવવા પાછળ કોઈ વિચારીને અપનાવવામાં આવેલી રણનીતિ તો નથીને? ભારતના રાજકીય માનચિત્ર પર અત્યારે ભારતીય જનતા પાર્ટી છવાઈ ગઈ છે અને કેન્દ્ર સરકાર સામેનો વિરોધ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વધારે દેખાઈ રહ્યો છે અને જમીન પર સાવ ઓછો. ગુજરાતના પરિણામોથી એક બાબત સાબિત થઇ ગઈ છે કે લોકો કદાચ ભાજપથી નારાજ હશે પણ હજીસુધી તો તેને સત્તા સોંપવામાં તેને કોઈ વાંધો નથી. તો આવનારા સમયમાં પ્રજાના માનસ પરથી ભાજપની પકડ નબળી થાય એવા કોઈજ ઉજળા સંજોગો ન દેખાતા પ્રજા આવી રીતે અફવાઓ દ્વારા દોરવાઈ જઈને તેનાથી રોષિત થાય અને દેશમાં અરાજકતા ફેલાય એવો કોઈ ખતરનાક વિચાર તો દેશમાં ઉભો નથી થઇ રહ્યો? રાજકારણમાં ગમેતે શક્ય હોય છે.

દયા એ લોકો પર આવે છે જે બધુંજ જાણે છે અને આમતો તેઓ બધા જ્ઞાની પણ છે. આ બધા જ સૂપેરે જ્ઞાત હોય છે કે ઉપર જણાવેલા કોઇપણ નિર્ણય કાં તો સાચા નથી અથવાતો એવા નિર્ણય લેવા કોઇપણ સરકાર માટે શક્ય નથી. પરંતુ આ લોકો માત્ર ચૂપ ન રહેતા આવા મેસેજોને માર્કેટ મેં નયા આયા હૈ ની માફક વધુને વધુ ફોરવર્ડ કરે છે, કેમ? કારણકે તેમને નરેન્દ્ર મોદીનો ચહેરો નથી ગમતો. કારણકે તેમણે 2014માં નરેન્દ્ર મોદીને મત નથી આપ્યો. કારણકે તેમને નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન છે એ પસંદ નથી. કારણકે તેમનું એવું માનવું છે કે જે દેશની પ્રજા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી શકતી હોય એ તો દુઃખી થવાને લાયક જ છે ભલેને અમુક દિવસ. આમ પોતાના અંગત મોદીદ્વેષને લીધે તેઓ આ પ્રકારની અફવાગ્રસ્ત સૂચનાઓ ફેલાવતા રહે છે અને એપણ જોરશોરથી અને દેશની કુસેવા કરતા રહે છે.

શીખવાનું આપણે જ છે. ઉપર જે પાંચ દાખલા આપવામાં આવ્યા છે તે આ શીખવા માટેના સોલીડ કારણ પણ છે. સહુથી પહેલા તો આપણે આ પ્રકારના WhatsApp મેસેજ જે પહેલી નજરે ભલે સાચા લાગતા હોય તો પણ પહેલા તો આપણે જ્યાં સુધી એ અંગે ચારેય બાજુએથી ચોક્કસ ન હોઈએ ત્યાંસુધી તેને આગળ મોકલવાનું બંધ કરીએ. પહેલા આપણે ચોક્કસ થઈએ પછીજ જો તે સત્ય હોય તો જ તેને આપણી કોઈજ કમેન્ટ ઉમેર્યા વગર ફેલાવીએ. અને જો સત્યતાની જાતતપાસ કર્યા બાદ આ પ્રકારના મેસેજ ખોટા સાબિત થાય તો જેમણે તમને આ મેસેજ મોકલ્યો છે તેને આ મેસેજ ખોટો હોવાનું આપણી પાસે રહેલું સાચું કારણ બતાવીને તેને હવે એ કારણો પણ એ લોકોને ફોરવર્ડ કરવાનું કહો જે લોકોને તેણે પેલો ખોટો મેસેજ ફોરવર્ડ કર્યો હતો. આ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા માધ્યમો જ્યાં તમે એક્ટીવ છો ત્યાં તમે જાતેજ આગળ આવો અને એક પોસ્ટ મૂકો અથવાતો ટ્વીટ કરો કે આવો કોઈ મેસેજ આવ્યો હોય તો એને માનશો નહીં કારણકે તેના આ પ્રકારના કારણો છે જેને તમે જાતે તપાસી લીધા છે.

હા અસત્યની જેમ સત્યને ફેલાતા વાર લાગશે, પણ મોટું પુણ્ય કમાવા જરૂર મળશે, કારણકે જેમને પેલા ખોટા મેસેજીઝથી જરાક પણ તકલીફ પડી હશે એમને માનસિક શાંતિ થશે અને તે તમને આશિર્વાદ જરૂર આપશે.

આચારસંહિતા

સવાલ: “WhatsApp સરકારના એક યુગપ્રવર્તક નિર્ણય અંગે અમને જણાવશો?”

પતુભાઈ: “નરેન્દ્રભાય સત્તા પર આવશે તો ઈ દરેકના ખાતામાં પંદર-પંદર લાખ જમા કરશે ઈ નિર્ણય!”

૧૧.૦૧.૨૦૧૮, ગુરુવાર

અમદાવાદ

eછાપું

1 COMMENT

  1. જબરું વિશ્લેષણ કરીને લેખ લખ્યો છે. વોટ્સએપમાં આવતા પોણા ભાગના સમાચારો અને આગાહીઓ અફવાઓ જ હોય છે તે જાણ્યા બાદ પણ લોકો તેની પર સરળતાથી ભરોસો કરીને ગેરમાર્ગે દોરવાઈ જાય છે તે આ પ્રજાનું બુદ્ધિ સ્તર ગણવું કે કેમ તે સમજાતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here