બાળપણની ઉતરાયણ

2
969
Photo Courtesy: picsart.com

આજે દરેક જણ એવું કહેતા જોવા મળે છે કે પહેલા જેવી ઉતરાયણ નથી રહી, આજકાલ પહેલા જેવી મજા નથી આવતી, ઉતરાયણમાં પહેલા એવું શું હતું કે જે આજની ઉતરાયણને પહેલાની ઉતરાયણ કરતા અલગ અને મજેદાર બનાવતું હતું ? તો આજે જાણીએ કે પહેલાની ઉતરાયણ એટલે કે આપણા બાળપણની 1990નાં દાયકાની ઉતરાયણ કેવી હતી?

Photo Courtesy: picsart.com

નરેન્દ્ર મોદી તો અત્યારે GST લાવ્યા જેમાં બધામાં ટેક્સ કપાઈ જાય. અમે તો બાળપણમાં જ આ GSTનો અમલ શરૂ કરી દીધો હતો ફક્ત એટલી ખબર નહોતી કે આને જ મોટા થઈને GST કહેવાશે. ધાબા પર પડેલી કોઈ પણ જુલ (કપાયેલા પતંગની દોરી) ને GST કાપ્યા પછી જ એટલે 28% જેટલી લુટી લીધા પછી જ ધાબા પરથી જવા દેતા. સરકાર આ GSTનો ઉપયોગ દેશના વિકાસ કાર્યોમાં કરે છે અને અમે લોકોની લુંટેલી GST દોરીનો ઉપયોગ પીલ્લું કે લચ્છો બનાવવા માટે કરતા અને એનાથીજ જ્યારે ફિરકી પતી જાય ત્યારે અમારા પર્સનલ વિકાસનો પતંગ ઉડાડતા હતા.

સ્વચ્છ ભારત અભિયાન તો અમે બાળપણમાં જ શરૂ કરી દીધું હતું. આજના બાળકો ફાટેલો પતંગ અને દોરીનું ગુચ્ચ્મ ધાબા પરથી નીચે નાખી દે છે જ્યારે અમે એવું ક્યારેય નહોતા કરતા. અમે ફાટેલો પતંગ હોય તો પહેલા તો જ્યાં સુધી એને ભાત વડે સાંધી શકાય એવો હોય ત્યાં સુધી સાંધતા. પછી પણ સાવ ફાટી જાય એટલે એના કાગળનો ઉપયોગ પીલ્લું બનાવવા અથવા તો બીજા પતંગ પર એ કાગળ ચોટાડવા વાપરતા. તદઉપરાંત એની સળકડીમાંથી પણ તીર-કમાન બનાવીને મહિનાઓ સુધી રમતા. વળી ગુચ્ચમ તો ઉકેલવી જ પડે, દોરી તો ફેકાય જ નહિ ભલે ગુચ્ચમ ઉકેલતા ગાંઠોડીયા દોરી થઇ જાય તો એને પણ પિલ્લામાં લપેટી દેતા ટૂંકમાં કશું પણ નકામું જતું નહી અને ભૂલથી દોરીના ટુકડા રહી જાય તો એનાથી પણ “આઈ જાઓ પાઈ જાઓ ઘચ્ચર કાંડા લડાઈ જાઓ” એમ કહીને ઘચ્ચર કાંડા રમી લેતા.

અમારા માટે દાન પુણ્યનો પણ એટલો જ મહિમા હતો. આજકાલ તો દસ રૂપિયાનાં સિક્કા આવી ગયા એટલે સારૂ છે અમે તો ૨૫ પૈસાનો સિક્કો મેળવવા પણ બાળપણમાં તલના પથ્થર જેવા લાડુ ખાઈ જતા જેથી એની વચ્ચે છુપાયેલો ૨૫ પૈસાનો સિક્કો મળે. અત્યારે તો શેરડી છોલેલી તૈયાર મળે છે એ વખતે શેરડી છોલવામાં પણ અમારી અડધી ઉતરાયણ પસાર થઇ જતી, બોર મોઢામાં ભરી રાખીને પણ પતંગ તો ચગાવતું જ રહેવાનું.

નાના હતા એટલે ઘણી વાર બાબલો પતંગ અથવા તો નાના પતંગ લાવી અપાતા. તમને કહું કે આ બાબલો પતંગ ચાગાવવો એ ઢાલ ચગાવવા કરતા પણ અઘરી બાબત છે. તમારા હાથ ખભાથી છુટા પડી જાય ત્યાં સુધી ઠુમકા મારો તોય આ બાબલો પતંગ તો ના જ ચગે. ઉતરાયણમાં ફટાકડા ફોડવાનો તો રિવાજ જ નહતો, રાત-રાત સુધી પતંગ આખા દિવસમાં શોધેલા સ્થિર પતંગ પર સાત તુકકલ આઠ તુક્કલ લગાવીને ઉડાડતા હતા અને એકાદ તુક્કલ કાપવા મળે તો જાણે જંગ જીત્યા હોય એવી ફિલીગ આવતી. એક અઠવાડિયા સુધી સ્કુલમાં બધાને સ્ટોરી કહેતા કે મેં તો તુક્કલ કાપી. આંગળીઓ બચાવાનું તો શીખ્યા જ નહોતા. હાથમાં દોરીથી જેટલા ચીરા પડ્યા હોય એ સ્કુલમાં બીજા દોસ્તોને બતાવતા જો મારી દોરી તો કેટલી પાકી હતી આખો હાથ જ ચિરાઈ ગયો છે. આમ, ચિરાયેલો હાથએ ઉતરાયણનું પર્વ કેટલુ શાનદાર ઉજવાયુ છે એનું પ્રતિક હતું.

ખરીદેલા પતંગ કરતા પકડેલા પતંગનો આનંદ નિરાળો હોય છે. અત્યારનાં બાળકોને કાળા પડી જવાની તેમજ પતંગ તો પકડાતા હશે જેવી વિચારસરણીથી તદન વિપરિત ઓગરાળા વાળા અને કાળા કાળા થઇ જઈએ તોય સોસાયટીની આસપાસ પતંગ પકડવા દોડતા રહેતા. સોસાયટીમાં પડેલા પતંગ માટે ધાબેથી નીચે ફટાકટ ઉતરવું પડે તોય ઉતરી જતા, ખાવાનું પણ યાદ ના આવતું બસ પતંગ પકડો ભલે એ પકડેલા પતંગ ના ચગાવીએ પણ પતંગ પકડવાનો એક અનોખો આનંદ હતો. પકડેલા પતંગ પર આર્ટ એન્ડ ક્રાફ્ટ તો કરવાનું જ. કાગળની પૂંછડી લગાવવાની અથવા તો બગડેલી ઓડિયો કેસેટની ટેપ પતંગ પાછળ લગાવવાની. લાબું પૂછડું બનાવીને એના પર જે આ પતંગ પકડશે એને ફલાણાનાં સમ અથવા કઈક નું કઈક લખીને મોકલતા .

અત્યારે તો ઝાડનાં અભાવે તેમજ ડીશ અને કેબલ વાયર સીધા DTHનાં કારણે પતંગ ચગાવો સહેલો પડે છે પણ એન્ટેનાં અને ઝાડમાંથી પતંગ બહાર કાઢીને ચગાવવો એ નાના બાળકોનાં ખેલ નહોતા તેમજ એટલા પતંગ ચગતા કે ધાબામાંથી પતંગ બહાર કાઢતા જ બે ચાર પેચા થઇ જતા. અત્યારે તો પેચા લેવા પણ દુર દુર સુધી પતંગ શોધવા જવું પડે છે .

આમ અમારી બાળપણની ઉતરાયણ એટલે હાલની ઉતરાયણ કરતા મજેદાર હતી કેમકે અમારે ખરેખર ઉતરાયણને જ માણવાની હતી. સોશિયલ મીડિયામાં ફક્ત ફોટા અપલોડ કરવા કે વોટ્સએપ ગુપમાં ફોટા શેર કરવા કે  ફેસબુક લાઈવ કરવા ઉતરાયણ ઉજ્વવાની પ્રથા નહતી એટલે બિન્દાસ બનીને ઉતરાયણને માણતા. આવો ફરી એક વાર બાળક બનીને ઉતરાયણને માણીએ.

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here