સ્પેનના બાર્સલોનામાં 26 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2018 નું આયોજન કરવામાં આવ્યું છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ એ GSMA દ્વારા મોબાઈલ તથા ટેક્નોલોજી માટે યોજાતી કોન્ફરન્સનું નામ છે. વિશ્વપ્રસિદ્ધ કંપનીઓ આ કોન્ફરન્સમાં પોતાના ફ્લેગશિપ અથવાતો આવનાર વર્ષમાં તેમના માટે અતિશય મહત્ત્વના રહેનાર મુખ્ય મોડેલને લોન્ચ કરે છે તથા આવનાર વર્ષમાં કંપનીની શું સ્ટ્રેટર્જી રહશે તે વિષે અઢળક ચર્ચાઓ કરે છે. સોફ્ટવેર્સ, ગેઇમ્સ તથા અન્ય ઓપરેટિંગ સિસ્ટમ્સને રિલેટેડ પણ ઘણા વર્કશોપ્સ અહીંયા થતા હોય છે. એક રીતે એમ કહી શકાય કે મોબાઈલ અને ટેક્નોલોજીના માંધાતાઓનો મેળો ભરાય છે. આ વર્ષે યોજાનારી કોન્ફરન્સના મુખ્ય લોન્ચ પર આપણે આજે ચર્ચા કરીશું.

Blackberry
કેનેડાની RIM એટલે કે Research In Motion જે બ્લેકબેરીનું મૂળ નામ છે તેમને તો ઘણા સમયથી પોતાની બ્રાન્ડ હેઠળ ફોન બનાવવાનું બંધ કરી અને TCL ને લાઇસન્સ આપી દીધું છે પરંતુ કંપની મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ દરમ્યાન આ વર્ષે કમ સે કમ 2 નવા ફોન લોન્ચ કરવાનો નિર્ણય કરી ચુકી છે. જોકે આ બને ફોન બાબતે કંપનીએ ભારે ગુપ્તતા જાળવી છે અને એટલું જ કહી શકાય કે બંને ફૂલ ટચ સ્ક્રીન હશે તે નક્કી છે. ઓપરેટિંગ સિસ્ટમ બાબતે હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી.
છેલ્લા ઘણા વર્ષોથી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ હંમેશા ગુગલ માટે સારું પરિણામ આપનારી રહી છે. પોતાના એન્ડ્રોઇડ પાર્ટનર્સ સાથે નવા ફોન લોન્ચ કરવા હોય કે SIRI ને ટક્કર આપતું ગુગલ આસિસ્ટન્સ મેદાનમાં મૂકવું હોય, દરેક વખતે ગુગલને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનો ફાયદો થયો છે. આ વર્ષે પણ ગુગલ આસિસ્ટન્સ તથા Pixel સિરીઝના ફોન્સને લઈને ગુગલ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં તરખાટ મચાવશે.
HTC
આમ તો HTC દ્વારા મોટેભાગે તેમના આવનારા ફોનની મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં માત્ર ને માત્ર જાહેરાત જ થતી હોય છે અને લોન્ચિંગ માટે સ્પેશિયલ ઓનલાઇન ઇવેન્ટનું આયોજન થતું હોય છે તેમ છતાં આ વર્ષના ગણગણાટ મુજબ HTC U12 ને આ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં ખુલ્લો મૂકે તેવી શક્યતાઓ છે. HTC U12 વિષે અત્યારે માત્ર એટલું કહી શકાય કે તે પણ અત્યારના ટ્રેન્ડ મુજબ ડ્યુઅલ કેમેરા ફોન છે.
Huawei
Huawei માટે પણ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2018 ખુબ જ સારું રહ્યું હતું. P10 P10 Plus તથા Huawei Watch 2 ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યા હતા અને કંપનીને ખુબ જ સારી પ્રતિસાદ મળ્યો હતો, જોકે આ વર્ષે કંપની Huawei P20 મોડેલ લોન્ચ કરે તેની શક્યતાઓ છે. Huawei P20 તમને 40 મેગાપિક્સલ નો કેમેરા આપશે તથા 5X Hybrid Zoom અને ફ્રન્ટ કેમેરામાં Advance 3D Depth સેન્સ પણ આપશે જે તમારા સેલ્ફીને તો આકર્ષક બનાવશે જ પરંતુ ફોનના સિક્યોરિટી માટે પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવશે.
Motorola
Motorola દ્વારા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં તો જાહેરાત કરી હતી કે તેઓ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં કોઈ નવો ફોન લોન્ચ નહિ કરે પરંતુ તેઓ આ વર્ષે પણ X E અને G સિરીઝ હેઠળ નવા ફોન લોન્ચ કરે તેવી શક્યતાઓ છે. આ સિવાય Motorola દ્વારા આ વર્ષે Daydream VR Headset લોન્ચ કરવામાં આવશે જેમાં VR180 કેમેરા તથા સ્માર્ટ ડિસ્પ્લે હશે, કોઈ પણ VR એટલે કે વર્ચ્યુઅલ હેડસેટમાં સ્માર્ટ ડિસ્પ્લે અને કેમેરા હોય તેવું સૌપ્રથમ વખત થવા જઈ રહ્યું છે.
Nokia
હિન્દુસ્તાનની જનતાને મોબાઈલ ફોન એટલે શું એ જણાવનાર Nokia સમય સાથે ન ચાલવાને કારણે લગભગ મૃતઃપાય અવસ્થામાં હતી પરંતુ હવે તેઓ ફરી મોબાઈલ માર્કેટમાં પ્રવેશવા માંગે છે કે અને વર્ષમાં 2017 માં તો અઢળક ફોન લોન્ચ કરી નોકિયા એ રીતસરની ધૂમ મચાવેલી હતી. વર્ષ 2017માં Nokia 3310નું 4G વર્ઝન લોન્ચ કરે તેવી શક્યતાઓ નકારી શક્ય નહીં. આ સિવાય તાજેતરમાં ચીનમાં Nokia 6 લોન્ચ થયો તેનું ગ્લોબલ લોન્ચિંગ પણ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં શક્ય બની શકે છે.
Samsung
છેલ્લા ઘણા સમયથી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ના પ્રથમ દિવસે જ સેમસંગ તેના ફ્લેગશિપ ફોન લોન્ચ કરી બીજી કંપનીઓને ઝાંખી પાડી દે છે, વીતેલા વર્ષે S8 લોન્ચ નહીં કરી અને સેમસંગે તેને થોડો પાછળ ધકેલ્યો હતો પરંતુ આ વર્ષે તો Samsung પણ S9 અને S9+ લોન્ચ કરવા થનગની રહ્યું છે. ચોક્કસપણે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2018 Samsung ને નામ રહેશે તે નક્કી છે.
Sony
સોની દ્વારા 2017માં 4 નવા મોડેલ લોન્ચ થયા હતા અને આ વર્ષે પણ Sony Experia Series હેઠળ XA2 અને XA2 Ultra લોન્ચ કરવાનું છે. આ બંને મોડલ માટે અત્યારે એટલું કહી શકાય કે તમને એમાં 23 મેગાપિક્સલ નો કેમેરા મળશે અને તમને કંપની દ્વારા જ Android Oreo ઓપરેટિંગ સિસ્ટમ મળશે અને મુખ્ય મુદાની વાત એ છે કે આ બંને મોડલ તમને ૨૫૦૦૦ રૂપિયા સુધીના બજેટમાં મળી જશે.
ફાયનલ કનકલ્યુઝનની વાત કરીએ તો આ વર્ષે પણ Samsung મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ માં છવાઈ જશે તે નક્કી છે. S9 અને S9+ આ બંને મોડલ આ વર્ષના મુખ્ય આકર્ષણ રહેશે. આ સિવાય Motorola દ્વારા લોન્ચ થઇ રહેલ કેમેરા અને સ્માર્ટ ડિસ્પ્લે VR Headset આકર્ષણ નું કેન્દ્ર બનશે. જોકે MI અને OnePlus ની ગેરહાજરી પણ આ વર્ષે સ્પષ્ટ દેખાઈ રહી છે, તેમ છતાં કશું સરપ્રાઈઝ પેકેજ આપી બંને કંપનીઓ આપણને અચંબામાં નાખી શકે છે.
eછાપું