સફળતા કે નિષ્ફળતા પચાવવા પ્રિયંકા ચોપરા સમજાવે છે 12 નિયમો

2
332

પ્રિયંકા ચોપરા, એક અત્યંત જાણીતું નામ. મોડેલિંગ વર્લ્ડ હોય કે પછી બોલીવુડ અને હોલિવૂડ, બધે જ પોતાની સફળતાના ઝંડા ગાડતી આકર્ષક અભિનેત્રી. છેલ્લા ચારએક વર્ષથી અમેરિકાના ન્યુયોર્કમાં રહેતી આ અદાકારાની ઉપલબ્ધિઓ વિશે તો બહુ વાંચ્યું પણ એ ઉપલબ્ધિ પાછળના સાહસની વાત આજે કરીએ.

18 જુલાઈ, 1982માં જમશેદપુરમાં જન્મેલ પ્રિયંકા ચોપરા એ માત્ર 17 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડ 2000 નો ખિતાબ જીત્યો. માતા પિતા બંને ઇંડિયન આર્મી માં ડોક્ટર તરીકે ફરજ બજાવતા. પ્રિયંકા તેર વર્ષની ઉંમરે અમેરિકા અભ્યાસ માટે ગઈ અને તેના કહેવા મુજબ તેણે ત્યાં રેસીઝમનો પણ સામનો કરવો પડ્યો. આજે એ જ પ્રિયંકા ચોપરા એ Penguin Annual Lecture, Delhi માં આપેલી સ્પીચ પર પ્રકાશ પાડીએ તો કદાચ તેની શ્રેષ્ઠ આવૃત્તિને ઓળખતાં આપણને પણ વાર નહીં લાગે.

પોતાની સ્પીચની શરૂઆત તેણે ત્રણ પાવરફૂલ “F” થી કરી જેને તે પોતાની સફળતા પાછળનો શ્રેય આપે છે. “Being Fierce, Fearless and Flowed.”. પોતે   “Breaking The Glass Ceiling” માં નથી માનતી એમ જણાવતા તેણે કહ્યું કે આખા ગ્લાસ બોક્સને જ તોડો કેમ કે સફળતા નો કોઈજ માપદંડ નથી. આ વાત ચોક્કસપણે માનવી પડે કેમકે આજના ટેક્નોલોજીના જમાનામાં કુપમંડૂક તરીકે જીવતા લોકોની પણ કમી નથી. તો ચાલો, જાણીએ પ્રિયંકા ના સફળતા લક્ષી 12 નિયમો.

hindustantimes.com
  1. માત્ર અને માત્ર તમે જ

તમારામાં રહેલી વિશેષતાને ઓળખો જે તમને અનન્ય બનાવે છે. તમને જે જોઈએ છે, એની પાછળ ભાગો નહીં કે સમાજ તરફથી તમને કહેવામાં આવે કે તમારી પાસેથી આશા રાખવામાં આવે તેના માટે વ્યર્થ પ્રયાસ કરો. પરિવર્તનને સ્વીકારો. (જો કે સામાજીક જવાબદારી નીચે કચડાયેલા વર્ગ માટે આ એક વ્યથા છે.)

  1. તમારાં સ્વપ્નને પાંખો આપો

પ્રિયંકા ચોપરા કહે છે કે ભલે દૂર છે તમારી સફળતા, પણ એને પામવાના પ્રયાસો કરો. તમારા સફરમાં આવતી તમામ પ્રકારની તકને ઝડપી લ્યો. વારંવાર ન આવતી તકને ઓળખવી એ પણ એક અગત્યની વાત છે. નીડરપણે કોઈ પણ પ્રકારના સંજોગો નો સામનો કરવો પડે તો કરો. સફળતા દુર નથી.

  1. મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા દિલગીર ન બનો

મહત્વાકાંક્ષી બનવું એમાં કાંઈ ખોટું નથી. મુખ્યત્વે સ્ત્રી માટે. પોતાની કારકિર્દી, વ્યક્તિત્વ અને મહત્વાકાંક્ષા માટે દિલગીર ન થવાની પણ સલાહ તેણે આપી. જે  અત્યારની પેઢી માટે આવશ્યક છે.

  1. લોભી બનો

સ્વપ્ન પૂરાં કરવા અને ધ્યેય સિધ્ધ કરવા લોભી પણ બનવું પડે તો બનો. (બહુ સાચી સલાહ છે આ. પોતાનાં માટે સમય ન ફાળવતા લોકો જ્યારે વૃદ્ધાવસ્થામાં પહોંચે ત્યારે આ જ મુદ્દા પર વિચાર કરે છે કે અમે અમારી જિંદગી બીજા માટે જીવી અને પોતાનાં માટે તો સમય જ ન કાઢ્યો.)

  1. સમાધાન ન કરો

પ્રિયંકાના મતે કોઈ બીજી વ્યક્તિએ સેટ કરેલા બેંચમાર્ક્સ મુજબ જીવવા કરતા ખુદ એવા શિખર સર કરો કે તમને કોઈ સલાહ ન આપી શકે કે તમારું જીવન તમારે કેમ જીવવાનું છે. તમારા સપનાઓ સાકાર કરવા માટે મહેનત તમારે જ કરવાની છે અને સપના પણ તમારે જ પૂરા કરવાના છે.

  1. અસફળતા ને સ્વીકારો

પ્રિયંકા ચોપરા એ બાદમાં કહ્યું કે, અસફળતા કોને ગમે? પણ ક્યારેક એનો પણ સામનો કરવો પડે. અસફળતા ને પાછળ ધકેલી આગળ વધવું એ એક માત્ર વિકલ્પ છે.

  1. બહાદુર બનો

પ્રિયંકા ચોપરાએ તેના એતરાઝ મૂવીમાં એણે કરેલા નેગેટીવ રોલ, વુમન સેન્ટરિક મૂવી ફેશન અને પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચી Quantico સ્વીકારી બોલીવુડને અલવિદા કરવાના નિર્ણયોને યાદ કરતા જણાવ્યું કે એણે એક એવો જુગાર રમ્યો કે જે સમય જતાં તેની કારકિર્દીના સૌથી મહત્વના નિર્ણયો સાબિત થયા. વાત સો ટકા સાચી છે પ્રિયંકાની.

  1. તમારા ચાહકો ને ઓળખો

પ્રિયંકાએ કહ્યું કે તમારી આસપાસ પોઝીટીવ લોકો રાખો જેમ કે સાથી કલાકારો, ફ્રેન્ડ્સ, ફેમિલી વિગેરે કે જેઓ તમારામાં વિશ્વાસ ધરાવે નહીં કે વિશ્વાસઘાત કરે.

  1. તમે હંમેશા બધાને ખુશ ન કરી શકો

તમે ગમે તેટલું કરો પણ કોઈને કોઈ તો તમારાથી દુખી હશે જ. એટલે સોશિયલ મીડિયા ટ્રોલ્સ કે પછી કોઈ પણ પ્રકારની નેગેટીવ કમેંટને તમારી શાંતિ ભંગ ન કરવા દ્યો.

  1. તમારી જાતને બહુ સિરિયસલી ન લ્યો

અહીં પ્રિયંકાએ બહુ સરસ વાત કહી કે, અમુક સંજોગો, લાઇફ અને તમારી જાત પર ક્યારેક હસજો. દયાળુ બનવામાં મજા છે. કદાચ આ વાતને આપણે સિરિયસલી લઈએ તો કદાચ આપણે પણ સુખી થઈ જઈએ.

  1. સમાજને વળતર આપો

એક અત્યંત આવશ્યક મુદ્દો પ્રિયંકાએ છેડ્યો. એણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન કરતા પહેલા વિચારો. તમારાથી હંમેશા કોઈ ઓછું નસીબદાર છે માટે જે તમારી પાસે છે એના માટે આભારી રહો. સુપર્બ!! અડધો સમાજ તો આ એક નિયમ જો પાળે તો ન્યાલ થઈ જવાય.

  1. તમારા મૂળ ને ન ભૂલો

અને છેલ્લે પ્રિયંકા ચોપરા એ તેની સ્પીચ પુરી કરતા જણાવ્યું કે તમે ક્યાંથી આવ્યા છો તે કદી ન ભૂલો. તમારા મૂળને ન ભૂલો. આજના જમાનામાં જે ઉંચા શિખર સર કરે છે તેમાંથી કદાચ બહુ ઓછા લોકો આ વાત યાદ રાખે છે.

સફળતાનો આનંદ માણી રહેલી આ બિન્દાસ અભિનેત્રીએ જીવનનાં અને સફળતાનાં તમામ પાસા આપણી સમક્ષ રજૂ કર્યા. આશા રાખીએ કે આમાંથી થોડું જ્ઞાન આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ જેથી સફળતાની સીડી ચડવામાં સરળતા રહે.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: ટ્રિપલ તલાક અંગેના કાયદાના ડ્રાફ્ટના આ રહ્યા મહત્ત્વના મુદ્દાઓ

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here