ભલે વિશ્વના કેટલાક શક્તિશાળી દેશોમાંથી એક એવા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુ તેમની હાલની ભારત મુલાકાતને ઐતિહાસિક કહેતા હોય પરંતુ આપણી ‘મુખ્ય’ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ ને તેની બિલકુલ પડી નથી. માત્ર ભારતના સમાજની જ નહીં પરંતુ ભારતીય રાજકારણની પણ એક સંસ્કૃતિ રહી છે કે જ્યારે દેશની વાત આવે ત્યારે સૂર એક હોવો જોઈએ. હા, દેશની વિદેશનીતિની ટીકા જરૂર થાય પરંતુ તે કોઈ ખાસ મંચ જેવા કે સંસદ ભવનમાં.

પરંતુ, કોંગ્રેસ પાર્ટી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પરત મેળવવા સામે એક એવું વિઘ્ન બનીને સામે આવી ગયા છે કે જેને પાર પાડવા માટે તેમની પાસે હાલમાં તો કોઈજ તોડ નથી. પહેલા બહેરીનમાં ભારતીય સમાજની સમક્ષ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં છેલ્લા માત્ર ત્રણ જ વર્ષમાં ફેલાયેલી કહેવાતી અરાજકતા અને અસમાનતા અંગે બફાટ કર્યો અને હવે જ્યારે નેતનયાહુનું પ્લેન દિલ્હીથી અમુક કિલોમીટર જ દૂર હશે ત્યારે કોંગ્રેસના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ પરથી વડાપ્રધાનને અંગતરીતે ટાર્ગેટ કરતો એક બેહદ શરમજનક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો.
With Israeli PM Benjamin Netanyahu visiting India, we look forward to more hugs from PM Modi! #Hugplomacy pic.twitter.com/M3BKK2Mhmf
— Congress (@INCIndia) January 14, 2018
કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસી ટેકેદારો આ વિડીયોને વડાપ્રધાન મોદીની ટીકા તરીકે વર્ણવે છે પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઇપણ વ્યક્તિ આ વિડીયોમાં રહેલી નિમ્નતાને સૂપેરે પારખી શકે છે. વિડીયોમાં એવી ખાસ પળ શોધી શોધીને મૂકવામાં આવી છે જેના અસંખ્ય અર્થ કાઢી શકાય. એમાંય ‘ટાઈટેનિક મોમેન્ટ’ ને જે રીતે પેશ કરવામાં આવી છે તેનાથી એવું લાગે છે કે મોદીદ્વેષમાં કોંગ્રેસે નિમ્નકક્ષાના રાજકારણનું એક નવું તળિયું શોધી કાઢ્યું છે.
ઉપરોક્ત વિડીયો જ્યારે પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી આજે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યાંસુધી એ ટ્વીટર પર હજી પણ ટકી રહ્યો છે અને એ પણ સમગ્ર દેશમાંથી સોશિયલ મીડિયા તેમજ મીડિયાના અમુક ભાગમાંથી તેની ટીકા કરતો આક્રોશ બહાર આવ્યો ત્યારબાદ પણ. મણિશંકર ઐયરની ‘નીચ કમેન્ટ’ બાદ અમુક જ કલાકમાં તેમને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી કાઢી મુક્યા બાદ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ પોરસાઈ રહ્યા હતા, પરંતુ દેશના વડાપ્રધાન અંગે નિમ્નસ્તરનો વિડીયો 36 કલાક બાદ પણ એમનેમ ટકી રહ્યો છે એનો શું એ મતલબ કાઢી શકાય કે કોંગ્રેસ પ્રમુખના પણ આ વિડીયોને આશિર્વાદ મળેલા છે?
આગળ કહ્યું એમ સરકારની વિદેશનીતિ ખોટી લગતી હોય તો તેની ટીકા કરવાની કોઈને પણ છૂટ હોવી જોઈએ પરંતુ ભાષા અને સંદેશમાં શાલીનતા જરૂર હોવી જોઈએ ખાસકરીને જ્યારે કોઈ દેશના વડા તમારા દેશની મુલાકાતે આવેલા હોય. કદાચ કોંગ્રેસ સત્તા વગર રહી નથી શકતી અને એટલેજ રઘવાઈ થઇ છે.
eછાપું