શાંતિ મેળવવા આપણે અવળી દિશામાં તો નથી દોડી રહ્યા?

0
274
Photo Courtesy: shutterstock.com

તમને ખબર છે દુનિયાના સૌથી વધારે મેજિકલ ત્રણ શબ્દો કયા છે? તમારા મનમાં આવશે ‘આઈ લવ યુ’ રાઈટ? પણ ના. એ ત્રણ શબ્દો તો લોકોએ એટલા ચાવી નાખ્યા છે કે એમાંનું જે મેજિકલ તત્વ હતું એ ખવાઈને પચી ગયું છે. મારા મતે એ ત્રણ મેજિકલ શબ્દો છે ‘મારે શાંતિ છે’. જી હા! માણસ પ્રેમ વગર કદાચ જીવી પણ લે, ઘણાં જીવેય છે. પરંતુ શાંતિ વગર જીવવું લગભગ અસહ્ય છે. આપણે ગમે તે કરતા હોઈએ, ચાહે જોબ, ચાહે કોઈ નાનો મોટો ધંધો, અંતે આપણું પરમ ધ્યેય પ્રેમ કે રૂપિયા નહિ પણ શાંતિ મેળવવાનું જ હોય છે. રૂપિયા મેળવવાનું ધ્યેય એટલા માટે અંતિમ નથી લેખાતું કારણ કે રૂપિયાનો ઉપયોગ આપણે શાંતિ પ્રાપ્ત કરી લેવાના એક સાધન તરીકે કરીએ છીએ. શાંતિ એ કોઈ વસ્તુ  કે સ્થૂળ પદાર્થનું નામ નથી છતાંય એ મળી જાય, આપણે એને મેળવી લઈએ એ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. શાંતિ એક અવસ્થા છે જેની વ્યાખ્યા ન થઇ શકે. એને માત્ર અને માત્ર અનુભવી શકાય છે. કારણ કે શાંતિ એ ન્યુટન કે આઇન્સ્ટાઇનનો ભૌતિક શાસ્ત્રનો નિયમ નથી જે દરેક વ્યક્તિ માટે કે પદાર્થ માટે એકસરખો જ લાગુ પાડી શકાય!

Photo Courtesy: shutterstock.com

શાંતિની સંકલ્પના વૈયક્તિક છે. એ દરેક વ્યક્તિની પોતાની આગવી હોય છે. કોઈને એકલા રહેવાથી એ અવસ્થા પ્રાપ્ત થતી હોય, તો કોઈને એ માટે આસપાસ માણસોની વસ્તી અનિવાર્ય હોય. કોઈકને મન ભૌતિક સુખો જેવા કે ઘર, ગાડી અને ઘરવાળી મળી જવાથી શાંતિ મળતી હોય. કોઈ વ્યક્તિને ઘોંઘાટમાં પણ શાંતિનો અનુભવ થતો હોય, સમજો કે એને શાંતિને મળવા માટે ઘોંઘાટની હાજરી અનિવાર્ય થઇ પડતી હોય. કોઈને માત્ર પોતાની અને પોતાના પરિવારની જ શાંતિથી લેવાદેવા હોય તો કોઈ કોઈ વ્યક્તિ પોતાની સાથોસાથ આખા વિશ્વની શાંતિ માટેના પ્રયત્નો કરતુ હોય જેમને શાંતિનું નોબેલ પ્રાઈઝ પણ આપવામાં આવે છે. આમ દરેક વ્યક્તિને પોતાની આગવી અવસ્થાઓ છે જેમાં તેમને શાંતિની પ્રાપ્તિ હતી હોય. શાંતિના સામાન્ય રીતે પોતાના બે રૂપ છે : ભૌતિક અને માનસિક. ભૌતિક શાંતિમાં દરેક એવી વસ્તુનો સમાવેશ થાય છે જેની આપણે માલિકી ધરાવીએ છીએ. જેમ કે, ઘર, ગાડી, ઘરનું રાચરચીલું, જમીન, સોનું-ચાંદી અને બીજું ઘણુંબધું જેની યાદી બનાવવા જાઉં તો લગભગ એક ગ્રંથ લખાઈ જાય. માનસિક શાંતિનું હોવું એ આપણી આપણા ભીતરની શાંતિ છે. આમ જોવા જઈએ તો આ બંનેનો સીધો સંબંધ છે. કારણ કે આજકાલની લાઈફ સ્ટાઈલ જ એવી થઇ ગઈ છે કે ભૌતિક સુખોમાં કમી હોય તો માનસિક રીતે તમે શાંતિ મેળવી શકો એમ જ નથી. પણ, દરેક વખતે માનસિક શાંતિની પ્રાપ્તિ માટે ભૌતિક શાંતિ હોવી જ એવું જરૂરી નથી. હા, જો તમે માનસિક રીતે શાંત હશો તો ભૌતિક શાંતિની સાથે તમારે લેવાદેવા ઘટી જશે. ભૌતિક શાંતિ મેળવવા માટે, કહીશ કે જરૂર કરતા વધારે ભૌતિક શાંતિ મેળવવા માટેના પ્રયત્નો માનસિક શાંતિને હંમેશા લઈ ડૂબે છે. આને એક ઉદાહરણ દ્વારા સમજીએ.

માની લો કે તમે કોઈ મોટા શહેરની એક સોસાયટીમાં રહો છો. તમે તમારા ગજા પ્રમાણે ઘરમાં ફર્નીચર કરાવેલું છે અને તમારા ખિસ્સાને પરવડે એવી એક કાર પણ તમારી પાસે છે. તમે ભૌતિક અને માનસિક એમ બંને રીતે શાંતિ મેળવી લેવાના આરે જ છો અને એ જ અરસામાં તમારી સામેના ઘરમાં એક નવું ફેમીલી રહેવા આવે છે. જેમની નેટવર્થ તમારા કરતા વધુ છે. એમની પાસે મોંઘી ગાડી છે, એ માત્ર બ્રાન્ડેડ કપડાં જ પહેરે છે અને આખા ઘરમાં મેપલ વુડ ફલોરિંગ કરાવે છે. હવે જો આ બધું જોઇને તમે મનોમન પોતાની સ્થિતિ પ્રત્યે ધીમે ધીમે ઘૃણા પેદા થવા દો છો અને જેમ જેમ એ ઘૃણા વધતી જાય તેમ તેમ તમે શાંતિથી દુર થતા જાઓ છો અને એક પોઈન્ટ એવો આવે છે કે તમારે મન સામેવાળા કરતા ઊંચા રહેવું એ જ તમારી શાંતિની સંકલ્પના બની જાય છે. પછી તમારી હાલત તમે જાતે જ ધોબીના કુતરા જેવી કરી નાખો છો. ના ઘરના કે ન ઘાટના. શાંતિ એમ ક્યારેય કોઈને મળી નથી કે ન  તો આવી રીતે મળશે.

એક સિમ્પલ વિદ્યાર્થી લઇ લો જે આપણા સમાજનો જ એક હિસ્સો છે. “દસમામાં સારા ટકા લઇ આવ એટલે પછી તો શાંતિ જ છે” એવું સાંભળી સાંભળીને કાન પાકે પછી એવું જ બારમા ધોરણ માટે સાંભળે. પછી કોલેજ માટે, જોબ માટે, લગ્ન માટે, સેટલ થવા માટે એમ દરેક વાત પછી શાંતિ મળશે એવું વિચારે અને છેલ્લે ઘરના લોકો “સંતાન લઇ આવ એટલે શાંતિ” એમ કહે એ પછી એ જ છોકરો પોતાના સંતાનને ફરીથી એ જ ચગડોળમાં ફેરવે અને આ ચક્ર આમ ચાલ્યા જ કરે છે. શું આમ શાંતિ મળશે? કોઈ વાર આપણે આપણી જાતને પૂછ્યું છે ખરું? ના. આપણે બસ મંડી જ પડીએ છીએ પેલી સો કોલ્ડ (કહેવાતી) શાંતિની પાછળ દોટ મુકવામાં. જે ખરેખર તો ઝાંઝવાના નીર જેવી જ કાલ્પનિક છે. વાસ્તવિકતા સાથે એને કોસો દુર સુધી કોઈ જ સંબંધ નથી. શાંતિ તો એ છે જે તમને અંદરથી સમૃદ્ધ બનાવે. મનમાં કોઈ જ પ્રકારનો ઉચાટ ન રહે. તમે હરપળ પ્રફુલ્લિત રહો, ફ્રેશ રહો. પોતાના ગજા બહાર ન જઈને પણ પોતાના ગજામાં હોય એ બધું જ કરી છૂટવા માટે જી જાન લગાવી દો અને એ વાતનો તમને ખ્યાલ પણ રહે એ ક્ષણે થતો શાંતિનો અનુભવ શાશ્વત છે.

શાંતિ બજારમાં કિલોના ભાવે નથી વેચાતી. આમ જોવા જઈએ તો એ એક ખુબ જ કીમતી અનુભવ છે જે ફ્રીમાં મળશે કે એની કિંમત ચૂકવવી પડશે એ આપણો પોતાનો અભિગમ નક્કી કરે છે. આપણે ત્યાં પેલી એક બહુ પ્રખ્યાત કહેવત છે કે ‘મનથી માનો તો ઘરે જ મથુરા અને ઘરે જ કાશી’. આ કહેવતનો માર્મિક અર્થ એવો જ થાય છે કે જ્યાં જવા માટે તમે ઘણા બધા ઉધામા કરો છો એ અંતે તો તમારી નજીકમાં જ છે. એને અનુભવવાની જરૂર છે. આપણી આસપાસની પ્રકૃતિ પણ આપણને એ વાત શીખવી જાય છે. કોઈ વાર ફૂલને નજીકથી સાંભળવાનો પ્રયત્ન કરી જોયો છે? કોઈ વાર કોઈ ઝાડની ડાળી પરના પાંદડા પવનમાં લહેરાય એ ક્ષણના સાક્ષી બન્યા છો? બનવામાં તમારું કશું જવાનું નથી પણ એટલી ક્ષણો માટે તમને જે મળશે એ ક્યાંય વધારે મુલ્યવાન હશે. આપણે લોકો હંમેશા શાંતિને ઉધામા કરીને જ મેળવવાના પ્રયાસમાં એટલા રચ્યાપચ્યા રહીએ છીએ કે કોઈ નાના બાળકના સ્મિતને ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ. ખરેખર દિલ પર હાથ મુકીને કહેજો કે ‘શું આપણે ઉધામા કરીને શાંતિ મેળવવાની જગ્યાએ એને ખોઈ નથી રહ્યા હોતા?’

આચમન : “આપણી આસપાસ બધે જ શાંતિ હોય એવું જરૂરી નથી, ઓછામાં ઓછી આપણે શાંતિ રાખીએ એ વધારે જરૂરી છે. કારણ કે આપણો કંટ્રોલ માત્ર આપણી જ જાત ઉપર છે, બાકી આપણે તો જમવા માટે ય બીજાએ બનાવેલા વાસણો પર નિર્ભર રહીએ છીએ”  

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here