વાંચવામાં જરાક અસહજ મહેસૂસ થાય એવું છે. જરાક કડવું પણ લાગશે પરંતુ એ બાબતે હવે કોઈજ શંકા ન હોવી જોઈએ કે હાલમાં ચાલી રહેલી સેન્ચ્યુરીયન ટેસ્ટ જેનો ફેંસલો આજે સાંજ સુધીમાં આવી જવાનો છે તે આપણા ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલ માટે છેલ્લી ટેસ્ટ બની રહેશે. જો આમ ખરેખર થશે તો તેના માટે બીજો કોઈનો નહીં પરંતુ ખુદ પાર્થિવ પટેલનો જ વાંક હશે.

આમતો પાર્થિવને આ સીરીઝમાં મુખ્ય વિકેટકીપર વૃદ્ધિમાન સાહાના બેકઅપ તરીકે લઇ જવાયો હતો અને સાહા ઈજાગ્રસ્ત થતા બીજી ટેસ્ટમાં તેની જરૂર પણ પડી પરંતુ જેમ કાયમ પાર્થિવ પટેલ સાથે બનતું આવ્યું છે તેમ તેણે આ વખતે પણ પોતાને મળેલો મોકો બંને હાથે પકડવામાં નિષ્ફળતા મેળવી હતી. બીજી ઇનિંગમાં જ્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોઈ ખાસ ફેરફાર દેખાતો ન હતો ત્યારેજ ઓપનીંગ બેટ્સમેન ડીન એલ્ગરનો એક આસાન કેચ પાર્થિવે માત્ર છોડ્યો જ ન હતો પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ‘જવા દીધો હતો.’
પાર્થિવ સાથે એલ્ગરવાળી જે ઘટના બની એ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ પહેલવહેલી ઘટના તો નહોતી જ. જસપ્રીત બુમરાહના બોલને એલ્ગરનું બેટ અડ્યું અને પાર્થિવને એમ કે પહેલી સ્લીપમાં ઉભેલો ચેતેશ્વર પૂજારા કેચ કરશે અને પૂજારાને એમ કે પાર્થિવ કેચ કરશે. ઉપર જે ફોટો દેખાડ્યો છે એ કેચ જતા રહ્યા પછીની ક્ષણનો છે એટલે એ કોઈ અન્ય ચિત્ર જરૂર ઉપસાવી શકે પરંતુ જો આ ઘટનાનો રિપ્લે જોવામાં આવે તો તે આસાનીથી સમજી શકાય છે કે કેચ પાર્થિવ પટેલ નો જ હતો અને તેણે જ પકડવાનો હતો.
આ ટેસ્ટ શરુ થઇ તેના પહેલા જ દિવસે સંજય માંજરેકરે કમેન્ટ કરી હતી કે એવી ભાગ્યેજ કોઈ ટેસ્ટ હશે જેમાં પાર્થિવ પટેલ દ્વારા એટલીસ્ટ એક કેચ છોડવામાં ન આવ્યો હોય. પાર્થિવ પટેલ લડાયક મિજાજ ધરાવે છે, અને તેની બેટીંગે અમુક સમયે ભારતને બચાવ્યું પણ છે, પરંતુ વિકેટકીપરનું મુખ્ય કાર્ય કેચ કરવાનું અને સ્ટમ્પીંગ કરવાનું હોય છે જેમાં પાર્થિવ કોઈકવાર એવી ભૂલ કરી બેસે છે, બિલકુલ એલ્ગરના કેચ જેવી, કે પછી તેને સતત ટીમમાં રાખવાનું મેનેજમેન્ટ વિચારી શકતું નથી.
ત્રીજી ટેસ્ટ માટે દિનેશ કાર્તિકને સાઉથ આફ્રિકા બોલાવી લેવામાં આવ્યો છે જે સ્પષ્ટ કરે છે કે ટીમ મેનેજમેન્ટને એલ્ગરનો કેચ ડ્રોપ થયા બાદ હવે પાર્થિવ પટેલ પર ભરોસો રહ્યો નથી. એક સમય હતો જ્યારે પાર્થિવ પટેલ અને દિનેશ કાર્તિક ભારતના નંબર એક વિકેટકીપર તરીકે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા. પરંતુ અચાનકજ ઝારખંડ બાજુથી મહેન્દ્ર સિઘ ધોની નામનો જબરદસ્ત વંટોળિયો આવ્યો જેણે ભારતનો ક્રિકેટ ઈતિહાસ બદલી નાખ્યો અને આજે બાર વર્ષ પછી પણ આ બંને ભારતના સ્થાઈ વિકેટકીપર તરીકે સ્પર્ધા કરી રહ્યા છે.
ઉંમર હવે પાર્થિવ પટેલ સાથે નથી રહી અને હવે સિલેક્ટરો પણ સાહા, પાર્થિવ અને કાર્તિકથી આગળ જરૂર વિચારી રહ્યા હશેજ. જે રીતે પાર્થિવને આ સીરીઝમાંથી વિદાય આપવાની તૈયારી થઇ રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે સેન્ચ્યુરીયન ટેસ્ટ એ પાર્થિવ પટેલની છેલ્લી ટેસ્ટ છે.
eછાપું