શુભકાર્ય અગાઉ દહીં-સાકર ખાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

0
436
Photo Courtesy: shubhpuja.co

ભારતીય સંસ્કૃતિને ઉતારી પાડનારાઓ અને તેને દંભી ગણનારાઓ કાયમ આપણા રીતિરીવાજોની મશ્કરી ઉડાડતા હોય છે. આમાંથી એક રીવાજ છે કોઈપણ શુભ કાર્ય કરવા ઘરની બહાર નીકળતા અગાઉ દહીં-સાકર મિશ્રિત દ્રવ્ય ખાવાનો. આપણને યાદ જ છે કે મહત્ત્વની પરીક્ષાઓ જેવીકે દસમા, બારમા કે પછી કોલેજની પરીક્ષાનું દરેક પેપર આપવા જવા અગાઉ મમ્મી આપણને દહીં-સાકર મિશ્રિત આ દ્રાવ્ય ખવડાવ્યા વગર જવા દેતી ન હતી. મોટા થયા બાદ જ્યારે પણ આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ ત્યારે આ દ્રાવ્ય તે આપણને જરૂર ખવડાવતી.

Photo Courtesy: shubhpuja.co

જ્યારે પણ આપણે આમ કરવા પાછળનું કારણ જાણવાની કોશિશ કરતા ત્યારે એક જ જવાબ મળતો કે આમ થવાથી સફળતા મળે છે અથવાતો આમ કરવું શુભ છે. ભારતીય સંસ્કૃતિના ટીકાકારો ભલે આમ કરવાને અંધશ્રદ્ધા કહીને ઉતારી પાડતા હોય પરંતુ એક નવા અભ્યાસમાં જેમ કાયમ બનતું આવ્યું છે તેમ દહીં-સાકર યુક્ત મિશ્રણ ખાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ શોધી કાઢવામાં આવ્યું છે.

જેમ આપણે ત્યાં કહેવાય છે એમ “ભૂખે ભજન થાય નહીં ગોપાલા!” એ જ તર્જ પર કોઇપણ મહત્ત્વનું કામ કરવા જતા અગાઉ જો પેટ ભરેલું હોય તો પછી એ કાર્ય પર આપણું ધ્યાન બરોબર રહેતું હોય છે. આ ઉપરાંત ભૂતકાળમાં આજની જેમ બહાર ખાવાનું મળી શકે એવી દુકાનો કે હોટલો હતી નહીં અને જો એવું કશું હતું તો પણ બહાર ખાવાને વર્જ્ય માનવામાં આવતું. આથી ઘરેથી જ વાટકો ભરીને દહીં – સાકર ખાઈને લોકો પોતાના મહત્ત્વના કાર્યો પતાવવા નીકળતા જેથી પેટ ભરેલું રહે.

આ થયું દહીં-સાકર ખાવા પાછળનું તાર્કિક કારણ, હવે આવીએ પેલા અભ્યાસ અનુસાર જાણવા મળેલા વૈજ્ઞાનિક કારણ પર. વૈજ્ઞાનિકો ઉપરોક્ત તાર્કિક કારણનો જ સહારો લઈને કહે છે કે આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે દહીં-સાકર જ્યારે ભેગા થાય છે ત્યારે પેટમાં રહેલા એસીડ્સને ન્યુટ્રલ કરી દે છે. આમ થવાથી લાંબા સમયસુધી ભૂખ લગતી નથી. આટલું જ નહીં પરંતુ દહીં અને સાકરનું મિશ્રણ વ્યક્તિને ત્વરિત ઉર્જા પણ પૂરી પાડે છે જેથી તેનો થાક અથવાતો આળસ દૂર થાય છે અને તે ઉત્સાહભેર પોતાના કાર્ય કરવામાં લાગી પડે છે.

આમ ફરીએકવાર એ સાબિત થઇ ચૂક્યું છે કે લગભગ તમામ ભારતીય પરંપરા પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ રહેલું છે જે માત્ર તેને દંભી સાબિત કરનારાઓને જ નથી દેખાતી. દહીં-સાકર જ્યારે ભેગા થાય છે ત્યારે શરીરમાં ત્વરિત ઉર્જાનો સંચાર થતો હોવાથી જ પરીક્ષામાં પેપર લખવા જનારનું ધ્યાન માત્ર અને માત્ર પેપર લખવા પર જ રહે છે એમ પણ આપણે ઉપરોક્ત વૈજ્ઞાનિક અભ્યાસનો આધાર લઈને કહી શકીએ. પણ, હા પેપર સારું લખવા માટે વાંચવું પણ એટલુંજ જરૂરી છે હોં?

eછાપું

તમને ગમશે: મણિશંકર ઐયર – આમની જીભને તો આવી આદત પહેલેથી જ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here