ભારતીય ફિલ્મોના રસિયાઓને ગર્વ થાય એવા સમાચાર IIM Ahmedabad તરફથી મળી રહ્યા છે. ભારતની આ ટોપ મેનેજમેન્ટ સંસ્થા હવે પોતાને ત્યાં એક વૈકલ્પીક વિષય તરીકે એસ એસ રાજમૌલીની જગપ્રસિદ્ધ બાહુબલી – ધ કનક્લુઝન’ પર કેસ સ્ટડી ચલાવશે. આમ તો ભૂતકાળમાં ઘણીબધી બોલીવુડ ફિલ્મો IIM Ahmedabad ઉપરાંત દેશની અન્ય મેનેજમેન્ટ સંસ્થાઓમાં ભણાવવામાં આવી ચૂકી છે, પરંતુ બાહુબલીના બીજા ભાગને જ્યારે પણ ભણાવવામાં આવશે ત્યારે તેનું એક અનોખું મહત્ત્વ હોવાનું છે.

IIM Ahmedabad ના પ્રોફેસર ભારતન કંડાસ્વામી આ વિષય ભણાવવાના છે જે આવતા શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે. કંડાસ્વામીનું કહેવું છે કે બાહુબલી 2 ભણાવવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એમ સમજાવવાનો છે કે એક ફિલ્મની સિક્વલ કઈ રીતે માર્કેટિંગના કોન્સેપ્ટ તરીકે ફિલ્મ પરનું ભારણ ઓછું કરી શકે છે. આમ તો આ વિષય પર ભવિષ્યમાં ઘણીબધી ફિલ્મોને આવરી લેવામાં આવશે પરંતુ બાહુબલી 2: ધ કનક્લુઝન એ પ્રકારની પ્રથમ ફિલ્મ બની રહેશે.
તમને ગમશે: આચારસંહિતા એટલે ચૂંટણી પંચનું અગડમ બગડમ
કંડાસ્વામીનું કહેવું છે કે અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સીટીમાં એક એવો વિષય ભણાવવામાં આવે છે જેમાં એમ શીખવાડવામાં આવે છે કે કેવી રીતે એક ફિલ્મની પ્રિકવલ સિક્વલ કરતા બહેતર સાબિત થતી હોય છે, પરંતુ જ્યારે કમાણીની વાત આવે ત્યારે સિક્વલ પ્રિકવલ કરતા હમેશા વધારે નાણા કમાઈ લેતી હોય છે. કંડાસ્વામી કહે છે કે વિદ્યાર્થીઓને ભણાવતી વખતે તેમનો હેતુ એ રહેવાનો છે કે સિક્વલ હંમેશા પ્રિકવલ કરતા વધુ કમાણી કરતી હોય છે કારણકે એ ફિલ્મના પ્રોડ્યુસર્સ તેની સફળતા માટે વધુ સભાન થઇ જતા હોય છે અને તેના માર્કેટિંગ માટે વધુ મહેનત કરતા હોય છે.
IIM Ahmedabad માં જ્યારે બાહુબલી 2 ના માર્કેટિંગ ફંડાઓ સમજાવવામાં આવશે ત્યારે તેનું ફોકસ એ બાબત પર હશે કે એક ફિલ્મની સિક્વલની આસપાસ માર્કેટિંગના મંત્રો કેવી રીતે ફરતા હોય છે અને આ અંગેના નિર્ણયો કેવી રીતે લેવામાં આવતા હોય છે. આ ઉપરાંત ફિલ્મની ક્રિએટીવીટી પર પણ ધ્યાન તો આપવું જ પડતું હોય છે પરંતુ તેમ છતાં આ બધીજ બાબતો ભેગી કરીને કમાણી કેવી રીતે કરી શકાય છે.
પ્રોફેસર કંડાસ્વામી કહે છે કે આર્ટ, વ્યાપાર અને ટેક્નોલોજીનો સુભગ સુમેળ એ કોઇપણ સિક્વલ માટે અત્યંત જરૂરી બની જતું હોય છે.
બાહુબલી ના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ દ્વારા પણ આ સમાચાર શેર કરવામાં આવ્યા હતા.
#Baahubali2 now will be introduced as a case study in one of the electives at the @IIMAhmedabad ???✊ https://t.co/QgzzLrXnh0
— Baahubali (@BaahubaliMovie) January 15, 2018
eછાપું