પદ્માવતી.. ઉપ્સ… સોરી! પદ્માવત, આ ફિલ્મ ખબર નહીં પણ કયા ચોઘડીયામાં સંજય લીલા ભણસાલીએ બનાવવાની શરુ કરી હશે એની તો આપણને ખબર નથી પરંતુ મુસીબતો તેનો પીછો છોડવાનું બિલકુલ નામ જ નથી લઇ રહી. આ મુસીબત ત્યારે શરુ થઇ હોવાનું જાણવા મળે છે જ્યારે ફિલ્મમાં અલાઉદ્દીન ખીલજીની ભૂમિકા ભજવતા રણબીર સિંઘે એવી ટ્વીટ કરી હતી કે દીપિકા સાથે એક મીનીટનું અંતરંગ દ્રશ્ય ભજવવા માટે તે વિલન બનવા માટે પણ તૈયાર છે.

રણબીરની આ ટ્વીટને હાથમાં પકડીને હજીતો ફિલ્મનું શૂટિંગ શરુ જ થયું હતું કે રાજસ્થાનની કરણી સેનાએ ફિલ્મના સેટ પર જઈને તોડફોડ કરી દીધી. બસ વો દિન હૈ કે આજકા દિન હૈ પદ્માવત ફિલ્મ અહીંથી તહીં ઝૂલી રહી છે. સેન્સર બોર્ડે પણ પરિસ્થિતિની ગંભીરતા જોઇને તેને એકવાર ડીલે પણ કરી અને પછી જે સમાજને આ ફિલ્મ સાથે વાંધો હતો તેની સાથે બેસીને ફિલ્મ જોઈ પણ ખરી. આ પ્રતિનિધિઓના વિચાર જાણ્યા પછી ફિલ્મનું નામ જે અગાઉ પદ્માવતી હતું તેને બદલીને પદ્માવત કરી દીધું. આ ઉપરાંત ફિલ્મમાં કેટલાક સુધારા વધારા પણ સૂચવ્યા.
પરંતુ કદાચ ઘણું મોડું થઇ ગયું હતું. ગુજરાત, રાજસ્થાન (જ્યાં આ ફિલ્મનો સૌથી વધારે વિરોધ થઇ રહ્યો છે), મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ.. ટૂંકમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમણે ફિલ્મ પરનો અગાઉનો પ્રતિબંધ આ ફેરફાર બાદ પણ ચાલુ રાખ્યો. આની વિરુદ્ધ ફિલ્મના પ્રોડ્યુસર્સ સુપ્રીમ કોર્ટમાં ગયા અને ગઈકાલે સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યોના પ્રતિબંધો પર સ્ટે મુકીને પદ્માવત નામક દડો રાજ્ય સરકારની કોર્ટમાં પરત મોકલી આપ્યો.
પદ્માવત ફિલ્મનો સૌથી બોલકો વિરોધ કરનાર કરણી સેના હજીપણ તેનો વિરોધ ચાલુ રાખશે એ તેણે ગઈકાલે કહ્યું છે અને આ જાહેરાતમાં ધમકીનો સૂર વધુ હોવાનું પણ જણાય છે. તકલીફ હવે રાજ્ય સરકારોને પડવાની છે. કોર્ટનો ચોખ્ખો આદેશ છે કે જો કોઈ ફિલ્મથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની તકલીફ ઉભી થતી હોય એવું લાગે તો તેમ ન થાય એ જોવાની જવાબદારી રાજ્ય સરકારની જ છે.
અગાઉ કમલ હસનની વિશ્વરૂપમ પર પણ તમિલનાડુમાં જયલલિતાની સરકારે પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે પણ કોર્ટે આ જ વલણ અપનાવ્યું હતું. કોર્ટ આ અંગે બિલકુલ સાચી છે. કોઇપણ વ્યક્તિ કે સમાજની લાગણી ઘવાય ત્યારે કોર્ટ જ તેનો ઉપાય હોઈ શકે અને જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત તેનો આખરી નિર્ણય જણાવી દે પછી પણ તેને ન માનવો અથવાતો તેના વિરુદ્ધ જઈને કાયદો હાથમાં લેવો તે સારા નાગરિકના લક્ષણ નથી. અને જો દેશની સર્વોચ્ચ અદાલતનું જ જો સન્માન ન જળવાય તો પછી દેશમાં અદાલતોની શી જરૂર છે? હવે આપણે અંદર અંદર જ લડીને બધા નિર્ણયો કરી લઈએ?
રાજ્ય કે દેશનો કોઇપણ નાગરિક જો કાયદો હાથમાં લે તો પછી સરકારે તેને લાગણીના સંબંધે છેક સુધી ભલે ગમેતેટલો મજબૂત ટેકો આપ્યો હોય પરંતુ આવા પ્રસંગે તેને કાયદાનું ભાન કરાવવાની જવાબદારી પણ સરકારની જ છે. પરંતુ આપણે ત્યાં આવું થવું જરાય સરળ નથી અને આથી જ પદ્માવત અંગે વિવિધ રાજ્ય સરકારોનું વલણ શું હશે તે જાણવું અત્યંત રસપ્રદ બની જાય છે.
કદાચ આ રાજ્યોના સિનેમાગૃહો સરકારી કે કોઈ અન્ય દબાણ હેઠળ કે પછી વિરોધના અને તોડફોડના ડરથી જાતેજ પોતાને ત્યાં પદ્માવત રીલીઝ કરવાથી દૂર રહે એવું પણ બની શકે છે, પરંતુ તે લોકશાહીની હાર હશે.
eછાપું