જીવન સૌથી મોટો શિક્ષક છે. કદાચ આ વાક્ય હોલીવુડ અભિનેત્રી શેરન સ્ટોન કરતા બીજું કોઈજ સારી રીતે નહીં સમજી શકતું હોય. આ પાછળનું કારણ એ છે કે એક સમય એવો હતો જ્યારે શેરન સ્ટોન જીવે તેવી પાંચ ટકા જ આશા હતી અને એમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવા સુધી શેરને જીવન પાસેથી ઘણું શીખ્યું છે. વર્ષ 2001માં શેરન સ્ટોન બ્રેઈન હેમરેજથી ગ્રસીત થઇ હતી અને લાંબો સમય તેણે જીવન અને મૃત્યુનું યુદ્ધ હોસ્પીટલના બિછાનેથી લડ્યું હતું.

કદાચ જીવનમાં આપણને મળતા લોકો એક સરખા જ છે પછી તે ભારત હોય કે પછી અમેરિકા, સામાન્ય નાગરિક હોય કે પછી હોલીવુડ અભિનેત્રી. જ્યારે પણ કોઈ વ્યક્તિ ખૂબ તકલીફમાં હોય અને જ્યારે જેને કોઈના સહારાની સૌથી વધારે જરૂર હોય ત્યારેજ લોકો તેનાથી દૂર રહેવા લગતા હોય છે. શેરન સ્ટોન સાથે પણ આમ જ બન્યું હતું. તેના કહેવા અનુસાર જ્યારે તે જીવનના માત્ર પાંચ ટકા બચવાની શક્યતાને પાર પાડીને બહાર તો આવી પરંતુ હજીપણ પોતાની સાથે હજીપણ સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેની બાજુમાં તેને ટેકો કરવા માટે કોઈજ ન હતું.
તમને ગમશે: વિરુષ્કા એ જ્યારે અમુક લોકોના દંભનો પર્દાફાશ કર્યો
શેરન સ્ટોનના કહેવા અનુસાર એ સમયે એ તૂટી ચૂકી હતી અને જિંદગી તેને વિચિત્ર લાગી રહી હતી. તેની સાથે કોઈજ ન હતું. પરંતુ બાદમાં તેણે નક્કી કરી લીધું કે તે પોતાની તકલીફ કોઈનેય નહીં કહે અને એકલીજ જીવનનો સંઘર્ષ કરતી રહેશે. બસ તે દિવસથી આજ સુધી શેરન કહે છે કે તેને એકલા રહેવાની આદત પડી ગઈ છે. જો તેને વાત કરવાનું મન થાય તો તે ફોન ઉપાડીને કોઈ સાથે વાત નથી કરતી પરંતુ તેના ઘરમાં રહેલા વૃક્ષો અને છોડવાઓ સાથે વાત કરે છે જેનાથી તેને ખૂબ શાંતિ મળે છે. આ ઉપરાંત શેરન સ્ટોને ત્રણ બાળકો રોઅન, લાયર્ડ અને ક્વીનને દત્તક લીધા છે અને તે તેમની સાથે સમય ગાળે છે.
શેરન સ્ટોન કહે છે કે તેણે ચાલીસ વર્ષ હોલીવુડમાં ગાળ્યા છે અને આથી તેને આ ઇન્ડસ્ટ્રીની અથ: થી ઇતિ બધીજ બાબતોની સુપેરે જાણ છે. શેરોન કહે છે કે અત્યારે તો અભિનેત્રીઓ માટે હોલીવુડની પરિસ્થિતિ ઘણી સારી છે પણ વિચાર કરો ચાલીસ વર્ષ પહેલા શું હશે જ્યારે તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો?
શેરન સ્ટોન એવું પણ માને છે કે આજે અભિનેત્રીઓ હોલીવુડમાં પોતાને સુરક્ષિત અનુભવે છે. અગાઉ આવું ન હતું. આ ઉપરાંત એક્ટ્રેસને પોતાને ખભે કોઈ ફિલ્મ ઉપાડીને લઇ જવાની તક પણ મળે છે જે તેના સમયમાં બહુ ઓછું જોવા મળતું. શેરનના મત અનુસાર હવે સ્ત્રીઓ પોતે શક્તિશાળી છે એ દર્શાવવા પુરુષો જેમ કરે એની નકલ નથી કરતી બલ્કે પોતાની રીતેજ તે શક્તિ પ્રદર્શન કરી શકે છે.
eછાપું