હે સુજ્ઞ ગુજરાતી વાચકો અમને ક્યારે વાંચશો?

5
628
Photo Courtesy: sathaye.college

જાન્યુઆરી મહિનો એટલે GLF થી શરુ થતો મહિનો. આ મહિનામાં કટ્ટર ગુજરાતી વાચકો જાણેકે સ્વર્ગમાં વિહાર કરી રહ્યા હોય એવો ભાસ તેમને થતો હોય છે કારણકે GLFમાં તેમણે વાંચેલા મહાન સાહિત્યકારો આમતેમ, તેમની જેમજ હરતાફરતા જોવા મળે છે અને એમની સાથે વાતો કરવાનો ફર્સ્ટ હેન્ડ અનુભવ પણ મળતો હોય છે. પરંતુ જો નોંધ કરવામાં આવે અને ખાસ નોંધ કરવામાં આવે તો આમાંથી મોટાભાગના લેખકો અથવાતો સાહિત્યકારો એવા છે જે એક જમાનામાં લખતા અને આ જમાનામાં વંચાય છે. એવા બહુ ઓછા લેખકો આ પ્રકારના સાહિત્ય સંમેલનોમાં જોવા મળે છે જે આ જમાનામાં જ લખતા હોય અને આ જમાનામાં જ વંચાતા હોય અને તેમ છતાં તેમને મળવા માટે વાચકોમાં ઉત્સુકતા હોય.

જી હા! આપણે વાત કરી રહ્યા છીએ the new age Gujarati writers વિષે જેમણે છેલ્લા પાંચેક વર્ષથી જ કલમને કસવાનું શરુ કર્યું છે. હું પોતે પણ આ પ્રકારના લેખકોમાં સામેલ છું એટલે મને અમારી પેઢીના લેખકો અને લેખિકાઓની ગુજરાતી વાચકો દ્વારા થતી અવગણનાના દુઃખની અનુભૂતિ હોય તે સ્વાભાવિક છે. આ દુઃખ મેં પણ અનુભવ્યું છે અને કદાચ મારી સાથેજ ગુજરાતી સાહિત્યમાં સંઘર્ષ કરી રહેલા નવી પેઢીના લેખકો પણ કરી રહ્યા હશેજ. આ પાછળનું એક કારણ જો મેં જોયું હોય તો એ છે ગુજરાતી વાચકો તેમના પર હજીસુધી વિશ્વાસ નથી કરી રહ્યા. મારી આ દલીલને ટેકો કરવા માટે એક સત્ય ઘટના ટાંકું?

ગયા વર્ષે અમદાવાદના પ્રખ્યાત પુસ્તકમેળામાં દર વખતે જ્યાં સૌથી વધુ ભીડ હોય છે એવા તેના કાફેટેરિયામાં હું અને મને મારા લેખનકાર્યના શરૂઆતના દિવસમાં મજબૂત  સ્ટેજ આપનાર માતૃભારતીના મહેન્દ્ર શર્મા નાસ્તો કરી રહ્યા હતા. એવામાં મહેન્દ્રભાઈના કોઈ મિત્ર ત્યાં આવ્યા અને અમુક વાતો કર્યા પછી એમણે એ વાત કરી જે મેં એમના આ કહેવા પહેલા પણ સાંભળી હતી અને એમના કીધા પછી પણ સાંભળી રહ્યો છું.

આ મિત્રે એમ કહ્યું કે, “હવે ક્યાં બક્ષી કે અશ્વિનીભાઈ (ભટ્ટ) રહ્યા છે કે ગુજરાતી પુસ્તકો ખરીદવાનું કે વાંચવાનું મન થાય?” એમના ચહેરા પર રીતસર નિરાશા વ્યાપ્ત થઇ ગઈ. આવા પ્રસંગે વાતાવરણ હળવું કરવાનું મને ખુબ ગમે, એટલે મેં ટમકું મુક્યું. મેં એ મિત્રને સંબોધીને પૂછ્યું, “શું તમે સિદ્ધાર્થ છાયાને વાંચ્યા છે?” એમણે તરતજ બે સવાલો પૂછી લીધા, “નવા છે? સારું લખે છે?” એટલે મારી બાજુમાં જ ઉભા રહેલા મહેન્દ્રભાઈના સ્મિત સામે જોતજોતા મેં કીધું કે, “હા, એમની ત્રણ નવલકથાઓ આમની માતૃભારતી પર જ આવી ગઈ છે અને ખાસ્સી લોકપ્રિય થઇ છે!” “તો તો મારે વાંચવી પડશે. અહીંયા આવ્યા છે?” એ મિત્રનું આમ પૂછવાની સાથેજ મેં એમને મારી ઓળખાણ કરી.

ત્યારબાદ તેમણે માતૃભારતી પરથી મારી ત્રણેય નવલકથાઓ ડાઉનલોડ કરી કે કેમ એ તો એ જાણે અથવાતો ઉપરવાળો, પરંતુ એક હકીકત સામે જરૂર આવી ગઈ કે હજીપણ આપણે ત્યાં સાહિત્યમાં ચંદ્રકાંત બક્ષી અને અશ્વિની ભટ્ટ કે પછી ક.મા. મુન્શીનો દબદબો ચાલે છે અને નવા લેખકો ઉભા થયા છે કે નહીં તેની કોઈ ખાસ ચિંતા વાચકોને નથી જેટલી ગુજરાતી સાહિત્યનુ શું થશે તેની છે, જો કે આ બંને બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. ગઈ પેઢીના લેખકોનો આજે પણ આવો દબદબો હોય તેમાં નવાઈ જ નથી કારણકે આ એમના ગુણવત્તાસભર કાર્યની ચાડી ખાય છે જે આટલા વર્ષો સુધી ટકી રહ્યું છે, પરંતુ શું એનો એવો મતલબ કે નવા લેખકોને આપણે પરીક્ષા ખંડમાં પણ એન્ટ્રી નહીં આપવાની?

માતૃભારતીની જ વાત કરું અને ફક્ત મારી વાત કરું તો મારી ત્રણેય નવલકથાઓનું કુલ ટોટલ કરીએ તો ત્રીસ હજાર ઉપર ડાઉનલોડ અત્યારસુધીમાં થઇ ગયા છે. ટૂંકમાં કહું તો ત્રીસ હજાર વખત મારું લખાણ વંચાયું છે. આમાંથી માત્ર દસ ટકા એટલેકે ત્રણ હજાર લોકોએ પણ મારા વિષે એમના મિત્રોમાં કે પછી સોશિયલ મીડિયામાં ચર્ચા કરી હોત તો આજે કદાચ હું આ આર્ટીકલ લખતો ન હોત. માતૃભારતી એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને મેક્સીમમ ડાઉનલોડ તમારી સારી લેખન શૈલી ઉપરાંત word of mouth દ્વારા મળતા હોય છે. આજે આ એપ લાખોની સંખ્યામાં ગુજરાતી મોબાઈલ ધારકોના મોબાઈલમાં અસ્તિત્વ ધરાવે છે અને આથી એક વ્યક્તિને જો કોઈ સારી નવલકથા કે શોર્ટ સ્ટોરી માતૃભારતી પર વાંચવા મળે તો તે પોતાના મિત્રને જરૂર કહે છે કે તું પણ વાંચ. પણ બસ.. ત્યારબાદ કશુંજ નહીં.

પરંતુ અહીં પણ નવા ગુજરાતી લેખકોને નાણા ખર્ચીને વાંચવા માટે ગુજરાતી વાચકો તૈયાર નથી. એવી જ રીતે જે રીતે બક્ષી, મુન્શી, ર.પા કે ભટ્ટના વર્ષો અગાઉ લખેલા પુસ્તકો આજે પણ વેંચાય છે પરંતુ કોઈ નવા લેખકનું પુસ્તક શો પીસની જેમ પુસ્તકની દુકાનમાં કે કોઈ લાઈબ્રેરીમાં પડી રહે છે. એક સમયે માતૃભારતી ફ્રીમાં વાચકોને અઢળક વાંચન આપતું. આ સમયે મારા અનુભવ અનુસાર મારી નવલકથાઓ ખૂબ ડાઉનલોડ થતી. પછી તેમણે રોજના એક રૂપિયાથી પણ ઓછું સબક્રીપ્શન જાહેર કર્યું. બસ! ડાઉનલોડ તળીએ આવી ગયા અને એમણે પણ ફરીથી ફ્રી ડાઉનલોડ શરુ કરવા પડ્યા.

Photo Courtesy: sathaye.college

આ તો એક એપની વાત થઇ, જો અહીં ગુજરાતી વાચકો  રૂપિયા 350 વર્ષમાં એક વખત પણ ખર્ચીને અસીમિત વાંચન કરવા ન માંગતા હોય તો બે-ત્રણ નવા લેખકના 200-300 રૂપિયાના બે-ત્રણ અલગ અલગ પુસ્તકો એ ખરીદે એ વાતમાં કોઈ માલ ખરો? હા એ લોકો માંધાતા લેખકોનું પુસ્તક જરૂર ખરીદશે ભલે તેની કિંમત ઉપર કહેલી કિંમત કરતા બે ગણી પણ કેમ ન હોય. અહીં વાત મહાન ગુજરાતી લેખકો પ્રત્યે કોઈ ઈર્ષા કરવાની નથી કારણકે એ શક્ય જ નથી અને એવી મૂર્ખતા કરી જ ન શકાય.

સોશિયલ મીડિયામાં એક ફરિયાદ એવી પણ છે કે જરાક કોઈ નવો લેખક વંચાવા લાગે એટલે એ રોજ એના સાહિત્યની જાહેરાતો કરતો થઇ જાય છે અને છેવટે એને રોજ હથોડારૂપે સહન કરવું પડે છે. આ ફરિયાદનો જવાબ એક જ છે કે નવા લેખકને એનું સાહિત્ય વધુને વધુ ગુજરાતી વાચકો ખરીદે એવી અપેક્ષા હોય જ અને એમ કરવા માટે આજે સોશિયલ મીડિયાથી શ્રેષ્ઠ માધ્યમ એક પણ નથી, પણ જો તમે નવા લેખકોના પુસ્તકો ખરીદતા થશો તો ધીમેધીમે આ હથોડાઓ પણ બંધ થઇ જશે. આજના ગુજરાતી લેખકોની એકમાત્ર ચિંતા છે કે તેમનું કાર્ય વધુને વધુ લોકો વાંચે, એ ચિંતા નથી કે એમનું એક પુસ્તક વેંચાશે તો જ આજે રાત્રે જમીને એ સુઈ શકશે અને એટલા માટે એ આટલી બધી જાહેરાતો નથી કરતો. એટલે વાચકો માત્ર એના પુસ્તકને વધુને વધુ લોકો સુધી પહોંચાડે એટલું તો શક્ય છેને?

વિનંતી માત્ર એટલી જ છે કે જો તમે બક્ષીને વાંચો તો એક પુસ્તક છાયાનું પણ ખરીદો. અશ્વિનીભાઈનું ‘આખેટ’ ખરીદો પણ સાથે એમને જ ગુરુપદે સ્થાપીને આજના જમાનાના સસ્પેન્સ નવલકથાકાર પ્રવીણ પીઠડીયાના ત્રણ પુસ્તકોમાંથી એક તો ખરીદો? તમે આજે જો આવું નહીં કરો તો સિદ્ધાર્થ છાયાઓ, પ્રવીણ પીઠડીયાઓ, અભિમન્યુ મોદીઓ, ગોપાલી બૂચ, ચિરાગ વિઠલાણીઓ કે પછી હાર્દિક કનેરિયાઓ પરીક્ષાની એરણે ક્યારે ચડશે? બેશક અમારી પેઢીના લેખકોનું લખાણ બેકાર લાગે તો ફેસબુક પર જાહેરમાં કહી દો કે આમનું પુસ્તક ન ખરીદવું, પણ એક વખત એને વાંચો તો ખરા? આમ ગુજરાતી વાચકો પોતાને સ્પર્શ કરે એવી અપેક્ષામાં જ અમારા પુસ્તકો દુકાનો અને લાઈબ્રેરીઓમાં પડ્યા પડ્યા સડી જાય એ અમારી મહેનતને અન્યાય નથી? અને પછી પણ જો ગુજરાતી સાહિત્ય માત્ર ભાષાંતરિત પુસ્તકો સુધી સીમિત રહી ગયું છે એવી ફરિયાદ થાય તો અમને અમારું માથું નજીકની ભીંતે પછાડવાનું મન ન થાય?

ચલો એક રસ્તો એવો પણ નીકળે કે જેમ આજકાલ પ્રાઈવેટ ટેક્સીઓમાં શેરીંગ ચાલુ થયું છે એમ વાંચનનો શોખ ધરાવતા તમારા મિત્રમંડળ કે સખીમંડળમાંથી દરેક વ્યક્તિ કોઈ એક નવા લેખક કે લેખિકાનું પુસ્તક ખરીદે અને પછી તેને વાંચ્યા બાદ પોતાના અભિપ્રાય સાથે બાકીના મિત્રોમાં તેને વાંચવા માટે શેર કરે! આમ થાય તો કેવું રહેશે? નવા લેખકોને નવા ગુજરાતી વાચકો પણ મળશે અને જો આ મંડળના વાચકોમાંથી એકને પણ કોઈ એક પુસ્તક ગમી જાય અને તેને એ ખરીદીને ઘરમાં વસાવે તો અમારા જેવા નવા લેખકો માટે જ સારું છે ને? જો કોઈ એક વ્યક્તિ પર આર્થિક ભાર ન મુકવો હોય તો એક પુસ્તકનો ખર્ચ મિત્ર કે સખી મંડળ શેર પણ કરી શકે છે!

જો આમ થશે તો જ ગુજરાતી સાહિત્યને નવા ક.મા મુન્શી, ચંદ્રકાંત બક્ષી, અશ્વિની ભટ્ટ, રમેશ પારેખ કે પછી હરકિસન મહેતા અને વર્ષા અડલજા મળશે. જો આમ થશે તો જ ગુજરાતી લેખકો ગુજરાતી વાચકો ના ચેતન ભગત કે અમીષ ત્રિપાઠી બનવાના સપનાં જોવાની હિંમત કરી શકશે. જો આમ થશે તો જ આવનારા વીસ પચીસ વર્ષ બાદ પણ ગુજરાતી સાહિત્ય માત્ર ભાષાંતરિત પુસ્તકોનું સાહિત્ય ન બની રહેતા ખુદના લેખકોનો એક ગૌરવપૂર્ણ અને ભવ્ય મહેલ બની રહેશે.

હે મારા પ્રિય ગુજરાતી વાચકો, જો તમારું આટલું કરવાથી ગુજરાતી સાહિત્યને કદાચ પંદર વીસ રામ મોરી મળી જાય તો આવનારા પાંચસો-હજાર વર્ષ સુધી એનું કલ્યાણ થતું જ રહેશે કારણકે એકવાર જો આ સાયકલ શરુ થઇ તો પછી માંડ અટકશે!

આચારસંહિતા

“આજકાલ ગુજરાતી નવલકથા કોણ વાંચે છે?”

– કોઇપણ પ્રકાશક સાથે મારી પ્રથમ મુલાકાતનો એક સંવાદ

૧૮.૦૧.૨૦૧૮, ગુરુવાર

અમદાવાદ

eછાપું

5 COMMENTS

  1. આપની વેદના સમજાય છે, એટલીસ્ટ એક ચાન્સ તો નવા ઉભરતા લેખકોને આપવો જોઈએ. ખોટુ નહી બોલૂ, મે લગભગ કોઈ નવા લેખકને વાંચ્યા નથી. જૂના લેખકો પણ નહીવત વાંચ્યા છે. આગળ કોશીષ કરીશ.

  2. તમે પુસ્તક ની વાત કરો છો. આજની પેઢીતો આ લીંક ખોલવાની પણ તસ્દી નથી લેતી.
    એ છોડો લાઇબ્રેરીમા ફ્રી મા વાંચવા પણ કોણ જાય છે?
    આજકાલ લોકો પાસે વાંચન માટે સમય નથી. એમ પણ કહી શકીયે કે વાંચન લીસ્ટ ની પ્રાયોરીટી મા લાસ્ટ પણ નથી. એટલે કે લીસ્ટ મા પણ નથી. એનુ મેઇન કારણ માર્કેટીંગનો અભાવ. બીજુ બોગસ્યા લેખકો. અને એમા પણ બે આંખની શરમ ને કારણે હોય કે કોઇ અન્ય કારણે પણ સારા લેખકો એમના માટે સારા રીવ્યુ લખે છે. ભલે પછી પુસ્તક સાવ બોગ્ગસ લખ્યુ હોય.
    મારા જેવા નવા વાંચન ના શોખીનો ને ખબર જ નથી પડતી કે કયુ પુસ્તક વાંચવુ. પુસ્તક મેળામા જઈયે અને પાંચ પુસ્તક ખરીદીયે તો એમા સાડા ચાર પુસ્તક તો બોગ્ગસ જ નીકળે. એટલે ફરી વાર ખર્ચો કરતા પણ વિચાર કરવો પડે.
    જોકે આ મારા અંગત વિચારો છે. બીજાના અલગ પણ હોઇ શકે. હુ ખોટો પણ હોઇ શકુ છુ અને કાલે મારા વિચાર અલગ પણ હોઇ શકે છે. આ અહી લખવાનો મારો ઉદ્દેશ એટલો જ છે કે લાગતા વળગતા સુધી તમે આ વાત પહોચાડો.

    અંતે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ

    ભગવાન કરે તમને એવી અભુતપુર્વ સફળતા મળે આ કાર્ય મા કે જ્યારે હુ લેખક બનુ અને પુસ્તક લખુ ત્યારે મને આ સમસ્યા ન નડે.

    લેખક બનવાની ઉતાવળ નથી કેમકે હમણા હુ વાંચનમા બીઝી છુ.

  3. તદ્દન સત્ય વાત છે…..લોકો નવા તરફ વળશે તૌ યે લોકો ભવિષ્યનાં બક્ષી કે અશ્વીની ભટ્ટ નું સ્થાન લાઇ શકશે…..

  4. હું અમુક મુદ્દા ઉમેરવા ઈચ્છું છું.
    ગુજરાતી પુસ્તકો હવે પહેલા કરતા વધુ વેચાય છે એ નક્કર હકીકત છે અને એમાં પણ વધુમાં વધુ તો જૂના લેખકોના જ પુસ્તકો વેચાતા રહે છે, એ પણ હકીકત છે. એવું થવાના કારણો આ મુજબ હોઈ શકેઃ
    (૧) પુસ્તકો માટે માત્ર ધન નહીં પરંતુ સમયનું પણ રોકાણ કરવું પડે છે. એટલે મોટાભાગે તો લોકો કોઈ પાસેથી એ પુસ્તક વિષેનો તેમનો અનુભવ સાંભળીને જ પુસ્તક ખરીદતા હોય છે અને નવા કરતા જૂના પુસ્તકો વિષે એવા સંદર્ભો વધારે મળી રહે એટલે એ પુસ્તકો વધારે વંચાય એ સ્વાભાવિક છે. આ વિષચક્ર તોડવું અઘરું છે.
    (૨) અમુક અપવાદોને બાદ કરતા ડિજિટલ મીડિયામાં રજૂ થતું લખાણ ગુણવત્તાની દ્રષ્ટિએ ઘણું નબળું હોય છે. એક શબ્દ લખવા માટે હજાર શબ્દો વાંચવા પણ પડે પરંતુ એવો અભ્યાસ અને ઊંડાણ મહદ્અંશે જોવા નથી મળતા. ડિજિટલ મીડિયાને કારણે હવે composer અને writer શબ્દો સમાનાર્થી ગણાવા માંડ્યા છે. માટે એ માધ્યમમાં વાંચનારને મોટાભાગે નિરાશા જ મળતી હોય છે. સામાન્ય માણસ ભાષા અંગે સભાન અને સજ્જ ન હોય તો ચાલે, પરંતુ જેને લેખક બનવું છે અને પોતાના પુસ્તકો વેચવા છે તેનામાં ભાષા પ્રત્યે સભાનતા અને ભાષાસજ્જતા બંને હોવી અનિવાર્ય છે.
    (૩) તમે કે પ્રવિણભાઈ જેવા મિત્રો મહેનત કરીને નવલથા લખો છો, પરંતુ તમને ડિજિટલ મીડિયાનો જેટલો લાભ થયો છે એટલો જ ગેરલાભ પણ થયો છે. ગેરલાભ એ કે જેટલા હજાર ડાઉનલોડ થયા તેટલા રસિકજનોએ તો એ નવલકથાઓ વાંચી જ નાખી છે. હવે એના પ્રિન્ટ વર્ઝન માટે રસિકજન રૂપિયા શું કામ ખર્ચે? ઉપરાંત એ કોઈ સમક્ષ તમારા પુસ્તકના વખાણ કરે, તો વખાણ સાંભળીને એ માણસ પણ તમારું પુસ્તક ડાઉનલોડ કરીને જ વાંચશે! તમે તમારી નવી, અપ્રકાશિત નવલકથા પ્રિન્ટ સ્વરૂપે લાવો, એ પછી કદાચ તમને આ તફાવત વધુ સારી રીતે દેખાશે.
    (૪) મેં એવું અનુભવ્યું છે કે જેમને સાચે જ વાંચનનો શોખ હોય છે, એ આજના સમયમાં પુસ્તક ખરીદવામાં ખચકાટ નથી અનુભવતા અને હજુ પણ તેમની પહેલી પસંદગી ડિજિટલ નહીં પરંતુ પ્રિન્ટેડ પુસ્તક જ છે. એટલે એકવાર એ માર્ગ પણ અપનાવી જુઓ.

  5. આપની ત્રણ નવલકથાના આશરે ત્રીસ હજાર ડાઉનલોડ થયા છે એ તો ગુજરાતી સાહિત્ય માટે ખુબ સારી નહિ ઉત્તમ વાત કહેવાય જયારે પુસ્તકો માંડ ત્રણ હજાર થી પાંચ હજાર પ્રત પ્રિન્ટ થતી હોય છે આમ જોઈએ તો આપ અન્ય જુના સાહિત્યકારો કરતા ફેલાવાની દ્રષ્ટિએ આગળ કહેવવો ક્યાં ત્રીસ હજાર વાચકોએ આપને વાંચ્યા અને ક્યાં જુના લેખકોના માંડ પાંચ હજાર પુસ્તકો વેચાયા હા આર્થિક દ્રષ્ટિએ કદાચ આ સફળતા ના પણ કહેવાય છતાં અંતે વાચક પ્રેમની દ્રષ્ટિએ સફળતા જ છે આજે જુના લેખકોના પુસ્તકોની કુલ નકલનું વેચાણ કરતા આપના વાચકો વધુ છે એ તો સ્વીકારવું રહ્યું ડાઉનલોડમાં માઉથ ટુ માઉથ પબ્લીસીટી છે એ સ્વીકારવું રહ્યું હા મફતમાં વાચવા પણ લખાણની ક્વોલીટી જોવાતી હોય છે એ માતૃભારાતીના મંથલી ટોપ ૫૦ ડાઉનલોડ ના આકંડા જોઈ લેવા પહેલા ક્રમાંકે ૩૦૦૦ થી ઉપર હોય અને પચાસમાં ક્રમાંકે માંડ ૫૦૦ ડાઉનલોડ હોય આમ લેખકોએ સૌ પહેલા જો વાચકો વધાર્યા હોય તો આને પુસ્તકનું પ્રમોશન જ ગણી લેવાનું ગુજરાતીમાં કોઈપણ પુસ્તક પ્રિન્ટ પહેલા ઓર્ડર ના થાય અને ચપોચપ ઉપડે નહિ એ હકીકત છે પણ લાંબાગાળે ખુબ વંચાય છે એ તો આજના જુના લેખકોની લોકપ્રિયતા દર્શાવે છે આપ પણ ક્યારેક જુના લેખકોમાં સ્થાન પામશો એમાં બેમત નથી વધુ વંચાતા લેખકોમાં જ સ્તો એક વાત હકીકત છે કે હવે ગુજરાતી સાહિત્ય પહેલા કરતાં વધુ વંચાય છે અને નેટના જમાનામાં ડાઉનલોડની સંખ્યા પ્રતની સંખ્યા કરતા ઘણી વધારે છે પણ સાથે સાથે લેખકોની સંખ્યા પણ વધી છે હરીફાઈ વધી છે અને એથી લેખકોએ હરીફાઈનો સામનો કરવો પડે છે એ સ્વાભાવિક છે
    નરેશ વણજારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here