વ્યસ્તતામાંથી જરૂરથી કાઢો ‘મારો સમય’

0
287
Photo Courtesy: shape.com

આપણા મોઢે મહાભારતનું સૌથી વધુ વખત રીપીટ થયેલું વાક્ય હશે તો એ છે, “મૈં સમય હું!!” આ સમયની પાસે જો વાચા હોત તો એ કદાચ સૌથી પ્રામાણિક શિક્ષક છે એની સાબિતી આપવામાં સરળતા રહેત. આમ તો સમય પાસે સારા કે ખરાબ પ્રસંગોની અનુભૂતિ કરાવવાની જે શક્તિ છે એની આપણે અવગણના ન જ કરી શકીએ.

Photo Courtesy: shape.com

તો જ્યારે સમયની વાત કરીએ ત્યારે બીજું ખૂબ જ સાંભળેલું વાક્ય છે, “શું કરું? સમય જ નથી મળતો!!” ખરેખર? સમય એટલો જિદ્દી છે કે આપણી પાસે આવતો નથી? કે પછી આપણે તેને ઓળખી શકતા નથી? જો આપણે આપણા જ માટે સમય નહી કાઢીએ તો બીજા પાસે તો આશા રાખવી અશક્ય છે.

એક નાનકડું ઉદાહરણ આપું?

એક કુટુંબ કે જે જોઈન્ટ ફેમિલીની કેટેગરીમાં આવે તેમાં દાદા અને દાદીનું રૂટિન એક્દમ નક્કી. સવારે વહેલા ઉઠવાનું, નિત્યક્રમ મુજબ નાહીને ઇશ્વરને યાદ કરવાના, થોડું ટીવી જોવાનું, જમવાનું અને બાળકોનાં બાળકો સાથે સમય વિતાવવાનો. કદાચ ક્યારેક ઘરકામમાં પણ મદદ કરવાની.

તેમના બાદની જનરેશનનું રૂટિન થોડું અલગ. મિસ્ટર એન્ડ મિસિસ બંને ઑફિસ જાય એટલે સવારેતો પેલા ચાચી 420ના “દૌડા દૌડા ભાગા ભાગા સા” જેવી પરિસ્થિતિ હોય. આખો દિવસ ખણખણિયા કમાવા માટે મહેનત કરવાની અને થાક્યા પાક્યા ઘેર આવવાનું. પોતાનું બાળક માતા-પિતાને જોઈને દોડીને આવે પણ પોતાના એક્ટિવ કલાકો ઓફિસમાં ગાળ્યા બાદ પોતાનાંજ બાળકને સાંજનો આખો સમય આપી શકે એટલી સ્ફૂર્તિ ક્યાંથી લાવવી? અને આ સંજોગોમાં ‘સ્વ’ માટે સમય શોધવો મોટા ભાગના લોકોને અશક્ય લાગે તેમાં નવાઈ નહીં લાગે.

તમને ગમશે: જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ સાથે ચીટીંગ થઇ

તો પછી આ વ્યસ્ત જીવનમાંથી સ્વ માટે સમયને શોધવા શું કરવું જોઈએ?

સૌ પ્રથમ તો જેમ આપણે સામાજિક, માનસિક, આર્થિક જવાબદારીઓ સ્વીકારી છે, તેમ એક વધારાની અને અગત્યની જવાબદારી સ્વીકારવી પડે અન એ છે, ‘વ્યક્તિગત’ જવાબદારી. જીવન એક જ છે અને વિડિયો ગેમ્સ કે પછી TV રિઆલિટી શોની જેમ એમાં કોઈ લાઇફ લાઈન નથી. જેટલું અને જેવું જીવીએ એ એક ઉદાહરણ આપી શકાય એવું જીવીએ. એના માટે એક સરળ ઉપાય એ છે કે બને તેટલો સંયમ રાખીને પોતાના માટે સમય કાઢવો. દિવસ દરમિયાન એક કે બે કલાક જો પોતાના માટે મળે તો પછીના દિવસને આવકારવામાં જરા પણ સંકોચ નહીં આવે.

જેમ તનની તંદુરસ્તી માટે આરામની જરૂર છે તેમ મનની તંદુરસ્તી માટે શાંતિપૂર્વક સમયની જરૂર વર્તાય છે. સ્ત્રી અને પુરુષ સતત કાર્યરત રહે એમાં કાંઈ ખોટું નથી પણ જો જવાબદારીઓ પૂરી કરતા કરતા, પોતાને ગમતું કરવાની મોકળાશ મળે તો કુટુંબ વ્યવસ્થા જાળવવાનાં રોજના પ્રયાસો પણ મુકત મનથી કરવામાં આવે. ગમતું કરવું એનો અર્થ એવો નથી કે જવાબદારીઓ છોડીને માત્ર અને માત્ર પોતાના લાભ માટે વિચારવું. આપણા ઇંડિયન કલ્ચરમાં હમેશાં કુટુંબને અગત્યનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ અમુક વર્ગ એનો અર્થ એમ કાઢે છે જેમાં પુરુષ માત્ર કમાય અને સ્ત્રી ઘરકામ કરે. આ માન્યતામાંથી ઉપર ઉઠી પોતાનું અસ્તિત્વ સ્વીકારી એની અવગનના કર્યા વગર એને સમય આપો. પોતાનામાં છુપાયેલી ટેલેન્ટને ઓળખો અને યોગ્ય દિશા તરફ આગળ વધો. રૂટિન સિવાયની પ્રવૃત્તિઓ જેમ કે મ્યૂઝિક, રીડિંગ, ડાન્સિંગ, વગેરે પણ કરી શકાય જેથી તન અને મન બંને તંદુરસ્ત રહે.

તમારું રોજિંદુ ટાઈમટેબલ એક કાગળમાં લખો અને પછી તેને ધ્યાનથી જુઓ. નહીં નહીં તો ચોવીસ કલાકના દિવસમાંથી બે કલાક તો તમને તમારા ખુદના માટે મળી જ જશે એની ગેરંટી! એક વાર ‘સ્વ’ માટે સમય કાઢવાથી આસપાસની નેગેટીવીટી આપોઆપ દૂર થશે. એકબીજાને અને કુટુંબને સમય આપવાની સાથોસાથ જો આ ‘મારો સમય’ નો પણ રૂટિન તરીકે સ્વીકાર કરવામાં આવે તો લાઇફ મજ્જાની થઇ જ જશે!!

અસ્તુ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here