આ Office of Profit વળી કઈ બલાનું નામ છે?

1
393
Photo Courtesy: financialexpress.com

છેલ્લા ત્રણ-ચાર દિવસથી Office of Profit શબ્દ સતત આપણા કાને અફળાયા કરે છે. બધા જ પોતપોતાના રાજકીય વિચારો અનુસાર દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે જે સંસદીય સચિવોની નિમણુંક કરી એ આ Office of Profit હેઠળ આવે કે નહીં તે અંગે પોતાના મંતવ્યો આપી દીધા છે. પરંતુ આ Office of Profit એટલે શું અને એને લીધે દિલ્હીના જ ધારાસભ્યો કેમ ગેરલાયક ઠેરવાયા અને બાકીના રાજ્યોમાં, જે આમ આદમી પાર્ટીની પણ ફરિયાદ છે, કેમ આવું થયું નથી? તો ચાલો જાણીએ આ Office of Profitની દરેક માહિતી જે તમારે છેલ્લા બે-ત્રણ દિવસથી જાણવી છે.

Photo Courtesy: financialexpress.com

Office of Profit અંગે કાયદો અને સુપ્રીમ કોર્ટનું મંતવ્ય

ભારતનું બંધારણ જો ફંફોસવામાં આવે તો જાણકારો કહે છે કે Office of Profitની કોઈજ વ્યાખ્યા કરવામાં નથી, પરંતુ બંધારણની કલમ 102(1) અને 191(1) સંસદસભ્યો, ધારાસભ્યો અને MLCsને લાભ આપતી કોઇપણ સંસ્થાની જવાબદારીને સ્વીકારવાની મનાઈ કરે છે. પણ હા, જો દેશની સંસદ અને રાજ્યોની વિધાનસભાઓ અમુક તમુક ઓફિસોને Office of Profit ન ગણવાનો કોઈ કાયદો પસાર કરે અને પછી તેમાં કોઈ સંસદસભ્ય કે ધારાસભ્યને નિયુક્ત કરે તો તેનો કોઈજ વાંધો નથી હોતો. દિલ્હીમાં શીલા દિક્ષિતની સરકારે અને ભૂતકાળમાં રાજસ્થાનની સરકારે પણ આ પ્રમાણે ખાસ કાયદો પસાર કર્યો હતો.

જો કે દિલ્હીના મુદ્દે અહીં ખાસ નોંધ કરવી પડે કે શીલા દિક્ષિતની સરકારે ત્રણ વખત આ અંગે કાયદાનું સંશોધન કર્યું હતું તેમાં અરવિંદ કેજરીવાલની સરકાર જે મુદ્દે ભરાઈ છે એનો સમાવેશ થતો નથી. આથી ‘શીલા દિક્ષીતે કર્યું એ લીલા અને અમે કર્યું એ છીનાળું?’ એવી કેજરીવાલ અને એમની પાર્ટીની દલીલ અહીં ટકી શકતી નથી. આ ઉપરાંત રાજસ્થાનના કાયદાને પણ હાઈકોર્ટમાં તેમજ પશ્ચિમ બંગાળના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે અને તેના પર ફેંસલાની રાહ જોવાઈ રહી છે. કર્ણાટકમાં પણ ઓછેવત્તે અંશે આ જ પરિસ્થિતિ છે.

Office of Profit નો નિયમ લાવવા પાછળનો હેતુ એક જ છે કે કોઇપણ સંસદસભ્ય કે ધારાસભ્ય સરકારી શેહમાં આવ્યા વગર પોતાની જનપ્રતિનિધિ તરીકેની ફરજ બજાવી શકે. એક દાયકા અગાઉ સુપ્રીમ કોર્ટે જયા બચ્ચનના કેસમાં જેમાં તેઓ રાજ્યસભાના સભ્ય હોવા છતાં તેમને ઉત્તર પ્રદેશ ફિલ્મ બોર્ડના ચેરમેન બનાવ્યા ત્યારે આપેલા ફેંસલામાં જણાવ્યું હતું કે,

કોઇપણ કાયદો બનાવનાર વ્યક્તિને જો આવા પદથી નાણાકીય લાભ થતો હોય અથવાતો એ ઓફીસમાંથી તેને લાભ આપવાનો નિયમ હોય, ભલે પછી એ લાભનો તે સ્વીકાર કરે કે ન કરે, તેની સંસદ કે વિધાનસભાની સદસ્યતા રદ્દ કરી શકાય છે.”

અગાઉ પણ આવી ઘટનાઓ બની છે

આ અગાઉ 2014માં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના ચેરપર્સન બનાવવામાં આવ્યા હતા. તે સમયના રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલ કલામે સોનિયા ગાંધી સંસદસભ્ય હોવા ઉપરાંત ઉપરોક્ત સંસ્થાના ચેરપર્સન બન્યા હોવાથી તે Office of Profit નો મામલો હોવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ સોનિયા ગાંધીએ પોતાની લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું હતું અને ફરીથી ચૂંટણી લડીને જીત્યા હતા. ત્યારબાદ UPA સરકારે 2006માં કાયદો પસાર કરીને નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના પ્રમુખનું પદ Office of Profit ના દાયરામાં ન હોવાનું ઠરાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના ઉપરના અવલોકન બાદ સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય જયા બચ્ચનની રાજ્યસભાની સીટ 2006માં ગઈ હતી અને કેજરીવાલના 20 વિધાનસભ્યોની લાયકાત પણ આ જ ફેંસલાને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે રદ્દ કરી છે.

તમને ગમશે: રણોત્સવ – કચ્છ નહીં દેખા તો કુછ્છ નહીં દેખા

કેજરીવાલ ક્યાં ભરાઈ ગયા?

અરવિંદ કેજરીવાલ કરતા શીલા દિક્ષિત અને રાજસ્થાન સરકાર વધુ સ્માર્ટ નીકળ્યા એવું કહી શકાય. આ બંનેએ પોતપોતાના વિધાનસભ્યોને લાભના પદ આપતા પહેલા કાયદામાં ફેરફાર કરી લીધા. જ્યારે અરવિંદ કેજરીવાલે જ્યારે ભરાઈ ગયા હોવાનો ખ્યાલ આવ્યો પછી કાયદો પસાર કર્યો જેને તે સમયના રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ યોગ્ય રીતેજ સ્વીકાર કર્યો નહીં કારણકે કોઇપણ કાયદો પશ્ચાદવર્તી અસરથી અમલમાં ન મૂકી શકાય. આમ કેજરીવાલના 20 ધારાસભ્યોનું સભ્યપદ જવાનું નક્કી જ હતું.

આમ આદમી પાર્ટીનેOffice of Profit ના પદ કેમ વહેંચવા પડ્યા?

બંધારણના એક નિયમ અનુસાર સંસદ તેમજ રાજ્યોની વિધાનસભાની કુલ સંખ્યાના 15% થી વધુ પ્રધાનો નિયુક્ત કરી શકાતા નથી. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી મળ્યો આથી અહીં 10%નો નિયમ લાગુ પડે છે. દિલ્હીની વિધાનસભાની કુલ 70 બેઠકો છે અને આથી કેજરીવાલ 7 થી વધારે મંત્રીઓ રાખી શકે તેમ ન હતા, જ્યારે તેમની પાર્ટીના અધધધ 67 વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. હવે દરેકે જીત માટે મહેનત કરી હોય અને એમાંથી મોટાભાગનાને કોઈને કોઈ પદ મળે તેવી અપેક્ષા હોયજ એ સ્વાભાવિક છે. થોડો સમય કશું ન થયા બાદ જાણવા મળ્યા અનુસાર આમ આદમી પાર્ટીના એ સભ્યો જેમને કોઈ મંત્રી પદ મળ્યું ન હતું તેમનો અસંતોષ વધવા લાગ્યો હતો અને આથી તેમને શાંત કરવા, અત્યારે જે પ્રમાણે સાબિત થઇ રહ્યું છે તેમ, કેજરીવાલે ઉતાવળ કરીને એમાંથી ઘણાને સંસદીય સચિવના પદની લ્હાણી કરી દીધી, પરંતુ કાયદામાં ફેરફાર કરવાનું ભૂલી ગયા.

આમ આદમી પાર્ટી અને નિષ્કાસન પામેલા તેના વિધાનસભ્યો બૂમો પાડી પાડીને કહી રહ્યા છે કે એમણે પદ ભલે સ્વીકાર્યું હતું પરંતુ તેમની ધારાસભ્યની ઓફિસમાં જ તેમના સંસદીય સચિવ માટે જગ્યા કરી દેવામાં આવી હતી. ઉપરાંત તેમણે આ પદ માટે કોઈ કાર કે કોઈ ભથ્થાં, અરે એક રૂપિયો પણ નથી લીધો, તો પછી Office of Profit નો મામલો કેવી રીતે બને? અહીં તકલીફ એ છે કે આમ આદમી પાર્ટી Profit શબ્દ પર વધુ ધ્યાન આપી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટના જયા બચ્ચનના મામલે તેણે Office શબ્દને ધ્યાનમાં લીધો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે લાભ મળે કે ન મળે પણ જો એ ‘Office’ નો હેતુમાત્ર Profit આપવાનો હોય તો તે Office of Profit ગણાઈ જ જાય છે.

eછાપું

1 COMMENT

  1. માત્ર સમાચાર જ નહીં પરંતુ એ સમાચાર બનવાના કારણો પણ જાણવા આવશ્યક હોય છે એટલે આ માહિતીપ્રદ લેખ ગમ્યો. લેખ માટે મહેનત કરનારા બધાને અભિનંદન.. આ પ્રકારના વધારે લેખો આપતા રહેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here