અમેરિકન સરકારની તાળાબંધી (shutdown) એટલે શું?

0
341
Photo Courtesy: Youtube

અમેરિકાની સરકારમાં શનિવારથી તાળાબંધી (shutdown) થઇ ગઈ છે. જીહા! અમેરિકામાં સરકાર છેલ્લા અડતાળીસ કલાકથી ‘બંધ’ છે. આમ એટલા માટે થયું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સેનેટ-કોંગ્રેસ વચ્ચે એક બાબતે ‘ઠેરી’ ગઈ છે અને રિપબ્લિકન પાર્ટીની બહુમતી ધરાવતી સેનેટ અને ડેમોક્રેટિક બહુમતી ધરાવતા હાઉસના ઝઘડામાં સરકાર ચલાવવા માટે હવે તિજોરીમાંથી એક ડોલર પણ ઉપાડવાની મંજૂરી નથી.

આવું કેમ થયું એ સમજીએ તે પહેલા આ પરિસ્થિતિને ભારતના પરિપેક્ષ્યમાં જોઈએ જેથી સમજવામાં થોડી સરળતા રહે.

Photo Courtesy: Youtube

આપણે ત્યાં દર વર્ષે સરકારે આવનારા નાણાકીય વર્ષ દરમ્યાન ખર્ચાઓ કરવા માટે સંસદ પાસે પોતાનું બજેટ મંજૂર કરાવવું પડતું હોય છે. બંધારણ અનુસાર જો લોકસભામાં સરકાર આ ખર્ચ એટલેકે બજેટ મંજૂર ન કરાવી શકે તો સરકારે તરતજ રાજીનામું આપી દેવું પડે છે. ઘણીવાર તમને ખ્યાલ હોય તો લોકસભાની ચૂંટણીની આસપાસ જો બજેટ આવતું હોય તો સરકારો બજેટને બદલે Vote on Account લોકસભા પાસેથી મેળવતી હોય છે જેનાથી તેને કામચલાઉ ખર્ચ કરવાની સત્તા મળે છે.

અમેરિકામાં બજેટને બદલે ખર્ચના બીલો એટલેકે સરકારના દરેક વિભાગો spending bills તેમની કોંગ્રેસના બંને ગૃહો પાસેથી પસાર કરાવતા હોય છે. આપણે ત્યાં એવી વ્યવસ્થા છે કે બજેટ અથવાતો ખર્ચ બીલ જો લોકસભાએ પસાર કરી દીધું હોય પરંતુ રાજ્યસભા તેને પસાર ન કરે તો સરકારે રાજીનામું આપવાની જરૂર નથી કારણકે રાજ્યસભાના સભ્યો સીધી ચૂંટણીથી ચૂંટાયેલા નથી હોતા. પરંતુ અમેરિકામાં સરકારને ખર્ચ કરવા માટે બંને ગૃહો પાસેથી મંજૂરી લેવી જરૂરી છે. જો આમ ન થાય તો રાષ્ટ્રપતિ પણ કશું જ કરી શકતા નથી.

તો આ થઇ એક સામાન્ય સમજ અમેરિકન સિસ્ટમની. હવે એ બાબત મુદ્દાસર જાણીએ કે હાલમાં અમેરિકામાં જે Shutdown નું સંકટ ઉભું થયું છે તે કેમ થયું છે અને તેની અસર અમેરિકન સરકાર અને સામાન્ય નાગરિકો પર શું પડી શકે છે. આ સાથે આપણે અમેરિકામાં Government Shutdown નો ઈતિહાસ પણ જાણીશું.

અત્યારની સમસ્યા શું છે?

અત્યારે જેમ ઉપર જણાવવામાં આવ્યું કે બે જુદીજુદી પાર્ટીઓ અમેરિકાના બંને ગૃહો પર કન્ટ્રોલ કરે છે એ કદાચ સમસ્યાનું મૂળ નથી. સમસ્યા એ પણ નથી કે સરકારી ખર્ચનું સ્તર વધુ કે ઓછું કરવું. અત્યારની સમસ્યા એમ છે પ્રમુખ ટ્રમ્પ અને કોંગ્રેસ એ બાબતે લડી રહ્યા છે કે ‘Dreamers’ તરીકે ઓળખાતા અને અમેરિકામાં ગેરકાયદેસર ઘુસી આવેલા એવા લોકોને કાયદેસરનું સ્ટેટ્સ રીન્યુ કરવું. આ એ લોકો છે જે પોતાના બાળપણમાં જ અમેરિકા આવીને વસી ગયા હતા પરંતુ ગેરકાયદેસર. હવે પ્રમુખ ટ્રમ્પને એમનું સ્ટેટ્સ રીન્યુ નથી કરવું જ્યારે ત્યાંની કોંગ્રેસનો વિચાર સાવ અલગ છે.

આમ અત્યારે અમેરિકન સરકારનું Shut Down એ નાણાકીય સમસ્યાને લીધે નહીં પરંતુ રાજકીય સમસ્યાને લીધે ઉભું થયું છે. હવે જાણીએ કે આ Shutdown વિષે અમેરિકાનું બંધારણ શું કહે છે.

Government Shutdown એટલે શું? – એક બંધારણીય વ્યાખ્યા

અમેરિકન બંધારણની એક વ્યાખ્યા અનુસાર Shutdowns અનુસાર જ્યારે spending bills એટલેકે ખર્ચના બીલની મુદ્દત પૂરી થાય અને કોંગ્રેસ તેમજ રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ બાબતે મડાગાંઠ ઉભી થાય અને સરકારને ખર્ચ કરવાની નવી મંજૂરી ન મળે ત્યારે shutdownની પરિસ્થિતિ ઉભી થાય છે. અમેરિકન બંધારણની કલમ I અને ધારા 9 અનુસાર આ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે “સરકારી તિજોરીમાંથી નાણા ઉપાડી શકાતા નથી પરંતુ જો કાયદામાં આ અંગે કોઈ જોગવાઈ હોય તો તેમ થઇ શકે છે.” હવે 1870ના એક કાયદા પર આધારિત Antideficiency Act પસાર કરવામાં આવ્યા બાદ તેમાં વખતોવખત સુધારાઓ થયા છે, એમાં એવી જોગવાઈ છે કે જ્યારે પણ Shutdownની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે કેટલીક ફેડરલ પ્રવૃત્તિઓ જે અત્યંત જરૂરી હોય તેને ચાલુ રાખવી જોઈએ. આમ આ કાયદા હેઠળ અમેરિકા અને અમેરિકનો માટે અમુક બાબતો જે અંત્યત જરૂરી છે તે આ સમયે પણ વ્યવસ્થિત ચાલુ રહે છે અને તેને ચલાવા માટે નાણા મળતા રહે છે.

તમને ગમશે: એક મિસાઈલ હવે દિલ્હી અને મુંબઈને દુશ્મનોથી વધુ સુરક્ષિત બનાવશે

અમેરિકામાં Government Shutdown નો ઈતિહાસ

એક આંકડા અનુસાર અમેરિકામાં 1976 થી અત્યારસુધીમાં કુલ 18 shutdowns થયા છે. પરંતુ 1980 બાદ આ shutdownsની વ્યાપક અસર જોવા મળી છે. 1980માં જ્યારે shutdownની પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે સરકારી કામકાજ રોજની જેમજ ચાલુ રહ્યું હતું કારણકે સરકારી ખાતાઓને વિશ્વાસ હતો કે એમ કોંગ્રેસ તેમને હેરાન કરવા નથી માંગતી અને થોડા સમયમાં shutdownની પરિસ્થિતિ પૂર્ણ થઇ જશે.

પરંતુ 1980 અને 1981માં તે સમયના અમેરિકાના એટોર્ની જનરલ બેન્જામીન સિવિલેટ્ટીએ સરકારી ખાતાઓને બે શરતો સિવાય પોતાના રોજના કાર્ય બંધ કરવાનું જણાવ્યું અને ત્યાંસુધી કાર્ય શરુ ન કરવાનું  જણાવ્યું જ્યાંસુધી કોંગ્રેસ તેમના નાણા મંજૂર ન કરે. આ બે પૂર્વ શરતો એ હતી કે, “દેશની માનવીય જિંદગી અને સંપત્તિની સુરક્ષા માટે ખર્ચ હોય તો કરવો” અને બીજી શરત હતી, “જો કોઈ કાયદા હેઠળ ખર્ચ કરવાની છૂટ મળે તો ખર્ચ કરી શકાય.”

1980 થી 1990 વચ્ચે જેટલા પણ shutdowns થયા તેને બહુ ઝડપથી ઉકેલી દેવામાં આવ્યા. પરંતુ રાષ્ટ્રપતિ બીલ ક્લીન્ટનના સમયમાં હાઉસ અને સેનેટ બંનેમાં જ્યારે રિપબ્લિકન પાર્ટી બહુમતી ધરાવતી હતી ત્યારે નવેમ્બર 1995માં 5 દિવસ અને ડિસેમ્બર 1995 અને જાન્યુઆરી 1996માં 21 દિવસ shutdown ચાલ્યું હતું. ત્યારબાદ છેક 17 વર્ષ બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયમાં ડેમોક્રેટિક પાર્ટી સેનેટમાં અને રિપબ્લિકન્સ હાઉસમાં બહુમતી ધરાવતા હતા ત્યારે 2013માં બે અઠવાડિયા માટે અમેરિકામાં shutdown થયું હતું.

Shutdown એટલે બધુંજ બંધ?

ના, shutdown હોય ત્યારે જેમ ઉપર જણાવ્યું તેમ મહત્ત્વની સરકારી સેવાઓ ચાલુ રહે છે. જ્યારે 2013માં છેલ્લું shutdown થયું હતું ત્યારે અમેરિકન સરકાર રોજ 8,50,000 કર્મચારીઓને વારાફરતી ફરજીયાત રજા પર ઉતારી દેતી હતી જે કુલ સંખ્યાના 40% થતા હતા. આ સરકારી કર્મચારીઓમાં લશ્કર તેમજ પોસ્ટલ કર્મચારીઓ સામેલ નહોતા. આ સમયે એવું કહેવાય છે કે દેશને 6.6 મિલિયન કાર્ય દિવસોનું નુકસાન થયું હતું. આ સમયે દરરોજ કોણ રજા પર જશે તેનો નિર્ણય સીનીયર અધિકારીઓ લેતા હોય છે.

અમેરિકન સેનાની ત્રણેય પાંખો પર shutdownની કોઈજ અસર થતી નથી. આ ઉપરાંત હેલ્થ સર્વિસીઝ પણ સામાન્ય રહેતી હોય છે. સરકારના કેટલાક ખાતાઓ જેમના ખર્ચ shutdown અગાઉ હાઉસ અને સેનેટ દ્વારા પસાર કરી દેવામાં આવ્યા હોય છે એ પણ રોજીંદા કાર્યો ચાલુ રાખે છે. આ ઉપરાંત અમેરિકન કોર્ટ્સ પાસે પોતાનું અલગથી ભંડોળ હોય છે આથી ન્યાય પ્રક્રિયા પણ કોઇપણ અસર વગર ચાલુ રહે છે, જ્યારે દેશમાં shutdown ચાલી રહ્યું હોય.

તો પછી બંધ શું થાય?

જ્યારે પણ અમેરિકામાં સરકાર shutdown જાહેર કરે ત્યારે નીચેની સેવાઓ બંધ થઇ જાય છે.

  • નેશનલ ઇન્સ્ટીટયુટ્સ ઓફ હેલ્થ ખાતે રીસર્ચ માટે નવા દર્દીઓની ભરતી બંધ થાય છે અને રોગ અંગેની માહિતી મેળવવા માટે રાખવામાં આવેલી હોટલાઈન બંધ કરી દેવામાં આવે છે.
  • સેન્ટર્સ ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન રોગોનું પરીક્ષણ કરવાનું બંધ કરી દે છે.
  • ફેડરલ લો એન્ફોર્સમેન્ટમાં નવી ભરતી કરવાનું અને ટેસ્ટ લેવાનું બંધ થાય છે.
  • તમામ નેશનલ પાર્ક, નેશનલ મ્યુઝીયમ અને મોન્યુમેન્ટ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવે છે.
  • વીસા અને પાસપોર્ટની સેવાઓ બંધ થઇ જાય છે.
  • ખોરાક, પ્રોડક્ટ્સ અને કાર્યસ્થળના ઈન્સ્પેક્શનનું કાર્ય થતું નથી.
  • સોશિયલ સિક્યોરીટીની વેરિફિકેશનની અરજી પર કામ કરવાનું બંધ થઇ જાય છે.
  • સરકારી લોન અને મોર્ગેજ માટેની અરજી પર કોઈજ કાર્ય થતું નથી.

તો આ હતી અમેરિકન સરકારમાં હાલમાં ઉભી થયેલી shutdownની પરિસ્થિતિ અંગે એક સામાન્ય સમજ. આ પરથી તમે જાણી શકશો કે જ્યારે એક સરકાર કામ કરવાનું બંધ કરી દે ત્યારે મહાસત્તા કહેવાતા દેશમાં કેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. પરંતુ જીવનજરૂરી તેમજ અત્યંત જરૂરી સેવાઓ આ સમય દરમ્યાન પણ અમેરિકામાં બેધડક ચાલતી રહે છે જેથી રોજબરોજના કાર્યો પણ કોઈ ખાસ અસર પડતી નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here