વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણે જ્યારે આ વાંચતા હોઈશું ત્યારે સ્વીત્ઝરલૅન્ડના દાવોસમાં આયોજીત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એટલેકે WEF ની બેઠકમાં જવા માટે રવાના થઇ ગયા હશે, રવાના થવાના હશે અથવાતો ઓલરેડી ત્યાં પહોંચી ગયા હશે. એ જાણીને નવાઈ લાગે છે કે વિશ્વમાં આર્થિક બાબતો અંગેની ચર્ચા કરવા માટે અને દેશમાં રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષવા માટેનો એક એવો મંચ જ્યાં દુનિયાભરના શક્તિશાળી CEOs અને રાષ્ટ્રનેતાઓ એકસાથે દર વર્ષે ચર્ચા કરવા મળી જાય ત્યાં નરેન્દ્ર મોદી ભારતના માત્ર બીજા અને છેલ્લા બે દાયકામાં પ્રથમ વડાપ્રધાન બની ગયા છે.

એ જાણીને જરૂર નવાઈ લાગે કે ભારતનું અર્થતંત્ર જ્યારે તેના સાવ તળીયે હતું એ સમયે છેલ્લે એચ ડી દેવેગૌડા અહીં આવ્યા હતા. કોંગ્રેસ અને કોંગ્રેસી ટેકેદારો ડૉ. મનમોહન સિંઘ જેવા અર્થશાસ્ત્રી વડાપ્રધાન દેશને આપવાનો ખૂબ ગર્વ કરે છે પરંતુ દેશ પર એક દાયકો શાસન કરનાર આ પંડિત અર્થશાસ્ત્રીને એક વર્ષ પણ ત્યાં જવાની ઈચ્છા કેમ ન થઇ એ સવાલ કોઇપણ સામાન્ય નાગરિકને જરૂર થાય.
જ્યારે એકજ મંચ પર આર્થિક અને રાજકીય માંધાતાઓ ભેગા થાય ત્યારે કદાચ તમે તમારા દેશના બજારોનું માર્કેટિંગ આસાનીથી કરી શકો અને ઓછા ખર્ચમાં કરી શકો એ સ્વાભાવિક છે, પરંતુ અર્થશાસ્ત્રમાં માસ્ટર એવા વડાપ્રધાનને આવી સાદી વાત ન સમજાઈ જે એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવતા અને ‘એક વત્તા એક એટલેકે બે’ એવી સાદી પરંતુ સચોટ સમજ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમજાઈ ગઈ અને તેઓ આજે દાવોસ જવાના છે.
WEF જવાના પ્રયાસો નરેન્દ્ર મોદી એમના વડાપ્રધાન બન્યા પછી તરતજ કરતા હતા એવું તેમણે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે, પરંતુ સાનુકુળ સંજોગો હવે ઉભા થયા અને તેઓ જઈ રહ્યા છે. અહીં તેમની સાથે તેમના કેન્દ્રીય પ્રધાનમંડળમાં તેમના સાથી મંત્રીઓ અને ભારતીય ઉદ્યોગપતિઓ પણ જઈ રહ્યા છે. WEF શરુ થશે એ દિવસેજ મોદી એક પૂર્ણ સત્રને પોતાનું key note ઉદબોધન કરશે. ત્યારબાદ ભારત સરકાર તરફથી અપાનારા ડિનરમાં વિદેશી CEOs હિસ્સો લેશે. ટૂંકમાં WEF દ્વારા જે કોઈ પણ લાભ મળે તે વડાપ્રધાન મોદી ઉઠાવવા માંગે છે.
માત્ર WEF ની જ વાત નથી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી એમણે નેપાળથી સતત શરુ કરેલી વિદેશયાત્રાઓ વિષે ખુબ ચર્ચા થઇ અને એમના દ્વેષીઓએ આશા અનુસાર એમની આ યાત્રાઓની ટીકા પણ કરી. પરંતુ વડાપ્રધાનની અમુક યાત્રાઓ કેટલા વર્ષબાદ કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા હાથ ધરવામાં આવી એની માહિતી લઈએ તો આઘાત લાગે છે. કારણકે અમુક દેશો તો એવા હતા જ્યાં છેલ્લા દાયકાઓથી એકપણ વડાપ્રધાને મુલાકાત લેવાની તસ્દી લીધી ન હતી. આ એવા દેશો છે જેનું વિશ્વમાં આર્થિક કે પછી વ્યુહાત્મક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ છે.
આવો જોઈએ આ કયા દેશો છે જ્યાં મોદીએ દાયકાઓ બાદ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે મૂલાકાત લીધી હતી.
- આયર્લેન્ડ – 60 વર્ષ બાદ (કૌશલ્ય વિકાસમાં આગળ પડતું રાષ્ટ્ર, પણ ભારતમાં રોજગારી વધે તેમાં કોઈ વડાપ્રધાનને આઝાદી બાદ ઈચ્છા જ ન થઇ?!!)
- કેનેડા – 42 વર્ષ બાદ (કેનેડા? એય 42 વર્ષમાં કોઈજ વડાપ્રધાન નહીં? જરા વિચાર તો કરો? અહીં બિનનિવાસી પંજાબીઓની વિશાળ વસ્તી વસવાટ કરે છે.)
- UAE – 34 વર્ષ બાદ (ભારત અહીંથી તેલનો વિશાળ જથ્થો ઈમ્પોર્ટ કરે છે પણ 34 વર્ષમાં કોઈ વડાપ્રધાને જવાનું મહત્ત્વ ન વિચાર્યું?)
- ઓસ્ટ્રેલિયા – 28 વર્ષ બાદ (ઓસ્ટ્રેલિયામાં કોલસો ભરપૂર છે આ ઉપરાંત અહીં ભારતીય મૂળના લાખો લોકો વસે છે, પણ રાજીવ ગાંધી બાદ છેક નરેન્દ્ર મોદીને ત્યાં જવાનું સુજ્યું.)
- નેપાળ – 17 વર્ષ બાદ (હદ છે ને? કદાચ આ કારણસર જ આજે ચીન નેપાળ પર સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવે છે.)
- UK – 10 વર્ષ (આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વ્યુહાત્મક દ્રષ્ટિએ આટલા મહત્ત્વના દેશમાં એક દાયકા સુધી એકપણ ભારતીય વડાપ્રધાન ન જાય એ કેવું?)
- ઇઝરાયેલ – સર્વપ્રથમ વડાપ્રધાન (એક તરફ આપણે છેલ્લા અઢી દાયકાથી આતંકવાદ આપણને હેરાન કરે છે એવા ચિત્કાર કરતા રહ્યા અને એકવાર પણ આપણને મદદ કરવા માટે સદાય તત્પર એવા ઇઝરાયેલની એક નાનકડી મૂલાકાત લેવાનું પણ કોઈ વડાપ્રધાનને ન સુજ્યું?)
eછાપું