કમલેશ નાગરકોટી અને શિવમ માવી ભારતીય પેસ બોલિંગનું ભવિષ્ય

0
342
Photo Courtesy: indianexpress.com

હાલમાં ન્યુઝીલેન્ડમાં Under 19 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયું છે પરંતુ તેની એ સિદ્ધિ કરતા ભારતે આ ટુર્નામેન્ટમાં બે ફાસ્ટ બોલરો નામે કમલેશ નાગરકોટી અને શિવમ માવી મળ્યા તેની વાતો વધુ ચર્ચાઈ રહી છે. આ બંને ફાસ્ટ બોલરોથી ખુદ ગબ્બર એટલેકે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી આપવા ગયેલા સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને BCCIનું ધ્યાન દોર્યું હતું.

Photo Courtesy: indianexpress.com

આ ટુર્નામેન્ટમાં નાગરકોટી અને માવી બંને એ 140-145 કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે ઝડપથી બોલિંગ સતત નાખી હતી. વર્ષોથી ભારતીય ક્રિકેટને નજીકથી ફોલો કરનાર માટે આ સ્વપ્ન સમાન ઘટના હતી. પણ માત્ર સ્પીડ કરતા આ બંને બોલરોએ જે રીતે ઓસ્ટ્રેલિયા સામે એક-એક વિકેટ મેળવવાનો પ્લાન બનાવીને તેને સફળતાથી અમલમાં મૂક્યો હતો તેણે ઘણા ક્રિકેટ વિવેચકોની આંખો પહોળી કરી નાખી છે.

સૌરવ ગાંગુલીએ ભલે BCCIનું ધ્યાન કમલેશ નાગરકોટી અને શિવમ માવી તરફ દોર્યું હોય પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડને બરોબર જાણનારાઓ મનમાં ચિંતા કરી રહ્યા છે કે ક્યાંક ગાંગુલીએ દોરેલું ધ્યાન આ બંને બોલરોના ભવિષ્યને બગાડીને તેમને અંધારાની ગર્તામાં ન ધકેલી દે. એવા ઘણા કિસ્સાઓ આપણને ભારતીય ક્રિકેટ ઇતિહાસના પાનામાં મળશે જ્યારે ક્રિકેટ બોર્ડ દ્વારા નીમવામાં આવેલા વિવિધ કોચ દ્વારા કુદરતી ફાસ્ટ બોલરોની સ્પીડ ટેક્નીકલ બાબતો પર ધ્યાન આપવાનું કહીને ઘટાડીને એમની કારકિર્દીનો અકાળે અંત લાવી દીધો હોય.

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના જમાનામાં રીતસર શેરી ક્રિકેટમાંથી ફાસ્ટ બોલરોને પકડી લવાતા હતા એમ કહીએ તો ચાલે. બસ પછી તેમને લાઈન અને લેન્થનું પ્રાથમિક જ્ઞાન આપીને જેટલી ફાસ્ટ બોલિંગ એ બોલર કરી શકે તેમ કરવાની તેને છૂટ આપવામાં આવતી અને એટલેજ આપણને વસીમ અક્રમ, વકાર યુનીસ અને આકિબ જાવેદ જેવા ફાસ્ટ બોલરો જોવા મળ્યા. આવું જ કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયામાં પણ ચાલે છે. પરંતુ આપણે ત્યાં કોચ જેન્યુઈન ફાસ્ટ બોલરને લાઈન અને લેન્થ ઉપરાંત રન કેમ રોકવા વગેરે જેવી ટેક્નીકલ બાબતોનું ધ્યાન આપવાનું વધુ કહેતા હોય છે અને પરિણામે ફાસ્ટ બોલર બંધાઈ જાય છે અને સ્પીડ ઘટી જાય છે.

બહુ દૂર ન જતા ઈરફાન પઠાણનો જ દાખલો લઈએ. ઈરફાન એક જેન્યુઈન સ્વીંગ બોલર વધુ હતો પણ તેની સ્પીડ પણ ઘણી સારી હતી. જ્યાંસુધી ગ્રેગ ચેપલને તે ન મળ્યો ત્યાંસુધી બધું બરોબર હતું. પઠાણ પાસે બેટિંગની કળા પણ સારીએવી હતી. ગ્રેગ ચેપલે તેને સ્વીંગ વધુ કેમ થાય એની સલાહ આપવાને બદલે અન્ય કોઈ સલાહો આપી અને ઉપરાંત તેને પાકિસ્તાનની ટૂરમાં વનડેમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલી તેના પર બિનજરૂરી જવાબદારી નાખી દીધી. બસ ઈરફાન પોતાની લય ભૂલી ગયો અને અકાળે એની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત થઇ ગઈ.

જો કે આ વખતના Under 19 વર્લ્ડ કપના બોલિંગ કોચ પારસ મહામ્બ્રે એ બાબતનું વિશેષ ધ્યાન રાખી રહ્યા છે કે કમલેશ નાગરકોટી અને શિવમ માવી બંને બને તેટલી ઝડપથી બોલિંગ કરે રાખે અને એમની નાની ભૂલોને જ તેઓ સુધારે. આશા કરીએ કે આવનારા દિવસોમાં આ બંને બોલરોને મહામ્બ્રે જેવા જ બોલિંગ કોચ મળે જેથી નહીં નહીં તો આવતા ત્રણેક વર્ષમાં વિશ્વ ક્રિકેટમાં ભારતીય ફાસ્ટ બોલરોની ધાક ઉભી થાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here