સોશિયલ મીડિયા ક્રાંતિ થયે લગભગ એક દાયકા જેટલો સમય થઇ ગયો છે. અત્યારસુધી એવું લાગતું હતું કે social media is here to stay પરંતુ આયર્લેન્ડમાં થયેલા એક સરવે અનુસાર યુઝર્સનો સોશિયલ મીડિયા પ્રત્યેનો મોહભંગ થઇ રહ્યો છે અને તે પણ મોટી માત્રામાં. આમ થવા પાછળ સોશિયલ મીડિયા ખુદ જવાબદાર છે.

એક સમય એવો હતો જ્યારે આરબ સ્પ્રીંગ માટે સોશિયલ મીડિયા પત્રકારોનો આભાર માનવામાં આવ્યો હતો, કારણકે તેમણે ફેસબુક, ટ્વીટર જેવા પ્લેટફોર્મ પર સાચી માહિતી આપી હતી અને અમુક આરબ દેશોમાં ક્રાંતિ આણી હતી. હવે એવો સમય આવ્યો છે કે આ પ્રકારના સોશિયલ મીડિયા પત્રકારો પર લોકોને સહુથી ઓછો વિશ્વાસ પડી રહ્યો છે. આ પાછળનું કારણ છે fake newsનું વધી રહેલું પ્રમાણ. એક આરોપ હેઠળ અમેરિકાની ગત રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોતો આવા fake newsને આભારી છે.
આપણને ખુદને અનુભવ છે કે ફેસબુક, ટ્વીટર અથવાતો વોટ્સ અપ પર આપણને ખોટી તસ્વીરો કે વિડીયો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ તાજી જ ઘટના છે અને પછી આપણે આ સમાચારને વગર વિચારે અને વગર પુષ્ટિ કરે ફોરવર્ડ કરવા માંડીએ છીએ. યુરોપમાં હવે લોકો આ પ્રકારના ફોરવર્ડીયા મેસેજીસથી ત્રાસી ગયા છે અને કોઇપણ ન્યુઝની ખરાઈ કરવા તેઓ ફરીથી પરંપરાગત મીડિયા પર વિશ્વાસ મુકવા લાગ્યા છે તેમ ઉપરોક્ત સરવેમાં જાણવા મળ્યું છે.
Fake news ઉપરાંત સોશિયલ મીડિયામાં દાદાગીરી પણ વધી ગઈ છે. આ દાદાગીરી લોકોમાં વધેલી અસહિષ્ણુતાને લીધે ફેલાઈ રહી હોવાનું સરવેમાં જાણવા મળ્યું છે. ભિન્ન મત ધરાવતા લોકોને મારી નાખવાની કે પછી તેમને હાની પહોંચાડવાની ધમકીઓ હવે વિવિધ પ્લેટફોર્મ્સ પર વધી જતા લોકો સોશિયલ મીડિયાથી દૂર થઇ રહ્યા છે અને એમ કહી શકાય કે તેમનો સોશિયલ મીડિયા સાથેનો હનીમૂન પીરીયડ હવે પૂરો થવાને આરે છે.
નસ્લવાદ, જાતિવાદ, હિંસા, ધાર્મિક કટ્ટરતા આ બધું અહીં એટલું બધું વધી ગયું છે કે Appleના સર્વેસર્વા ટીમ કૂકે ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે પોતાના ભત્રીજાને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માંગે છે. તો ફેસબુકના પૂર્વ એક્ઝીક્યુટીવ ચમથ પાલીહાપીટીયાએ તો એટલી હદે કહ્યું હતું કે, “માત્ર ભગવાન જ જાણે છે કે આપણે આપણા બાળકોના મગજ સાથે શું રમત રમી રહ્યા છીએ!”
આ તો સામાન્ય વ્યક્તિઓની વાત પરંતુ સેલીબ્રીટીઝ પણ સોશિયલ મીડિયાથી દુઃખી છે. બ્રિટનની જ વાત કરીએ તો અહીં સેલીબ્રીટીઝને સોશિયલ મીડિયા પર ખૂબ ગાળો આપવામાં આવે છે. બ્રિટનના ચાર થી પાંચ મંત્રીઓને તો વિવિધ પ્લેટફોર્મ્સ પર જાનથી મારી નાખવાની ધમકી સુધ્ધાં મળી ગઈ છે. ફેસબુક અથવાતો ટ્વીટર પર મળતી ગાળો અને ધમકીઓથી કંટાળીને કેટલાક સેલીબ્રીટીઓએ કામચલાઉ અથવાતો કાયમી સોશિયલ મીડિયા સંન્યાસ લઇ લીધો છે. આપણે ત્યાં પણ સોનુ નિગમનો દાખલો છે જ.
આમ, આ સરવેથી એટલું તો જાણવા જરૂર મળ્યું છે કે આપણે આજે પણ આપણને મળેલી સુવિધાનો દૂરુપયોગ કરવાથી ચૂકતા નથી. પછી તે ભારત હોય, આયર્લેન્ડ હોય કે પછી અમેરિકા, આમ થવાથી તકલીફ એ લોકોને થાય છે જે સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરવા માંગે છે અથવાતો દિવસમાં થોડીક મીનીટો ફ્રેશ થવા માટે અહીં આવતા હોય છે.
eછાપું
તમને ગમશે: વેપારીઓ ચેતી જજો તમારી હાલત પણ મેકડોનાલ્ડ્સ જેવી થશે