‘મિત્ર’ મોદીને મળીને ગદગદ થયા બેન્જામીન નેતનયાહુ

0
298
Photo Courtesy: india.com

થોડા દિવસ અગાઉ ભારતની છ દિવસની મુલાકાત પતાવીને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતનયાહુ વતન પરત થઇ ગયા છે. પરંતુ વતન પરત થયા પછી પણ તેઓ સતત આ મુલાકાતને અને પોતાના ‘મિત્ર’ નરેન્દ્ર મોદીને ખુબ યાદ કરતા રહે છે. ગઈકાલે ઇઝરાયેલના કેબીનેટની અઠવાડિક બેઠક મળી હતી અને તેમાં બેન્જામીન નેતનયાહુએ ભારત યાત્રાની દરેક પળને યાદ કરી હતી.

Photo Courtesy: india.com

નેતનયાહુએ પોતાના કેબીનેટને જણાવ્યું હતું કે તેઓ ‘મિત્ર’ નરેન્દ્ર મોદીના ગર્મજોશીથી ભરેલા અને અભૂતપૂર્વ સ્વાગતથી ગદગદ થયા હતા. નેતનયાહુ પોતાની આ ભારતની યાત્રાને ઐતિહાસિક ગણાવી રહ્યા છે અને તેમણે એમ પણ ઉમેર્યું હતું કે તેઓ દિવસો સુધી ભારતની આ યાત્રાને યાદ કરતા રહેશે. નેતનયાહુની જેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ પ્રોટોકોલ્સ તોડીને તેમનું સ્વાગત કરવા માટે નવી દિલ્હીના એરપોર્ટ પર ગયા હતા.

બેન્જામીન નેતનયાહુ પોતાની ભારત યાત્રા દરમ્યાન આગ્રામાં પ્રસિદ્ધ તાજમહાલ જોવા ગયા હતા જ્યાં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહ્યા હતા. ત્યારબાદ નેતનયાહુ એક પૂરા દિવસની મુલાકાતે અમદાવાદ આવ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન મોદી સાથે એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કર્યો હતો અને આ બંને વિશ્વનેતાઓને જોવા અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. સાબરમતી આશ્રમમાં પણ નેતનયાહુએ પત્ની સાથે ચરખો કાંત્યો હતો અને અહીની વિઝીટર્સ બુકમાં પોતાના સંસ્મરણો નોંધ્યા હતા.

તમને ગમશે: વડાપ્રધાનને પણ પોતાના સંસદસભ્યો વિષે એક ફરિયાદ છે

કેબીનેટને પોતાની ભારત યાત્રા અંગે જણાવતા નેતનયાહુએ પોતાની મુંબઈ મુલાકાતને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની મુલાકાત દરમ્યાન મુંબઈની મુલાકાત તેમને ખૂબ યાદ રહેશે કારણકે અહીં તેઓ નાનકડા મોશે ને મળ્યા હતા. મોશે એ જ બાળક છે જેના માતાપિતાને આતંકવાદીઓએ 26/11ના હુમલામાં કતલ કરી દીધા હતા પરંતુ મોશે પોતાની નેની નેન્સીની મદદથી જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

બેન્જામીન નેતનયાહુએ કેબીનેટને જણાવ્યું હતું કે તેમની ભારત મૂલાકાતે ઇઝરાયેલને આર્થિક, રક્ષા, ટેક્નોલોજી અને રાજકીય દ્રષ્ટિએ ઘણો ફાયદો થશે. તેમણે કેબીનેટને એમ પણ જણાવ્યું હતું કે તેમની મુલાકાત બાદ ભારત સાથે ઇઝરાયેલના દ્વિપક્ષીય સંબંધો ઘણા સુધર્યા છે અને બંને દેશોના લોકો પણ તેનાથી એકબીજાની નજીક જરૂર આવશે.

ઈઝરાયેલના આંતરિક રાજકારણની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો બેન્જામીન નેતનયાહુ માટે ભારતની સફળ મુલાકાત અત્યંત રાહતરૂપ બનીને આવી છે. છેલ્લા ઘણા સમયથી અહીંના મીડિયા દ્વારા નેતનયાહુની સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગતા રહ્યા છે. આ ઉપરાંત બે વર્ષ પહેલા તેલ અવિવની એક સ્ટ્રીપ ક્લબમાં તેમના પુત્ર દ્વારા સ્ત્રીઓ વિષે કરવામાં આવેલી કમેન્ટ્સ માટે પણ ત્યાનું પ્રેસ તેમની સતત ટીકા કરતું આવ્યું છે.

આમ બેન્જામીન નેતનયાહુ માટે ભારતની યાત્રાનું મહત્ત્વ તેમના અહીં આવ્યા પહેલા પણ એટલુંજ હતું જેટલું તેમના સ્વદેશ પરત થયા બાદ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here