પ્રવાસીઓની સુરક્ષા મજબૂત બનાવવા સજ્જ થઇ રહી છે ભારતીય રેલવે

0
327
Photo Courtesy: metrovaartha.com

ભારતીય રેલવે આધુનિકીકરણ તરફ આગળ વધી રહી છે અને ટ્રેનમાં મળતા ખાનપાન તેમજ સ્ટેશનોને સ્વચ્છ રાખવાનું કાર્ય સફળતાપુર્વક પૂર્ણ કર્યા બાદ હવે રેલ મંત્રાલય ભારતમાં રેલવેને સુરક્ષિત કરવા તરફ એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. આ માટે મંત્રાલય 12 લાખ CCTVની ખરીદી કરવાનું છે અને તેના દ્વારા ભારતના દરેક રેલવે સ્ટેશનો તેમજ તમામ ટ્રેનો સુરક્ષિત બનાવવામાં આવશે તેમ એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું. ભારતીય રેલવે દ્વારા ઉભી કરવામાં આવનારી આ સુરક્ષા વ્યવસ્થા પોતાનામાં એક અનોખી વ્યવસ્થા હશે તેમ પણ આ અધિકારીએ જણાવ્યું હતું.

Photo Courtesy: metrovaartha.com

આ વ્યવસ્થા માટે આવનારા કેન્દ્રીય બજેટમાં લગભગ રૂ. 3,000 કરોડની વ્યવસ્થા થવાની છે. ભારતમાં હાલમાં કુલ 11,000 ટ્રેનો દોડી રહી છે અને દેશમાં કુલ 8,500 રેલવે સ્ટેશનો આવ્યા છે. આ સમગ્ર માળખાને રેલવે મંત્રાલય CCTVથી આવનારા બે વર્ષમાં સુરક્ષા આપવા માંગે છે.

આ યોજના અનુસાર રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ તેમજ અન્ય મહત્ત્વની જગ્યાઓથી માંડીને દરેક કોચમાં એન્ટ્રીની જગ્યાએ તેમજ કોચની અંદર જ્યાં બેસવાની જગ્યા છે ત્યાં તેમજ જ્યાં જ્યાં પણ અવરજવરની જગ્યાઓ છે ત્યાં પણ CCTV લગાવવામાં આવશે. અત્યારે જે મુજબ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે દરેક કોચમાં આઠ CCTV કેમેરા હશે. હાલમાં દેશના 395 રેલવે સ્ટેશનો અને 50 ટ્રેનો CCTVથી સજ્જ છે.

તમને ગમશે: કરાંચીથી કોરિયા – હેવમોર ની સ્વાદિષ્ટ સફર

આવનારા બે વર્ષમાં તમામ મેઈલ, એક્સપ્રેસ તેમજ રાજધાની, શતાબ્દી, દુરન્તોજેવી પ્રીમીયમ ટ્રેનો અને લોકલ પેસેન્જર ટ્રેનમાં પણ CCTV ઇન્સ્ટોલ કરી એવાની ભારતીય રેલવે યોજના બનાવી રહ્યું છે. તમામ કોચ અને સ્ટેશનો પર CCTV લગાવવાના ખર્ચને પહોંચી વળવા અંગે પણ ભારતીય રેલવે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ માટે કોઈ બહારી સ્ત્રોત ઉભા કરવા પડે તો તેના માટે પણ રેલવે મંત્રાલય તૈયાર હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.

રેલવે અકસ્માતો ખાસકરીને જે અકસ્માતો ટ્રેનના પાટા પરથી ઉતરી જવાને કારણે થઇ રહ્યા છે તેને આ વખતના બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવશે જેને લીધે અકસ્માતોની સંખ્યા ઘટે. ત્યારબાદ મુસાફરોની સુવિધાઓ વધારવાને તેમજ યાત્રા સુખદ કરવાનો અનુભવ અંગે પણ બજેટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આ ઉપરાંત માનવરહિત 4,943 રેલવે ક્રોસિંગની નાબૂદી તેમજ રેલવેમાં સુરક્ષાની પ્રણાલી મજબૂત કરવા અંગે પણ આવનારા બજેટમાં ખાસ ભાર મુકવામાં આવનાર છે.

આમ મુસાફરોને ભગવાનના ભરોસે મૂકી દેવાની જૂની સરકારોની માનસિકતાને હાલની સરકાર ફોલો નથી કરી રહી તે સાબિત થાય છે. આશા કરીએ કે મુસાફરો પણ આ સુવિધાને સાચવશે અને સાથી મુસાફરોની યાત્રા સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here