એ 5 એક્ટીવીટીઝ જે તમને તમારા બાળક સાથે બીઝી રાખશે

0
295
Photo Courtesy: parenting.com

બાળક સાથે સમય પસાર કરવો અને તે પણ વધુને વધુ તે દરેક માતાપિતાને ગમતું હોય છે. પરંતુ ઘણી વખત બાળકોને સતત બીઝી રાખવા એટલું સરળ નથી હોતું. બાળકો બીઝી ત્યારેજ રહેશે જ્યારે તેમને તેમના દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિમાંથી નાના કે મોટા પાયે મનોરંજન મળતું રહેશે. પરંતુ આપણું બાળક મનોરંજન મેળવવા સતત નેટ પર કે પછી મોબાઈલ પર રચ્યું પચ્યું રહે એ પણ આપણને ગમતું નથી ભલે તેમાંથી મેક્સીમમ આનંદ મળતો હોય છે.

જો કે સમય હજી એટલો બધો પણ નથી બદલાયો. હજી પણ આપણા બાળપણની જેમજ એવી ઘણીબધી પ્રવૃત્તિઓ છે જેણે હજી સુધી ડિજીટલ સ્વરૂપ લીધું નથી અને અત્યારે પણ તે એટલીજ નિર્દોષ છે. એવું જરાય નથી કે વિડીયો ગેમ્સ અથવાતો મોબાઈલનો વપરાશ આપણા બાળકે બિલકુલ બંધ જ કરી દેવો જોઈએ, પરંતુ તેનો અતિ ઉપયોગ ટાળવા અહીં પ્રસ્તુત કરવામાં આવનારી કેટલીક એક્ટીવીટીઝ પર જરૂર ધ્યાન આપી શકાય

એવી 5 એક્ટીવીટીઝ જે તમે તમારા બાળકો સાથે માણી શકશો

કાયમ બોર્ડ ગેમ્સ રમવી પણ જરૂરી નથી

ચેસ, સાપ સીડી કે પછી અન્ય કોઈ બોર્ડ ગેમ એ બાળકોને બીઝી રાખી શકે છે પરંતુ અમુક સમય બાદ તેનથી તે બોર પણ થઇ જાય છે એ આપણે બધાએ જોયું છે. તો બોર્ડ ગેમ્સની જગ્યાએ પત્તાં ન રમી શકાય? ડમ્બ શેરાર્ડ્ઝ પણ રમી શકાય. અથવાતો ફેક્ટસ એન્ડ ફિક્શન પર પણ હાથ અજમાવી જોવાય. તો ઘણીવાર આપણું કુટુંબ શું છે અને આપણા નજીકના સગાંઓ શું પ્રવૃત્તિ કરે છે, એમના નામ શું છે અને એમની સાથે આપણો શો સંબંધ છે એ પ્રકારની કોઈ ક્વિઝ પણ રમી શકાય.

ભેગા મળીને કૂકિંગ કરો

ટીવી પર આજકાલ ઘણા કુકિંગ શો આવતા હોય છે. ઘણા બાળકો તેને જોતા હોય છે. તો શું એવું ન કરી શકાય કે એક રવિવારે માતાપિતા અને બાળકો મળીને રસોઈ બનાવે? અહીં એક કે બે આઈટમ બાળક પણ બનાવે અને જાતે બનાવે તેના માટે તેને પ્રોત્સાહિત તો કરો જ પરંતુ તેને બનાવવામાં બને તેટલી મદદ પણ કરો. બને તો પપ્પા અને સંતાનમાંથી કોની વાનગી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા મમ્મીને જજ બનાવો. મમ્મી મોટેભાગે બાળક તરફી જ નિર્ણય આપશે જે તેને કુકિંગ માટે વધુને વધુ પ્રોત્સાહિત કરતું રહેશે.

તમને ગમશે: હવે સિનેમાગૃહો શા માટે રાષ્ટ્રગીત વગાડે?

નાનકડી પીકનીક પ્લાન કરો

પીકનીક આજે પણ એટલીજ લોકપ્રિય છે જેટલી ગઈ સદીમાં. પરંતુ એ બાબત સુનિશ્ચિત કરો કે તમારી એક દિવસની ખાસ પીકનીક હોય જેમાં માત્ર તમે અને તમારું કુટુંબ જ હોય અને પીકનીકનું સ્થળ ઘરથી ખાસ દૂર ન હોય. આમ થવાથી આવવા જવાનો સમય બચશે અને વધુ સમય પીકનીક સ્પોટ પર વિતાવી શકાશે. અહીં પણ વિવિધ એક્ટીવીટીઝ કરો, તમામ કુટુંબીજનો ભેગા મળીને ટેન્ટ બાંધો અને જો રાત્રી બાદ ઘરે જવું શક્ય હોય તો બોન ફાયરનો પણ આનંદ માણો.

બાળક સાથે કળાત્મક બનો

બાળક જ્યારે અમુક વર્ષનું થાય ત્યાં સુધી તેને કઈ કળામાં રસ છે તેનો ખ્યાલ આવી જતો હોય છે. જો તમને ખ્યાલ છે કે બાળકને પેઇન્ટિંગમાં રસ છે તો તેની સાથે મળીને પેઇન્ટિંગ બનાવો. જો તેને લખવામાં રસ છે તો તેની પાસે એક નાનકડી વાર્તા લખાવો અને જાતે પણ લખો. જો તેને એક્ટિંગમાં રસ છે તો જરૂર મોબાઈલ કે ઈન્ટરનેટનો લાભ લઈને કોઈ સારા અદાકારની શ્રેષ્ઠ અદાકારી ધરાવતી ફિલ્મ જુઓ. આમ વિવિધ કળાઓ માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ તમે તમારા બાળક સાથે કરી શકશો. જેનાથી તેનામાં રહેલી ક્ષમતાને પ્રોત્સાહન મળશે.

અઘરી પઝલ રમો

પઝલ રમવાનો ઘણાને કંટાળો આવતો હોય છે, પરંતુ જો એકવાર ટ્રાય કરવામાં આવે તો પઝલ ઉકેલવા જેવો બીજો સારો કોઈજ ટાઈમપાસ નથી. આજે બજારમાં એવા ઘણા મેગેઝીન્સ અવેલેબલ છે જે માત્ર અને માત્ર પઝલ્સ છાપે છે અને એમાં પણ આપણને અનેકગણી વિવિધતાઓ મળી આવે છે. આ પઝલને ઉકેલવા બાળક તમારી સાથે બેસે તે નિશ્ચિત કરો અને ત્યારબાદ તેની સાથે મળીને દરેક પઝલ ઉકેલો. જો તમને કોઈ પઝલનો ઉકેલ વહેલો ખબર પડી જાય છે તો કોશિશ કરો કે તમારું બાળક તેને પહેલા ઉકેલે ત્યાંસુધી તમે શાંત રહો જેથી તેનો માનસિક વિકાસમાં પણ મદદ થાય અને તેને કોઈ પઝલ ઉકેલવાનો અનેરો આનંદ પણ આવે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here