અંગ્રેજી ભાષાની ખુદની એક આગવી સુંદરતા છે. અહીં જ્યારે તમને શબ્દો સાથે રમતા આવડી જાય ત્યારે તેની મજા જ કોઈ ઔર છે. જેમ વધુ પડતો દારૂ પીનારને અંગ્રેજીમાં આલ્કોહોલીક કહેવામાં આવે છે એમ વધુને વધુ કામ કરનાર વ્યક્તિને વર્કોહોલીક પણ કહેવામાં આવે છે. આપણા દેશનું કદાચ એ સદભાગ્ય છે કે આપણને એક વર્કોહોલીક વડાપ્રધાન મળ્યા છે. જો કે અંગતરીતે હું આ ‘વર્કોહોલીઝમ’ નો પ્રખર વિરોધી રહ્યો છું.

ઘણી એવી મોટી મોટી કંપનીઓમાં ઉચ્ચ પદે આસીત લોકો છે જે પોતાની ઓફીસને જ પોતાનું લગભગ ઘર માની બેસતા હોય છે અને ચોવીસ કલાકમાંથી વીસ કલાક ત્યાંજ પડ્યા પાથર્યા રહેતા હોય છે. આવા લોકોનું કૌટુંબિક જીવન કેમનું ચાલતું હશે એવો સવાલ ઘણીવાર થતો હોય છે. પરંતુ આપણા વડાપ્રધાન કોઇપણ પ્રકારની કૌટુંબિક જવાબદારીથી પર છે અને કદાચ એટલેજ એમને વર્કોહોલીક રહેવાનું પોસાતું હશે.
આ ઉપરાંત આપણા વડાપ્રધાનના વર્કોહોલીક રહેવાનો આશય પેલા કંપનીના ઉચ્ચ અધિકારી કરતા ઘણો મોટો છે. વડાપ્રધાન દેશના વિકાસ માટે ચોવીસમાંથી અઢાર કલાક કામ કરે છે જ્યારે પેલો અધિકારી એ સંસ્થા માટે કામ કરે છે જે જ્યારે એને એ અધિકારીની જરૂર નહીં રહે ત્યારે તેને લાત મારીને કાઢી મુકતા જરા પણ અચકાશે નહીં. જ્યારે રાષ્ટ્ર માટે તમે દિવસનો 80% જેટલો સમય આપતા હોવ ત્યારે રાષ્ટ્ર તમારા પ્રત્યે કાયમ ધન્યવાદ વ્યક્ત કરતું હોય છે.
ગત વર્ષે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ ગયા હતા ત્યારે એક હકીકત સામે આવી હતી કે વડાપ્રધાન મુસાફરી માટે કાયમ રાત્રીનો સમય પસંદ કરે છે. આથી જે કોઇપણ આરામ કરવો હોય તે મુસાફરીમાં થઇ જાય અને પછી જ્યારે એ દેશમાં પહોંચે કે પછી સ્વદેશ પરત આવે ત્યારે સીધા જ કામે લાગી જવાય. એક નજરે આ ઘણું આસાન લાગે છે પરંતુ જ્યારે તમે બે કે વધુ ટાઈમઝોનમાંથી પસાર થાવ છો ત્યારે શરીર અને મન વચ્ચેનો તાલમેલ થોડા કલાકો માટે ખોરવાઈ જતો હોય છે જે થાક કરતા વધુ પરેશાન કરતો હોય છે જેને જેટલેગ કહેવામાં આવે છે.
અમેરિકા કે કેનેડાથી આપણે ત્યાં આવેલા કોઇપણ સગાં-સંબંધીને આપણે અહીં આવ્યા બાદ એક થી બે દિવસ આપણે લગાતાર ઉંઘતા જોયા છે, બસ આ એજ જેટલેગ છે. વડાપ્રધાન ભલે મુસાફરીમાં રાત્રીના સમયે પ્લેનમાં ઉંઘી જતા હશે પરંતુ મનને કન્ફયુઝ કરી કરીને થકવી નાખનાર આ જેટલેગનું એમણે કયુ ઓસડ શોધી કાઢ્યું છે એ હજીપણ જાણવાની તાલાવેલી ઘણા લોકોમાં છે. કદાચ એમનો રેગ્યુલર યોગાભ્યાસ એમને આ માટે મદદ કરતો હોય એવું બની શકે છે.
આ વખતે પણ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) માં અસંખ્ય વૈશ્વિક વ્યાપારી આગેવાનો તેમજ વિવિધ રાષ્ટ્રાધ્યક્ષોને મળીને અને ઉપરાંત પોતાનું સંબોધન પતાવીને વડાપ્રધાન રાતના સમયે જ ભારત આવવા નીકળી ગયા હતા. સવારે ભારત પહોંચતાવેંત કેબીનેટની મીટીંગ હાથ ધરી, બાળકોને વીરતા પુરસ્કારો આપ્યા અને સાંજે એમણે જેમને આમંત્રિત કર્યા હતા તે ASEAN દેશોના વિવિધ નેતાઓ સાથે એક પછી એક તેમણે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરવી શરુ કરી દીધી હતી. આ ઉપરાંત PMOના રોજીંદા કાર્યો તો ખરા જ.
કોઇપણ વ્યક્તિના તમે ગમે તેટલા વિરોધી હોવ પણ તેની કેટલીક વિશિષ્ટતા જો તમને ગમી જાય તો તેને સલામ જરૂર કરવી જોઈએ, બરોબરને?
eછાપું
feku modi