ઘરેલુ ગેસ એટલે?
ગાદલે આરામ ફરમાવતા હોવ ને સામે વાળી પાર્ટી સહેજ બાઈક નો કાવો મારતી હોય એમ ૧૫ ડીગ્રી નમે, સામેની સાઈડ થોડી જમીન થી એકાદ ઇંચ ઉંચકાય, ચહેરાની રેખાઓ તંગ થાય આંખો ઝીણી ને ગિલ્ટી ફિલ કરાવતી હોય ને પાંચેક સેકન્ડ માં આ જ ચહેરો કૈક ત્યાગ બલિદાન આપી ખુશ ખુશાલ બને…તમને શરદી ના થઇ હોય ને આગોતરા પગલા રૂપે રૂમાલ ના દાબ્યો હોય તો ત્રીજી સેકન્ડે આપનું નાક આ મોઘમ ખુશ્બુથી તરબતર થઇ ચુક્યું હશે. નાનપણમાં કાન ગરમ છે કે નહીં એ વડીલો ચેક કરતા પણ અહી ક્યાં દુરંદેશી થર્મોમીટરો લગાવવા? વગ્ગર PUC એ વાતાવરણમાં વાયુ છોડવામાં ટારઝન થી લઇ ટ્રમ્પ સુધી કોઈ બાકી નથી. એમાય જો સાઉન્ડ ઈફેક્ટ ઉમેરાય તો લોકેશન તરત મળી જાય. વચ્ચે તો ગેસની દુર્ગંધને પ્રફુલ્લિત કરવાના ગેસ પ્યોરીફાયર જેવા ટીસ્યુ પણ આવેલા!!

ક્યારેય વિચાર્યું છે કે કેમ હોજરી પ્રેશર કુકર બની જાય છે? માનવ શરીરમાં તો માછલીની જેમ વાયુ બનાવતી ગ્રંથીઓ નથી તો આ ગેસ આવે છે ક્યાંથી??
આયુર્વેદ માને છે કે આહાર વિહારમાં ધ્યાન ન રાખવાથી જ ગેસ થાય છે. સ્વાદ ને વશ થઇ પ્રેસ કરીને ખાનારા પ્રેશર કુકરમાં જનરેટ થઇ જાય છે. વધુ પડતું દાબીને ખાવાથી પૂરતા પ્રમાણમાં પાચક રસ ઉત્પન્ન થયો ન હોવાથી અપચો થાય છે, ખોરાકનું વ્યવસ્થિત પાચન કે શોષણ થતું નથી અને પડ્યું પડ્યું અન્ન કોહવાટ પામી વાયુ ઉત્પન્ન કરે છે. જેમ પાકેલું ફળ ટપ દઈને ખરી પડે એમ 2 મિનીટમાં હાજત થઇ જાય એ અંબાણીથી પણ વૈભવ શાળી છે. પણ હા જુલાબ લેવાની દવાઓ પણ વાયુ કરનારી સાબિત થાય છે. આ દવાઓ આંતરડાનો મળ સાફ કરી પાણી સુધ્ધાં ખેંચી બહાર કાઢે છે જે ક્રિયામાં થોડો વાયુ તો ઉત્પન્ન થાય જ છે. જુલાબ પછી જો કકડી ને ભૂખ લાગે પછી સાદા ખોરાકના બદલે હેવી ફૂડ લેવાથી પાચન ઔર નબળું પડે છે.
કુદરતી હાજત કામ ને કારણે રોકી રાખવાથી પણ પડી રહેલા મળમાંથી ગેસ બને છે. યાદ રાખો સ્વચ્છ આંતરડા એ સ્વાસ્થ્ય નું પહેલું પગથીયું છે અને મોટા ભાગના રોગો અહી જ આકાર લે છે માટે એને ખાસ જમાઈ ની જેમ વ્હાલ થી સાચવવું.
વધુ પાણી પી પી કરવાથી અને શાકભાજી ખાવાથી પણ વાયુ બને છે. આંતરડામાં કાચા શાક તો ખાસ ગેસ બનાવનાર રો મટેરિયલ ની ગરજ સારે છે.
મુખ્ય ત્રણ રીતે પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે..
1.. મોં વાટે ગયેલો ગેસ: તમાકુ ચાવવી, ચ્યુઇંગમ કે ગોળીઓ ચૂસવાથી વાયુ પણ પેટ માં જાય છે. વારંવાર સાપની જેમ હોઠ પર જીભ ફેરવવાથી પણ વાયુ પેટ માં જાય છે અને અમુક વાર “ઘુટ ઘુટ” બોલે એમ ઉંચે થી પાણી પીવાથી કે ગેસ વાળા પીણાં પીવાથી પણ વાયુ મોં વાટે પેટ માં જઈ આફરો જમાવે છે. એમ તો નોર્મલ કોળીયા ખાતી વખતે પણ ગેસ મુખમાં જાય છે પણ આ વખતે જેવો કોળીયો મુખમાં જાય કે તરત હોજરી ની નીચેનો વાલ્વ બંધ થઇ જવાથી વાયુસ હોજરી માં જ ભરાઈ રહે છે અને પુરતું જમી લીધા બાદ હોજરી માં સંકોચ થવાથી “ઓહિયા” કરીને આ ગેસ બહાર આવે છે. આ વાયુ આંતરડા સુધી જતો જ નથી અને જો જાય તો ગગડાટ કરીને પાસ થાય છે. વારંવાર ‘ઓહિયા ઓહિયા’ કરીને વાયુ બહાર કાઢવાની ક્રિયા કરનારા બીજો એટલો જ ગેસ ગળી જતા હોય છે, માટે એ પ્રક્રિયા સદંતર ખોટી છે..
2.. .લોહીમાંથી આવતો ગેસ. લોહીમાં રહેલું હિમોગ્લોબીન ઓક્સિજન ઉપરાંત બીજા પણ ગેસો લઈને ફરે છે, જ્યારે આ લોહી આંતરડામાં આવે છે ત્યારે આંતરડાની નાની નાની કેશ વાહિનીઓમાંથી ગળાઈને આંતરડામાં ભેગો થાય છે. CNG પુરાવવા ગયા હશે એને ખ્યાલ જ હશે પ્રેશર નો નિયમ કે વાયુ વધુ પ્રેશર થી ઓછા પ્રેશર સુધી ગતિ કરે છે આથી ખાલી આંતરડા માં વધુ વાયુ ઠલવાતો જાય છે.
3.. ઉપર જોયેલી પાચનક્રિયા માં મુખ્યત્વે 4 લીટર જેટલો કાર્બન ગેસ ઉત્પન્ન થાય છે, આ ઉપરાંત ઇન્ડોલ, સ્કેટોલ, કાર્બોલ, મીથેન જેવા ખુબ જ ગંધ મારતા વાયુઓ ઉત્પન્ન થાય છે. આ બધા જ વાયુઓ જો પાછા લોહી માં શોષાઈ ને યકૃતમાં જાય ત્યાંથી ફેફસા માં જઈ બહાર નીકળે. આ બધું કામ શરીર તમારી ઈજ્જત બચાવવા કરે પણ છતાં પણ વ્યક્તિ ના સુધરે અને છતાં પણ વ્યક્તિ ભારે, લોટવાળા, મેંદાવાળા, આથાવાળા ખોરાક લે, પ્રોટીન ભેગું કરવા કઠોળ પધરાવે અને ઠંડા ખોરાક દહીં વગેરે ખાય તો પાચન ઔર નબળું બની વાયુ વધુ ને વધુ જમાવે છે.
ચિંતા, ભય, ક્રોધ થી પણ ખોરાક પચતો નથી અને આવા માનસિક કારણોથી પણ વાયુ થાય છે એ દલીલ પણ સાવ ખોટી નથી. ઘણી વાર ગેસના દુઃખાવા અને હાર્ટએટેક વચ્ચે ખ્યાલ જ નથી આવતો. મગજ છાતીમાંથી આવતા બન્ને દુઃખાવાના સંદેશાઓ ને મિશ્ર કરતું હોવાથી ખ્યાલ ન આવે. હાથમાં કોઈ એક આંગળી પર ટાંકણી મારીએ તો તરત જ લોકેશન ખબર પડે એવું આંતરિક અવયવના દુઃખાવા નું હોતું નથી.
હાર્ટએટેકનો દુઃખાવો છાતી પર પથરો મુક્યો હોય એમ છાતી જકડાઈ જઈ ને શરુ થાય છે. હાથ, ડોક, ખભો, જડબા સુધી ફેલાતો જાય છે. સાથે શ્વાસ લેવામાં તકલીફ, મોળ આવવી, ગભરામણ, નાડી અનિયમિત બને છે, ચહેરો થોડો રૂની પૂણી જેવો જણાય છે. કોઈ પણ પ્રવૃત્તિ થી દુઃખાવો વધે છે અને ચાલુ જ રહે છે. ગેસ નો દુઃખાવો દવા લેવાથી અડધા કલાક માં મટી જ જાય છે. આમ બન્ને વચ્ચે ફર્ક સમજી તાત્કાલિક ઉપચાર કરવા. ન કરવાથી સોડા કે આયુર્વેદિક દવાઓ બદનામ થાય છે.
છેલ્લે વાયુનો દુશ્મન ચીકાશ છે, પુરતી પાચન શક્તિ હોય તો તલ નું તેલ, ઘી, સિંધવ, લસણ ખાવાથી વાયુ કપાય છે. રોજીંદી કસરત અને તળેલી, વાયુ કરે એવી લુખ્ખી ચીજો છોડવાથી ચોક્કસ ગેસ જીતાય છે. અને હા પવનમુક્તાસન શીખી જવું અને તેને શીખવાડનાર ગુરુની વિરુદ્ધ દિશા માં કરવું.
eછાપું
Nice keep writing…
Useful details…