હિન્દીમાં જેને ગણતંત્ર દિવસ કહેવાય અને આપણે ભણી ગયા એ પ્રજાસત્તાક દિવસ આજે એટલેકે 26મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. ભારતીયો જે ખરા દિલથી ભારત ને ચાહે છે, તેના બંધારણનું અને તેની ન્યાયપાલિકાનું સન્માન કરે છે, રેગ્યુલર ટેક્સ ભરે છે અને કાયદાનું પાલન કરે છે તેને એ બાબતે કાયમ દુઃખ થતું હોય છે જ્યારે કેટલાક લોકો સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસે એ પોતાની ફેસબુકનો પ્રોફાઈલ તિરંગે રંગી નાખે ત્યારે તેને ઉતારી પાડે છે.

આ લોકો એમ કહે છે કે ભારતીયોની રાષ્ટ્રભાવના માત્ર આ બે દિવસ પૂરતી જ દૂધના ઉભરાની જેમ આવી અને શાંત થઇ જતી હોય છે. આવા લોકોને કચકચાવીને જવાબ આપવાનું દિલથી ભારતને પ્રેમ કરતા લોકોને કાયમ મન થતું હોય છે. આમ કરવા માટે તે ઘણીવાર પૂરતી તૈયારી પણ કરી દેતો હોય છે. પરંતુ અચાનક કશું એવું બને છે જેને લીધે તેણે પોતાના આ હથીયારો સંતાડી દેવા પડે છે અને પેલા લોકો ક્યાંક સાચું તો નથી બોલી રહ્યા એના પર વિચાર કરવા લાગે છે.
દેશ કોઇપણ હોય કાયદાનું શાસન સર્વોપરી હોય છે. ભારતને આઝાદ થયે 70 વર્ષ થયા પરંતુ હજી સુધી કમનસીબે આપણને કાયદા કરતા આપણો સમાજ અને આપણો ધર્મ વધારે સર્વોપરી લાગે છે. આને કારણે આપણી સામાજીક અને ધાર્મિક ભાવનાઓ એટલી બધી પોચી થઇ ગઈ છે કે તે તરતજ દુભાઈ જાય છે. આમાં કદાચ આપણો વાંક નથી. આપણા દેશનો જન્મ જ ભાગલાને લીધે થયો હતો અને હજી પણ એ પ્રસુતિની પીડા આપણી ભારત માતા ભોગવી રહી છે.
કોઇપણ રાષ્ટ્ર માટે આમ જોવા જઈએ તો 70 વર્ષ એ બહુ નાનો સમય છે. આજે જે દેશો મહાસત્તા છે તે એમના જન્મના સાત દાયકા બાદ કદાચ ભારત જેટલા પણ તૈયાર ન હતા. ઈતિહાસ ગવાહ છે કે અમુક દેશોને તો તેમના તમામ નાગરિકોને સમાન અધિકાર આપતા આપતા છેક વીસમી સદી સુધી રાહ જોવી પડી હતી.
પરંતુ આ કોઈ એક્સક્યુઝ ન હોઈ શકે. જો અન્ય દેશો કરતા 70 વર્ષે આપણે તેમના કરતા વધારે સક્ષમ અથવાતો સારા બન્યા છીએ તો એ આપણી જવાબદારી છે કે આપણને સર્વાંગ સંપૂર્ણ બનતા એમના કરતા ઓછો સમય લાગે. આમ કરવા માટે આપણે ફક્ત એટલુંજ કરવાનું છે કે ન્યાયના શાસનને સન્માન આપવાનું પછી ગમે તે થાય. આપણી લાગણી કોઈ હિસાબે ઘવાય તો ન્યાયતંત્રનો સહારો લેવાનો અને એકવાર ન્યાયતંત્ર તેનો ફેંસલો આપી દે પછી એ ઘવાયેલી લાગણીનું ઓસડ એ ફેંસલો ન હોય તો પણ તેને શિરોમાન્ય ગણવો.
કહેવા કરતા કરવું ઘણું અઘરું છે, પરંતુ દેશને શરમજનક પરિસ્થિતિમાં ન મુકવાનો આ એકમાત્ર રસ્તો છે કારણકે સર્વોચ્ચ અદાલત પછી બીજી કોઈજ અદાલત નથી અને આથી તેનું સન્માન જળવાવું જ જોઈએ. ભારત મારો દેશ છે અને મને કાયમ તેના પર ગર્વ રહેવાનો જ છે, તેની તમામ ખામીઓ સાથે કારણકે મને વિશ્વાસ છે કે મારી નહીં તો મારી આવનારી પેઢી એક સુસંસ્કૃત અને ન્યાયપ્રિય વાતાવરણમાં શ્વાસ લેવાની છે.
ચાલો આવનારી પેઢી માટે એક સુંદર ભારતની રચના કરવાની આજથી જ શરૂઆત કરીએ.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપ તમામને ખુબ ખુબ અભિનંદન!
eછાપું