આજે ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એક એવા શહીદને આપણે યાદ કરવાના છે જેમનું નામ ગુમનામીના અંધકારમાં ક્યાંક ખોવાઈ ગયું છે. આ વીર ભારતીય છે સુબેદાર જોગીન્દરસિંહ. સુબેદાર જોગીન્દરસિંહ એવા અસંખ્ય ભારતીય સૈનિકોમાં સામેલ છે જેમણે દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. સુબેદાર જોગીન્દરસિંહ એ સૈનિકોમાં સામેલ છે જેમણે આઝાદી બાદ થયેલા ત્રણ યુદ્ધોમાંથી એકમાં દેશ માટે ફના થઇ જવાનું પસંદ કર્યું હતું.

આઝાદી બાદ દેશની અખંડિતતા પર પહેલો મોટો હુમલો 1962માં ચીન દ્વારા થયો હતો. આ સમયે સુબેદાર જોગીન્દરસિંહ નેફા (NEFA) માં ભારતીય સેનાની પલટનના કમાન્ડર હતા. આ ક્ષેત્રમાં ડ્યુટી સંભાળ્યાના થોડાજ દિવસો બાદ સુબેદારને ચીનના હજારો સૈનિકો દ્વારા કરવામાં આવેલા આક્રમણનો સામનો કરવો પડ્યો હતો અને આ આક્રમણ પણ અચાનક થયેલું આક્રમણ હતું. આ હુમલાને ખાળવા માટે સુબેદાર જોગીન્દરસિંહ અને તેમના વીર સૈનિકોએ પોતાની પાસે રહેલો તમામ દારૂગોળો ખતમ કરી દીધો.
એ સુબેદાર જોગીન્દરસિંહની માનસિક દ્રઢતા જ હતી જેમણે પોતાની જાંઘમાં દુશ્મનની ગોળી લાગવા છતાં પોતાના સૈનિકોને પાનો ચડાવવાનું ચાલુ રાખ્યું અને એકલાએ ડઝનબંધ ચીની સૈનિકોને મોતના દરવાજા દેખાડી દીધા હતા. પરંતુ છેવટે આ વીર સૈનિક દેશ માટે શહીદ થઇ ગયો. સુબેદાર જોગીન્દરસિંહની આ બહાદુરીનું સન્માન ભારત સરકારે તેમને મરણોપરાંત ‘પરમ વીર ચક્ર’ આપીને કર્યું જે ભારત માટે શૌર્યનું સૌથી ઉંચું સન્માન છે.
તમને ગમશે: જ્યારે મોદીના એક ફોન કોલ દ્વારા ઓપરેશન રાહત શક્ય બન્યું
દેશના આ શહીદને સન્માનવા આવનારી 16મી એપ્રિલે સુબેદાર જોગીન્દરસિંહ ના નામે જ એક ફિલ્મ પ્રદર્શિત થવાની છે જેનું પ્રોડક્શન UNISYS Infosolutions તેમજ Seven Colors Motion Pictures દ્વારા થયું છે.
જ્યારે કોઈ વીર સૈનિકના જીવન પર બાયોપિક બની રહી હોય ત્યારે તેનું શુટિંગ પણ એવા સ્થાનો પર થવું જરૂરી છે જેને ખરેખર યુદ્ધક્ષેત્રો ગણવામાં આવતા હોય. આ ફિલ્મનું શુટિંગ પણ કારગીલ, દ્રાસ, રાજસ્થાન તેમજ આસામમાં થયું છે. ફિલ્મનું મુખ્ય શુટિંગ 14,000 ફૂટથી પણ વધુ ઉંચાઈ પર થયું છે જ્યાં પહોંચવા માટે સમગ્ર યુનિટને ગાડી અને પગપાળા કલાકોની મુસાફરી કરવી પડતી હતી.
પંજાબી અદાકાર ગિપ્પી ગ્રેવાલે ફિલ્મમાં સુબેદાર જોગીન્દરસિંહની શિર્ષક ભૂમિકા ભજવી છે. તેમણે આ ભૂમિકા માટે પોતાના શરીરને જોગીન્દરસિંહ જેવું બનાવવા માટે ખાસ મહેનત કરી છે. આ ઉપરાંત તેમણે ફિલ્મના શુટિંગ દરમ્યાન ઘણીવાર ઈજાગ્રસ્ત થવા છતાં શુટિંગ ચાલુ રાખ્યું હતું. કદાચ એક વીર સૈનિકની ભૂમિકા ભજવવાની આ અસર હોઈ શકે છે.
રશીદ રંગરેઝની કથાને સીમરજીત ગ્રેવાલે ડિરેક્ટ કરી છે. ગિપ્પી ગ્રેવાલ ઉપરાંત આ ફિલ્મમાં અદિતિ શર્મા, કુલવિંદર બિલ્લા, હેપ્પી રાઈકોટી અને રાજવીર જવાંદાની પણ મુખ્ય ભૂમિકાઓ છે. આ ફિલ્મ એકસાથે ચાર ભાષાઓ – હિન્દી, પંજાબી, તેલુગુ તેમજ તમિલમાં રીલીઝ થશે.
હાલમાં જ આ ફિલ્મનું ટીઝર પણ રીલીઝ કરવામાં આવ્યું હતું.
eછાપું