આદરણીય વિજયભાઈ – ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એક ખુલ્લો પત્ર

2
210
Photo Coutesy: sirfnews.com

આદરણીય વિજયભાઈ,

કુશળ હશો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારથી માંડીને હાલમાં ફિલ્મ પદ્માવતને કારણે ઉભા થયેલા વિવાદે તમને છેલ્લા ત્રણેક મહિનાથી રીતસર થકવી દીધા હશે. આમતો કોઇપણ મુખ્યમંત્રી કે વડાપ્રધાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સલાહો આપણે ત્યાં પાનના ગલ્લાથી માંડીને લગ્ન સમારંભો સુધી તમામ જગ્યાએ અપાતી હોય છે. પરંતુ આ સલાહોમાંથી કેટલી કામની હોય અને કેટલી નકામી એ નક્કી કરવું અઘરું બની જતું હોય છે. વળી, આ સલાહો મુખ્યમંત્રીના હોદ્દા પર હોવાથી તમારા સુધી પહોંચતી પણ હશે કે કેમ એ પણ એક સવાલ છે. ઉપરોક્ત કારણને ધ્યાનમાં લઈને મેં ઈન્ટરનેટનું માધ્યમ પસંદ કરીને તેને કામે લગાડ્યું છે જેથી મોડા વહેલો મારો સંદેશો તમારા સુધી પહોંચે.

વિજયભાઈ, આપ પાટીદાર આંદોલનની હિંસા બાદ ‘ગુજરાતના નાથ’ બન્યા છો અને એ સમયે એક વર્ગવિશેષને રાજી કરવો એ તમારી અનેક રાજકીય જવાબદારીઓમાંથી એક બની ગઈ હતી. પરંતુ તેમ કરતાં કરતાં કદાચ એવું બન્યું કે અન્ય વર્ગવિશેષો જેમનો તમારા પક્ષને બાવીસ વર્ષ સુધી સતત ટેકો આપવામાં મોટો ભાગ હતો તેમને અન્યાય થતો હોવાની લાગણી થઇ. કારણ એવું હતું કે જ્યારે ‘સબકા સાથ સબકા વિકાસ’ના સૂત્ર સાથે નરેન્દ્રભાઈએ 2014માં કેન્દ્રમાં સત્તા સંભાળી હોય ત્યારે એમના ગૃહરાજ્યમાં તો એ સૂત્રનું અક્ષરસઃ પાલન થશેજ એવી તમામ ગુજરાતીઓને ખાતરી હતી. પણ કદાચ એવું તમારાથી શક્ય ન બન્યું.

કારણ ગમે તે હોય, પાટીદાર આંદોલન પાછળ ગમેતે શક્તિઓએ કાર્ય કર્યું હોય પરંતુ આ આંદોલન બાદ જ નરેન્દ્રભાઈના 12 વર્ષના શાસન બાદ ગુજરાતીઓને પહેલીવાર પોતે કઈ જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે એ તપાસવાની જરૂર પડી એ પણ હકીકત સ્વીકારવી પડે. ઉર્દુમાં જેમ કહેવાયને એમ કે પાટીદાર આંદોલનથી ગુજરાતમાં જ્ઞાતિવાદનું જે ‘જખમ’ ઉભું થયું હતું એ ધીમેધીમે ‘નાસૂર’ બની ગયું અને ગત મંગળવારે તેનું કદાચ સૌથી વરવું સ્વરૂપ સામે આવ્યું હતું. જી હા, વિજયભાઈ હું વાત કરી રહ્યો છું ‘પદ્માવત’ ફિલ્મના વિરોધના નામે અમદાવાદના નવા પશ્ચિમ વિસ્તારને બે થી ત્રણ કલાક ધમરોળી નાખનાર કેટલાક લુખ્ખા તત્વોની.

આજ વેબસાઈટ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ મેં જ લખ્યું હતું કે પદ્માવત, ત્યારે એ ફિલ્મ પદ્માવતીના નામે ઓળખાતી હતી, પરનો પ્રતિબંધ માત્ર રાજકીય છે. હોય, ચૂંટણી માથે હોય એટલે દરેકના મત અંકે કરવા એ કોઇપણ રાજકીય પક્ષ કે પછી રાજકીય નેતાની ફરજ બને છે. આપે ચૂંટણી પહેલા પદ્માવતી પર અને સત્તા ફરીથી સંભાળ્યા બાદ નવા નામે રીલીઝ થનારી પદ્માવત પર પ્રતિબંધ મૂક્યો. એક રીતે તમે તમારા એ વર્ગના મતદારોને ચૂંટણી પહેલા અને બાદમાં આપેલા વચનને પૂરું કર્યું જેને માટે તમે અભિનંદનના અધિકારી છો જ.

પરંતુ જ્યારે દેશની સર્વોચ્ચ અદાલત એક નિર્ણય આપે તેની સામે કદાચ તમામ વચનો ફોક કરી દેવા પડે છે જે આપણી બધાની બંધારણીય જવાબદારી છે. હા, આપણને બધાને ખબર હતી કે સુપ્રીમ કોર્ટ કોઇપણ ફિલ્મ રીલીઝ કરવાનો માર્ગ જરૂરથી પ્રશસ્ત કરી આપે પરંતુ તે સિનેમા માલિકોને ફિલ્મ રીલીઝ કરવાની ફરજ તો ન જ પાડી શકે. દુર્ભાગ્યે, સાચું હોય કે ખોટું ગુજરાતમાં એક એવી છબી ઉભરાઈને આવી કે સરકાર ખુદ સિનેમા માલિકોને સાનમાં સમજી જવાનો ઈશારો આપી રહી છે.

વિજયભાઈ, તમેજ વિચારો એક વિશાળ મોલમાં જ્યારે દિવસમાં હજારો લોકો આવ-જા કરતા હોય ત્યારે એક PSI અને એની સાથે નવ SRP જવાનોની ‘ફૌજ’ શું સુરક્ષા આપી શકવાની છે? ફિલ્મ ભલે ગુરુવારે રીલીઝ થવાની હતી પરંતુ એ ફિલ્મ રીલીઝ ન થાય તે માટે કેટલાક તત્વો જાહેર પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલ્લી ધમકીઓતો અઠવાડિયા અગાઉથી જ આપી રહ્યા હતા. જો આપ ઇચ્છત તો, ભલે ફિલ્મ રીલીઝ ન થાત પણ એવો નિર્ણય થાય એ પહેલા દૂરંદેશી દાખવીને RAFને બોલાવીને તમામ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સિનેમાગૃહોને સુરક્ષા આપી જ શક્યા હોત. જો આમ થયું હોત તો પણ મંગળવારની ઘટના ન થઇ હોત.

ગઈકાલે જ્યારે બંધનું એલાન પેલા તત્વો દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારે થિયેટરોની રક્ષા કરતા RAFના જવાનોને જોઇને ખરેખર કઈ દીવાલ પર માથું પછાડવું એ સમજમાં નહોતું આવતું. આપણે ત્યાં આને “ઘોડા ભાગી ગયા બાદ તબેલાને તાળાં” કહેવાય છે એ તો તમને ખબર જ હશે.

ટોળાને કોઈ અક્કલ નથી હોતી, ચાલો એ સમજ્યા. મંગળવારે જે થયું એ સ્વયંસ્ફૂર્ત હતું ચાલો એ પણ સમજ્યા, કોઇપણ સરકારને એક કેન્ડલ માર્ચ આવું વિકરાળ અગ્નિનું સ્વરૂપ લઇ લેશે એનો અંદેશો ન હોય એ પણ માની લીધું. પણ વિજયભાઈ, આવી ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ તો ઉત્તર પ્રદેશમાં પણ હતી. શું ત્યાં એ વર્ગવિશેષની સંખ્યા આપણા ગુજરાત કરતા ઓછી છે? કદાચ આપણા રાજ્ય કરતા પણ વધુ છે. પરંતુ ત્યાં શું થયું?

આપના પક્ષના જ સાથી યોગી આદિત્યનાથે પણ એક સમયે ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો જ હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે તેમના રાજ્યમાં તોડફોડની ઘટના તેઓ બિલકુલ નહીં ચલાવી લે. એટલુંજ નહીં એમની સરકારના પ્રવક્તા સિદ્ધાર્થ નાથ સિંહે પણ એમના મુખ્યમંત્રીના આ શબ્દો જરાય બદલ્યા વગર મીડિયામાં કહ્યા. પરિણામે ઉત્તર પ્રદેશમાં ઘણા શહેરોમાં ફિલ્મ રીલીઝ પણ થઇ અને છૂટીછવાઈ ઘટનાઓ સિવાય કશું ગંભીર ન થયું. વિજયભાઈ, તમારા બે થી ત્રણ લાઈનમાં કહેલા કડક શબ્દોએ પણ ધારી અસર ગુજરાતમાં પણ પાડી હોત તેની મને તો બિલકુલ શંકા નથી કારણકે છેવટે તો તમે આમ કાયદાનું પાલન કરવા માટેજ બોલ્યા હોત અને કાયદાપ્રિય જનતામાં એક યોગ્ય સંદેશ પણ જાત.

જેમ આગળ કહ્યું તેમ એકવાર નહીં પરંતુ બે વાર પ્રતિબંધ મૂકીને તમે તમારા મતદારોને આપેલું વચન પાળી જ લીધું હતું, વાત હતી દેશની સર્વોચ્ચ અદાલતના હુકમના પાલન કરવાની. સર, ગુંડા એ ગુંડા જ હોય છે, પછી એ કોઇપણ જ્ઞાતિના હોય. અંગ્રેજીમાં જેને કહે છે એમ ‘with the iron hand’ કામ લેવાની જરૂર હતી અથવાતો યોગી આદિત્યનાથની જેમ બે કડક શબ્દો કહેવાની. કારણકે તમે જેમની સામે કડક હાથે કામ લીધું હોત તે માત્ર કાયદો તોડનાર જ હોત બીજું કોઈજ નહીં. જો આમ થયું હોત તો ગુજરાતી પ્રજાને અંગતરીતે જે તકલીફ પડી અથવાતો સરકારી મિલકતોને જે નુકસાન થયું તે જો રોકી ન શકાયું હોત તો ઓછું તો જરૂર થયું હોત.

આવું પણ થઇ શક્યું હોત. ફિલ્મની રીલીઝને એકાદ અઠવાડિયું પાછી પણ ઠેલી શકાઈ હોત. કારણકે, ત્યાંસુધીમાં દેશના વિભિન્ન ભાગોમાં ફિલ્મને જોઈ ચૂકેલા લોકોએ રીવ્યુ આપી દીધો હોત. ગઈકાલે જ ફિલ્મ જોનારા તમામે એક સૂરમાં કહ્યું છે કે જે બાબતનો વિરોધ છેલ્લા લગભગ એક વર્ષથી થઇ રહ્યો હતો એવું ફિલ્મમાં કશુંજ નથી. જો ગુજરાત સરકારે એક અઠવાડિયું રાહ જોવા ફિલ્મ માલિકોને સમજાવ્યા હોત તો ત્યાં સુધીમાં વિરોધીઓની દલીલનો છેદ ઉડી ગયો હોત અને ફિલ્મનો હિંસક વિરોધ થઇ પણ શક્યો ન હોત.

વિજયભાઈ, તમને એક સાચી વાત કહું? મંગળવારે જે બન્યું તેનાથી ગુજરાત ભાજપનો કટ્ટર મતદાર ખુબ દુઃખી છે. તે આજન્મ કોંગ્રેસને મત નથી આપવાનો, એના દુ:સ્વપ્નમાં પણ નહીં. પરંતુ હજી એકજ મહિના અગાઉ તેણે જે જાતિવાદ વિરુદ્ધ એક થઈને અને મત આપીને તમને પાતળી તો પાતળી બહુમતી અપાવીને સતત છઠ્ઠી વાર પોતાના મનગમતા પક્ષની સરકાર ફરીથી બનાવી હતી તેનો તમામ ઉમંગ મંગળવારે ઉતરી ગયો હતો.

હું ચૂંટણી પંડિત તો નથી પરંતુ જ્યારે ગુજરાત વિધાનસભાના પરિણામો આવી ગયા ત્યારે વિવિધ વિશ્લેષકોએ નોંધ્યું હતું કે કુલ મતદારોની સંખ્યામાંથી 2% આ વખતે મત આપવા ઘરની બહાર નીકળ્યો જ ન હતો જો એ બહાર નીકળ્યો હોત અને ભાજપને એના મત ગયા હોત તો કદાચ તમારા પક્ષને બે થી પાંચ બેઠકોનો ફરક પડ્યો હોત. વિજયભાઈ, મંગળવારે જે બન્યું તેનાથી સામાન્ય ભાજપી મતદારમાં એવી લાગણી છે કે સરકારને અમુકજ જ્ઞાતિઓને સાચવવામાં રસ છે નહીં કે તમામ ગુજરાતીઓને. વિચારો જો ઉપરોક્ત 2% ઉપરાંત બીજા બે-ત્રણ ટકા મતદારો 2019માં નરેન્દ્રભાઈને મત આપવા મતદાન મથકે જવાને બદલે ઘરમાં જ બેસી રહેશે તો? શું થશે સબકા સાથ સબકા વિકાસનું?

ભાજપનો કટ્ટર મતદાર હંમેશા રાષ્ટ્રવાદમાં માનતો આવ્યો છે અને આગળ પણ માનશેજ. તેને માટે કાયદાનું શાસન સર્વોપરી છે. વિજયભાઈ, એ તમારી પાસે માત્ર એટલુંજ ઈચ્છે છે કે હવે કોઈ આગળ આવી પરિસ્થિતિ ઉભી થાય તો તમે ફક્ત કાયદાના પક્ષે રહો. કોર્ટ કહે તેમ કહો અને કરો. અમુક મતદારોને સાચવવા જતા જે આપના પક્ષને અડધી સદીથી પણ વધુ સમયથી મત આપી રહ્યો છે અને એના જ મત નિર્ણાયક સાબિત થવાના છે, તેને નારાજ ન કરશો. એ અન્યોની જેમ રોડ ઉપર નહીં ઉતરે, તોફાન કરવા પણ અને કદાચ મત આપવા પણ.

વિજયભાઈ આપને કાયમ વડીલ ગણ્યા છે. આપનો મૃદુ સ્વભાવ અને સાલસ ચહેરો એક સામાન્ય ગુજરાતીના મનમાં શાતા ફેલાવે છે અને આથી તમને પિતાતુલ્ય ગણીને જ મેં તમને સલાહ આપવાની હિંમત કરી છે કારણકે આ સલાહને હકારાત્મક સ્વરૂપે લેશો તેનો વિશ્વાસ છે.

ગણતંત્ર દિવસની તમને એક દિવસ બાદ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આપનો,

સિદ્ધાર્થ છાયા

૨૬. ૦૧. ૨૦૧૮, શુક્રવાર (ગણતંત્ર દિવસ)

અમદાવાદ

 

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here